લાંબા સમયથી જેનો મજબૂત પાયો તૈયાર થયો એ એકવીસમી સદી આવી પહોંચી અને તેના પહેલા જ બે દાયકામાં આપણી દુનિયા ઘણી બધી રીતે બદલાઈ ગઈ. ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૨૧ અંકમાં, એકવીસમી સદીના પહેલા બે દાયકામાં કેવાં પરિવર્તનો આવ્યાં તેની આપણે વાત કરી હતી. એ જોતાં ઇન્ટરનેટ અદભુત શોધ લાગે એ દેખીતું છે, પરંતુ તેમાં હજી ઘણી બધી ઉણપો છે. ઘણી બધી બાબતે આપણે હજી વધુ આશા રાખી શકીએ તેમ છીએ. આ અંકમાં, એવા મુદ્દાઓ પર ફોકસ કરીએ.
આપણે તો વીતેલા ૨૦૨૦ના વસમા વર્ષમાં પણ આશા રાખીને ટકી રહ્યા, તો હવે તો એ ભૂતકાળ બન્યું છે. સંક્રમણના એક્ટિવ કેસ ઘટી રહ્યા છે, રીકવરી રેટ ઘણો સુધરી રહ્યો છે, રસી આવી ગઈ છે – હવે આશાભરી વાતો જ કરીએ!
ઇન્ફર્મેશન ટેક્નોલોજીની રીતે, વીસમી સદીના પાછલા દાયકાઓમાં અને ખાસ કરીને એકવીસદી સદીના પહેલા બે દાયકાઓમાં જબરજસ્ત પરિવર્તનો આવ્યાં છે. આ બધા દાયકા જોનારી વ્યક્તિઓને તો આ પરિવર્તનો પચાવવાં મુશ્કેલ બને એવી સ્થિતિ છે. ટેક્નોલોજી પર્સનલ ઉપયોગ માટેની હોય કે પછી તેનાથી ઉપરના સ્તરની, આપણે તેજ ગતિએ આગળ વધી રહ્યા છીએ.
આમ છતાં, હજી ઘણી બાબતો એવી છે, જેમાં આપણે હજી જોઈએ તેવાં પરિણામો મેળવી શક્યા નથી. આંખના પલકારામાં દુનિયાના કોઈ પણ ખૂણે માહિતીની આપલે કરવાની કે ‘રૂબરૂ’ વાતચીત કરવાની સગવડ મળી, પણ સાથે હેકિંગ, અપૂરતી પ્રાઇવસી, ડેટાની ચોરી વગેરે ઘણા પ્રકારનાં દૂષણો પણ વળગ્યાં. ઇન્ફર્મેશન ટેક્નોલોજી જેટલી સાચી દિશામાં આગળ વધી એટલો જ તેનો દુરુપયોગ પણ વધ્યો છે.
તેમ છતાં, બધું સાવ નિરાશાજનક નથી.
વીતેલું વર્ષ ઘણી રીતે નિરાશાજનક કહ્યું, પણ આ વર્ષ ટેક્નોલોજીની રીતે જુદા જુદા પ્રકારની અનેક નવી-જૂની આશાઓ લઈને આવ્યું છે.
ઇન્ટરનેટની દુનિયામાં એકદમ મોખરે અથવા ક્યાંક ખૂણેખાંચરે એવા પ્રયાસો થઈ રહ્યા છે, જે ઇન્ટરનેટને વધુ વિશ્વસનીય, વધુ સલામત, વધુ ઉપયોગી બનાવે તેમ છે. વોટ્સએપની નવી શરતોને પગલે અચાનક આપણે સૌ પ્રાઇવસી બાબતે વધુ સજાગ બન્યા છીએ અને સૌને એ વાત ખૂંચવા લાગી છે કે અત્યારે બધી ટેક કંપનીઓ આદુ ખાઈને આપણા ડેટા પાછળ પડી છે. આ સમયમાં, ભારતમાં જ એવો એક અનોખો વિચાર પણ જન્મ્યો છે કે લોકો ઇચ્છે તો સામે ચાલીને, પોતાનો માત્ર અમુક પ્રકારનો ડેટા, માત્ર અમુક પ્રકારની સંસ્થા સાથે શેર કરે તો તેમાંથી બંને પક્ષને લાભ થા તેવી વિન-વિન જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે!
આગળનાં પાનાંઓમાં આવા બધા, ઇન્ટરનેટની ક્રાંતિકારી શોધ પાસેથી વધુ હકારાત્મક પરિણામો અપાવે એવા પ્રયાસોની વાત કરી છે. આમાંથી કેટલાકના લાભ આપણને મળવા શરૂ થઈ ગયા છે અથવા આ વર્ષમાં જ મોટા પાયે મળવા લાગશે. કેટલાકમાં દિલ્હી હજી બહુ દૂર લાગે છે, પણ કાળાં વાદળાં પાછળ સોનેરી કિરણો ચોક્કસ દેખાઈ રહ્યાં છે.
જેમ, ૨૦૨૦માં આપણને ૨૦૨૧ દેખાતું હતું!
હેકિંગ ન થાય એવું ઇન્ટરનેટ મળશે!
હેકિંગ આખી દુનિયા માટે મોટો માથાનો દુઃખાવો છે. નેધરલેન્ડસની એક યુનિવર્સિટીના સંશોધકોની ટીમ ચાર શહેરોને કનેક્ટ કરતું નેટવર્ક તૈયાર કરી રહી છે. ઇન્ટરનેટના પુરોગામી ‘આર્પાનેટ’ જેવી વાત લાગે પણ આ ઇન્ટરનેટ જુદું છે. આ નેટવર્ક પર મોકલવામાં આવેલા મેસેજ હેક થઈ શકશે નહીં! ચીનમાં પણ બિજિંગ અને શાંઘાઈ વચ્ચે આવું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. નેધરલેન્ડનું નેટવર્ક તેના કરતાં વધુ સલામત હશે કેમ કે તેમાં ક્વોન્ટમ ફિઝિક્સનો ઉપયોગ થશે.
આવા નેટવર્કમાં ફાઇબર ઓપ્ટિક કેબલ્સમાં ફોટોન્સની જોડીઓમાં એમ્બેડ કરેલ ડેટાની આપલે થશે. ફોટોનમાં સમાયેલ ડેટાને અધવચ્ચેથી વાંચવાનો પ્રયાસ કરતાં ડેટા ખોરવાઈ જાય છે. થિયરીમાં વાત સહેલી છે પણ પ્રેક્ટિકલમાં મુશ્કેલ છે. આ પ્રકારના ડેટા એમ્બેડ કરી શકાય તેવા ફોટોન સર્જવા મુશ્કેલ છે અને લાંબા અંતર સુધી તેમને ટ્રાન્સમિટ કરવા એથી પણ વધુ મુશ્કેલ છે!
અવિશ્વસનીય ઇન્ટરનેટ ભરોસાપાત્ર બનશે!
ઇન્ટરનેટથી દુનિયાનાં ભૌતિક અંતરો ભૂંસાઈ ગયાં, પરંતુ એકબીજા પરનો અવિશ્વાસ દૂર કરી શકાયો નથી. ઇન્ટરનેટ પોતે ભરોસાપાત્ર નથી. ઇન્ટરનેટ પર સાચું હોય તેના કરતાં ખોટું હોય તેનું પ્રમાણ બહુ વધુ છે. ટેકનોલોજીને કારણે ઇન્ફર્મેશનનો રેકોર્ડ રાખવો સહેલો બન્યો છે, પરંતુ તેમાં ચેડાં ન જ થઈ શકે એવી સ્થિતિ સર્જી શકાઈ નથી.
આપણે મકાન ખરીદતી વખતે તેનું ટાઇટલ ક્લિયર હોવા વિશે તેની ૩૦ વર્ષની હિસ્ટ્રીની તપાસ કરીએ છીએ. પરંતુ આ રેકોર્ડ સાચો જ હશે એવું માની શકાય? આ રેકોર્ડમાં પણ ચેડાં થાય છે અને પરિણામે છેતરપિંડી પણ થાય છે. આવું લગભગ બધી જ બાબતોમાં બને છે. બ્લોકચેઇન ટેકનોલોજીને કારણે આ સ્થિતિ બદલાઈ જાય એવી આશા જાગી છે. બ્લોકચેઇનથી બેન્કિંગ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ અને તે ઉપરાંત લગભગ બધાં જ ક્ષેત્રોમાં ડેટા ડીસેન્ટ્રલાઇઝ્ડ રહેશે અને છતાં તેમાં ચેડાં થઈ શકશે નહીં.
ડેટાનું સ્વેચ્છાએ શેરિંગ લાભ અપાવશે!
અત્યારે ઇન્ટરનેટનું બિઝનેસ મોડેલ જ એ પ્રકારનું છે કે તમામ ટેક કંપની પોતાની સર્વિસ મફત આપે છે અને કમાણી કરવા યૂઝરનો ડેટા એડવર્ટાઇઝર્સને વેચે છે અથવા એડવર્ટાઇઝર્સ પોતાની પાસેનો ડેટા આ ટેક કંપનીઓને આપે છે. યૂઝર તરીકે આપણો તેના પર અંકુશ નથી.
પણ, આપણે પોતાનો ડેટા, પોતાના લાભ માટે, પોતાની મરજીથી શેર કરવો હોય તો?
આવો વિચાર ભારતમાં જ જન્મ્યો છે. ઇન્ફોસિસ અને આધાર પ્રોજેક્ટથી પ્રખ્યાત નંદન નિલેકણીના દિમાગની એ નીપજ છે. ‘સહમતી’ નામનો આ કન્સેપ્ટ હજી પ્રાથમિક તબક્કે છે, પણ તેમાં આપણે બેન્ક એકાઉન્ટનો અને અન્ય પ્રકારનો ડેટા લોન આપનાર બેન્ક/સંસ્થા સાથે, પોતાની મરજીથી શેર કરી શકીશું અને તેના આધારે વધુ સહેલાઈથી, વધુ લોન મેળવી શકીશું. બેન્ક માટે પણ લોન ડૂબવાનું જોખમ ઘટશે! (‘સહમતી’ વિશે વધુ જાણો સપ્ટેમ્બર ૨૦૧૯ અંકમાં).
આપણા જીવન-ડેટા પર આપણો અંકુશ રહેશે!
ઇન્ટરનેટની દુનિયામાં પગ મૂક્યા પછી ગૂમનામ રહેવું લગભગ અશક્ય છે. ઇનકોગ્નિટો મોડ કે પ્રાઇવસી પર ફોકસ્ડ બ્રાઉઝર ઉપલબ્ધ છે, પરંતુ તે હજી સચોટ રીતે અસરકારક નથી. વીપીએન કે ‘ટોર’ બ્રાઉઝર જેવા વિકલ્પ છે પરંતુ તે સરારેશ યૂઝરને ઉપલબ્ધ નથી.
આ સ્થિતિમાં ઇન્ટરનેટ પર આપણે કંઈ પણ કરીએ તેના પર અનેક લોકો નજર રાખી શકે છે. યૂઝરના ડેટા આધારિત ઇન્ટરનેટનું અર્થતંત્ર પ્રાઇવસીને વધુ મુશ્કેલ બનાવે છે.
સારી વાત એ છે કે એપલ અને યુરોપિયન દેશોની સરકારો યૂઝરની પ્રાઇવસી બાબતે વધુ સજાગ છે.
આ વર્ષથી એપલે આઇઓએસમાં વિવિધ એપ આપણું કેટલું ટ્રેકિંગ કરી શકે એ વિશે યૂઝરની મંજૂરી સ્પષ્ટ રીતે માગવાનું ફરજિયાત કર્યું છે. આ કારણે ટ્રેકિંગ ઓછું થવાની શક્યતા નથી, પરંતુ એ બાબતે સજાગતા વધશે અને સ્થિતિ કંઈક બદલાશે એવી આશા રાખી શકાય.
એઆઇ ખરેખર હાથવગી બનશે!
ટેક્નોલોજીનો નવો આધાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) બનશે એવું જોરશોરથી કહેવાઈ રહ્યું છે અને આ વાતમાં તથ્ય પણ છે.
અત્યાર સુધી મુશ્કેલી એ રહી છે કે એઆઇ શક્ય બનાવવા માટે પાર વગરનો ડેટા અને એટલો જ જબરજસ્ત પ્રોસેસિંગ પાવર જોઈએ. એ માટે અત્યારે સેન્ટ્રલાઇઝ્ડ ક્લાઉડ સર્વિસીઝનો ઉપયોગ થાય છે. એમાં ઊર્જા પણ પુષ્કળ જોઈએ, સ્પીડ ઓછી મળે અને ડેટાની પ્રાઇવસી જેવા બીજા પ્રશ્નો પણ ઊભા થાય.
વાત તો બને, જો એઆઇનો પાવર દરેકના હાથમાંના સ્માર્ટફોનમાં જ સમાઈ જાય. આવું હવે શક્ય બનવા લાગ્યું છે. ગૂગલની એઆઇ આધારિત આસિસ્ટન્ટ સર્વિસ હવે આપણી રીક્વેસ્ટ પર, આપણો ડેટા ગૂગલના રીમોટ સર્વરમાં વિગતો મોકલ્યા વિના કામ કરી શકે છે. આવું જ એપલ, આઇબીએમ અને એમેઝોનની સર્વિસમાં શક્ય બનવા લાગ્યું છે!
આખી દુનિયાને નવા પ્રકારનાં નાણાં મળશે!
વાત ઓનલાઇન પેમેન્ટની નથી. કાર્ડસ, નેટ બેન્કિંગ કે વોલેટ્સ કે યુપીઆઇની મદદથી આપણે આંગળીના ઇશારે પેમેન્ટ કરી શકીએ છીએ પણ તેમાં આખરે તો વર્ષોથી જે ચલણી છે એ નાણાંનો જ ઉપયોગ થાય છે. હવે દુનિયા નવા પ્રકારની ગ્લોબલ ડિજિટલ કરન્સી તરફ આગળ વધી રહી છે.
ગયા વર્ષે ફેસબુકે ‘લિબ્રા’ નામની નવી ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ કરન્સી બિટકોઇન જેવી ગૂમનામ અને વિશ્વના સ્થાપિત અર્થતંત્રને પડકારે તેવી નહીં, પણ વિશ્વના કાયદાઓને અનુસરે તેવી હશે એવું ફેસબુક કહે છે. બીજી તરફ ચીને પોતાના ચલણનું ડિજિટલ વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેમ યુએસ-ચાયના વચ્ચે ટ્રેડ વોર ચાલે છે એ જ રીતે હવે ડિજિટલ કરન્સી વોર પણ શરૂ થશે. ડિજિટલ કરન્સી સૌ સુધી પહોંચે એ દિવસો હજી દૂર છે, પરંતુ એવું થશે ત્યારે પરંપરાગત ચલણની ખામીઓ દૂર થશે એવી આશા રાખી શકાય!
ખૂણેખાંચરે ઝડપી ઇન્ટરનેટ મળશે!
ઇન્ટરનેટથી અર્થતંત્ર ને રોજિંદું જીવન બધું જ બદલાઈ રહ્યું છે, પણ હજી અડધોઅડધ દુનિયા – વિસ્તાર અને લોકોની સંખ્યાની રીતે – સુધી ઇન્ટરનેટ તેની પૂરી ક્ષમતા સાથે પહોંચી શકતું નથી.
અત્યારે આખી દુનિયાના દેશો મહાસાગરોમાં પાથરેલા સબમરીન કેબલ્સથી નેટ સાથે કનેક્ટેડ છે, પણ વિવિધ દેશોના અંતરિયાળ ભાગોમાં બધે નેટ પહોંચી શકતું નથી. આના ઉપાય માટે વિવિધ ટેક કંપની અવકાશમાં સેટેલાઇટ્સનું વિરાટ જાળું રચવા માટે પ્રયત્નશીલ છે. આ માટે અત્યાર સુધીમાં કુલ જેટલા સેટેલાઇટ્સ તરતા મૂકાયા છે તેના કરતાં ચારેક ગણા વધુ સેટેલાઇટ્સ નજીકના ભવિષ્યમાં અવકાશમાં ગોઠવવાનું આયોજન છે. આવા સેટેલાઇટ્સથી પૃથ્વીના દરેક ખૂણામાં નેટ કનેક્શન મળી શકશે – ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે પણ તે જરૂરી છે. પ્રાયોગિક ધોરણે આ રીતે કનેક્શન મળવું શરૂ પણ થઈ ગયું છે!
ઝંઝાવાતી ફાઇવ-જીથી ચમત્કારો સર્જાશે!
જગતને ટુ-જીમાંથી ફોર-જી ટેકનોલોજી સુધી પહોંચતાં ૨૦ વર્ષ લાગ્યા છે. છતાં હજી ફોર-જી સૌને માટે તેની પૂરી ક્ષમતા સાથે ઉપલબ્ધ નથી. મહાનગરોમાં પણ આ સ્થિતિ છે ત્યાં ગામડાંની તો વાત જ શી કરવી? ત્યાં હવે ફાઇવ-જીના પડઘમ વાગવા લાગ્યા છે. ફાઇવ-જી ટેકનોલોજી સપોર્ટ કરતા હોય તેવા સ્માર્ટફોન લોન્ચ થવા લાગ્યા છે.
ભારતમાં પણ આ વર્ષે ફાઇવ-જી નેટવર્ક મર્યાદિત પ્રમાણમાં કાર્યરત થઈ જવાની શક્યતા છે. આપણા હાથમાં ફાઇવ-જી ફોન હશે તો બફરિંગ વિના ધૂંઆધાર સ્પીડે વીડિયો જોઈ શકાશે કે લેગિંગ વિના વીડિયો ગેમ રમી શકાશે એ તો એનો બહુ સીમિત લાભ થયો. ફાઇવ-જીને કારણે અનેક પ્રકારનાં સાધનો આંખના પલકારામાં ઇન્ટરનેટ પર ડેટાની આપલે કરતા થઈ જશે ત્યારે ફાઇવ-જીથી ખરેખર ચમત્કારો થવા લાગશે! એ સમયે ઇન્ટરનેટ ઓફ થિંગ્સની કલ્પના ખરા અર્થમાં સાકાર થશે.
ફક્ત એક રોગી માટે પણ દવા શોધાશે!
નવી ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રે ગજબની નવી સંભાવનાઓ ખુલી રહી છે. અત્યાર સુધી કોઈ બાળકને દુર્લભ રોગ હોય તો તેની સારવાર ઉપલબ્ધ નહોતી. એ રોગ એટલી ઓછી સંખ્યામાં લોકોને થતો હોય કે તેની સારવાર શોધવામાં કોઈ કંપનીને રસ ન હોય. મોટા ભાગે આવા રોગ ડીએનએમાં ખામીને કારણે થતા હોય છે. હવે આવી વ્યક્તિગત ખામીને સુધારી શકાય એવી શક્યતાઓ ઊભી થઈ છે.
એ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વિજ્ઞાનીઓને નવા ડ્રગ મોલેક્યુલ ઓળખવાની અને તેમની પ્રોપર્ટી સમજવાની કે બદલવાની શક્તિ મળી રહી છે. આ કારણે નવી દવાઓ વિકસાવવાનો ખર્ચ પણ ઘણો ઘટશે એવી આશા છે. સામાન્ય રીતે નવી દવાઓ શોધાતાં વર્ષો લાગી જતાં હોય છે, પણ કોવિડની રસી માંડ એક વર્ષમાં તૈયાર થઈ શકી એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે સંશોધકોને ખાસ્સી મદદ કરી છે!
ડેટાની ત્સુનામી ડીએનએમાં સમાશે!
આવનારી દુનિયાની ઇમારત ડેટાના પાયા પર જ રચાવાની છે. અત્યારે મોટા ભાગે માણસ પોતાના કમ્પ્યૂટર કે સ્માર્ટફોનથી ડેટા સર્જે છે, પરંતુ આવનારા સમયમાં અબજો સાધનો ઇન્ટરનેટ પર અનેક પ્રકારના ડેટાનો બોજો વધારશે. પાંચ વર્ષ પહેલાં, ૨૦૧૫ સુધીમાં આપણે કુલ ૪.૪ ઝેટ્ટાબાઇટ ડેટા પેદા કરી લીધો હતો.
એક ઝેટ્ટાબાઇટ એટલે અંદાજે એક અબજ ટેરાબાઇટ. તેની સામે વિજ્ઞાનીઓ માને છે કે આવતાં પાંચ વર્ષ એટલે કે ૨૦૨૫ સુધીમાં આપણે દર વર્ષે ૧૬૦ ઝેટ્ટાબાઇટ ડેટા સર્જવા લાગીશું! આખી દુનિયામાં પથરાયેલી, ડેટા સંગ્રહની જે કંઈ સુવિધાઓ છે, એ આ ડેટા ત્સુનામી સામે સાવ પાંગળી સાબિત થાય તેમ છે. તેના ઉપાય તરીકે વિજ્ઞાનીઓ હવે ડીએનએમાં ડેટા સંગ્રહવા ફોકસ કરી રહ્યા છે, જે દસેક હજાર વર્ષ સુધી ટકે તેવો હશે. અલબત્ત આ દિશામાં હજી થોડી સફળતા મળી છે અને તોતિંગ ખર્ચ મોટી આડખીલી છે!
પોતાનું કન્ટેન્ટ પોતાના હાથમાં રહેશે!
ઇન્ટરનેટની એક મોટી મુશ્કેલી એ છે કે તેમાં બધું ‘રામબાણ’ જેવું છે – આપણા હાથમાંથી છૂટ્યા પછી તીર – આપણા કન્ટેન્ટ – પર આપણો કોઈ અંકુશ રહેતો નથી.
સરેરાશ યૂઝર્સને આમાં મજા જ મજા છે કેમ કે ટેલિગ્રામ જેવી એપ પર જોઈએ તે મૂવી, સોંગ્સ આલબમ, ટીવી શો, સોફ્ટવેર, ઇ-બુક્સ, મેગેઝિન વગેરે બધાની પાઇરેટેડ કોપી મળી રહે છે, પણ આ જ કારણે કન્ટેન્ટ સર્જનારને તેની મહેનત કે ખર્ચનું યોગ્ય મૂલ્ય મળતું નથી. હવે ગૂગલ ડ્રાઇવનો પણ પાઇરસી માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી ઓનલાઇન પાઇરસી કંટ્રોલ કરવી બહુ મુશ્કેલ હતી. હવે સ્થિતિ બદલાઈ રહી છે. ઓટીટી પ્લેટફોર્મને કારણે મ્યુઝિક, મૂવી અને ટીવીના ડિસ્ટ્રિબ્યુશનનાં નવાં મોડેલ્સ મળ્યાં છે. ઇ-મેઇલ મોકલ્યા પછી તેના પર પણ પૂરો કંટ્રોલ રહે – ફોરવર્ડ, કોપી, સેવ, સ્ક્રીનશોટ્સ વગેરે કશું જ ન થઈ શકે એવું હવે શક્ય બનવા લાગ્યું છે!
પાસવર્ડની પળોજણમાંથી છેવટે મુક્તિ મળશે!
અનેક સર્વિસ માટે અનેક પાસવર્ડ – કોઈ પણ વ્યક્તિ માટે આ બહુ મોટી પરેશાની છે. ઇન્ટરનેટ પર તમે જેટલા વધુ એક્ટિવ, એટલી વધુ સર્વિસીસ માટે પાસવર્ડ્સ યાદ રાખવાની પળોજણ છે.
ફ્રી કે પેઇડ પાસવર્ડ મેનેજર્સની સગવડથી આ પરેશાની હળવી બની છે, પણ મૂળભૂત પાસવર્ડથી જ છૂટકારો હજી મળ્યો નથી. હવે ‘પાસવર્ડલેસ ઓથેન્ટિકેશન’ તરફ દુનિયા આગળ વધી છે. આ માટે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીમાંની આઇરિસ જેવી બાયોમેટ્રિક બાબતોથી ઓથેન્ટિકેશન ઉપરાંત વિવિધ પ્રકારના મલ્ટિસ્ટેપ ઓથેન્ટિકેશનની મદદથી પાસવર્ડની પળોજણમાંથી કાયમી મુક્તિ મળવાની આશા જાગી છે.
અત્યારે આ બધી બાબતો પરંપરાગત પાસવર્ડ ઉપરાંત વધારાની સલામતી વ્યવસ્થા તરીકે અમલમાં મુકાઈ રહી છે. આગળ જતાં તે પાસવર્ડનું જ સ્થાન લઇ લે તેવી શક્યતા છે!

