ભારતમાં લોકડાઉન પહેલાંથી મોબાઇલમાં ગેમિંગ સતત વધી રહ્યું હતું અને લોકડાઉન દરમિયાન તેમાં જબરો ઉછાળો આવ્યો હતો. હાલમાં મોબાઇલ ગેમિંગના યૂઝર્સની સંખ્યાની દૃષ્ટિએ ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ છે.
આપણા દેશમાં સસ્તા સ્માર્ટફોન, ખાસ્સો સસ્તો ડેટા અને પ્રમાણમાં સારી સ્પીડવાળા ઇન્ટરનેટ કનેકશનને કારણે ગેમિંગનું પ્રમાણ સખત વધી રહ્યું છે.
હવે એક કંપનીએ ભારતનાં ૪૮ મોટાં શહેરો ગેમિંગ માટે કેવોક અનુભવ આપે છે તેનું સર્વેક્ષણ કર્યું છે. આ સર્વેક્ષણ અનુસાર અમદાવાદના યૂઝર્સને તેમના નેટવર્ક પર ગેમિંગ એક્સિપિરિયન્સથી સૌથી વધુ સંતોષ છે.
આ લોકોએ તેમના નેટવર્કને ગેમિંગ માટે ૧૦૦માંથી ૭૧.૭ માર્કસ આપ્યા છે. ૭૦.૧ માર્ક સાથે નવી મુંબઈ બીજા ક્રમે અને ૬૯.૮ માર્ક સાથે વડોદરા ત્રીજા ક્રમે છે. એ ખાસ નોંધવા જેવું છે કે ટોપ ૧૦ સિટીમાં મુંબઈ અને અમદાવાદ માત્ર બે જ મહાનગર છે. એ સિવાય સુરત, રાજકોટ, થાણે વગેરે જેવા પ્રમાણમાં નાનાં શહેરો ટોપ ૧૦ સિટીમાં છે.

