એપલે ડેવલપર્સ માટે તે પોતાની એપમાં યૂઝરનું કેવી રીતે ટ્રેકિંગ કરે છે તે બતાવવાનું ફરજિયાત કર્યા પછી ફેસબુક અને એપલ બાખડી પડ્યા છે જ્યારે ગૂગલની હાલત કફોડી થઈ છે.
ફેસબુકનું આખું અર્થતંત્ર યૂઝરના ટ્રેકિંગ અને તે મુજબ યૂઝરને જાહેરાતો બતાવવા પર આધારિત છે. જ્યારે ગૂગલ આવી રીતે કમાણી કરે છે અને તે ઉપરાંત તેની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, પોતાનો એપ સ્ટોર અને ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા યૂઝર્સની બનેલી વિશાળ ઇકોસિસ્ટમ પણ છે.
એપલને પગલે હવે ગૂગલ પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ સ્ટોરમાંની એપ્સમાં ડેટા કલેકશન કેવી રીતે મર્યાદિત કરી શકાય તે દિશામાં વિચારવા લાગી છે. ગૂગલે એક એડવર્ટાઇઝિંગ કંપની તરીકે પોતાનું હિત જાળવવું જરૂરી છે અને સાથોસાથ એપલની જેમ એન્ડ્રોઇડમાં વધુ પ્રાયવસી માગતાયૂઝર્સને સંતોષવા પણ જરૂરી છે. ફેસબુકની જેમ ગૂગલે એપલના કદમનો વિરોધ નથી કર્યો એ પણ નોંધવા જેવું છે.
એ જ રીતે, હવે ગૂગલે તેની આઇઓએસ એપ્સમાં જે તે એપ યૂઝરનું કેટલી રીતે ટ્રેકિંગ કરે છે તે પણ આખરે બતાવવાનું શરૂ કર્યું છે. હવે ઘણી નવી વાતો બહાર આવશે એ નક્કી!

