બે શહેરો વચ્ચે ટ્યૂબમાં ખાસ પ્રકારનાં વાહનો દોડાવવાનો તુક્કો ધીમે ધીમે નક્કર વાસ્તવિકતા બનવા તરફ આગળ વધી રહ્યો છે.
આખા વિશ્વમાં અત્યારે કોવિડ-૧૯ની વેકસિનની હ્યુમન ટ્રાયલ્સની ચર્ચા ચાલી રહી છે, એ દરમિયાન બીજી એક બાબતની હ્યુમન ટ્રાયલ્સ વિશે પણ જાણવા જેવું છે.
‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૧૮ અંકમાં અત્યંત આપણે ઝડપી ટ્રાન્સપોર્ટેશન માટે ‘હાઇપરલૂપ’ ટેકનોલોજી વિશે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. તેમાં બે શહેરો વચ્ચે લગભગ શૂન્યાવકાશવાળી ટ્યૂબમાં ખાસ પ્રકારના વાહનની વેગિલી અવરજવરની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. ‘વર્જિન હાઇપરલૂપ વન’ નામની એક કંપની અત્યારે ભારતમાં મુંબઈ-પૂણે વચ્ચે હાઇપરલૂપ વિકસાવી રહી છે.
આ કંપનીએ હમણાં જાહેરાત કરી કે તેણે અમેરિકામાં તેની ટેસ્ટ ફેસિલિટીમાં પહેલી વાર બે જીવતી જાગતી વ્યક્તિ સાથે હાઇપરલૂપ પોડનું ટેસ્ટિંગનું કર્યું! આ પહેલાં લગભગ ચારસો વાર કોઈ વ્યક્તિ વિના આ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કંપનીના જ બે ઉચ્ચ અધિકારીઓને પેસેન્જર તરીકે બેસાડીને કરાયેલા આ પરીક્ષણમાં તેમણે ૧૫ સેકન્ડમાં ૫૦૦ મીટરનું અંતર કાપ્યું. તેમણે કલાકના લગભગ ૧૭૨ કિલોમીટરની ઝડપે મુસાફરી કરી.
જ્યારે આ હાયપરલૂપ વાસ્તવિકતા બનશે ત્યારે તેના પોડમાં ૨૮ પેસેન્જર બેસી શકે તેવી વ્યવસ્થા હશે, પણ હાલના ટેસ્ટિંગ માટે માત્ર ૨ પેસેન્જર માટેનું સ્પેશિયલ પોડ વિક્સાવવામાં આવ્યું છે. હાયપરલૂપના આ પહેલા હ્યુમન ટેસ્ટિંગમાં, કંપનીના સહ-સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર જોશ ગિગેલ અને ડિરેકટર ઓફ પેસેન્જર એક્સ્પિરીયન્સ, સારા લૂશિયને આ પોડમાં મુસાફરી કરી. આ રીતે, તેઓ આ બિલકુલ નવા પ્રકારની ટ્રાન્સપોર્ટેશન સર્વિસનાં વિશ્વનાં સૌથી પહેલાં પુરુષ-મહિલા પેસેન્જર બન્યાં.
આગામી સમયમાં કંપની પૂણેના રહેવાસી અને વર્જિન હાઇપરલૂપ પાવર ઇલેક્ટ્રોનિક્સના સ્પેશિયાલિસ્ટ તનય માંજરેકર સાથે આ પ્રકારનું ટેસ્ટિંગ ફરી યોજે તેવી શક્યતા છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે એટલે તેમાં ડ્રાઇવરની કોઈ ભૂલ થવાની શક્યતાઓ નથી. કંપનીના જણાવ્યા અનુસાર આ સફળ પરીક્ષણને પગલે મુંબઈ-પૂણે વચ્ચેનો હાઇપરલૂપ પ્રોજેક્ટ ઝડપથી પૂરો થવાની શક્યતાઓ વધી છે.
આ કંપનીએ બેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે અને હવે બેંગલુરૂ એરપોર્ટથી શહેર સુધીની હાઇપરલૂપ કોરિડોર વિકસાવવા માટેની શક્યતાઓનો અભ્યાસ હાથ ધરવામાં આવશે. દરમિયાન આ કંપની પંજાબમાં પણ હાઇપરલૂપ વિકસાવવા માટે રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ કરી ચૂકી છે. વિશ્ર્વની બીજી સંખ્યાબંધ કંપની પણ હાયપરલૂપ પર કામ કરી રહી છે, પણ પહેલી હ્યુમન ટ્રાયલ યોજવામાં વર્જિન કંપનીએ મેદાન મારી લીધું છે.
અલબત્ત, આ ટેક્નોલોજીની સલામતી અને સફળતા સામે હજી પણ સવાલો ઊઢી રહ્યા છે.

