ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
ફેબ્રુઆરી 3, 1986 : ‘વેપરવેર’ શબ્દ જન્મ્યો
‘સોફ્ટવેર’ અને ‘હાર્ડવેર’ તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ટાઇમ મેગેઝિનના એક લેખમાં આ દિવસે પહેલી વાર ‘વેપરવેર’ શબ્દનો ઉપયોગ થયો. એ સમયે ખાસ કરીને મોટી અને જાણીતી કંપની, લોકો તેની હરીફ કંપનીના સોફ્ટવેર ખરીદે નહીં એ માટે પોતાનું નવું વર્ઝન ‘ટૂંક સમયમાં આવી રહ્યું છે’ એવી હવા ઊભી કરતી હતી. જાહેર થયા પછી લાંબો સમય ખરેખર લોન્ચ થાય જ નહીં એવા સોફ્ટવેર માટે ‘વેપરવેર’ શબ્દ પછી તો ખાસ્સો ચલણી બન્યો.
ફેબ્રુઆરી 4, 2000 : જબરજસ્ત લોકપ્રિય ગેમ
ડિજિટલ ગેમ્સમાં ઇલેક્ટ્રોનિક્સ આર્ટ્સ બહુ જાણીતું નામ છે. આ કંપનીએ આ દિવસે ‘ધ સિમ્સ’ નામની એક પીસી ગેમ લોન્ચ કરી, જે ગેમિંગ હિસ્ટ્રીમાં સૌથી વધુ વેચાતી ગેમ્સમાં સ્થાન પામી. આ ગેમ લોકોને જુદી ડિજિટલ જિંદગી જીવવાની તક આપે છે!
ફેબ્રુઆરી 7, 2003 : મશીન-માણસની લડાઈમાં ટાઈ
વર્ષ ૧૯૯૭માં આઇબીએમ કંપનીના ‘ડીપ બ્લ્યુ’ નામના કમ્પ્યૂટર સામેની ચેસ ગેમમાં એ સમયના વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ હાર્યા હતા, પણ આ દિવસે ‘ડીપ જુનિયર’ નામના કમ્પ્યૂટર સામેની મેચ ડ્રોમાં ખેંચી જઈને કાસ્પારોવે થોડી રાહતનો અનુભવ કર્યો.
ફેબ્રુઆરી 4, 2004 : ફેસબુકનો જન્મસત્તર વર્ષ પહેલાં, જ્યારે દુનિયાએ ફેસબુકનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે અમેરિકામાં ફેસમેશ.કોમ નામની એક વેબસાઇટ વિવાદાસ્પદ બની હતી.
માર્ક ઝકરબર્ગે કોલેજની હોસ્ટેલના દોસ્તો સાથે કામ કરતાં કરતાં આજના દિવસે ‘ધફેસબુક’ સર્વિસ લોન્ચ કરી હતી, જેને આગળ જતાં માત્ર ‘ફેસબુક’ નામ આપવામાં આવ્યું. દુનિયા સ્માર્ટફોન પર આગળ વધી ગઈ એ સાથે ફેસબુકે મેસેન્જર એપ અને પછી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ખરીદી લઈને સોશિયલ મીડિયામાં પોતાનું સામ્રાજ્ય જાળવી રાખ્યું. યૂઝરના ડેટાની પ્રાઇવસી અને વારંવાર ડેટા બ્રીચને મામલે ફેસબુક વારંવાર વગોવાઈ છે, માર્ક ઝકરબર્ગે અમેરિકન સેનેટમાં વારંવાર માફી માગી છે, પણ લોકોના દિલોદિમાગ પર ફેસબુકનું રાજ અકબંધ છે! |
ફેબ્રુઆરી 14, 1876 : એક શોધ માટે બે પેટન્ટ
‘વેલેન્ટાઇન ડે’ તરીકે હવે વધુ વિખ્યાત આ દિવસે ૧૮૭૬માં મોટા વિખવાદનાં બીજ રોપાયાં હતાં. આ દિવસે એલેઝાન્ડર બેલ અને એલિસા ગ્રે નામની બે વ્યક્તિએ એક જ વસ્તુ માટે પેટન્ટ નોંધાવી, એ વસ્તુ હતી ટેલિફોન!
ફેબ્રુઆરી 14, 1924 : આઇબીએમનો જન્મ
ટેકનોલોજી ક્ષેત્રે આજે બહુ જાણીતી કંપની આઇબીએમનું આખું નામ ‘ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ’ છે! આ નામ તેને આજના દિવસે મળ્યું, એ પહેલાં તેનું નામ હતું ‘કમ્પ્યૂટિંગ ટેબ્યુલેટિંગ રેકોર્ડિંગ કોર્પોરેશન’!
ફેબ્રુઆરી 14, 1946 : પહેલું ઇલેકટ્રોનિક કમ્પ્યૂટર
આ દિવસે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ‘ઇએનઆઇએસી’ તરીકે ઓળખાતું કમ્પ્યૂટર રજૂ થયું, જે પહેલું પૂરેપૂરું ઇલેક્ટ્રોનિક કમ્પ્યૂટર હતું. આ મશીન એ સમયનાં અન્ય મશીન્સ કરતાં એક હજાર ગણી વધુ ઝડપે (પ્રતિ સેકન્ડ ૫૦૦૦) ગણતરી કરી શકતું હતું. તેનું વજન હતું ૩૦ ટન અને તે ૧૫૦૦ ચોરસ ફૂટ કરતાં વધુ જગ્યા રોકતું હતું!
ફેબ્રુઆરી 14, 1989 : આધુનિક જીપીએસ સેટેલાઇટ
આજે સ્માર્ટફોનમાં જીપીએસને પરિણામે દુનિયાભરની કેટકેટલીય કંપની અને આપણે પોતે પણ નકશા પર જોઈ શકીએ છીએ કે જે તે સમયે આપણે પૃથ્વી પર બરાબર કઈ જગ્યાએ છીએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ૨૪ સેટેલાઇટ્સના ઝુમખાથી કામ કરે છે. આમાંનો પહેલો સેટેલાઇટ આ દિવસે લોન્ચ થયો હતો.
ફેબ્રુઆરી 15, 2005 : વીડિયોયુગનો પ્રારંભ
આજે દુનિયામાં સૌથી વધુ જોવાતી ત્રણ વેબસાઇટ ફેસબુક, ગૂગલ અને જીમેઇલ પછી ચોથા ક્રમે છે યુટ્યૂબ. અગાઉ પેપાલમાં કામ કરનારા ત્રણ મિત્રોએ વીડિયો હોસ્ટિંગ માટે આજના દિવસે યુટ્યૂબ.કોમ ડોમેઇન એક્ટિવેટ કર્યું હતું. ઇન્ટરનેટ પર બહુ ઓછી વેબસર્વિસ યુટ્યૂબ જેટલી ઝડપે લોકપ્રિય થઈ છે. યુટ્યૂબ.કોમ શરૂ થયાના બે જ વર્ષમાં, નવેમ્બર ૨૦૦૬માં ગૂગલે તે કંપની ૧.૬૫ અબજ ડોલરમાં ખરીદી લીધી.
ફેબ્રુઆરી 17, 1959 : પહેલો વેધર સેટેલાઇટ લોન્ચ થયો
આજે સુપર કમ્પ્યૂટર્સનો પ્રોસેસિંગ પાવર ગજબ વધી ગયો છે એટલે હવામાનની ખાસ્સી સચોટ આગાહી શક્ય બની છે. પરંતુ અડધી સદી પહેલાં એવી સ્થિતિ નહોતી. આજના દિવસે વિશ્વનો પહેલો વેધર સેટેલાઇટ વેનગાર્ડ-૨ અવકાશમાં તરતો મૂકાયો, જોકે એ બહુ સફળ નીવડ્યો નહીં. ત્યાર પછીના વર્ષે લોન્ચ થયેલો ટાઇરોસ-૧ નામનો વેધર સેટેલાઇટ વધુ સફળ રહ્યો હોવાથી, તેને પણ પહેલો વેધર સેટેલાઇટ માનવામાં આવે છે.
ફેબ્રુઆરી 22, 1997 : ક્લોનિંગની શરૂઆત
સ્કોટલેન્ડના વિજ્ઞાનીઓએ આજના દિવસે જાહેર કર્યું કે તેમણે સફળતાપૂર્વક એક ઘેંટાનું ક્લોનિંગ કર્યું છે, જેને તેમણે નામ આપ્યું ડોલી. આજની ડિજિટલ ટેકનોલોજી સાથે આ વાતને કોઈ સીધો સંબંધ નથી. પણ એ જાણવા જેવું છે કે ડિજિટલ વર્લ્ડમાં હવે જુદા સ્વરૂપે ક્લોનિંગ થઈ રહ્યું છે, જેને ‘ડિજિટલ ટ્વિનિંગ’ કહે છે. તેમાં નાની મોટી ચીજવસ્તુથી માંડીને મહાકાય એરોપ્લેન્સને મેન્યુફેકચર કરતી વખતે તેનું વર્ચ્યુઅલ, ડિજિટલ વર્ઝન તૈયાર કરવામાં આવે છે અને જુદી જુદી બાબતોની ચકાસણી આ ડિજિટલ ક્લોન પર કરવામાં આવે છે. બરાબર એ જ રીતે જીવતા જાગતા માણસનું પણ ડિજિટલ વર્ઝન તૈયાર કરીને જુદી જુદી દવાની તેના પર શી અસર થશે એ તપાસ્યા પછી સાચા માણસને એ દવા આપવામાં આવે એવા દિવસો પણ નજીક આવી રહ્યા છે!
ફેબ્રુઆરી 22, 1999 : પહેલી ઇન્ટરનેટ બેન્ક
આજના દિવસે ‘બેન્ક ઓફ ઇન્ડિયાના’ લોન્ચ થઈ, જે દુનિયાની પહેલી ‘ઇન્ટરનેટ બેન્ક’ ગણાઈ. આ બેન્કની કોઈ વાસ્તવિક શાખા નથી. તેનું બધું કામકાજ માત્ર ઇન્ટરનેટ દ્વારા કરી શકાય છે. બેન્કે ટેલિફોનથી પર્સનલ સર્વિસિસ આપવાની બાબતે પણ નામના મેળવી છે.
ફેબ્રુઆરી 23, 2005 : પહેલો મોબાઇલ વાઇરસ
આજના દિવસે ‘કેબિર’ નામનો પહેલો મોબાઇલ વાઇરસ જાણવા મળ્યો હોવાની જાહેરાત થઈ. જોકે હવે આપણે આ વાયરસથી ડરવાની જરૂર નથી કારણ કે એ સિમબાયન ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનમાં આતંક મચાવતો હતો અને બ્લુટૂથ સિગ્નલથી પણ તે ફેલાતો હતો. અગાઉ જબરદસ્ત લોકપ્રિય થયેલા નોકિયા ફોન્સમાં સિમબાયન ઓપરેટિંગ સિસ્ટમ હતી, હવે એન્ડ્રોઇડના જુવાળમાં તે ભૂલાવા લાગી છે.
ફેબ્રુઆરી 8, 2005 : ગૂગલ મેપ્સનો જન્મઆજે આપણે જામખંભાળિયાથી દ્વારકા જવું હોય તો પણ ગૂગલ મેપ્સમાં નેવિગેશન સેટ કરી શકીએ છીએ ત્યારે નકશાની દુનિયા બદલી નાખનાર અને ડિજિટલ મેપ્સની નવી દુનિયા ઊભી કરનાર ગૂગલ મેપ્સનો જન્મ માંડ ૧૫ વર્ષ પહેલાં થયો હતો એવી કલ્પના પણ મુશ્કેલ છે! નકશા બનાવવાનું વિજ્ઞાન કાર્ટોગ્રાફી તરીકે ઓળખાય છે. વિશ્ર્વમાં નકશા બનાવવાની શરૂઆત ક્યારથી થઈ એ કહેવું મુશ્કેલ છે, પણ આ સદીઓ જૂની પ્રવૃત્તિ વહેતા સમય સાથે સતત વિકસતી રહી છે. પહેલાં કાગળ કે કાપડ પર હાથેથી તૈયાર થતા નકશા કમ્પાસ જેવા મેગ્નેટિક સાધનની શોધ સાથે વધુ ચોક્સાઈભર્યા બનતા ગયા. પ્રિન્ટિંગ ટેક્નોલોજી વિકસતાં નકશાનો પ્રસાર અને વ્યાપ પણ વધ્યો.
પાછલાં ૧૦-૧૫ વર્ષમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી આધારિત, ડિજિટલ મેપ્સ તૈયાર થવા લાગતાં આ ક્ષેત્રની સંભાવનાઓ જ બદલાઈ ગઈ. હવે મેપ તત્ક્ષણ અપડેટ થઈ શકે છે, હવે એક જ મેપ પર અલગ અલગ પ્રકારનાં લેયર ઉમેરીને વિવિધ પ્રકારની માહિતીને એકમેક સાથે સાંકળવાનું શક્ય બન્યું. સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરો અને સ્ટ્રીટ લેવલ પરની માહિતીને પરસ્પર સાંકળવાનું શક્ય બન્યું. આખા વિશ્વના સમગ્ર વિસ્તારના નકશાઓને એકબીજા સાથે જોડી દેવાનું પણ શક્ય બન્યું. આ બધાના પરિણામે વિશ્ર્વભરની માહિતી નકશાના સંદર્ભમાં જોવાનું શક્ય બન્યું. |
ફેબ્રુઆરી 25, 1837 : ઇલેક્ટ્રિક મોટરની પહેલી પેટન્ટ
આજના કમ્પ્યૂટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી આધારિત જગતમાં ટેકનોલોજીની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ છે, પરંતુ ટેકનોલોજીનાં મૂળ ઘણાં ઊંડાં અને વ્યાપક છે. આજના દિવસે ઇલેક્ટ્રિક મોટર માટેની પહેલી અમેિરકન પેટન્ટ નોંધાઈ હતી. ઇલેક્ટ્રિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં ફેરવી નાખતી મોટર આજે સાવ સામાન્ય ટેકનોલોજી લાગે છે પરંતુ તેની શોધને કારણે જ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી એ ભૂલવા જેવું નથી.
ફેબ્રુઆરી 25, 2010 : એપલે 10 અબજ ગીતનું વેચાણ કર્યું
આજના દિવસે એપલે જાહેર કર્યું કે તેના આઇટ્યૂન્સ સ્ટોરમાં ગીતનું વેચાણ ૧૦ અબજના આંકે પહોંચી ગયું છે. એપલ કંપનીએ દસ અબજમું ગીત ખરીદનાર વ્યક્તિને દસ હજાર ડોલરના મૂલ્યનું આઇટ્યૂન્સ ગિફ્ટ કાર્ડ ભેટ આપ્યું હતું. એપલે તેના આઇટ્યૂન્સ સ્ટોરથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું ભાવિ બદલી નાખ્યું. એપલને તેના સ્ટોર મારફતે પહેલાં પાંચ અબજ ગીત વેચતાં પાંચ વર્ષ લાગ્યા હતા. પછીનાં પાંચ અબજ ગીતો વેચતાં તેને માત્ર દોઢ વર્ષનો સમય લાગ્યો. પછી ફક્ત ત્રણ વર્ષમાં, તેણે બીજાં ૧૫ ગીતો વેચ્યાં. જોકે ૨૦૧૯માં એપલે આઇટ્યૂન્સ સર્વિસને વિવિધ એપ્સમાં વહેંચી નાખી.
ફેબ્રુઆરી 26, 1935 : રડારનું પહેલી વાર ડેમોન્સ્ટ્રેશન થયું
બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોનો વિજય થયો તેમાં દુશ્મન દેશોના વિમાનોના આક્રમણને પારખી લેતી રડાર ટેકનોલોજીએ બહુ મોટી ભૂમિકા ભજવી હતી. અગાઉ વાવાઝોડાની આગાહી કરવા માટે રેડિયો વેવનો ઉપયોગ થતો હતો. તેને જ આગળ વધારીને એરક્રાફ્ટની હાજરી પણ પારખી શકાય એવી શક્યતા આજના દિવસે દર્શાવાઈ, અલબત્ત ઘણી ખરી શોધની જેમ રડારનું ચોક્કસ મૂળ પારખવું મુશ્કેલ છે. આધુનિક કમ્પ્યૂટરાઇઝ્ડ ટેકનોલોજીથી રડારે ખરા અર્થમાં આકાશ સર કર્યું.
ફેબ્રુઆરી 26, 1991 : પહેલું વેબ બ્રાઉઝર લોન્ચ થયું
વર્લ્ડ વાઇડ વેબના સર્જક તરીકે જાણીતા ટીમ બર્નર્સ લીએ આજના દિવસે પહેલા વેબ બ્રાઉઝરની દુનિયાને ભેટ આપી હતી. જોકે તેનું પહેલું વર્ઝન આગલા વર્ષે ક્રિસમસના દિવસે તેમણે અમુક ભૌતિકશાસ્ત્રીઓ સામે રજૂ કર્યું હતું.

વર્ષ હતું ૨૦૦૩. એ માર્ક ઝકરબર્કનો ફેસબુક પહેલાંનો પ્રોજેક્ટ હતો. એ સાઇટ કોલેજ સ્ટુડન્ટ્સને તેમની ક્લાસમેટ્સ કેટલી ‘હોટ’ લાગે છે તેનું રેટિંગ કરવા કહેતી હતી. એ માટે યુનિવર્સિટી ઓનલાઇન ડિરેક્ટરીમાંથી વિદ્યાર્થિનીઓના ફોટોગ્રાફ ચોરીને સાઇટ પર મૂકવામાં આવ્યા હતા. એ વિશે હોબાળો મચતાં, ૧૯ વર્ષના માર્કે એક ઇન્ટરવ્યૂમાં લોકોની માફી માગતાં કહ્યું હતું કે ‘‘પ્રાઇવસીની ચિંતા લોકોની લાગણી દુભાવે છે. હું કોઈનું અપમાન કરવાનું જોખમ લેવા માગતો નથી.’’ એ સાઇટ તો સમેટાઈ ગઈ, પણ પછીના વર્ષે માર્ક ઝકરબર્ગે ફેસબુક લોન્ચ કરી!