ફરી એક વાર, મેગેઝિનના છેલ્લા પાને પહોંચ્યા એટલે વાંચવાનું પૂરું થયું એમ સમજતા નહીં! પાનાં ફરી ફેરવો અને મોટા ભાગનાં પાને છેક નીચે આપેલી કેટલીક ગુજરાતી કહેવતો પર એક નજર ફેરવી જાવ! ઘણી કહેવતો તમે ઘણા સમયથી સાંભળી કે વાંચી ન હોય એવું બની શકે છે. આવી પાંચ-પંદર નહીં, પૂરી એક હજારથી વધુ ગુજરાતી કહેવતો તમે ફરી તાજી કરી શકો છો, માવજીભાઈની પરબમાં!
મુંબઈના એક નિવૃત્ત ગુજરાતી પત્રકાર, શ્રી ભાનુભાઈ સંઘવીની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ ઇન્ટરનેટ પર, એક ગુજરાતી કહેવતનો જ આશરો લઈએ તો, સોળે કળાએ ખીલી છે. www.mavjibhai.com ની મુલાકાત લેશો તો પહેલી નજરે કશું આકર્ષક નહીં લાગે, પણ ગુજરાતીનાં અનેકવિધ પાસાંને આપણા આ માવજીભાઈએ એમની પરબમાં આવરી લીધાં છે.
કાવ્ય રત્નમાળા, લગ્નગીત, રાસગરબા, લોકગીત, ભક્તિગીત વગેરે સંકલનોમાં માવજીભાઈ વાંચવા ઉપરાંત સાંભળવાની સગવડ પણ ઉમેરતા જાય છે. બાળબોધ, બાળગીત, બાળવાર્તા વગેરે સંકલનો પણ ગુજરાતી સાથે હજી જેમને પ્રેમનો નાતો છે એમને ગમશે.
દાદીની પ્રસાદી વિભાગમાં વળી માવજીભાઈ સંસ્કૃતના અનેક શ્ર્લોક અને સુભાષિતોનો ખજાનો ખડકતા જાય છે (ગુજરાતી આપણી માતૃભાષા તો સંસ્કૃત આપણી દાદીભાષા એવું માવજીભાઈનું ગણિત છે!).
જોકે એવું ન માનતા કે માવજીભાઈએ માત્ર જૂની વાતો નવી પરબમાં પીરસી છે. તેમણે કમ્પ્યુટર પર ગુજરાતી ટાઇપિંગ કેવી રીતે કરશો એ વિશે બહુ વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. એ ઉપરાંત, રમેશ (કવિ રમેશ પારેખને નામે) કી-બોર્ડ એમનું ગુજરાતી ભાષાને બહુ મોટું પ્રદાન છે. માઇક્રોસોફ્ટના ગુજરાતી ભાષાના કીબોર્ડમાં જરૂરી ફેરફારો કરીને,એના મૂળ ભારતીય સર્જકની વિગતવાર માહિતી સાથે માવજીભાઈએ સૌને ડાઉનલોડ કરવા આપ્યું છે. આ કી-બોર્ડની બધી ખાસિયતો તો તમે સાઇટ પર જાણી લેજો, એક સાદું સેમ્પલ જાણી લો – તમે શ્રુતિ ફોન્ટથી ગુજરાતી લખો ત્યારે મોટા ભાગે અક્ષરો અંગ્રેજી જ રહેતા હશે, રમેશ કી-બોર્ડની મદદથી એ પણ ગુજરાતીમાં લખી શકાય છે!

