(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણી આ ફેવરિટ એપ વિશે હવે બહુ ચિંતા કરવાનો કોઈ અર્થ નથી – એ આપણો ડેટા ઘણા સમયથી ફેસબુકને આપે છે!

વોટ્સએપની તેની નવી પોલિસીનો અમલ ૧૫ મે, ૨૦૨૧ સુધી ટાળી દીધો છે, પમ તેના વિશે સરેરાશ યૂઝર્સમાં ખાસ્સી ગૂંચવણો છે. આપણે નવી પોલિસી અને તેના વિશે વોટ્સએપની સ્પષ્ટતાઓના આધારે, કેટલીક પાયાની બાબતો જાણી લઇએ.

વોટ્સએપ હવે આપણા મેસેજ પણ વાંચશે?

ના. આપણી પર્સનલ ચેટ હજી પણ એન્ડ-ટુ-એન્ક્રિપ્ટેડ રહે છે. એટલે કે બે છેડા વચ્ચે બીજું કોઈ તે વાંચી શકતું નથી.

વોટ્સએપ આપણા મેસેજ ફેસબુક સાથે શેર કરશે?

ના. કંપનીની સ્પષ્ટતા મુજબ આપણા મેસેજ ખાનગી જ રહેશે. મેસેજ પોતે ફેસબુક સાથે શેર કરવામાં આવશે નહીં.

તો વોટ્સએપ ફેસબુક સાથે શું શેર કરશે?

આપણને વાંધો પડી શકે તેવી વાત અહીં જ છે. વોટ્સએપ કે ફેસબુકને આપણે મેસેજમાં શું લખીએ છીએ તેના કરતાં પણ કોને મેસેજ મોકલીએ છીએ, કોના કેવી રીતે સંપર્કમાં રહીએ છીએ તે વિશે જાણવામાં વધુ રસ છે. આ માહિતીને આધારે આપણને જાહેરાત બતાવવા અનેક કંપની તૈયાર હોય છે, ફેસબુક તેમની પાસેથી કમાણી કરે છે.

આપણા મૂળ મેસેજ જ વાંચવા જતાં વોટ્સએપ સલામત હોવાની વાત તદ્દન પોકળ સાબિત થાય, આથી વોટ્સએપ તે કરી શકે તેમ નથી. પરંતુ ફેસબુકે વોટ્સએપ ખરીદી ત્યારથી વોટ્સએપમાંના આપણા મેસેજ સિવાયનો અન્ય ઘણો ડેટા ફેસબુકને મળવા લાગ્યો છે. આ અગાઉ વોટ્સએપે આ બાબતને સંબંધિત પોતાની શરતો બદલી હતી ત્યારે પણ હોબાળો થયો હતો, પરંતુ છેવટે એ ભૂલીને લોકો વોટ્સએપમાં પરોવાયેલા રહ્યા છે. આ વખતે પણ લગભગ એવું જ થશે!

પાંચ કરોડથી વધુ બિઝનેસ ‘વોટ્સએપ ફોર બિઝનેસ’ સર્વિસનો ઉપયોગ કરે છે. ફેસબુક માટે તે દૂઝણી ગાય બને તેમ છે.

યુરોપિયન યુનિયનમાં રહેતા લોકો વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખીને ફેસબુક સાથે તેમના ડેટા શેર ન થાય એવો વિકલ્પ પસંદ કરી શકે છે. વિશ્વના અન્ય ભાગના લોકોને આવી સગવડ નથી. આમ વોટ્સએપ પહેલેથી આપણો ડેટા ફેસબુક સાથે શેર કરી રહી છે. (હવે ભારત સરકાર પણ આ વાતે વાંધો ઉઠાવી રહી છે).

વોટ્સએપ પર એકાઉન્ટ રજિસ્ટ્રેશન કરીએ એટલે કે આપણો ફોન નંબર આપીએ તે ડેટા, વોટ્સએપ પેમેન્ટ પરની લેવડદેવડનો ડેટા, વિવિધ બિઝનેસ અને અન્યો સાથેના ઇન્ટરએકશનનો ડેટા તથા મોબાઇલના હાર્ડવેર સંબંધિત ઘણો બધો ડેટા વોટ્સએપ ફેસબુક તથા તેની અન્ય કંપનીઓને આપે છે. ફોનમાં વોટ્સએપ હોય તો ફોનમાંની બીજી સંવેદનશીલ વિગતો પણ ચોરાઈ જશે એવું નથી.

બિઝનેસ સાથે શેર થતા ડેટા વિશે પોલિસીમાં શું છે?

હવે પાંચ કરોડથી વધુ બિઝનેસ ‘વોટ્સએપ ફોર બિઝનેસ’ સર્વિસનો ઉપયોગ કરે છે. વોટ્સએપ અને ફેસબુક માટે તે દૂઝણી ગાય બને તેમ છે. ફેસબુક માટે અત્યારે એક માત્ર વોટ્સએપ એવી કંપની છે જે તેને કમાણી કરાવતી નથી. ફેસબુક ‘વોટ્સએપ ફોર બિઝનેસ’ સર્વિસમાંથી કમાણી કરવા ઇચ્છે છે. આ સર્વિસનો ઉપયોગ કરતા બિઝનેસ, ફેસબુક ઉપરાંત વિવિધ થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ  પાસેથી કેટલીક સગવડો મેળવી શકે છે. આપણે વોટ્સએપ પર બિઝનેસ એકાઉન્ટ સાથે ચેટિંગ કે અન્ય પ્રકારની લેવડદેવડ કરીએ તેની વિગતો એ બિઝનેસ ઉપરાંત ફેસબુક તથા અન્ય થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સને મળી શકે છે. દેખીતું છે કે તેનો ઉપયોગ કરીને એ બિઝનેસ, ફેસબુક અને અન્ય પાર્ટીઓ આપણી પાસેથી વધુ કમાણી કરવાનો પ્રયાસ કરશે.

હવે વોટ્સએપ પર આપણા ડેટાને આધારે જાહેરાતો જોવા મળશે?

ના. વોટ્સએપ પર હજી જાહેરાતો બતાવવામાં આવતી નથી અને કંપનીનું હાલ તુરત એવું આયોજન હોય તેવું લાગતું નથી. પરંતુ ખાસ કરીને અન્ય બિઝનેસ સાથેના વોટ્સએપ પરના આપણા ટ્રાન્ઝેકશનને આધારે ફેસબુક અને તેની અન્ય કંપનીઓ, જેમાં જાહેરાતો બતાવવામાં આવે છે, તેમાં આપણને વધુ સંબંધિત હોય તેવી જાહેરાતો બતાવશે.


વોટ્સએપ આપણા મેસેજિસ સ્ટોર કરે છે?

સામાન્ય રીતે કોઈ પણ મેસેજ એક પાર્ટી તરફથી બીજી પાર્ટીના ડિવાઇસમાં ડિલિવર થઈ જાય તે પછી વોટ્સએપના સર્વર પરથી ડીલિટ કરી દેવામાં આવે છે. મેસેજ  ડિલિવર ન થાય ત્યાં સુધી ૩૦ દિવસ સુધી મેસેજ વોટ્સએપના સર્વર પર રાખવામાં આવે છે.

વોટ્સએપનો ઉપયોગ બંધ કરવો? એ ન થઈ શકે તો શું કરવું?

દુર્ભાગ્યે, ઇન્ટરનેટનું અર્થતંત્ર ‘મફત’ સર્વિસ આપીને ‘બીજી’ રીતે કમાણી કરવાના મોડેલ પર વિકસ્યું છે. આ કારણે ઇન્ટરનેટ પર સગવડ, પ્રાઇવસી અને સિક્યોરિટી આ ત્રણ બાબતનું સંતુલન બહુ જરૂરી હોવા છતાં, એ શક્ય બનાવવું મુશ્કેલ છે.

વોટ્સએપ ફ્રી હોવાથી અને હવે તેની માલિક કંપની ફેસબુકને કમાણીમાં જ રસ હોવાથી તે વોટ્સએપને પહેલાં જેવી – સરળ અને સ્પષ્ટ, માત્ર મેસેજિંગ માટે મજાની એપ રહેવા દે તેમ નથી.

વોટ્સએપ હવે ઇ-કોમર્સનું એક બહુ મોટું પ્લેટફોર્મ બનવા તરફ આગળ વધી રહી છે, એ જોતાં તેમાં આપણી પ્રાઇવસી લાંબો સમય સચવાય એવી શક્યતા નથી.

જોકે વોટ્સએપ પહેલાં (અને અત્યારે પણ) આપણે જીમેઇલની ‘મફત’ સર્વિસનો ભરપૂર ઉપયોગ કર્યો છે, તેમાં આપણા મેઇલ્સ ગૂગલની િસસ્ટમ વાંચી શકતી હતી (થર્ડ પાર્ટી એપ કનેક્ટ કરી હોય તો તો તેનો કોઈ કર્મચારી પણ). ગૂગલનું સર્ચ એન્જિન એ જ મોડેલ પર ચાલે છે.

એટલે મુદ્દો માત્ર વોટ્સએપ ‘અસલામત’ બની ગયાનો નથી. પ્રાઇવસીની દૃષ્ટિએ આખું ઇન્ટરનેટ જ અસલામત છે. ફક્ત વોટ્સએપ છોડીને વધુ ‘સલામત’ સિગ્નલ તરફ વળવાથી આપણી પ્રાઇવસી ત્યારે જ જળવાય, જ્યારે આપણે ઇન્ટરનેટ પર માત્ર ને માત્ર વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ!

અત્યારે આપણે યૂઝર તરીકે માત્ર એટલું જ કરી શકીએ કે  આપણે જે સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ તેનાં સેટિંગ્સ બરાબર તપાસી, શક્ય એટલી પ્રાઇવસી કેવી રીતે જાળવી શકાય તે તપાસવું. જે સર્વિસ બહુ જોખમી લાગે અને તેના ઉપયોગ વિના ચાલે તેમ હોય તેને છોડી દેવી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!