લાંબા સમયથી જેની શક્યતાઓ જોવામાં આવી રહી હતી એ પગલું આખરે ફેસબુકે ભર્યું છે, અલબત્ત આંશિક રીતે. ફેસબુકે તેના પ્લેટફોર્મ પર બ્રાન્ડ, સેલિબ્રિટિઝ અને આર્ટિસ્ટ્સના પેજિસ પરથી લાઇક બટન દૂર કર્યું છે.
આ પેજિસ પર હવે માત્ર ફોલોઅર્સની સંખ્યા દર્શાવતું બટન જોવા મળશે. ફેસબુકના કહેવા અનુસાર વિવિધ બ્રાન્ડ કે સેલિબ્રિટી સાથે કનેક્ટ થવાનું હવે વધુ સહેલું બનશે.
આમ તો ફેસબુક પર લાંબા સમયથી લાઇક બટન દૂર કરી દેવાની વિચારણા ચાલી રહી છે. કોઈ પણ પોસ્ટ પર ધાર્યા કરતાં ઓછી સંખ્યામાં લાઇક મળતાં લોકોના મન પર તેની ઘેરી અસર થતી હોય છે. આ કારણે લાઇક બટનનો કોઈ વિકલ્પ હોવો જોઇએ એવો મત દર્શાવવામાં આવે છે. પરંતુ આખરે લાઇક બટન ફેસબુકની જીવાદોરી હોવાથી એ સહેલાઇથી દૂર થાય તેવી શક્યતા નથી.
