બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી હજી પણ મોટા ભાગના લોકો માટે ગૂંચવણનો વિષય છે, પરંતુ આ નવા પ્રકારનાં નાણાં ધીમે ધીમે આપણા જીવનમાં મક્કમ ગતિએ પગપેસારો કરવા લાગ્યાં છે.
હમણાં ક્રેડિટ કાર્ડ નેટવર્ક વિસાએ જાહેરાત કરી છે કે તે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ તરીકે ક્રિપ્ટોકરન્સી સ્વીકારશે. હાલમાં વિસા માત્ર યુએસડી કોઇન નામની ક્રિપ્ટોકરન્સીનો જ સ્વીકાર કરશે. આ પહેલાં માસ્ટર કાર્ડે પણ ડિજિટલ કોઇન સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે. વિસાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ સમગ્ર વિશ્વમાંથી કન્ઝ્યુમર તરફથી ડિજિટલ કરન્સીનો સ્વીકાર કરવાની ડિમાન્ડ વધી રહી છે.
અત્યાર સુધી વિસા જેવા નેટવર્ક પર ક્રિપ્ટોકરન્સીથી પેેમેન્ટ થઈ શકતું હતું પરંતુ જ્યારે કોઈ પોઈન્ટ ઓફ સેલ પર ક્રિપ્ટોકરન્સી વોલેટમાંથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે ક્રિપ્ટોકરન્સીને પરંપરાગત ચલણમાં ફેરવ્યા પછી પેમેન્ટ થઈ શકતું હતું. હવે આવા કન્વર્ઝનની જરૂર રહેશે નહીં. અલબત્ત આપણા દેશમાં એ સ્થિતિ બહુ દૂરની વાત છે કેમ કે આપણે તો મ્ૂળ ક્રિપ્ટોકરન્સી પર જ પ્રતિબંધ તોળાઈ રહ્યો છે એ પણ ધ્યાને રાખવા જેવું છે.
