ડિજિટલ દુનિયામાં હવે મોટી ટેક કંપનીની મોનોપોલી સામે વિરોધ થવા લાગ્યો છે, જેનો સરવાળે આપણને કદાચ લાભ થશે.
છેલ્લા ઘણા વખતથી દુનિયાના રાજકાજના નિષ્ણાતો આપણને કહેતા હતા કે બીજું વિશ્વયુદ્ધ પાણી માટે ખેલાશે પરંતુ હાલ પૂરતું તો એવું લાગી રહ્યું છે કે એ નિષ્ણાતો ખોટા પડી રહ્યા છે. અત્યારે દુનિયામાં તલવારો સામસામી ખેંચાઈ ગઈ છે, ઘણે ઠેકાણે ટકરાવા પણ લાગી છે, પરંતુ આ બધું જેના વિના જીવન અસંભવ છે તે પાણી માટે નહીં પરંતુ મોબાઇલના સ્ક્રીન પર પોતાની ધાક જમાવવા માટે છે!
હજી થોડા સમય પહેલાં સુધી ઇન્ટરનેટની દુનિયામાં ‘પ્રાઇવસી’ શબ્દ ખાસ્સો ગાજતો હતો. હવે પ્રાઇવસીનો મુદ્દો બાજુએ ધકેલાઈ ગયો છે અને નવો મુદ્દો ગાજી રહ્યો છે ‘મોનોપોલી’નો. અમેરિકા અને યુરોપમાં એપલ, ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓએ વાડાબંધી કરી છે તે સામે અકળામણ જાગી છે.
આટલું ઓછું હોય તેમ હવે જુદી જુદી ટેક કંપની વચ્ચે એપ્સ સ્ટોરના મુદ્દે પણ લડાઈ ફાટી નીકળી છે. હવે મુદ્દો એ છે કે સરેરાશ યૂઝર એટલે કે આપણા સુધી કોણ વધુ સહેલાઇથી પહોંચી શકે.
મોનોપોલીની શરૂઆત
અત્યારની સ્થિતિનાં મૂળ છેક એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થઈ એ સમયમાં છે. એ સમયે, ખાસ કરીને અમેરિકામાં એવી સ્થિતિ હતી કે એપલનો નવો નવો આઇફોન લોન્ચ થયો ત્યારે લોકો તેને જુદી જુદી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીના પ્લાન સાથે ખરીદી શકતા હતા. શરત એવી કે અમુક સમય સુધી એ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની સાથે જ જોડાયેલું રહેવું પડે. એ પણ એક પ્રકારની મોનોપોલી હતી.
દરમિયાન એપલે પોતાના મોબાઇલ ડિવાઇસીસ માટે વિવિધ ડેવલપર, એપ બનાવીને તેને ફ્રી કે પેઇડ સ્વરૂપે વેચી શકે એવી વ્યવસ્થા વિકસાવી. આઇફોનના બેઝિક પ્લેટફોર્મમાં જાતભાતની અનેક એપ્સ ઉમેરી શકાય એવી વ્યવસ્થા યૂઝરને ગમી ગઈ. એપ કંપનીઓ માટે પણ આ વ્યવસ્થા સારી હતી કેમ કે તેમને બહુ મોટા પ્રમાણમાં યૂઝર્સ સુધી સહેલાઇથી પહોંચવાની સગવડ મળતી હતી.
ગૂગલનો માસ્ટર સ્ટ્રોક એ હતો કે એક ઝાટકે અસંખ્ય લોકો સુધી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પહોંચાડ્યા પછી તેણે તેમાંના પ્લે સ્ટોર મારફત કમાણી કરવાનું શરૂ કર્યું.
આ દરમિયાન ગૂગલે જરા નવા પ્રકારનો દાવ અજમાવ્યો. તેણે કંઇક અંશે એપલના જ વ્યૂહને અપનાવ્યો પરંતુ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બિલકુલ ફ્રી કરી દીધી. આ કારણે મોબાઇલ હેન્ડસેટ બનાવતી અનેક કંપની બિલકુલ સસ્તાથી મોંઘદાટ હોય એવી રેન્જમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન આપવા લાગી અને જોત જોતામાં આખી દુનિયા સ્માર્ટફોનના રવાડે ચડી ગઈ.
ગૂગલનો માસ્ટર સ્ટ્રોક એ હતો કે એક ઝાટકે અસંખ્ય લોકો સુધી એન્ડ્રોઇડ સ્માર્ટફોન પહોંચાડ્યા પછી તેણે તેમાંના પ્લે સ્ટોર મારફત કમાણી કરવાનું શરૂ કર્યું. ગૂગલે પોતાની સંખ્યાબંધ સર્વિસ પણ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર મફત આપીને તેની સાથોસાથ જાહેરાત બતાવીને તેમાંથી મબલખ કમાણી કરવાનું શરૂ કર્યું.
ચાર મોટી ટેક કંપની એપલ, એમેઝોન, ગૂગલ અને ફેસબુક સામે અમેરિકન તંત્ર કડક બન્યુંઅમેરિકન તંત્રને થોડા વખતથી એ ચિંતા જાગી છે કે વિશ્વની ચાર સૌથી મોટી ટેક કંપની – એપલ, એમેઝોન ગૂગલ અને ફેસબુકે પોતપોતાની રીતે ડિજિટલ દુનિયા પર એકહથ્થુ રાજ જમાવી દીધું છે. આ કારણે અમેરિકાના તંત્રે આ બધી કંપનીના સ્થાપકો કે હાલના દિગ્ગજો તથા બીજા અસંખ્ય લોકોને વારાફરતી બોલાવીને તેમણે આ બધું શું માંડ્યું છે એ વિશે ઉલટ તપાસ શરૂ કરી હતી. ૧૬ મહિનાની આ તપાસ પછી, આ વિશેની સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘‘આ ચારેય કંપની પોતાને કાયદાથી પર સમજતી લાગે છે.’’ રિપોર્ટમાં આ ચારેય કંપનીના ભાગલા પાડવા સુધીની ભલામણ કરવામાં આવી છે. અલબત્ત, અમેરિકાના બંને મુખ્ય પક્ષોમાં આ ભલામણો વિશે મતભેદ હોવાથી, હાલ પૂરતી આ ચારેય કંપનીને તેમની સામે સખત પગલાંની ચિંતા નથી. |
બીજા પ્રકારની મોનોપોલી
આ દરમિયાન એમેઝોન અને ફેસબુક જેવી કંપનીએ ઇન્ટરનેટ અને નવા મોબાઇલ પ્લેટફોર્મ્સનો લાભ લઈને જુદા પ્રકારના બિઝનેસ ઊભા કર્યા. પાંચમી મોટી કંપની માઇક્રોસોફ્ટ ખાસ કરીને મોબાઇલની લડાઇમાં પાછળ રહી ગઈ, પરંતુ તેણે સમયસર ગિયર બદલીને કમ્પ્યૂટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ અને ઓફિસ સોફ્ટવેર ઉપરાંત ક્લાઉડ કમ્પ્યુટિંગનો મોટો બિઝનેસ જમાવવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયામાં ફેસબુકે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ અંકે કરી લીધા પછી આપણા જીવન પર એટલી મોટી અસર કરી તે અત્યારે સરેરાશ યૂઝર્સના ૯૦ ટકા જેટલા ફોટોગ્રાફ્સ ફેસબુકની આ ત્રણ કંપની પાસે છે. આમ આ પાંચેય કંપનીએ આપસમાં સમજૂતી કરી હોય એ રીતે યૂઝર્સના જુદા જુદા સેગમેન્ટ વહેંચી લીધા. આ કંપનીઓને આપસમાં ખાસ કોઈ સ્પર્ધા નહોતી અને કંઈક અંશે એકમેકના સાથમાં જ એ બધી પોતપોતાના સામ્રાજ્યને વિસ્તારવા લાગી હતી.
અત્યારની લડાઇ એપ સ્ટોરના કમિશનના મુદ્દે છે. એપલ અને એન્ડ્રોઇડ બંને, પોતાના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ થતી એપમાંથી કોઈ યૂઝર ડિજિટલ ગુડ્સ કે સર્વિસ ખરીદે (એટલે કે કોઈ ગેમનું વેપન કે વધારાનાં લેવલ, સબસ્ક્રિપ્શન વગેરે) તો તેના પર એપ સ્ટોર ૩૦ ટકા કમિશન વસૂલે છે. એપ ડેવલપર્સને આ કમિશન આકરું લાગે છે. ફેસબુકે પણ આ મુદ્દે એપલ સામે વાંધો ઉઠાવ્યો છે.
બગાવતની શરૂઆત
વાતમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે એક સમયની નાની કંપનીઓ આ જ દિગ્ગજ કંપનીઓના ટેકે જ મોટી થઈને તેમની સામે શિંગડા ભરાવવા લાગી. એ સાથે આ મોટી કંપનીઓનો ગરાસ લૂંટાવા લાગ્યો.
યુદ્ધનું પહેલું રણશિંગું એપિક નામની કંપનીએ ફૂંક્યું. ભારતમાં પબજી ગેમ જબરજસ્ત લોકપ્રિય બની હતી તેમ ખાસ કરીને યુરોપ-અમેરિકામાં એપિકની ફોર્ટનાઇટ ગેમનો પવન ફૂંકાયો છે. અત્યાર સુધીની વ્યવસ્થા એવી હતી કે યૂઝર્સ એપલના એપ સ્ટોર કે ગૂગલના પ્લે સ્ટોરમાંથી આ એપ આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં મફતમાં ઇન્સ્ટોલ કરી શકે અને પછી જેમ જેમ ગેમનો ચસ્કો લાગતો જાય તેમ તેમ એપમાંની ‘ઇન-એપ પરચેઝ’ સિસ્ટમની મદદથી જાતભાતની ખરીદી કરી શકે. આ ખરીદી એપલ કે ગૂગલના પ્લે સ્ટોર મારફત થાય અને યૂઝર એપિક કંપનીને જે કિંમત ચૂકવે તેમાંથી ૩૦ ટકા રકમ એપલ કે ગૂગલને ચૂકવવી પડે.
એપિક કંપનીએ લાખો કરોડો યૂઝર્સ સુધી પહોંચવું હતું ત્યાં સુધી તેને આ વ્યવસ્થા સામે ખાસ કોઈ વાંધો નહોતો. પરંતુ પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યા પછી તેને એપલ અને ગૂગલનું ૩૦ ટકા જેટલું કમિશન આકરું લાગવા માંડ્યું. આથી તેણે એપલ અને ગૂગલના પ્લેસ્ટોરની પેમેન્ટ્સ સિસ્ટમ ઉપરાંત એપિક કંપનીની પોતાની વેબસાઇટ પરથી પણ લોકો ખરીદી કરી શકે એવી વ્યવસ્થા અપનાવી. દેખીતું છે કે આ વ્યવસ્થામાં તેણે એપલ કે ગૂગલને મોટું કમિશન ચૂકવવાનું રહેતું નહોતું.
એપલ કેવી રીતે ચાર્જ વસૂલે છે?એપલ કંપનીએ જુલાઈ ૨૦૦૮માં એપ સ્ટોર શરૂ કર્યો ત્યારે તેના પર માંડ ૫૦૦ એપ્સ હતી. એ વખતે, એપ ડેવલપર એપ સ્ટોર મારફત ડિજિટલ પ્રોડક્ટ્સનું જે સેલ કરે, તેમાંથી એપલ કંપની ૩૦ ટકા કમિશન લેતી હતી. આ પહેલાં, એપલ આટલા જ કમિશનથી મ્યુઝિક વેચતી હતી. તેણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બદલી નાખી, એટલે શરૂઆતમાં એપ્સ ડેવલપર્સને ૩૦ ટકા કમિશન સામે વાંધો નહોતો (કમિશનના જુદા જુદા સ્લેબ છે. હવે બાર વર્ષ પછી, એપ સ્ટોરમાં એપ્સની સંખ્યા લાખોએ પહોંચી છે ત્યારે પણ એપલ ૩૦ ટકા કમિશન જ માગે છે!
નેટફ્લિક્સ, સ્પોટિફાય વગેરે કંપની એપલનું કમિશન ન ચૂકવવું પડે માટે પોતાની સાઇટ પરથી સબસ્ક્રિપ્શન ઉઘરાવે છે, પણ તો એપલ તેમને પોતાની એપમાં, એ માટેની લિંક આપવા દેતી નથી! |
અમેરિકન સરકાર મોટી ટેક કંપનીઝની મોનોપોલી સામે કડક બની રહી હતી બરાબર ત્યારે જ લાગ જોઇને એપિક કંપનીએ આ પગલું ભર્યું હતું.
એપલને લાગ્યું કે જો બીજી નાની કંપની પણ એપિકના રવાડે ચડશે તો સરવાળે તેની આવકમાં મોટા ગાબડાં પડવા લાગશે. આથી એપલે એપ સ્ટોરમાં ફોર્ટનાઇટ ગેમની એપ પર પ્રતિબંધ મૂકી દીધો. એપલની વ્યવસ્થા એવી છે કે એના આઇફોનમાં કોઈ પણ એપ એપલના પ્લે સ્ટોર સિવાય બીજે ક્યાંયથી મેળવીને સહેલાઇથી ઇન્સ્ટોલ કરી શકાતી નથી. ગૂગલમાં આવી જોગવાઈ નથી પરંતુ તો પણ ગૂગલે પણ એપિકની ગેમ એપ પર પ્રતિબંધ મૂક્યો. એ ત્રિપાંખિયો જંગ હજી ચાલી જ રહ્યો છે.
અત્યારે એપલ અને એન્ડ્રોઇડના ૩૦ ટકા કમિશનનો ભાર છેવટે તો આપણા પર આવે છે. જો તે ન રહે કે ઓછું થાય તો પ્રમાણમાં નાની ટેક કંપની બીજા સાથે સ્પર્ધા કરવા માટે પણ પોતાના ડિજિટલ ગુડ્સ કે સર્વિસની કિંમત ઓછી રાખે. એવું થાય તો આપણને ફાયદો થશે.
ગૂગલ કેવી રીતે ચાર્જ વસૂલે છે?ગૂગલ કંપનીએ ઓક્ટોબર ૨૦૦૮માં પોતાનો એપ સ્ટોર શરૂ કર્યો હતો. એપલ અને ગૂગલ બંને કંપનીએ એપ ડેવલપર પાસેથી લગભગ સરખી જ રીતે કમિશન લેવાનું સ્ટ્ર્ક્ચર અપનાવ્યું છે. ગૂગલ પણ ડિજિટલ ગૂડ્સ માટે, જુદા જુદા સ્લેબમાં ૩૦ ટકા સુધીનુંં કમિશન લે છે. એપલ અને ગૂગલમાં ફેર એ વાતનો છે કે એન્ડ્રોઇડ ફોનમાં તેના પ્લે સ્ટોર સિવાય, અન્ય પ્લે સ્ટોરમાંથી કે એપ ડેવલપરની સાઇટ પરથી સીધી પણ એપ ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે. ભારતમાં ફેન્ટસી ગેમ્સની એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાં મૂકી શકાતી નથી, છતાં આ ગેમ્સ કરોડોની કમાણી કરવા લાગી છે. ગૂગલના કિસ્સામાં આ કારણે અત્યાર સુધી એપ્સ ડેવલપર્સને ૩૦ કમિશન ચૂકવવાની બહુ ચિંતા નહોતી.
ભારતમાં લગભગ ૯૫ ટકા લોકો એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરે છે અને તેમાં અત્યાર સુધી ૩૦ ટકા કમિશનનો કડકાઈથી અમલ થતો નહોતો, પણ હવે ગૂગલ કડક બનતાં, સંખ્યાબંધ સ્ટાર્ટઅપ્સ અને એપ્સ માટે બિઝનેસ ટકાવવો મુશ્કેલ બને તેમ છે. ઘણાના મતે તેમના બિઝનેસમાં કુલ માર્જિન જ ૩૦ ટકાની આસપાસ હોય છે, તેમાંથી ગૂગલને ૩૦ ટકા ચૂકવતાં વધે શું? જોકે ચોમેરથી વિરોધ થતાં, ગૂગલે તેનો નિર્ણય એક-બે વર્ષ માટે પાછળ ઠેલી દીધો છે. એન્ડ્રોઇડના નવા વર્ઝનથી તેમાં ગૂગલ સિવાયના એપ સ્ટોરનો ઉપયોગ પણ સરળ બનશે. |
એપ સ્ટોરમાં ભારત આત્મનિર્ભર બનશે?
દુનિયાભરમાં જે એપ સ્ટોર વોર ચાલી રહી છે, તેની અસર ભારતમાં પણ થઈ છે. ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત ઓનલાઇન પેમેન્ટ વ્યવસ્થામાં ગૂગલ પે અને પેટીએમ એકબીજાના કટ્ટર હરીફ છે. આ બંને એપ અંતે ગૂગલના પ્લે સ્ટોર આધારિત છે. પરંતુ ગૂગલ પે ગૂગલની પોતાની એપ છે!
ગયા મહિને ગૂગલે પ્લે સ્ટોર પરથી પેટીએમ એપ હટાવી લીધી. ગૂગલનો આક્ષેપ હતો કે પેટીએમ એપ તેની એપ મારફત ‘જુગાર’ ને પ્રોત્સાહન આપી રહી હતી. ગૂગલનો ઇશારો પેટીએમ પરની ગેમિંગ એપ્સ તરફ હતો.
ગૂગલે એપ્સ પાસેથી 30 ટકા કમિશન લેવાનું નક્કી કરતાં, ભારતીય એપ્સ ડેવલપર્સ તેનો કોઈ વિકલ્પ શોધવા લાગ્યા છે
ભારતના કાયદા અનુસાર ફેન્ટસી ગેમિંગ એપ્સ જુગાર ગણાતી નથી પરંતુ ગૂગલ ગણે છે. આથી પ્લે સ્ટોરમાંથી આવી એપ્સ ઇન્સ્ટોલ કરી શકાતી નથી (એપલને આવો કોઈ છોછ નથી). એ પણ નોંધવા જેવું છે કે ગૂગલને પોતાના વિવિધ પ્લેટફોર્મ પર ફેન્ટસી ગેમિંગ એપ્સની જાહેરાત બતાવવામાં કોઈ વાંધો નથી. પેટીએમના સ્થાપકે વાંધો ઉઠાવ્યો કે ભારતના કાયદાને જે સામે વાંધો નથી, એ સામે કોઈ એપ સ્ટોર કેવી રીતે વાંધો ઉઠાવી શકે?
પ્લે સ્ટોર પર ગણતરીના કલાકોમાં પેટીએમ એપ પરત આવી ગઈ પરંતુ ગૂગલના આ પગલાંથી ભડકી ઊઠેલી પેટીએમ કંપનીએ હવે ગૂગલ સામે રણશિંગૂં ફૂંકીને પોતાનો મિનિ એપ સ્ટોર લોન્ચ કર્યો છે.
જોકે આ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોરનો સીધો વિકલ્પ બને તેવી શક્યતા ઓછી છે. નામ મુજબ આ એપ સ્ટોર ‘મિનિ એપ્સ’ માટે છે એટલે કે અહીં મુકાતી એપ્સમાં કેટલીક મર્યાદાઓ રહેશે. ‘મિનિ એપ’ એટલે એક્ઝેક્ટલી શું એ વિશે પેટીએમ તરફથી ખાસ ચોખવટ નથી, પણ આવી એપ પ્રોગ્રેસિવ વેબ એપ (પીડબલ્યુએ) એપ હોવાની શક્યતા છે. આવી એપ જે તે વેબસાઇટનું મોબાઇલ વર્ઝન હોય છે, જેનો આઇકન એક ક્લિકમાં મોબાઇલના હોમ સ્ક્રીન પર ઉમેરી શકાય છે. આવી એપ ગૂગલના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવી પડતી નથી. અહીં પણ કેટલીક શરતો છે. પેટીએમના મિનિ એપ સ્ટોરમાંથી આવેલી એપમાં ફ્લિપકાર્ટ કે એમેઝોન જેવા પેટીએમના હરીફની સાઇટ પર લઈ જતી લિન્ક બતાવી શકશે નહીં (એપલે આ જ રીતે પોતાની મોનોપોલી ઊભી કરી છે)!

આવી એપ્સમાંથી કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું હોય તો તે પેટીએમ મારફત કરવું પડશે. જો કે પેટીએમ કંપનીએ કહ્યું છે કે તે પેટીએમ અને યુપીઆઇ મારફત થતા પેમેન્ટ પર કોઈ કમિશન લેશે નહીં. ડેબિટ અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર બે ટકા ચાર્જ રહેશે. એ પણ નોંધવા જેવું છે કે પેટીએમની હરીફ ફોનપેની એપમાં ‘સ્વિચ’ નામની કંઈક આ પ્રકારની જ સગવડ છે. આ પ્રકારના એપ્સ સ્ટોરમાં જે બિઝનેસીસ પોતાની એપ ઓફર કરે તેમના માટે લિસ્ટિંગ મફત હોય છે પરંતુ વધારાની ફી ચૂકવીને તે પોતાની એપને બીજા કરતાં આગળ કરી શકે છે. આનો અર્થ એ થયો કે હવે એવો સમય આવી રહ્યો છે જેમ આપણે શોપિંગ સાઇટ્સ પરથી વિવિધ ચીજવસ્તુ ખરીદીએ છીએ ત્યારે પ્રમોશનલ ઓફર્સની ભરમાર થતી હોય છે એ જ રીતે અલગ અલગ એપ સ્ટોર્સમાં પણ યૂઝરની નજરમાં આવવા માટેની ખેચમતાણ જોવા મળશે.
આ ઉપરાંત, ગૂગલે એપ્સ પાસેથી ૩૦ ટકા કમિશન કડકાઈથી વસૂલવાનું નક્કી કરતાં ભારતીય સ્ટાર્ટઅપ્સ ગૂગલના પ્લે સ્ટોરનો કોઈ વિકલ્પ વિક્સાવવા વિશે વિચારવા લાગ્યા છે.
અત્યાર સુધી સરકાર આ સ્થિતિમાં મૂક પ્રેક્ષક હતી, હવે તેણે સ્ટાર્ટઅપ્સને આ વિશે તેમનો વિચાર શું છે એ જણાવવા કહ્યું છે. તમને કદાચ જાણ પણ નહીં હોય કે ભારત સરકાર તેનો પોતાનો એપ સ્ટોર ચલાવે છે (apps.mgov.gov.in)! તેને વધુ વિક્સાવીને ઇન્ડિયન એપ સ્ટોર સર્જવામાં આવે તેવી શક્યતા છે.
અલબત્ત, આ સ્ટોરની હાલની સ્થિતિ જોતાં, ભારત આ બાબતે આત્મનિર્ભર બને તે દૂરનું સપનું છે. નજીકના ભવિષ્યમાં આવો એપ સ્ટોર આકાર લે, તો સરકાર ભારતમાં વેચાતા બધા સ્માર્ટફોનમાં આ એપ સ્ટોર પહેલેથી ઇન્સ્ટોલ કરવાનું મોબાઇલ કંપની માટે ફરજિયાત બનાવે તેવી સંભાવના ખરી!


આ કમિશન ડિજિટલ ગુડ્સ અને સર્વિસ પર લાગે છે. એટલે, એપલના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી એપમાંથી કોઈ ગેમ માટે નવું ડિજિટિલ વેપન ખરીદવામાં આવે, તો એપલને કમિશન ચૂકવવું પડે, પણ ફૂડ એપ મારફત, રેસ્ટોરાંમાંથી ફૂડ ખરીદવામાં આવે તો તેમાં આ કમિશન લાગતું નથી. એપલના કિસ્સામાં, એપ્સ ફરજિયાત એપલના સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરવી પડે છે. તેમ એપમાંથી થતી ખરીદી પણ એપ સ્ટોર મારફત જ કરવી પડે છે. સ્પોટિફાય કંપની ૧૦ ડોલરનું મંથલી સબસ્ક્રિપ્શન ઉઘરાવતી હતી, પણ એપલનું કમિશન ધ્યાને રાખી, તેણે તેને ૧૩ ડોલર કર્યું. તે પછી, એપલે પોતાની મ્યુઝિક સર્વિસ લોન્ચ કરી અને તેની મંથલી ફી ૧૦ ડોલર રાખી!
પરંતુ એપિક ગેમના મામલે એપલની સ્થિતિ જોયા પછી, ગૂગલે પ્લે સ્ટોરમાં મૂકાયેલી દરેક એપ માટે, પેમેન્ટ માટે ગૂગલની જ સિસ્ટમ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે આવી એપે ફરજિયાત તેની આવકમાંથી ૩૦ ટકા ગૂગલને ચૂકવવા પડે.