આજકાલ આપણે નવો એન્ડ્રોઇડ ફોન લેવા જઈએ તો ઘણી કંપનીએ સ્માર્ટફોન સાથે વાયર્ડ ઇયરફોન આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓ એવું કારણ આપે છે કે હવે મોટા ભાગના લોકો પાસે ઇયરફોન હોય જ છે, એટલે ઇ-વેસ્ટ ઘટાડવા માટે તેમણે આ પગલું ભર્યું છે. બીજી તરફ, એપલ કંપનીએ ઇયરફોન તો ઠીક, એક ડગલું આગળ વધીને ચાર્જર પણ ન આપવાનો નિર્ણય કર્યો છે.
એપલ કંપનીના નવા આઇફોન૧૨ મોડેલ સાથે કંપની બોક્સમાં ઇયરફોન અને ચાર્જર સુદ્ધાં આપી રહી નથી. એપલનું આઇફોન ધરાવતા લોકોનો અનુભવ હશે કે એપલના ઓફિશિયલ ચાર્જરથી ખાસ્સું ધીમું ચાર્જિંગ હોય છે. તેની સરખામણીમાં એન્ડ્રોઇડમાં હવે ઘણાં ફાસ્ટ ચાર્જર આવી ગયાં છે. એપલે ચાર્જર પણ ન આપવાનો નિર્ણય કરવાથી લોકોએ ફરજિયાત અન્ય કંપનીના ચાર્જરનો ઉપયોગ કરવો પડશે અને તેને કારણે વોરેન્ટીમાં પણ પ્રશ્નો ઊભા થશે.
જોકે એક માત્ર ફ્રાન્સમાં એપલે નવા આઇફોન સાથે વાયર્ડ ઇયરફોન આપવા પડશે. કારણ એ છે કે ફ્રાન્સના કાયદા મુજબ બાળકો જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય ત્યારે તેમણે ફોન કાન પાસે રાખવો ન પડે એ જરૂરી છે. આથી એપલે ન છૂટકે ફ્રાન્સમાં નવા આઇફોન સાથે વાયર્ડ ઇયરફોન આપવા પડશે.
આ તો વાયર્ડ ઇયરફોનની વાત થઈ, પણ તેના વિકલ્પે બ્લુટૂથ ઇયરબડ્સ પણ આજકાલ ખાસ્સા લોકપ્રિય થઈ રહ્યા છે અને બ્રાન્ડેડનો આગ્રહ ન રાખો તો બ્લુટૂથ ઇયરબડ્સ ખાસ્સા સસ્તા પણ છે.
એપલે ૨૦૧૬માં પહેલી વાર વાયરલેસ બ્લ્યૂટૂથ ઇયરબડ્સ લોન્ચ કર્યાં અને તેને ‘એરપોડ્સ’ નામ આપ્યું. ત્યારથી વાયરલેસ બ્લુટૂથ ઇયરબડ્સ ખાસ્સા લોકપ્રિય બન્યા છે અને હવે તે એન્ડ્રોઇડ માટે પણ ઉપલબ્ધ છે.
તમે બહુ સારી કંપનીના મોંઘાદાટ ઇયરબડ્સ લો તો જુદી વાત છે. બાકી ચાઇનીઝ પ્રકારના સસ્તા ઇયરબડ લેવા જતાં વાયરલેસ ઇયરબડ્સની ખરી મજા મળશે નહીં એ નક્કી છે. તમે વાયરલેસ ઇયરબડ લેવાનું વિચારી રહ્યા હો તો નીચેના મુદ્દા ધ્યાને રાખશો.
- બહુ જાણીતી કંપનીના ઓરિજિનલ ઇયરબડ સિવાય સારી ઓડિયો ક્વોલિટી નહીં મળે. બની શકે કે વાયર હેડફોન સસ્તા હોય તો પણ વધુ સારી ઓડિયો ક્વોલિટી આપે.
- વાયરલેસ ઇયરબડ વાયરલેસ છે એ તેનો ફાયદો છે તેમ મોટો ગેરફાયદો પણ છે. ઇયરબડ કાનમાં યોગ્ય રીતે ગોઠવાય નહીં તો વારે વારે પડી જવાની શક્યતા રહેશે.
- નીચે પડેલ વાયરલેસ ફરી કાનમાં ભરાવવા જતાં કાનમાં ઇન્ફેકશનની પણ શક્યતા છે.
- વાયર્ડ હેડફોન કે ઇયરફોનમાં લગભગ એક સરખા કંટ્રોલ હોય છે, વાયરલેસ ઇયરબડસમાં વાત જરા જુદી છે. દરેક ઇયરબડમાં જુદી જુદી સિસ્ટમ હોય છે અને તેની સાઇઝ અત્યંત નાની હોવાને કારણે તેના ફીચર્સનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
- દેખીતું છે કે વાયર્ડ ઇયરફોન ચાર્જ કર્યા વિના આરામથી ચલાવી શકાય છે. બ્લુટૂથ ઇયરબડ નિયમિત રીતે ચાર્જ કરવા પડે છે. એકબીજા સાથે વાયરથી જોડાયેલ બ્લુટૂથ ઇયરબડની બેટરી પ્રમાણમાં વધુ ચાલે છે. બિલકુલ વાયર વિનાના ઇયરબડ લાંબો સમય ચાલતા નથી.
- વાયરલેસ ઇયરબડ્સ ઉપયોગ ન કરતા હોઇએ ત્યારે તેને સાચવી રાખવા મુશ્કેલ છે. તેના કેસમાં મૂકી ન રાખીએ તો ખોવાઈ જવાની પૂરી શક્યતા છે. ઉપયોગ કરતા હોઇએ ત્યારે પણ આ કેસ સતત સાથે ફેરવવું પડશે.
આ બધું ધ્યાનમાં રાખીને તમારું શોપિંગ કરશો તો ફાયદામાં રહેશો!

