તેમે નજીકના મિત્રો સાથે ફેસબુક પર જરા વધુ નજીકના સંપર્કમાં રહેવા માગો છો? આમ તો, ફેસબુક પર આપણે જે મિત્રો સાથે થોડી ઘણી પણ આપલે કરીએ એ મિત્રોની નવી પોસ્ટ્સ કે અન્ય બાબતો ફેસબુક આપણને વધુ બતાવવા લાગે છે, પણ ક્યારેક એવું બને કે ફેસબુક પર મિત્રોની ભીડ વધુ હોય તો ખરેખર જેમની પોસ્ટમાં આપણને રસ હોય એ ઘણી વાર આપણી નજર બહાર રહે.
ફેસબૂકમાં તમે જે પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તેને આંખ મીંચીને સ્વીકારી લેતા હો તો આવું બનવાની શક્યતા વધુ.
જ્યારે તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે સંખ્યાબંધ પોસ્ટ એવી જોવા મળે જે વાંચવામાં તમને ખરેખર રસ જ ન હોય. એ ઉપરાંત તમે જુદાં જુદાં પેજ અને ગ્રૂપ્સ પણ લાઇક કર્યાં હોય કે તેમાં જોડાયા હો તો તેમાં સતત ઉમેરાતી ઢગલાબંધ પોસ્ટથી તમારી ટાઇમલાઇન ભરચક રહેશે.
આ બધામાંથી તમને ખરેખર ગમતી કે તમારા નજીકના મિત્રની પોસ્ટ શોધવી મોટા ભાગે મુશ્કેલ બનતી હશે. આના ઉપાય તરીકે તમે તમારી ફેસબુક ન્યૂઝ ફીડને સહેલાઇથી તમારી અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો.
આ માટે પીસીમાં અથવા સ્માર્ટફોનમાં ફેસબુકનાં સેટિંગ્સમાં પહોંચો. અહીં ‘સર્ચ સેટિંગ્સ’ સુવિધાનો લાભ લઈને ફક્ત ‘ફીડ’ અથવા ‘ફીડ પ્રેફરન્સીઝ’ સર્ચ કરી જુઓ. તમે ‘ન્યૂઝ ફીડ પ્રેફરન્સીઝ’ના પેજ પર પહોંચશો. અહીં ફેવરિટ્સ, અનફોલો, રીકનેક્ટ, સ્નૂઝ જેવા વિવિધ વિકલ્પો મળશે. દરેક વિકલ્પ એક પછી એક તપાસશો તેમ તેની ખાસિયત જાણવા મળશે.
જેમ કે, ફેવરિટ્સમાં તમે જે મિત્રો કે પેજીસની પોસ્ટ્સ વધુ જોવા માગતા હો તેને સર્ચ કરીને ફેવરિટ તરીકે ઉમેરી શકો છો. આપણી એક્ટિવિટીને આધારે કોને ફેવરિટ તરીકે ઉમેરવા જેવા છે એ પણ ફેસબુક સજેસ્ટ કરશે.
અનફોલો, તેના નામ મુજબ જે લોકોની પોસ્ટ જોવા ન માગતા તેમનાં નામ પસંદ કરવા માટે છે. સારી વાત એ છે કે તમે કોઈને અનફોલો કરી રહ્યા છો એ વાત માત્ર તમે પોતે જ જાણશો!
રીકનેક્ટની સુવિધા, આપણે જેમને અગાઉ અનફોલો કર્યા હોય, પણ પછી મન બદલાયું હોય તેમને સાથે ફરી રીકનેક્ટ થવા માટે છે. અહીં તમને કોઈને અનફોલો કર્યા હશે તો જ એમનાં નામ દેખાશે, બાકી પાટી કોરી દેખાશે.
ફેસબુક આપણને ‘સ્નૂઝ’ની સગવડ પણ આપે છે. એટલે કે કોઈ મિત્ર ફેસબુક પર ઝાઝો કકળાટ કરી રહ્યા હોય તો તમને એમને થોડા સમય માટે, ફેસબુક પૂરતા, ચૂપ કરી શકો છો. પછી વિચાર બદલાય ત્યારે અહીં આવીને તમારો બદલાયેલો વિચાર ફેસબુકને જણાવી શકો છો. આમ ફેસબુકની ન્યૂઝફીડને આપણે જુદી જુદી ઘણી રીતે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
