આજે તમે બે-ચાર ક્લિક કરીને દુનિયાભરમાં પથરાયેલા તમારા મિત્રો સાથે સંપર્કમાં રહી શકો છો. યુએસમાં રહેતા દીકરાને ત્યાં પારણું બંધાય તો ભારતમાં રહેતાં દાદા-દાદી પલકવારમાં પૌત્રીનો હસતો ચહેરો જોઈને એનાં ઓવારણાં લઈ શકે છે. ભારતના મુંબઈમાં બેઠેલા ટીચર સિડની, લંડન ને ન્યૂ જર્સીમાં બેઠેલા સ્ટુડન્ટ્સનું એક સાથે ટ્યુશન લઈ શકે છે. ચારેય જણા એકમેક સાથે ચર્ચા કરી શકે છે ને કોમન વ્હાઇટ બોર્ડ પર મુદ્દાઓની આપલે કરી શકે છે.
કેવી રીતે થાય છે આ બધું?
આ બધું કે આમાંનું કેટલુંક આપણે કરીએ છીએ, પણ આ બધું થાય છે કેવી રીતે એની આપણને ખબર પણ પડતી નથી. વાસ્તવમાં, વહેતા સમય સાથે વેબ ટેક્નોલોજી એવી મુક્ત રીતે વિકસી રહી છે કે કુશળ વેબડેવલપર્સ એકમેકના સાથમાં નિતનવી ટેક્નોલોજી વિકસાવીને સૌને ઉપયોગી ને સૌ જેમાં સહેલાઈથી ડૂબી જઈ શકે એવો વેબ અનુભવ સહજ કરવા માંડ્યા છે.
ખરેખર તો વેબ ડેવલપર્સની એક આખી ઓપન વેબ કમ્યુનિટી વિકસી છે, જે એચટીએમએલફાઇવ, સીએસએસથ્રી, વેબજીએલ વગેરે વગેરે આપણા માટે અજાણ્યા શબ્દો કે ટેક્નોલોજી અને જુદા જુદા વેબ બ્રાઉઝર્સની મદદથી, આપણા માટે ઇન્ટરનેટમાં નિરંતર નવાં નવાં પરિવર્તન લાવી રહી છે.
આ બધું કેવી રીતે થાય છે અને ખાસ તો સમય સાથે કેવી નવી ટેક્નોલોજી વિકસી કે કેવાં પરિવર્તન આવ્યાં એ સમજવું હોય તો ગૂગલ ક્રોમમાં કામ કરી ચૂકેલા કેટલાક (અને આપણે માટે અજાણી એવી બીજી કેટલીક પડદા પાછળની કંપનીઓના) ડેવલપર્સે સાથે મળીને એક સરસ, ઇન્ટરએક્ટિવ ટાઇમલાઇન (http://www.evolutionoftheweb.com) તૈયાર કરી છે, જે પોતે નવી ટેક્નોલોજીનું એક મજાનું ઉદાહરણ છે.
તમે ફુરસદ મળે ત્યારે આ ટાઇમલાઇનમાં ઝંપલાવજો, અત્યારે આપણે તેની હાઇલાઇટ્સ પર નજર ફેરવી લઈએ :
- ઇવોલ્યુશન ઓફ ધ વેબ શીર્ષક ધરાવતી આ ટાઇમલાઇન બે રીતે જોઈ શકાય છે, બ્રાઉઝર અને ટેક્નોલોજીની રીતે અને ઇન્ટરનેટના વિકાસની રીતે.
- આ ટાઇમલાઇનમાં ૧૯૯૧થી ૨૦૧૨ સુધીના સમયગાળાને આવરી લેવાયો છે.
- ૧૯૯૧માં ઇન્ટરનેટ ટેક્નોલોજી માટે પાયાપ એચટીટીપી પ્રોટોકોલના વિકાસની શઆત થઈ.
- ૧૯૯૪માં નેટસ્કેપ આવ્યું. એ વર્ષે ઓપેરા બ્રાઉઝરનું પહેલું વર્ઝન આવ્યું.
- ૧૯૯૫માં ૧૬મી ઓગસ્ટે ઇન્ટરનેટ એક્સપ્લોરરનું પહેલું વર્ઝન લોન્ચ થયું. જે નવી નવી સુવિધાઓ સાથે માર્ચ ૧૪, ૨૦૧૧ના રોજ નવમા વર્ઝન સુધી પહોંચ્યું.
- ૧૯૯૬માં જાવા ટેક્નોલોજીના વિકાસની શઆત થઈ.
- એ અરસામાં, વેબપેજમાં એનિમેશન, વીડિયો અને ઇન્ટરએક્ટિવિટી ઉમેરવાનું શક્ય બન્યું, એડોબ કંપનીએ વિકસાવેલી ફ્લેશ ટેક્નોલોજીની મદદથી.
- ૧૯૯૬ના અંત ભાગમાં, વિન્ડોઝ સીઈના વર્ઝન ૧.૦થી મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર આવ્યું.
- વેબ બ્રાઉઝિંગ માટે એપલના સફારી બ્રાઉઝરનું પહેલું વર્ઝન જૂન ૨૩, ૨૦૦૩ના રોજ રજૂ થયું.
- ફાયરફોક્સનું પહેલું વર્ઝન નવેમ્બર ૯, ૨૦૦૪માં આવ્યું, જૂન ૨૦૧૨માં તેનું તેરમું વર્ઝન આવી ગયું છે!
- ૨૦૦૭માં સફારી ત્રણ, મોબાઇલ વર્ઝન સાથેનો પહેલો આઇફોન રિલીઝ થયો.
- ૨૦૦૮માં આપણને એવી સગવડ મળી, જેને કારણે આપણે વેબપેજ પર કોઈ વસ્તુને ડ્રેગ કરીને બીજે સ્થળે ડ્રોપ કરતા થયા.
- ડિસેમ્બર ૧૧, ૨૦૦૮માં જ ગૂગલ ક્રોમનું પહેલું વર્ઝન આવ્યું, જે જૂન ૨૦૧૨માં વીસમા વર્ઝન સુધી પહોંચી ગયું છે.
આ ટાઇમલાઇન પર ઇન્ટરનેટના યુઝર્સની સંખ્યા અને ડેટા ટ્રાફિકમાં વધારાની પણ રસપ્રદ વિગતો આપી છે, જે જાતે જાણવાની કોશિશ કરજો!

