(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હૈયામાં હામ અને હાથમાં મોબાઇલ હોય તો બધું શક્ય છે, મુશ્કેલ સમયમાં હામ ન હારો, બિઝનેસ ઓનલાઇન ફેલાવો

બિલકુલ નાના પાયે શરૂઆત કરીને માત્ર મોબાઇલથી બિઝનેસનો પ્રચાર-પ્રસાર કરવાથી લઈને, પોતાનો ઈ-કોમર્સ સ્ટોર શરૂ કરવા સુધીનાં બધાં જ પગલાંની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી - એક જ લેખમાં!

આગળ શું વાંચશો?

  • એકડેએકથી ઓનલાઇન બિઝનેસ

  • ફ્રી/પેઇડ ઓનલાઇન પ્રમોશન

  • વિશાળ માર્કેટપ્લેસમાં ઝંપલાવો

  • પોતાનો ઇ-સ્ટોર શરૂ કરો

એમ કહેવાય છે કે કુદરત એક રસ્તો બંધ કરે તો સામે ઘણા રસ્તા ખોલી આપતી હોય છે. એ રસ્તાઓ અજમાવી જોવાની આપણી તૈયારી હોવી જોઈએ.

કોરોના વાઇરસના પ્રસારને કારણે ઘણા લોકો માટે આવકનો મુખ્ય રસ્તો બંધ થયો છે. આખી દુનિયાના અર્થતંત્રને તીવ્ર અસર પહોંચી છે. એની અસર છેક છેવાડાના માણસ સુધી પહોંચે તે સ્વાભાવિક છે. દરેક સ્તરના બિઝનેસ અને લોકોને અસર થઈ છે.

આ અસર જાણવા માટે કોઈ સર્વે કરવાની જરૂર નથી. આપણી આસપાસ નજર દોડાવીએ કે પ્રોફેશનલ્સ માટેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તપાસીએ તો જણાઈ આવે કે લોકડાઉન પહેલાંના સમયમાં પોતપોતાની નોકરી કે વ્યવસાયમાં સારી રીતે ગોઠવાયેલા અનેક લોકો હવે મુશ્કેલીમાં આવી ગયા છે.

અમુક કેટેગરીના બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયા હોવાને કારણે લોકોએ આવક અને જાવકના બે છેડા જાળવી રાખવા માટે કોઈ નવા પ્રકારનું કામકાજ શરૂ કરવું પડ્યું છે.

સમય મુશ્કેલ જરૂર છે. ભલભલા લોકો નિરાશ અને નાસીપાસ થઈ જાય એવી સ્થિતિ છે. પરંતુ આ કાળાં ડિબાંગ વાદળો પાછળ પણ આશાની સોનેરી કિનાર દેખાઈ રહી છે.

કુદરતે તમારી માટે આવકનો એક રસ્તો બંધ કે મુશ્કેલ બનાવ્યો હશે તો તેની સામે જુદા જુદા ઘણા રસ્તા ખોલી આપ્યા છે. કોરોના વાઇરસના પ્રસાર પહેલાં પણ દુનિયા ધીમી પણ મક્કમ ગતિએ લગભગ બધા પ્રકારનાં કામકાજને ડિજિટલ અને ઓનલાઇન શક્ય બનાવવાની દિશામાં આગળ વધી રહી હતી.

એ સમય દરમિયાન જે લોકો ઓનલાઇન થવાના મહત્ત્વને પારખી શક્યા હશે તેઓ લોકડાઉન દરમિયાન પણ પોતાનું કામકાજ યથાવત જાળવી રાખવામાં ઘણે અંશે સફળ થયા હશે.

લોકડાઉન દરમિયાન, જે લોકોનું કામકાજ ઇન્ટરનેટ આધારિત હતું, તેમને પ્રમાણમાં ઓછી મુશ્કેલી પડી. હજી મોડું થયું નથી. તમે પણ ઓછા ખર્ચ અને ઓછા બજેટમાં, તમારો બિઝનેસ ઓનલાઇન ફેલાવી શકો છો.

પરંતુ હજી મોડું થયું નથી. હવેના સમયમાં તમારા હૈયામાં હામ, હાથમાં મોબાઇલ અને દિમાગમાં ટકી રહેવાનું અને આગળ વધવાનું જોશ હોય તો આવક માટે ઓનલાઇન ઘણા રસ્તાઓ ખુલી શકે છે.

આપણે સૌથી નાના સ્તરથી શરૂ કરીને વિસ્તરતા જતા બિઝનેસના કદ મુજબ વિવિધ ઓનલાઇન ટેકનિક્સ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એની વાત કરીએ. એટલું યાદ રાખશો કે ફટાફટ સફળતાની કોઈ જડીબુટ્ટી હોતી નથી. અહીં બતાવેલા રસ્તા શરૂઆતમાં તમને અટપટા લાગી શકે છે. એ ધીમા પણ હોઈ શકે છે. પરંતુ તેની આંટીઘૂંટીઓ બરાબર સમજતા જશો તેમ તેમ તેમાં ફાવટ આવતી જશે, તમારો આત્મવિશ્વાસ વધતો જશે અને સાથે સાથે આવક અને ખુશાલી પણ!


એકડેએકથી ઓનલાઇન બિઝનેસ

શરૂઆતમાં, માત્ર મોબાઇલથી જ તમે ઓનલાઇન બિઝનેસ ફેલાવી શકો છો

ધારો કે લોકડાઉનની અસરને કારણે, તમારે બિલકુલ એકડેેકથી કોઈ નવો જ આવકનો સ્રોત ઊભો કરવાની જરૂર ઊભી થઈ છે. બની શકે કે તમે આ પહેલા સ્તર પર ન હો અને ફક્ત તમારા ઠીકઠીક જામેલા બિઝનેસને ટકાવી રાખવાની કે ફેલાવવાની જરૂર હોય. તો તમે આ ભાગ કુદાવીને, સીધા આગળના તબક્કે જઈ શકશો.

પણ, લોકડાઉન અને ત્યાર પછી અનલોકના સમય દરમિયાન ઘણા લોકોએ નોકરી કે મૂળ કામકાજ ગુમાવતાં આવકના નવા રસ્તાઓ અજમાવવાનું શરૂ કર્યું છે – તમે એમાંના એક હો, તો પહેલાં તમારી વાત કરીએ.

જેમ કે ઘણાં દંપત્તિઓએ હિંમત હાર્યા વિના પોતાના ઘરેથી ટિફિન સર્વિસ શરૂ કરી છે. કેટલાક લોકોએ શાકભાજીની ડિલિવરી શરૂ કરી છે. ઘણા લોકોએ તૈયાર નાસ્તાના ગૃહઉદ્યોગ શરૂ કર્યા છે કે તેની હોમ ડિલિવરી શરૂ કરી છે.

એ સિવાય નાની મોટી કેટલીય જાતની ચીજવસ્તુઓ ઘેર ઘેર ફરીને વેચવાના વ્યવસાયમાં ઘણા લોકો સંકળાયેલા હોય છે. અનેક ગૃહિણીઓએ હવે કૂર્તી, ડ્રેસ મટિરિયલ, ઇમિટેશન જ્વેલરી વગેરેની જથ્થાબંધ ખરીદી કરીને તેને અડોશપડોશમાં કે પરિચિતોમાં વેચવાની પ્રવૃત્તિ શરૂ કરી છે.

દેખીતું છે કે તમારા આવા વ્યવસાયને ઓનલાઇન ફેલાવવા માટે, આ તબક્કે તમારે ફક્ત મોબાઇલની જરૂર છે.

તમારું કામકાજ ગમે તે પ્રકારનું હોય, તમારા હાલના કસ્ટમર્સ જાળવી રાખવા અને નવા કસ્ટમર્સ સુધી પહોંચવામાં તમારો મોબાઇલ સૌથી અસરકારક શસ્ત્ર બની શકે છે. અલબત્ત તેના ઉપયોગમાં કેટલીક કાળજી લેવી જરૂરી છે.

નાના પાયે તમારા બિઝનેસના પ્રમોશન માટે અત્યારે વોટ્સએપ અને ફેસબુક જેવી સર્વિસનો સૌથી વધુ ઉપયોગ થાય છે. વોટ્સએપની વાત કરીએ તો તમારા બિઝનેસને વધુ ફેલાવવાના ઉત્સાહમાં વધુ ને વધુ લોકોને વણમાગ્યા મેસેજ મોકલવા જતાં તમારો વોટ્સએપ નંબર બ્લોક થવાનું પૂરેપૂરું જોખમ છે.

આથી સૌથી વધુ ધ્યાન એ વાત પર આપો કે તમારા હાલના અને સંભવિત ગ્રાહકો તેમના મોબાઇલમાં તમારો નંબર સેવ કરે. એ પછી એમના સુધી તમારી વાત પહોંચાડવાનો રસ્તો ઘણો સરળ બની જશે.

તમારા બિઝનેસના પ્રમોશન માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને પૂછ્યા વગર તેમાં ધરાર ઉમેરવા જતાં પણ વોટ્સએપ નંબર બ્લોક થવાની શક્યતા રહે છે. તેના બદલે વધુ ને વધુ લોકોના મોબાઇલમાં તમારો નંબર સેવ કરાવ્યા પછી તમે બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવશો તો તમારો મેસેજ સહેલાઇથી તમારા કસ્ટમર્સ સુધી પહોંચાડી શકશો.

એ પછી વોટ્સએપની સ્ટેટસ સર્વિસનો ઉપયોગ કરીને તમે એક મેસેજ અપલોડ કરશો તો જેટલા લોકોએ તમારો મોબાઇલ નંબર સેવ કર્યો હશે તેમના સુધી એક સાથે પહોંચી શકશે (અલબત્ત, બધા જ લોકો એ જુએ એવું બનશે નહીં!). એ જ રીતે, ઇન્સ્ટાગ્રામ  કે ફેસબુક પર પણ સ્ટોરીઝ સેક્શનમાં તમારી વિવિધ પ્રોડક્ટ્સની જાણકારી આપી શકાય.

તમારા મેસેજને આકર્ષક બનાવવા માટે કોઈ અનુભવી અને કુશળ ગ્રાફિક ડિઝાઇનરની મદદ લેવાનો તબક્કો પણ ચોક્કસ આવશે, પરંતુ એ પહેલાં તમે વિવિધ ઓનલાઇન અને મફત સર્વિસનો ઉપયોગ કરીને જાતે જ આકર્ષક ડિઝાઇન બનાવી શકશો. ઇન્ટરનેટ પર થોડું સર્ચ કરશો તો આવી સગવડ આપતી ઘણી સર્વિસ કે મોબાઇલ એપ્સ મળી આવશે.

ઘણા લોકોએ માત્ર વોટ્સએપની મદદથી જ પોતાનો બિઝનેસ વિસ્તાર્યાના અનેક દાખલા છે. વોટ્સએપ પર પ્રમોશનની સાથોસાથ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવા માટે યુપીઆઈ કે મોબાઇલ વોલેટની સગવડ અપનાવી લેશો તો ઓનલાઇન ઓર્ડર લેવા, ડિલિવરી કરવી અને પેમેન્ટ મેળવવાની સાયકલ ઘણી અસરકારક રીતે ગોઠવી શકશો.

થોડા સમયમાં વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ પણ આવી જવાની પૂરી શક્યતા છે. એ ધ્યાનમાં લેતાં, માત્ર વોટ્સએપ પર જ તમારા બિઝનેસની બધી પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય એવું શક્ય બનશે. એ સમય આવે તેની બધી તૈયારીઓ પહેલેથી કરી રાખી હશે તો ત્યારે તમે બીજા કરતાં આગળ રહી શકશો!

  • બિઝનેસનો ઓનલાઇન પ્રસાર સસ્તો છે : પરંપરાગત રીતે થતા બિઝનેસને ઓનલાઇન વિસ્તારવાનું કામ શરૂઆતમાં બિલકુલ મફતમાં થઈ શકે છે. કોઈ પણ ખર્ચ વિના, માત્ર મોબાઇલથી આ કામ શરૂ કરી, બિઝનેસ જેમ જેમ જામતો જાય તેમ તેમ તેને વધુ વિસ્તારવા સલામત રીતે, પોતાના બજેટ અનુસાર રોકાણ કરતા જઈ શકાય છે.
  • ઓનલાઇન પ્રમોશન કરવાનું કામ ઘણું સહેલું છે : હાલના ટેકનોલોજી યુગમાં માત્ર મોબાઇલથી બિઝનેસને ઓનલાઇન ફેલાવી શકાય છે. બીજા કોઈ જ ટૂલની જરૂર નથી.  શરૂાતમાં કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારીની પણ જરૂર નથી. ઓનલાઇન પબ્લિલિટી માટે સંખ્યાબંધ સર્વિસ/ટૂલ્સ ઉપલબ્ધ છે, જેનો મફત અને સરળ ઉપયોગ શક્ય છે.
  • પરંપરાગત એડવર્ટાઇઝિંગ કરતાં વધુ અસરકારક છે : ડિજિટલ માર્કેટિંગનો સૌથી મોટો ફાયદો તેની અસરકારકતા છે. આ રીતે આપણે કયા ટૂલ પર આપણા પ્રયાસો વધુ સફળ રહે છે તે સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ અને એ જ દિશામાં વધુ પ્રયાસ કરી શકીએ છીએ. આગળ જતાં, આપણા મૂડીરોકાણનું સ્પષ્ટ વળતર પણ જાણી શકીએ છીએ.
  • સોશિયલ મીડિયા સ્ટોરીઝનો ઉપયોગ કરો : આજે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે લગભગ દરેક સોશિયલ પ્લેટફોર્મ ૨૪ કલાક પૂરતા સ્ટેટની સગવડ આપે છે. નિયમિત રીતે આપણું સ્ટેટસ કે સ્ટોરી અપડેટ કરીને સંખ્યાબંધ લોકો સુધી પહોંચી શકાય છે. એ માટે વધુ ને વધુ લોકો આપણો ફોન નંબર સેવ કરે કે આપણને લાઇક/ફોલો કરે તે જરૂરી છે.
  • વોટ્સએપમાં બ્રોડકાસ્ટિંગ સર્વિસનો લાભ લો : વોટ્સએપમાં પબ્લિસિટીના મોહમાં ગ્રૂપ્સ બનાવીને આડેધડ રીતે લોકોને તેમાં ઉમેરતાં તમારો નંબર બ્લોક થઈ શકે છે.  કસ્ટમર્સ નારાજ પણ થઈ શેક છે. આવું કરવાને બદલે જે લોકો તમારો નંબર પોતાના મોબાઇલમાં સેવ કરે માત્ર તેમનાં બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવવાની રીત વધુ અસરકારક બનશે.
  • ફેસબુકમાંના પર્સનલ પ્રોફાઇલને વિસ્તારો : આમ તો ફેસબુક પરનું તમારું પર્સનલ એકાઉન્ટ અંગત ઉપયોગ માટે હોવું જોઈએ. પરંતુ શરૂઆતમાં તેની મદદથી તમે તમારા બિઝનેસનો પ્રચાર શરૂ કરી શકો. અલબત્ત અહીં પ્રચારનો ઓવરડોઝ ન થાય એ જોવું અત્યંત જરૂરી છે. ફેસબુક પર તમારા મિત્રો બિઝનેસના પ્રસારમાં મદદરૂપ થદશે.
  • પોસ્ટ આકર્ષક બનાવવા ઇમેજ ક્રિએશન ટૂલ્સ વાપરો : સોશિયલ મીડિયામાં શબ્દો કરતા ઇમેજ/વીડિયો પોસ્ટ વધુ અસરકારક રહે છે. શરૂઆતમાં તમે ફ્રી ટૂલ્સનો ઉપયોગ કરીને તમારી પોસ્ટ, સ્ટેટસ કે સ્ટોરીને વધુ આકર્ષક બનાવી શકો છો. ગૂગલ ફોટોઝ એપમાં, ફક્ત વિવિધ ઇમેજમાંથી વીડિયો પણ બનાવી શકાય. અન્ય સર્વિસ માટે જુઓઃ canva.com
  • યુપીઆઇ પેમેન્ટ સર્વિસ બરાબર સમજી લો : પેમેન્ટ સ્વીકારવા માટે યુપીઆઇ એપનાં ક્યુઆર કોડ સ્ટીકર્સ હવે સામાન્ય છે. જ્યારે ગ્રાહક સામે હાજર ન હોય ત્યારે તે તમને યુપીઆઇ પેમેન્ટ કેવી રીતે કરી શકે તેના રસ્તા બરાબર સમજી લો. જ્યારે ઓનલાઇન ઓર્ડર આવવા શરૂ થશે ત્યારે આ રીતનું પેમેન્ટ બંને બાજુ માટે બહુ સરળ રહેશે.
  • લિંક્ડઇન જેવા પ્રોફેશનલ્સ નેટવર્કનો લાભ લો : ફેસબુક, વોટ્સએપ વગેરે લોકોનો સંપર્ક સહેલો છે, પણ અહીં એમનું ફોકસ બિઝનેસ હોતું નથી. તમારા બિઝનેસમાં મદદરૂપ થઈ શકે એવા લોકો સાથે સંપર્કમાં રહેવા લિંક્ડઇન નેટવર્કનો લાભ લો. અહીંથી સીધો બિઝનેસ પણ મળી શકશે અને મુશ્કેલ સમયમાં અલગ અલગ પ્રકારની મદદ પણ.

નાની ઉંમરે સ્માર્ટ બિઝનેસ

અમદાવાદના એક યુવાન (જેનો ‘સાયબરસફર’ને વાચક તરીકે જ પરિચય થયો!)એ કોલેજમાં અભ્યાસની સાથોસાથ બિઝનેસમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યું. તેણે કમ્પ્યુટરને સંબંધિત પ્રોડ્કટ્સ જથ્થાબંધ ખરીદીને વેચવાનું શરૂ કર્યું.

તેણે માત્ર ફેસબુક પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પોતાની પ્રોડક્ટ્સની એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર શી કિંમત હોય છે તે નિયમિત તપાસવાનું શરૂ કર્યું. આવા પ્લેટફોર્મ પર, અમુક રકમથી ઓછી ખરીદી પર મોંઘો ડિલિવરી ચાર્જ હોય છે. આપણા યુવાને એક કુરિયર કંપનીને સમજાવી, રીઝનેબલ રેટ મેળવ્યો અને તેનો લાભ પોતાના કસ્ટમર્સને આપવાનું શરૂ કર્યું. સાથોસાથ પોતાનો માર્જિન ઘટાડી, ભાવ શોપિંગ સાઇટ્સ કરતાં ઓછા રાખ્યા.

કસ્ટમરને બંને રીતે લાભ મળતો હોવાથી, આ યુવકને ઓર્ડર્સ મળવા શરૂ થયા. હવે તે ફેસબુક પર નિયમિત રીતે પોતાની પ્રોડક્ટ્સના અપડેટ્સ મૂકે છે, ઓર્ડર સાથે પેમેન્ટ મેળવે છે અને બિઝનેસ જમાવતો જાય છે!

ફ્રી/પેઇડ ઓનલાઇન પ્રમોશન

બિઝનેસ જમાવવામાં ફ્રી પ્રમોશન કામ લાગશે અને ફેલાવવામાં પેઇડ પ્રમોશન!

ફક્ત વોટ્સએપથી શરૂ કરેલો તમારો બિઝનેસ જેમ જેમ જામતો જશે તેમ તેમ વધુ ને વધુ લોકો સુધી પહોંચવાની જરૂરીયાત પણ ઊભી થતી જશે. આ માટે તમે જુદા જુદા ઘણા રસ્તા અપનાવી શકો.

ફ્રી પ્રમોશન

સૌથી પહેલો રસ્તો ફેસબુક પર તમારા પર્સનલ પ્રોફાઇલ ઉપરાંત બિઝનેસ પેજ તૈયાર કરવાનો છે. તમારા પોતાના પર્સનલ ફેસબુક પ્રોફાઇલમાં લોગ-ઇન થઈ, સેટિંગ્સમાં જઈને તમે તમારું બિઝનેસ પેજ બનાવી શકશો.

આ ઉપરાંત ગૂગલની ‘માય બિઝનેસ’ સર્વિસનો લાભ લઈ તેમાં પણ તમે તમારા બિઝનેસનું લિસ્ટિંગ કરી શકો છો. અહીં તમે બિલકુલ સામાન્ય વિગતો આપીને તમારા બિઝનેસની નાની અમથી વેબસાઇટ તૈયાર કરી શકો છો.

ફેસબુકનું બિઝનેસ પેજ કે ગૂગલ માય બિઝનેસ પર નાની વેબસાઇટ બનાવવા માટે કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારીની જરૂર નથી. તમે જાતે જ આ કામ કરી શકશો. એ પછી ફેસબુકના પેજ પર અને ગૂગલના માય બિઝનેસ પેજ પરથી તમે તમારા બિઝનેસ સંબંધિત ઇમેજિસ, ઓફર્સ તથા અન્ય પ્રમોશનલ મેસેજિસ તમે પોસ્ટ કરી શકશો.

ગૂગલની માય બિઝનેસ સર્વિસમાં લિસ્ટિંગનો ફાયદો એ થશે કે તમારા બિઝનેસ સંબંધિત કોઈ પણ બાબત વિશે તમારા વિસ્તારમાંના લોકો કોઈ પણ રીતે (ગૂગલ એપ પર, બ્રાઉઝરમાં કે મેપમાં) સર્ચ કરશે ત્યારે તેમને તમારા બિઝનેસની વિગતો દેખાઈ શકે છે.

ઓનલાઇન કોઈ પણ બિઝનેસ જમાવવા માટે સીધે સીધી બિઝનેસની જાહેરાત કરવાને બદલે તમારા બિઝનેસ સંબંધિત લોકોની જરૂરિયાતો અને જિજ્ઞાસા જાણીને તેને સંબંધિત પોસ્ટ મુકશો તો કસ્ટમર્સ સાથે એન્ગેજમેન્ટનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પાર કરી શકશો અને ત્યાર પછી કન્વર્ઝન એટલે કે બિઝનેસ આવવો શરૂ થશે. જેમ કે તમે ટિફિન સર્વિસ ચલાવતા હો તો નાની નાની રેસિપી કે કૂકિંગ ટીપ્સ જણાવી શકો છો.

એટલું યાદ રાખશો કે તમારા કસ્ટમર્સ સાથે જીવંત સંપર્ક રાખવા માટે ઓનલાઇન કમ્યુનિકેશનના ઘણા રસ્તા છે અને તમારે એ બધાનો લાભ લેતા રહેવું પડશે. કારણ કે તમારા કસ્ટમર્સ ક્યારે ક્યાં એક્ટિવ હશે તે કહેવું અને પારખવું બહુ મુશ્કેલ છે!

ટૂંકમાં કહીએ તો તમારા બિઝનેસના શરૂઆતના તબક્કામાં બિલકુલ મફતમાં ઓનલાઇન તેનો પ્રસાર કરવા માટે મુખ્યત્વે તમારે ત્રણ બાબત પર ધ્યાન આપવું પડશેઃ

  1. તમારો વોટ્સએપ નંબર તમારા કસ્ટમર્સના મોબાઇલમાં સેવ કરાવવો,
  2. લોકોને તમારા ફેસબુક પેજના ફોલોઅર્સ બનાવવા, ૩. ગૂગલની વિવિધ ફ્રી સર્વિસનો લાભ લેવો અને ત્યાર પછી લોકોના ઇમેઇલ એડ્રેસ મેળવવાં. ઘણી બધી ઇ-મેઇલ માર્કેટિંગ સર્વિસ બિલકુલ ફ્રીમાં મહિને બે હજાર ઇ-મેઇલ મોકલવાની સગવડ આપતી હોય છે તેનો લાભ લઈ શકાય.
  3. અહીં સુધી આપણે જે વાત કરી તેમાં માત્ર તમારા મોબાઇલ અને તેના નંબરના ઉપયોગની વાત છે. બિઝનેસ જેમ જામતો જાય તેમ તેમ તમે નાની વેબસાઇટ કે તમારું પોતાનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ ડેવલપ કરવા તરફ આગળ વધી શકશો.
પેઇડ પ્રમોશન

કામકાજ થોડું જામે એ સાથે તમે વિવિધ ફ્રી સર્વિસની મદદથી જાતે જ તમારી નાની વેબસાઇટ બનાવી શકો છો. આ સાઇટ પર શરૂઆતમાં માત્ર તમારો કોન્ટેક્ટ/વોટ્સએપ નંબર આપીને તેના પર ઓર્ડર મેળવવાનું શરૂ કરી શકાય. આ પછી ગૂગલ અને ફેસુબક પર પેઇડ પ્રમોશન કરી, વેબસાઇટ પરનો ટ્રાફિક વધારી શકાય.

આ બંને નેટવર્ક પર થોડી મથામણ પછી તમે બિલકુલ નાના બજેટ સાથે જાહેરાત શરૂ કરી શકો છો. ડિજિટલ એડવર્ટાઇઝિંગનો ફાયદો એ છે કે તેમાં અત્યંત સચોટ રીતે તમારી જાહેરાત ટાર્ગેટ કરી શકાય છે.

અમુક શહેરના, ચોક્કસ વયજૂથના, ચોક્કસ બાબતોમાં રસ ધરાવતા સ્ત્રી કે પુરુષોને જ જાહેરાતો બતાવવામાં આવે એવું નક્કી કરી શકો છો. બિઝનેસ વિકસતાં, તમે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ શરૂ કરો તો તમારી જાહેરાત પર ક્લિક કરીને, તમારી સાઇટ પર આવેલી વ્યક્તિ તમને પેમેન્ટ કરીને ગઈ કે નહીં અથવા ફરી ફરી સાઇટ પર આવીને ક્યારે પેમેન્ટ કર્યું એ પણ પણ તમે જાણી શકો છો. બીજા કોઈ પ્રકારના એડવર્ટાઇઝિંગમાં આ શક્ય નથી.

  • ગૂગલ પીપલ કાર્ડ સર્વિસનો લાભ લો : તમે તમારા નાના બિઝનેસને હજી ફોર્મલ બિઝનેસનું સ્વરૂપ ન આપ્યું હોય તો ગૂગલ પર તમારું પોતાનું વ્યક્તિગત ડિજિટલ વિઝિટિંગ કાર્ડ બનાવી શકો છો (વધુ માહિતી માટે જુઓ આજ અંકમાંનો લેખ). ગૂગલે હમણાં લોન્ચ કરેલી આ સર્વિસથી  તમારી વ્યક્તિગત ઓનલાઇન પ્રેઝન્સ તૈયાર થશે.
  • ગૂગલ માય બિઝનેસમાં પ્રોફાઇલ બનાવો : તમારા કામકાજને ફોર્મલ બિઝનેસનું સ્વરૂપ આપ્યા પછી, business.google.com પર જઈને તમારો બિઝનેસ પ્રોફાઇલ બનાવો. અહીંથી તમે બિઝનેસને સંબંધિત નિયમિત અપડેટ્સ, ઇમેજીસ વગેરે મૂકી શકશો. લોકો તમારા બિઝનેસ સંબંધિત સર્ચ કરે ત્યારે સર્ચ/મેપ્સ પર આ વિગતો દેખાશે.
  • ફેસબુકમાં તમારા બિઝનેસનું પેજ બનાવો : તમારા પર્સનલ ફેસબુક પ્રોફાઇલને આધારે ફેસબુક પર મફત બિઝનેસ પેજ બનાવવું સહેલું છે. તેને નિયમિત રીતે અપડેટ કરી લાઇક્સ વધારી શકશો. માત્ર અહીં પોસ્ટ્સ મૂકવાથી બિઝનેસ વધવાની શક્યતા ઓછી છે, પણ  ફેસબુક પર પેઇડ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આ પેજ ઉપયોગી થશે.
  • વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ શરૂ કરો : ગૂગલ, ફેસબુક વગેરેમાં બિઝનેસ સર્વિસનો લાભ લેવાની જેમ, તમે ઇચ્છો તો તમારા વોટ્સએપ નંબરને બિઝનેસ એકાઉન્ટમાં ફેરવી શકો છો. તેના કારણે તમારા બિઝનેસની સંપર્ક વિગતો ઉમેરી શકશો તેમ જ નિશ્ચિત સવાલોના ઓટો રિપ્લાય જેવી સુવિધાનો ઉપયોગ કરી શકશો.
  • નવી સુવિધા મુજબ ફેસબુક પર શોપ ઓપન કરો : ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમારી શોપ ઓપન કરી, તેમાં જ પ્રોડક્ટસ લિસ્ટ કરી, તેના પર ઓર્ડર અને પેમેન્ટ મેળવવાની વ્યવસ્થા ફેસબુકે હમણાં જ લોન્ચ કરી છે. નાના બિઝનેસ માટે આ બહુ ઉપયોગી થશે. જુઓઃ https://www.facebook.com/business/shops
  • પોતાની મફત વેબસાઇટ બનાવો : સોશિયલ મીડિયા/ગૂગલ  પર તમારા બિઝનેસની વિગતો દેખાતી થશે, તેમ એક વેબસાઇટ જરૂરી બનશે. જો તમને અંગ્રેજીમાંની સામાન્ય સૂચનાઓને અનુસરતાં આવડે તો કોડિંગની જાણકારી વિના, નાની, મફત વેબસાઇટ બનાવી શકાય છે. wix.com જેવી સર્વિસનો લાભ લઈ શકાય.
  • વોટ્સએપ પેમેન્ટ વિશે બરાબર સમજ કેળવી લો : લાંબા સમયથી વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ વ્યવસ્થા લોન્ચ થવા માટે તૈયાર છે. કાનૂની ગૂંચવણ ઉકેલાશે તો વોટ્સએપમાં પેમેન્ટથી ઓનલાઇન પેમેન્ટમાં રીતસર ઉછાળો આવશે. તેની તૈયારી અત્યારથી કરી લેવા માટે યુપીઆઇ વ્યવસ્થા બરાબર સમજી લેવા જેવી છે.
  • ગૂગલ નેટવર્ક પર પેઇડ એડવર્ટાઇઝિંગ : ફ્રી પ્રમોશન પછી એક તબક્કો એવો આવશે જ્યારે બિઝનેસને નવા સ્તરે લઈ જવા પેઇડ પ્રમોશન જરૂરી બનશે. ગૂગલના નેટવર્ક પર જાહેરખબરો આપવા માટે તમારે ads.google.com માં એકાઉન્ટ ખોલાવવું જોઈશે. તમે બિલકુલ ઓછા બજેટથી શરૂ કરી શકશો. થોડું અટપટું, પણ અસરકારક.
  • ફેસબુક નેટવર્ક પર પેઇડ એડવર્ટાઇઝિંગ : ફેસબુકના નેટવર્ક પર પણ પેઇડ એડવર્ટાઇઝિંગ ઉપયોગી છે. નિશ્ચિત વિસ્તારના, વયજૂથના, ચોક્કસ પ્રકારનો રસ ધરાવતા લોકોને ટાર્ગેટ કરી શકાય. ફેસબુક પેજ  મફતમાં બહુ ઉપયોગી નહીં થાય, પણ પેઇડ એડ્સ માટે ચોક્કસ થશે. જુઓ facebook.com/advertising
પે-પર-ક્લિક્સ શું છે?

ગૂગલ-ફેસબુક પર થતી જાહેરાતને, અખબારો સાથે આવતાં  ફરફરિયાંનું ડિજિટલ સ્વરૂપ ગણી શકાય. સાદાં ચોપાનિયાં નિશ્ર્ચિત સંખ્યામાં છપાવવાનો અને વિતરિત કરવાનો ખર્ચ થાય, જ્યારે ડિજિટલ એડ્સમાં એવો કોઈ ખર્ચ નથી (ગૂગલ-ફેસબુક શરૂઆતમાં અમુક રૂપિયાની ક્રેડિટ પણ આપે). ઉપરાંત, કોઈ ક્લિક કરીને તમે ઇચ્છેલું એક્શન લે તો જ તમારે તેના રૂપિયા ચૂકવવાના થાય! આથી શબ્દ આવ્યો પે-પર-ક્લિક.

ગૂગલ એડ્સમાં લોકો અમુક ચોક્કસ શબ્દો સર્ચ કરે ત્યારે અને ફેસબુક પર અમુક ચોક્કસ પ્રકારના લોકોને જ તમારી એડ દેખાય એવું સેટિંગ કરી શકાય છે. શેરબજારની જેમ તમે રોજેરોજનું બજેટ નક્કી કરી શકો છો અને જાહેરાત ક્યારે શરૂ કરી, ક્યારે બંધ કરવી તે નક્કી કરી શકો છો. આગળ જતાં, તમે એનાલિટિક્સની મદદથી, જાહેરાત પાછળ ખર્ચેલા રૂપિયાનું ચોક્કસ કેટલું વળતર મળ્યું એ પણ તમે જાણી શકો છો.

વિશાળ માર્કેટપ્લેસમાં ઝંપલાવો

ઇન્ટરનેટ વિશાળ બજારમાં ફેરવાઈ ગયું છે, તમે પણ તેમાં ‘દુકાન’ ખોલી શકો

એક વાર તમારો બિઝનેસ કે સર્વિસ ઠીક ઠીક જામી જાય એ પછી તમને તેને વધુ ફેલાવવાનો ઉત્સાહ જાગશે. એ કામ ઓનલાઇન બહુ સરળતાથી થઈ શકશે.

ફક્ત મોબાઇલથી બિઝનેસ ચલાવવાની આપણે જે વાત કરી તેમાં અને વાસ્તવિક દુકાનમાં બહુ મોટો ફેર નથી. તમારે ગ્રાહકના સતત સંપર્કમાં રહેવું પડશે. જેમ વાસ્તવિક દુકાન ખુલ્લી હોય એટલા જ સમયમાં તમે ચીજવસ્તુ વેચી શકો એ રીતે મોબાઇલ પર જેટલા ઓર્ડર જાતે લઈ શકો લગભગ એટલું જ વેચાણ તમે કરી શકશો.

બિઝનેસનો બીજા તબક્કો તેને ઓનલાઇન ફેલાવવાનો છે. આ તબક્કામાં ઓનલાઇન બિઝનેસની સૌથી મોટી મજા એ છે કે બપોરના સમયે તમે મોજથી ઊંઘી ગયા હો ત્યારે પણ તમને ઓર્ડર મળવાનું ચાલુ રહી શકે છે!

અત્યારે આપણે પ્રમોશનની કોઈ વાત કરી રહ્યા નથી. એ બિલકુલ અલગ મુદ્દો છે. આપણે તો માત્ર સંભવિત કસ્ટમરના સીધા સંપર્કમાં આવીને તેમની પાસેથી ઓર્ડર કેવી રીતે મેળવવો અને પછી ઓર્ડર મુજબ ચીજવસ્તુ કેવી રીતે પહોંચાડવી અને પેમેન્ટ કેવી રીતે મેળવવું તેની જ વાત કરી રહ્યા છીએ.

સસ્તા મોબાઇલના ઉપયોગથી બિઝનેસ ઠીક ઠીક ફેલાવ્યા પછી તેને ઘણે અંશે ઓટોમેટિક મોડ તરફ લાવવા માટે તમારે ધ્યાન આપવું જોઈશે.

ઓનલાઇન બિઝનેસના વિકલ્પો

અહીંથી આગળની વાત મુખ્યત્વે, વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સની લે-વેચ પ્રકારના બિઝનેસમાં પરોવાયેલા લોકો માટે છે. વિવિધ પ્રકારની સર્વિસ આપતા લોકોએ માર્કેટપ્લેસને બદલે અન્ય રસ્તાઓ તરફ નજર નજર દોડાવવી પડશે.

આખી દુનિયાની જેમ ભારતમાં ઇ-કોમર્સ માર્કેટપ્લેસ જબરજસ્ત તેજ ગતિએ વિકસી રહ્યાં છે. કોરોનાના ફેલાવા પછી ઓનલાઇન શોપિંગમાં હજી વધુ ઉછાળો આવ્યો છે. આ સમયમાં તમારી વાસ્તવિક દુકાનમાં ગ્રાહકો આવવાનું પ્રમાણ ઘટ્યું હોય તો તમે તમારી ચીજવસ્તુઓ ઓનલાઇન માર્કેટપ્લેસ પર મૂકીને એક સાથે બહુ વધુ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકો છો.

આમાં ઘણી બધી આંટીઘૂંટીઓ છે અને રાતોરાત સફળતાની કોઈ શક્યતા નથી, પરંતુ તમારા બિઝનેસના વિસ્તરણ માટે તેના તરફ ચોક્કસ ધ્યાન આપી શકાય.

આ તબક્કે તમારી સામે બે વિકલ્પો હશે.

  1. માર્કેટપ્લેસમાં તમારી પ્રોડક્ટસ મૂકવી અને ઓર્ડર-ડિલિવરી અને પેમેન્ટની બધી વાતની ચિંતા એ માર્કેટપ્લેસ પર છોડી દેવી
  2. અથવા, તમારો પોતાનો ઇ-સ્ટોર ઊભો કરીને એ દિશામાં આગળ વધવું. બંને વિકલ્પના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે.

લેખના આ ભાગમાં આપણે માર્કેટપ્લેસની વાત કરીએ.

ભારતમાં અત્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ અને હવે રિલાયન્સ જિઓમાર્ટ જેવા માર્કેટપ્લેસનો જબરજસ્ત ફેલાવો થઈ રહ્યો છે. એક વાતની ઘણા લોકોને પૂરેપૂરી સમજ હોતી નથી અને એ વાત એ કે આ બધી સાઇટ્સ પોતે ચીજવસ્તુઓનું વેચાણ કરતી નથી, તે માત્ર સહિયારા બજાર તરીકે કામ કરે છે.

એટલે કે જુદા જુદા વેપારીઓ અને ઉત્પાદકો આવી વેબસાઇટ્સ સાથે સેલર (વેચનાર) તરીકે જોડાઈને તેના પર પોતાની ચીજવસ્તુનું વેચાણ કરી શકે છે અને માર્કેટપ્લેસ તેમના વતી ઘણી બધી જવાબદારીઓ ઉપાડે છે. તેના બદલામાં કંપની પોતાનું કમિશન પોતાનું મેળવે છે.

દરેક જાણીતા માર્કેટપ્લેસમાં જોડાવાની પ્રક્રિયા બહુ સરળ છે (કારણ કે તેની કમાણીનો બધો આધાર તેના પર ચીજવસ્તુઓ વેચનારા લોકો પર છે!). તમે આવી જે તે ઓનલાઇન શોપિંગ સાઇટ પર પહોંચીને તેનાં મેનૂ તપાસશો તો તેમાં ‘સ્ટાર્ટ એ સેલિંગ એકાઉન્ટ’ જેવો વિકલ્પ જોવા મળશે.

દરેક ઓનલાઇન માર્કેટપ્લેસ માટે સેલર જીવાદોરી સમાન હોવાથી તે નવા સેલર માટે તેની સાથે જોડાવાની પ્રક્રિયા બને એટલી સહેલી બનાવે છે.

આવી સાઇટ્સના પેજ પર પહોંચતાં, જે સક્સેસ સ્ટોરીઝ જોવા મળે, તેના વીડિયો જોઈને કે લખાણ વાંચીને કોઈને પણ જોમ ચઢી આવે કે ‘ઓનલાઇન બિઝનેસ જમાવી દેવાનો આ જ સૌથી સહેલો અને સૌથી સ્માર્ટ રસ્તો છે.’

પરંતુ હકીકત થોડી જુદી છે.

પહેલી નજરે માર્કેટપ્લેસ પર આપણી પ્રોડક્ટનું વેચાણ કરવું સાવ સરળ છે. આપણા બિઝનેસની પ્રાથમિક વિગતો જેમ કે બિઝનેસના પુરાવા, પાન નંબર, જીએસટી નંબર, બેન્ક એકાઉન્ટ વગેરે વિગતો આપીને આપણે સહેલાઈથી સેલર એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ.

મોટા ભાગના માર્કેટપ્લેસ વધુ ને વધુ વેપારીઓને પોતાની સાથે જોડવા માટે થર્ડ પાર્ટી એજન્ટ કે ‘એફિલિએટ’ની પણ મદદ લે છે. આવા એજન્ટ મોટા ભાગે સેલર એટલે કે આપણી પાસેથી કોઈ ચાર્જ લીધા વિના માર્કેટપ્લેસ પર આપણી પ્રોડક્ટ વેચવાની બધી વ્યવસ્થા ગોઠવી આપે છે. તેમને માર્કેટપ્લેસ તરફથી તેમનો ચાર્જ મળે છે. તમે આવા કોઈ એજન્ટ શોધીને તેમની કોઈ મદદ લઈ શકો અથવા જાતે પણ આગળ વધી શકો. તમારે

આ બધું તો સહેલું છે પરંતુ માર્કેટપ્લેસમાં બિઝનેસ જમાવવો મુશ્કેલ છે.

કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશો

ઓનલાઇન બિઝનેસ ફેલાવવા માટે સૌથી પહેલાં તમારે તમારી પ્રોડક્ટની પડતર કિંમત નક્કી કરવા માટે ખાસ્સી કસરત કરવી પડશે. પ્રોડક્ટ બનાવવાની મૂળ કોસ્ટ ઉપરાંત તમારે તેના શિપિંગ એટલે કે માર્કેટપ્લેસનું કમિશન, ડિલિવરીની કોસ્ટ, પેકેજિંગ કોસ્ટ, સ્ટોરેજ કોસ્ટ અને માર્કેટ કોસ્ટની ગણતરી માંડવી પડશે (જો તમે તમારો પોતાનો સ્ટોર ઊભો કરવા માગતા હો તો પેમેન્ટ ગેટવેની કોસ્ટ પણ ગણતરીમાં લેવી પડશે).

આટલી ગણતરીઓ કર્યા પછી તમારી પ્રોડક્ટનું એક સાદું લિસ્ટ તૈયાર કરો અને એ દરેક માટેની ઇમેજ તૈયાર કરો (ફરી, ફ્રી ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો). આ બધું કર્યા પછી તમે નક્કી કરી શકશો કે તમે તમારી પ્રોડક્ટ ઓનલાઇન ક્યા ભાવે વેચી શકશો.

વર્તમાન સમયમાં તમારી વાસ્તવિક દુકાનમાં ગ્રાહકો આવવાનું પ્રમાણ ઘટ્યું હોય તો તમે ઓનલાઇન શોપિંગ સાઇટ્સમાં તમારી દુકાન વિસ્તારીને વ્યાપક સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચી શકો છો.

અલબત્ત આગળ કહ્યું તેમ માર્કેટપ્લેસ પર પ્રોડક્ટ મૂકી દેવાથી સફળતા મળવાની કોઈ ગેરંટી નથી. માર્કેટપ્લેસ પર જેમ ઓનલાઇન કસ્ટમર્સ લાખોમાં છે તેમ આપણી હરીફ પ્રોડક્ટ અને સેલર્સની સંખ્યા પણ લાખોમાં છે. લોકો ઓનલાઇન શોપિંગ સાઇટ પર મોટા ભાગે ચીજવસ્તુ સર્ચ કરતા હોય છે. બ્રાન્ડ કે સેલર નહીં.

આથી કસ્ટમરની નજરમાં આવવું સૌથી મહત્ત્વનું અને સૌથી મુશ્કેલ છે. માર્કેટપ્લેસ તેના ઉપાય તરીકે વિવિધ રીતે આપણી પ્રોડક્ટની જાહેરાત કરવાની તક આપે છે પરંતુ એ બધાનો અલગથી ચાર્જ ચૂકવવાનો હોય છે.

આથી કોઈ પણ માર્કેટપ્લેસ પર સેલર એકાઉન્ટ ખોલાવીને તમારી પ્રોડક્ટનું લિસ્ટિંગ કરો એ પહેલાં તેની શરતો અને નિયમો કાળજીપૂર્વક વાંચી જવી અનિવાર્ય છે.

માર્કેટપ્લેસમાં વેચાણ શરૂ કરવું સહેલું છે. શોપિંગ સાઇટ્સ સેલર તરીકે તમને આવકારવા તત્પર જ છે. પરંતુ અહીં હરીફાઇ જબરજસ્ત છે. તમારી પ્રોડક્ટ ગ્રાહકોને દેખાય એ માટે અટપટા કોઠાઓ ભેદવા પડશે.

મોટા ભાગની માર્કેટપ્લેસ સેલર પાસેથી અમુક નિશ્ચિત ફી લેતી હોય છે અને તે ઉપરાંત પ્રોડક્ટની સેલ વેલ્યૂ પર પર્સન્ટેજમાં કે ફ્લેટ ચાર્જ લેતી હોય છે. એ ઉપરાંત તેમની શરતોનું પાલન ન થાય તો પેનલ્ટી પણ હોય છે. આ બધું ધ્યાનમાં લેતાં માર્કેટપ્લેસના ચાર્જ તેણે જણાવ્યા હોય તેના કરતા સરવાળે ઘણા વધે એવું બની શકે છે.

આટલું ઓછું હોય તેમ માર્કેટપ્લેસમાં વેચાણ કરતી વખતે સેલર માટે બે બાબત સૌથી મોટો માથાનો દુઃખાવો બની શકે છે – ડિસ્કાઉન્ટ અને રિટર્ન. ભારતના ગ્રાહકોની માનસિકતા જોતાં ઓનલાઇન સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટ આપી શકે તેની જ ચીજવસ્તુ મોટા ભાગે વેચાય છે. એ ઉપરાંત ઓનલાઇન ખરીદી કરનાર વ્યક્તિ વસ્તુમાં કંઈ ખામી ન હોય તો પણ  ફક્ત તેનું મન બદલાય કે વસ્તુ ન  ગમે તો પણ તેને રિટર્ન કરી શકતી હોય છે.

માર્કેટપ્લેસ રિટર્નનું પ્રમાણ ઘટાડવા મથે છે પરંતુ રિટર્ન થયેલી વસ્તુનો બધો ભાર સેલરના માથે આવે છે. તમારે આ બધી બાબતોની ગણતરીઓ પણ કરવી પડશે.

  • માર્કેટપ્લેસમાં વેચાણ પ્રમાણમાં સહેલું છે : પોતાનો ઈ-સ્ટોર ઊભો કરીને આગળ વધવાની તુલનામાં, માર્કેટપ્લેસમાં વેચાણ શરૂ કરવું ઝડપી અને સરળ છે. અહીં રજિસ્ટ્રેશન વિધિ ટૂંકી છે, આવી સાઇટ્સ પર વિઝિટર્સની સંખ્યા લાખોમાં છે. આપણે પેમેન્ટ ગેટવેની ચિંતા રહેતી નથી. મોટા ભાગની સાઇટ્સ પેકેજિંગ મટિરિયલ પણ આપે છે.
  • માર્કેટપ્લેસમાં બધું સહેલું છે પણ સફળતા સહેલી નથી : માર્કેટપ્લેસના ફાયદા છે તેમ ગેરફાયદા પણ છે. અહીં દરેક વેચાણ પર સરવાળે કમિશન ઊંચું જઈ શકે છે. આપણી પ્રોડક્ટ્સ સાઇટ પર કેવી રીતે દેખાય તેના પર આપણો અંકુશ નથી. જેમ કસ્ટમર્સ લાખો-કરોડો છે, તેમ આપણા હરીફ સેલર્સ પણ અસંખ્ય છે. રીટર્ન-ડિસ્કાઉન્ટની મુશ્કેલી પણ છે.
  • માર્કેટપ્લેસનું ફી સ્ટ્રક્ચર બરાબર જાણો : જુદાં જુદાં માર્કેટપ્લેસ જુદી જુદી રીતે સેલર પાસેથી ફી લે છે. તેમાં મુખ્યત્વે એક નિશ્ચિત ફી હોય છે અને બીજી વેચાણની રકમ પરના પર્સન્ટેજ હોય છે. રીટર્ન, રીટર્ન ટુ ઓરિજિન, પેનલ્ટી વગેરેને ધ્યાનમાં લેતાં સેલરે સરવાળે ચુકવવા પડતા કમિશન કે ફીની કુલ રકમ ઘણી ઊંચે જઈ શકે છે.
  • સેલ્સ, સેટલમેન્ટ, કમિશન વગેરેની અટપટી ગણતરી : માર્કેટપ્લેસમાં વેચાણ સંબંધિત એકાઉન્ટિંગ અટપટું બની શકે છે – ખાસ કરીને તમે એકથી વધુ માર્કેટપ્લેસમાં વેચાણ કરતા હો ત્યારે. સેલ્સ, સેટલમેન્ટ અને કમિશનના રિપોર્ટ સમજવા અને તેનો આપણા બેન્ક ખાતા સાથે મેળ બેસાડવો શરૂઆતમાં મુશ્કેલ બની શકે છે. જોકે સેલ્સ વધે તો જ આ ગૂંચવણો વધવાની છે!
  • સેલર તરીકે બધે મોરચે લડવું પડતું નથી : જો તમે માર્કેટપ્લેસમાં તમારી પ્રોડક્ટના વેચાણનું ગણિત બરાબર બેસાડી શકો, તો પછીની વાત સહેલી છે, કેમ કે અહીં ઓર્ડર, કસ્ટમર તરફથી પેમેન્ટ, ડિલિવરી, આપણા ખાતામાં પેમેન્ટ વગેરે બધું જ માર્કેટપ્લેસ સંભાળે છે. આથી આપણે માત્ર પ્રોડક્ટ ને પ્રમોશન પર જ ફોકસ કરવાનું રહે છે.
  • વિઝિબિલિટી વધારવાની આંટીઘૂંટીઓ જાણો : માર્કેટપ્લેસમાં આપણી પ્રોડક્ટની વિઝિબિલિટી વધારવી એ સૌથી મોટી ચેલેન્જ હોય છે. દરેક માર્કેટપ્લેસ માટે આ પણ મોટો બિઝનેસ છે – તે સેલર્સને બેનર રેડ, કલેક્શન પેજ, ફીડ પેજ, નોટિફિકેશન, સોશિયલ મીડિયા પુશ વગેરે નામે જાહેરાત વેચે છે. આપણે તેની આંટીઘૂંટી સમજવી રહી!

કંઈક જુદું વિચારી જુઓ

ઓનલાઇન શોપિંગ સાઇટ્સે ધીમે ધીમે આપણાં જૂનાં ને જાણીતાં બજારો જેવું જ સ્વરૂપ લઈ લીધું છે  – જે માગો તે મળે. પણ, ધીમે ધીમે અહીં અેવું પણ મળે છે, જે આપણે વિચાર્યું જ ન હોય! જેમ કે કેટલાક લોકો માર્કેટમાં બીજે ક્યાંય ન મળે એવી પ્રોડક્ટ્સ વિક્સાવે છે અને પછી તેના મોં માગ્યા દામ મેળવે છે.

બે દાખલા લઈએ.

પરદેશના એક દંપતિએ રમકડાંની ઢીંગલીનાં ડિઝાઇનર કપડાંનો િબઝનેસ ઇન્ટરનેટની મદદથી દુનિયાભરમાં ફેલાવ્યો છે. હવે એક ડગલું આગળ વધીને મમ્મી પોતાની દીકરી સાથે મળીને ઢીંગલીનાં કપડાં બનાવી શકે તેવી કિટ વેચવાનું પણ તેમણે શરૂ કર્યું છે.

ભારતનાં અમુક દંપતિઓએ અને કેટલાક મિત્રોએ જુદા જુદા વયના બાળકો-કિશોરો માટે આગવી, નોલેજ બેઝ્ડ બોર્ડગેમ્સ વિક્સાવીને તેના આખેઆખા સ્ટોર, એમેઝોન કે ફ્લિપકાર્ટ પર ડેવલપ કર્યા છે.

જુદું વિચારી શકો તો તેના રૂપિયા ચૂકવવા દુનિયા તૈયાર છે!

પોતાનો ઇ-સ્ટોર શરૂ કરો

આ કામ તમે માનતા હશો એટલું મુશ્કેલ નથી, તેના આગવા લાભ પણ છે

માર્કેટપ્લેસમાંની હરીફાઈ, ઓછી વિઝિબિલિટી અને કિંમતો પર તીવ્ર દબાણને ધ્યાનમાં લઇને ઘણા લોકો પોતાના બિઝનેસને ઓનલાઇન ફેલાવવા માટે પોતાનો આગવો ઓનલાઇન સ્ટોર ઊભો કરવાનું પસંદ કરે છે.

એક સમયે ઇ-કોમર્સ સ્ટોર ઊભો કરવો એ મોટું ઇન્વેસ્ટમેન્ટ માંગી લેતું કામ હતું. આપણે ટેકનિકલ જાણકારોની મદદ લીધા વિના કોઈ છૂટકો જ નહીં. પરંતુ હવે એવું રહ્યું નથી.

જો તમે વેબસાઇટ્સની બહુ સામાન્ય જાણકારી ધરાવતા હો એટલે કે સાઇટ પર મોટા ભાગે અંગ્રેજીમાં આપેલી સૂચનાઓનું પાલન કરી શકતા હો તો કોડિંગ કે કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારી વિના તમારો પોતાનો ઇ-સ્ટોર ઊભો કરી શકો છો (ફરી પ્રોડક્ટની ઇમેજિસ બનાવવા માટે ફ્રી ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરવાની તમારામાં આવડત હોવી જોઇએ).

હવે પેમેન્ટ ગેટવેની સુવિધા આપતી ઘણી ખરી કંપની નજીવા વાર્ષિક ચાર્જ સાથે (ઘણા ખરા કિસ્સામાં પહેલા વર્ષે શૂન્ય ચાર્જ સાથે) ફ્રી ઓનલાઇન સ્ટોર બનાવવાની સગવડ આપે છે.

આવી સર્વિસની સાઇટ પર આપણે માર્કેટપ્લેસની જેમ પોતાના બિઝનેસના બેઝિક ડોકયુમેન્ટ અપલોડ કરીને પોતાનો ઇ-સ્ટોર બનાવી શકીએ છીએ (અગાઉ આ કામ ખાસ્સું ઝંઝટભર્યું હતું, પણ હવે આ પ્રોસેસ પણ ઓનલાઇન થઈ ગઈ છે). તેમાં પેમેન્ટ ગેટવેની સગવડ સામેલ હોય છે.

તમારે પહેલેથી તમારી પ્રોડક્ટ્સની ઇમેજ, દરેકનું સરળ, ટૂંકું વર્ણન (તેમાં કલર કે સાઇઝ વગેરેનાં વેરિએશન હોય તો તે), તમારી રીટર્ન અને રીફંડની પોલિસી વગેરે તૈયાર રાખવી જોઈશે. અહીં ઓર્ડર, પેમેન્ટ અને ડિલિવરીની બધી જવાબદારી તમારી હોવાથી તમારે એ માટેનું સેટ-અપ પણ પહેલેથી વિચારી લેવું પડશે.

આટલું કર્યા પછી આપણે પોતાના ઇ-સ્ટોર અને વિવિધ પ્રોડક્ટ પેજિસના ઓનલાઇન પ્રમોશન પર ધ્યાન આપવાનું રહે છે.

જો તમારી પ્રોડક્ટની ક્વોલિટી સારી અને બીજાથી કંઈક અનોખી હોય, કિમતની રીતે સ્પર્ધાત્મક હોય તો પછી આગળ કહ્યું તેમ તમે બપોરે મોજથી ઊંઘતા હો ત્યારે પણ તમારા બિઝનેસ પર નવા ઓર્ડર્સનો પ્રવાહ ચાલુ રહી શકે છે – ઓલ ધ બેસ્ટ!

  • પહેલાં કેવી તૈયારીઓ  કરવી જોઈશે? : પોતાના ઇ-સ્ટોર માટે, પ્રોડક્ટ્સની વિગતો સાથે સ્પ્રેડશીટ લિસ્ટ તૈયાર કરવું પડશે, જેમાં પ્રોડક્ટ કોડ (એસકેયુ), નામ, પ્રોડક્ટનું વર્ણન, કેટેગરી, સેલિંગ પ્રાઇઝ વગેરે વિગતો નક્કી કરવી પડશે. દરેક પ્રોડક્ટના ફોટોગ્રાફ પણ લેવા જોઇશે. પ્રોડક્ટ ડિસ્પેચ પદ્ધતિ, ચાર્જ, મટિરિયલ વગેરે નક્કી કરવું પડશે.
  • જરૂરી લેખિત સામગ્રી તૈયાર કરો : કોઈ પણ રીતનો તમારો ઇ-સ્ટોર હોય, તમારે તમારી કંપની અને પ્રોડક્ટ વિશેનું લખાણ તૈયાર કરવું પડશે. એ સાથે કંપનીની પ્રાઇવસી પોલિસી, રીફંડ અને રીટર્ન પોલિસી પણ લખીને તૈયાર કરવી પડશે. આ બધી વિગતો વિના, તમે કોઈ પણ પેમેન્ટ ગેટવે સર્વિસનો ઉપયોગ કરી શકશો નહીં.
  • પોતાની વેબસાઇટમાં ઇ-સ્ટોર ઉમેરો અથવા… : પોતાનો ઇ-સ્ટોર શરૂ કરવાના બે રસ્તા છે – તમારી પોતાની સાઇટ હોય તેમાં ઇ-સ્ટોર ઉમેરો. કે પછી, સાઇટ વિના, માત્ર સીધો જ ઈ-સ્ટોર શરૂ કરો. આ બંનેમાં પેમેન્ટ ગેટવે સર્વિસની જરૂર પડશે અને આવી કંપની બંને પ્રકારના ઇ-સ્ટોર સેટઅપ કરવામાં તમારી મદદ કરી શકે છે.
  • રેડીમેડ ઓનલાઇન શોપ્સનો લાભ લો : આખી ઇ-કોમર્સ સાઇટ ઊભી કરવાને બદલે, અન્ય કંપનીની મદદથી, ઇ-સ્ટોર ઊભો કરવો સહેલો છે. આમાં ટેકનિકલ જાણકારીની જરૂર નથી, થોડી મહેનતથી જાતે કરી શકશો. જુઓ wix.com instamojo.com, ecwid.com, buildabazaar.ooo, 360.shiprocket.in
  • તમારી સાઇટ પર માત્ર ઓર્ડર, પેમેન્ટ બીજી જગ્યાએ… : પોતાની વેબસાઇટમાં તમે ઇ-સ્ટોર ઉમેરો, તો સાઇટ પર માત્ર ઓર્ડરનું બટન હોય અને વાસ્તવિક પેમેન્ટ, પેમેન્ટ ગેટવે કંપનીની સાઇટ પર થાય એવું થઈ શકે છે. આથી, તમારી સાઇટને ઓનલાઇન પેમેન્ટ અને યૂઝર ડેટાની પ્રાઇવસી માટે સલામત રાખવાની ચિંતા તમારા માથે રહેશે નહીં.
  • રેડીમેડ ઓનલાઇન શોપ્સનો લાભ લો : પોતાની સાઇટ તૈયાર કરવી હોય તો તમે wordpress.org કે wix.com જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી, તેના પર શોપિંગ સ્ટોર માટેના પ્લગ-ઇનનો ઉપયોગ કરીને સ્ટોર ઊભો કરી શકો છો. વિક્સ.કોમ પર આ હજી વધુ સહેલું છે. જોકે આમાં સારા ડેવલપરની મદદ હોય કામ બહુ સહેલું બનશે.
પોતાના ઇ-સ્ટોરનાં જમા-ઉધાર

માર્કેટપ્લેસની સરખામણીમાં પોતાના ઇ-સ્ટોરના લાભ અને ગેરલાભ બંને છે. બંનેમાં, પ્રારંભિક તૈયારીઓ (પ્રોડક્ટ લિસ્ટ, કોસ્ટ-પ્રાઇસની ગણતરી વગેરે) સરખી જ છે, પરંતુ પોતાનો ઈ-સ્ટોર શરૂ કરવો એ થોડું જહેમત માગી લેતું કામ છે.  જોકે હવે વિવિધ પેમેન્ટ ગેટવે-કંપની આ કામ બહુ સહેલું બનાવી રહી છે.

તમે ખાસ ટેકનિકલ જાણકારી વિના પણ આ પ્રકારના સ્ટોર ઊભા કરી શકો છો.

પોતાના ઇ-સ્ટોરનો મુખ્ય લાભ એ છે કે તમે ઇચ્છો તે રીતે પ્રાઇસિંગ નક્કી કરી શકો છો અને તમારું પ્રમોશન માટેનું બજેટ વધારી શકો છો. ડિજિટલ માર્કેટિંગના વિવિધ રસ્તા સારી રીતે અજમાવી શકો છો તો સફળતાનો દર અહીં ચોક્કસ વધુ છે.

સામે પક્ષે, અહીં કસ્ટમર સપોર્ટ અને ડિસ્પેચની બધી જવાબદારી તમારી છે (એમાં પણ પેમેન્ટ ગેટવે કંપનીઝ હવે મદદ કરવા લાગી છે).

આ પદ્ધતિમાં ફાવટ આવી જાય તો તમારા માટે ખરેખર આખી દુનિયા ખુલી જાય છે!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!