સ્માર્ટફોનમાંના મેપ્સને કારણે દુનિયાભરનાં અનેક સ્થળો વિશે આપણે જાતભાતની માહિતી જાણી શકીએ છીએ. તમે ઇચ્છો તો તમે પોતે પણ આ માહિતીમાં ઉમેરો કરી શકો છો.
મુંબઈનું કાંદિવલી, અમદાવાદનું લો-ગાર્ડન કે પછી જૂનાગઢનો કાળવા ચોક, આપણા દરેક શહેર-ગામનો કોઈને કોઈ ચોક્કસ પાણીપૂરીવાળો ‘વર્લ્ડ ફેમસ’ હોય છે! કેમ? એનો સ્વાદ તો સારો હોતો જ હશે, પણ માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી (પાણીપૂરીના કિસ્સામાં તો લિટરલી!) એને ફેમસ બનાવે છે.
માની લો કે આ રીતે તમે અમદાવાદના લો-ગાર્ડન પાસેના કોઈ મકાઈવાળાના ફેન થઈ ગયા, પણ ક્યારેક તમે પરિવારના કોઈ એવા વડીલને પણ સાથે લઈ જવા માગો છો, જેમને ખાણીપીણીમાં નહીં પણ સમર્થેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવામાં રસ હોય.
તકલીફ એ છે કે વડીલ વ્હીલચેર વગર હરીફરી શકતા નથી. આપણને ફલાણા મકાઈવાળાને ત્યાં ચીઝ-બટર-ગાર્લિક ચટણીવાળી મકાઈ સારી મળે છે એવી જાણકારી આપનારા તો અનેક મળશે, પણ મહાદેવના મંદિરે, વ્હીલચેર સહેલાઇથી ચઢાવી શકાય એવો રૅમ્પ છે કે નહીં એવી માહિતી આપનારા બહુ ઓછા મળશે. વડીલને લઈને જઈએ અને પછી ખબર પડે કે રૅમ્પ નથી, તો વડીલ અને આપણે બધા નિરાશ થઈએ.
જો તમે ગૂગલ મેપ્સ એપનો ખાસ્સો કઢ કાઢનાર વ્યક્તિ હો, તો વડીલ સાથે મંદિરે પહોંચી જતાં પહેલાં, ખિસ્સામાંથી ફોન કાઢી, મેપ્સ એપ ઓપન કરીને તેમાં સમર્થેશ્વર મહાદેવ સર્ચ કરો તો શક્ય છે કે કોઈ વ્યક્તિએ તમને જોઇતી માહિતી ત્યાં ઉમેરી હોય.
જો તમને ગમતાંનો ગુલાલ કરવો ગમતો હોય અને નિઃસ્વાર્થ ભાવે અન્ય લોકોની મદદ કરવી ગમતી હોય તો તમારે ગૂગલ મેપ્સ પર ‘લોકલ ગાઇડ’ બનવું જોઈએ.
વ્હીલચેર માટેના રૅમ્પ, સ્વચ્છ વોશરૂમ, બીજા માળ પરના કોઈ બેન્ક્વેટ હોલમાં લિફ્ટની સુવિધા… આવું ઘણું બધું હોઈ શકે, જેના વિશે આપણે જે તે સ્થળે પહોંચ્યા પહેલાં જાણવું જરૂરી હોય. સ્માર્ટફોન અને તેમાં લોકેશન ટ્રેક કરવાની સગવડને પ્રતાપે, આવી માહિતી શોધવી અને આપણે જે જાણતા હોઈએ તે બીજાને જણાવવી હવે બહુ સહેલી બની ગઈ છે.
જો તમને ગમતાંનો ગુલાલ કરવો ગમતો હોય અને નિઃસ્વાર્થ ભાવે અન્ય લોકોની મદદ કરવી તમને ગમતી હોય, ઉપરાંત મદદ કરવા બદલ ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ જેવો કંઈ લાભ મળે એય ગમતું હોય, તો તમારે ગૂગલ મેપ્સ પર ‘લોકલ ગાઇડ’ બનવું જોઈએ.
મેપ્સ સાથે ‘ટુરિઝમ’ શબ્દનું જબરજસ્ત કનેક્શન છે અને એવું જ જોરદાર કનેક્શન ‘ગાઇડ’ શબ્દનું ટુરિઝમ સાથે છે. એટલે મેપ્સ પર ‘લોકલ ગાઇડ’ની વાત આવે તો આપણે માની બેસીએ કે લાલ કિલ્લા કે તાજમહેલ જેવાં પ્રવાસન સ્થળોનો ઇતિહાસ ગોખી નાખનારા ગાઇડ્સની વાત હશે, પણ હકીકતમાં એવું નથી. ગૂગલ મેપ્સમાં ગૃહિણી, વિદ્યાર્થી, ડૉક્ટર, વકીલ કોઈ પણ ગાઇડ બની શકે છે. મેપ્સ એપમાં ડાબી પેનલમાં ‘યોર કન્ટ્રિબ્યુશન્સ’માં તમને મેપમાં તમારું આવું યોગદાન દેખાઈ શકે છે.
જરા આડ વાત કરીએ તો, ભલભલા લોકો એ વાતે ગૂંચવાતા હોય છે કે ગૂગલને આખી દુનિયાની બધી વાતની ખબર કેવી રીતે હોય છે? હકીકતમાં આપણે અને આપણા જેવા બીજા લોકો જ ગૂગલને માહિતી પૂરી પાડે છે. ગૂગલ (અને તેના જેવી બીજી કંપનીઓએ) એક પ્રકારની જબરજસ્ત લોકશાહી ઇન્ટરનેટ પર ઊભી કરી છે, જે લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી જ ચાલે છે (જેનો આપણને અને ગૂગલને બંનેને ફાયદો છે, અને ઘણ તેનો ગેરફાયદો પણ લે છે!)



તમારો કદાચ અનુભવ હશે જ કે તમે કોઈ સ્થળે ફરવા ગયા હો ત્યારે અમસ્તા જ સ્માર્ટફોનનાં નોટિફિકેશન્સ પર નજર નાખી રહ્યા હો, તો વચ્ચે એ સ્થળ વિશે પૂછાયેલો કોઈ સવાલ પણ ટપકી પડ્યો હોય. જેમ કે તમે કોઈ રેસ્ટોરાંમાં ગયા હો તો ત્યાં પાર્કિંગની પૂરતી સગવડ છે કે નહીં એવું કોઈએ પૂછ્યું હોય અને ગૂગલ એ જ સવાલ તમને પૂછે છે કારણ કે ગૂગલ જાણે છે કે આ ક્ષણે તમે એ જ રેસ્ટોરન્ટમાં છો!
કાં તો તમે આ સવાલને ઇગ્નોર કરી શકો, તેનો જવાબ આપી શકો અથવા પછી ગૂગલના લોકલ ગાઇડ્સ પ્રોગ્રામમાં જોડાઈને પછી એ સવાલનો જવાબ આપી શકો.
ગૂગલે દુનિયા આખીની માહિતી સુવ્યસ્થિત કરવાનો અને સૌને માટે ઇઝીલી એક્સેસિબલ બનાવવાનો કાર્યમંત્ર અપનાવ્યો છે અને મેપ્સ એપ આવ્યા પછી આ કાર્યમંત્રમાં ખરેખર નવાં પરિમાણો ઉમેરાયાં છે. આપણે મેપ પર લોકલ ગાઇડ તરીકે (અથવા એ વગર પણ) જાતભાતની માહિતી, અભિપ્રાય, ફોટોઝ, વીડિયોઝ ઉમેરી શકીએ. આપણે બીજાના પ્રશ્ર્નોના જવાબ આપી શકીએ, મેપ્સમાં જેનો ઉલ્લેખ ન હોય એવી બાબત ઉમેરી શકીએ, મેપ પર કોઈ શોપ કે બિઝનેસનું એડ્રેસ આપ્યું હોય પણ હવે એ કાયમ માટે બંધ થઈ ગયેલ હોય તો આ માહિતી આપણે જ મેપમાં ઉમેરી શકીએ.
આ બધું તમે લોકલ ગાઇડ પ્રોગ્રામ જોઇન કર્યા પછી કરો, તો તમારા દરેક કન્ટ્રિબ્યુશન (રીવ્યૂ, ફોટો, વીડિયો, ફેક્ટ ચેક, એડિટ વગેરે) માટે તમને પોઇન્ટ્સ મળતાં જાય. ગૂગલ તમે નાના-મોટા સ્ટારવાળા બેજ પણ આપે! તમારા પોઇન્ટ્સના આધારે, તમને ગૂગલનાં કેટલાંક ખાસ ફીચર્સનો બીજા લોકો કરતાં વહેલો લાભ મળે એવું બની શકે. ગૂગલની સર્વિસીઝમાં ૧૫ જીબી સ્પેસ તો ફ્રી મળે છે, પણ એથી વધુ સ્પેસ આપણને ખરીદવી પડે – લોકલ ગાઇડ તરીકે ખાસ્સાં પોઇન્ટસ તમે કમાયા હો, તો આવી વધારાની સ્પેસ તમને અમુક સમય માટે મફત મળે એવું બની શકે!
એટલું યાદ રાખશો કે તમે લોકલ ગાઇડ તરીકે જે કોઈ માહિતી ગૂગલ મેપ્સમાં (કે સર્ચમાં) ઉમેરો તે બધી માહિતી, તમારા ગૂગલ એકાઉન્ટના નામ-ફોટો સાથે સૌ કોઈને જોવા મળી શકે છે. એ પણ યાદ રાખશો કેગૂગલ મેપ્સ પર બનાવટી અને તરકટી માહિતી ઉમેરનારા લોકો પણ અસંખ્ય છે. તેમનો સામનો કરવામાં પણ આપણે આ રીતે યોગદાન આપી શકીએ છીએ.


