તમે પણ આકાશ ટેબલેટની રાહ જોઈ રહ્યા હો અને તેના વિશે ફેલાયેલી ગૂંચવણોથી અકળાયા હો, તો જાણી લો આ બહુ ગાજેલા ટેબલેટની કેટલીક નક્કર હકીકતો
આગળ શું વાંચશો?
- ટેબલેટ શું છે?
- આકાશની હકીકત
- આકાશ ક્યાંથી મળશે?
- તો બીજા કોઈ વિકલ્પ છે
સાયબરસફર કોલમમાં ડિસેમ્બર ૨૦૧૧માં ‘આકાશ’ ટેબલેટ વિશે લખવામાં આવ્યું, તે પછી અનેક પેરેન્ટ્સે તેમનાં કોલેજિયન સંતાનો માટે ‘આકાશ’ લેવાય કે નહીં એવા ફોનકોલ્સનો મારો ચલાવ્યો હતો!
એ સમયે અખબારમાં સમાચાર એવા હતા કે ‘આકાશ’ની જાન્યુઆરીમાં જ ડિલિવરી મળવાની શરુ થઈ જશે, પણ ‘આકાશ’ બજારમાં ઉપલબ્ધ નહોતું અને માત્ર ઓનલાઇન બુકિંગ થઈ શકતું હતું. વિચિત્રતા એ હતી કે ‘આકાશ’ અને તેના અપગ્રેડેડ વર્ઝનના નામે સંખ્યાબંધ ડોમેઇન રજિસ્ટર થયાં હતાં અને કેટલીય બુકિંગ વેબસાઇટ ખૂલી ગઈ હતી – અસલી કઈ અને ખરેખર ક્યાં બુકિંગ કરાવવું?
આ બધી ગૂંચવણ હજી ઉકેલાઈ નહોતી ત્યાં “આ ‘આકાશ’ તો ચાઇનામેઇડ છે, આખો પ્રોજેક્ટ ફેઇલ ગયો છે, ટેન્ડર જ કેન્સલ થયું છે… નવું વર્ઝન આવી રહ્યું છે… એવા જુદા જુદા પ્રકારના સમાચારોને કારણે વધુ ગૂંચવણ ઊભી થઈ.
આ આખી વાતમાં હકીકત શી છે? આપણે આધારભૂત સ્રોતો તપાસીને વાતની ખરાઈ કરીએ, પણ એ પહેલાં ટેબલેટ ખરેખર છે શું એ વિશે ઘણા લોકોને બરાબર ખબર નથી હોતી એટલે તેની પાયાથી સ્પષ્ટતા કરી લઈએ.
ટેબલેટ શું છે?
સાવ સાદી રીતે વાત કરીએ તો અત્યારે કમ્પ્યુટરમાં થતાં કામ કરવા, ઇન્ટરનેટ એક્સેસ કરવા અને એકમેકના સંપર્કમાં રહેવા માટે મુખ્યત્વે ત્રણ પ્રકારનાં સાધનો છે : ૧. ડેસ્કટોપ કે લેપટોપ, ૨. સ્માર્ટફોન અને ૩. આઇપેડ કે ટેબલેટ.
એક રીતે જોઈએ તો આ ત્રણેય અલગ અલગ પ્રકારનાં કામ કરે છે. આ ત્રણેય એકમેકનાં પૂરક છે, પણ એકના બદલે બીજાથી કામ ચલાવી શકાય એવું નથી. ડેસ્કટોપ પર વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમની મદદથી તમે વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ કે કોરલ ડ્રો, ફોટોશોપ, ઓટોકેડ વગેરે જેવા જુદા જુદા પ્રોગ્રામ ચલાવી શકો છો. આવા એકથી વધુ પ્રોગ્રામ એકસાથે ચલાવવા માટે વધુ શક્તિશાળી પ્રોસેસર, વધુ પાવર અને મોટો સ્ક્રીન પણ જરૂરી બને છે અને ક્યારેક માઉસનો ઉપયોગ અનિવાર્ય બને છે.
સ્માર્ટફોનમાં વર્ડ, એક્સેલ જેવાં ડોક્યુમેન્ટ જોવાં, ઈ-મેઇલ ચેક કરવા, ઇન્ટરનેટનું ઉતાવળીયું સર્ફિંગ કરવું વગેરે કામ ફટાફટ કરી લેવાં હોય તો એ શક્ય બને છે. ઉપરાંત તેમાં એપલની આઇઓએસ કે ગૂગલની એન્ડ્રોઇડ જેવી ઓપરેટિંગ સિસ્ટમની મદદથી પાર વગરની એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરી શકાય છે, જેનાથી આંગળીના હળવા સ્પર્શથી તમે સ્માર્ટલી કામ કરી શકો છો. સ્માર્ટફોન પાછા ફોન તરીકે તો કામ કરે જ છે!
ટેબલેટ મૂળભૂત રીતે સ્માર્ટફોન પ્રકારનું જ કામ કરે છે. તેના પર ઇન્ટરનેટ એક્સેસ કરીને તમે ઇન્ટરનેટ પર જે કંઈ થઈ શકે એ બધું જ કરી શકો છો તેમ જ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો. ડેસ્કટોપ આપણે ઓન કરીએ પછી ખરેખર કામ શરુ કરતાં પહેલાં ઠીકઠીક રાહ જોવી પડે છે. ટેબલેટમાં બધું ઇન્સ્ટન્ટ એક્સેસ થઈ શકે છે! ટીવી પર તમે ‘સત્યમેવ જયતે’ જોતા હો અને કોઈ મુદ્દો ઇન્ટરનેટ પર ક્રોસચેક કરવા જેવો લાગે તો ટેબલેટ ઓન કરો અને (આમિરની ભીની આંખ કોરી થાય તે પહેલાં!) તરત ને તરત મુદ્દો બે-ત્રણ સાઇટ પર ચેક કરી લો!
તો, ડેસ્કટોપ, ટેબલેટ અને સ્માર્ટફોન વચ્ચે શક્તિ, સમય અને સુવિધાનો પાયાનો તફાવત છે. કિંમતનો મુદ્દો પણ ચોક્કસ અગત્યનો છે, પરંતુ એ તમારા બજેટ પર આધાર રાખે છે. આટલી વાત બરાબર સમજીને તમે નક્કી કરો કે તમારા માટે ટેબલેટ કામનું છે?
જો જવાબ હા હોય તો આપણે ‘આકાશ’ના મુદ્દે હકીકતો તપાસીએ.
આકાશની હકીકત
કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયની એક વેબસાઇટ (www.sakshat.ac.in) પર ૫ ઓક્ટોબર, ૨૦૧૧ની તારીખ સાથેના એફએક્યુને આધાર તરીકે લઈએ તો, ‘આકાશ’નાં મૂળ ૨૦૦૬માં છે. એ સમયે એક ઓર્ગેનાઇઝેશને સરકારમાં પ્રસ્તાવ મૂક્યો, જેમાં સ્કૂલાં બાળકો માટે ૧૦૦ યુએસ ડોલર (અંદાજે પાંચ હજાર રૂપિયા)ની કિંમતે સરકારે મોટી સંખ્યામાં લેપટોપ જેવું સાધન વેચવાનું સૂચન હતું. આવા સાધની ભારતમાં વિશાળ જરૂરિયાત ધ્યાને લેતાં મંત્રાલયને લાગ્યું કે આવા સાધનની આદર્શ કિંમત અઢી હજાર પિયા કરતાં ઓછી હોવી જોઈએ, ત્યારે મંત્રાલયને કહેવામાં આવ્યું કે આ સાવ અશક્ય છે.
ત્યાર પછી માનવ સંસાધન વિકાસના નેજા હેઠળ, નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીને રુ.૧૭૫૦ની આસપાસની કિંમત ધરાવતું કમ્પ્યુટિંગ માટેનું સાધન વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું. આ સાધનના વપરાશકાર વિદ્યાર્થીઓ હતા એટલે શિક્ષણ સુલભ બને અને કિંમત ઓછામાં ઓછી રહે એ બે વાત કેન્દ્રમાં રાખીને સાધનનાં સ્પેસિફિકેશન્સમાં સુધારાવધારા કરવામાં આવ્યા.
આ માટે રચાયેલી એક ખાસ ટીમે બેંગાલૂરુ, કાનપુર, ખડગપુર, ચેન્નઈ અને મુંબઈની ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ્સના નિષ્ણાતો સાથે આવું સાધન વિકસાવવાના પ્રયાસ શરુ કર્યા વાત પ્રસરતી ગઈ તેમ તેમ મોટા ભાગે, આવું શક્ય જ નથી એવી નકારાત્મક વાતો શરુ થઈ.
છેવટે મિશને પોતે નક્કી કરેલા સ્પેસિફિકેશન મુજબનું સાધન મેળવીને તેનું ટેસ્ટિંગ કરવાનું કામ આઇઆઇટી-રાજસ્થાનને સોંપ્યું. આઇઆઇટી-રાજસ્થાને ટેન્ડરિંગ કરીને જુદી જુદી કંપનીઓને આમંત્રી (મંત્રાલયની નોટ ભારપૂર્વક કહે છે કે મોટાં મોટાં ઉદ્યોગ જૂથો સામાજિક ઉત્તરદાયિત્વની વાતો કરે છે, પણ આ પ્રોજેક્ટ માટે કોઈએ સારો પ્રતિસાદ આપ્યો નહીં).
છેવટે ડેટાવિન્ડ નામની એક કંપનીએ આ કામ હાથ પર લીધું અને તેને એ સમયે ા. ૨૨૭૬ જેટલી કિંમતે એક લાખ ટેબલેટ (જેને નામ અપાયું ‘આકાશ’) પૂરાં પાડવાનો ઓર્ડર અપાયો. ‘આકાશ’નું ઉત્પાદન હૈદરાબાદમાં થાય છે, પણ તેમાં દક્ષિણ કોરિયા (૩૯ ટકા), ચીન (૨૪ ટકા), અમેરિકા અને (૧૬-૧૬ ટકા) અને તાઇવાન (૫ ટકા)માં બનેલા પાર્ટ્સનો ઉપયોગ થયો છે.
ડેટાવિન્ડ કંપનીએ પહેલાં જે ૬૪૪૦ ટેબલેટ પૂરાં પાડ્યાં તે ઊતરતી ગુણવત્તાનાં જણાતાં ૬૦૦ સિવાયનાં બધાં ટેબલેટ કંપનીને પરત કરવામાં આવ્યાં.
આ બધામાં ‘આકાશ’ની ડિલિવરી પાછળ ઠેલાતી ગઈ. અત્યારની સ્થિતિ એવી છે કે આઇઆઇટી-રાજસ્થાનને બદલે આઇઆઇટી-મુંબઈને આ કામ સોંપવામાં આવ્યું છે અને અગાઉ નક્કી થયેલી કિંમતે જ બહેતર સ્પેસિફિકેશન ધરાવતાં ટેબલેટનો ઓર્ડર અપાયો છે.
આ મે મહિનામાં ‘ધ હિન્દુ’ અખબારમાં ‘આકાશ’ના ગૂંચવાડા અંગે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજ્ઞાન સલાહકારનો એક ટીકાત્મક લેખ (http://goo.gl/Sbd1t) પ્રકાશિત થયો તેનો મંત્રાલય તરફથી જવાબ (http://goo.gl/WA50T) અપાયો છે, તેમાં એવી સ્પષ્ટતા છે કે ‘આકાશ’ની ડિલિવરી મે ૨૦૧૨થી જ શરુ થઈ જશે.
આકાશ મળશે ક્યાંથી?
હવે આ આખી વાતમાં આપણા જેવા ગ્રાહકો માટે મૂંઝવણની વાત એ છે કે ‘આકાશ’ લેવું હોય તો ક્યાંથી મળશે? અનેક લોકોએ ‘આકાશ’નું બુકિંગ કરતી કેટલીય સાઇટ પર બુકિંગ કરાવ્યું છે અને કેટલાકે તો પ્રિપેમેન્ટ પણ કર્યું છે.
હકીકત એ છે કે કેન્દ્ર સરકારે જે એક લાખ ટેબલેટનો ઓર્ડર આપ્યો છે તે માનવ સંસાધન મંત્રાલય દ્વારા યુનિવર્સિટીઝ અને કોલેજીસને અપાશે અને વિદ્યાર્થીઓ કોલેજ પાસેથી ખરીદી શકશે.
બીજી તરફ, ડેટાવિન્ડ કંપનીએ પોતાની રીતે ‘આકાશ’થી વધુ સારાં સ્પેસિફિકેશન્સ ધરાવતાં ટેબલેટ યુબિસ્લેટ નામે બજારમાં મૂકી દીધાં છે. ‘આકાશ’ની સખ્ખત ઓછી કિંમતથી લલચાઈને અને સરકારી ‘આકાશ’ માત્ર કોલેજમાંથી જ મળશે એવી સ્પષ્ટતા ન હોવાને કારણે લાખો લોકોએ આકાશને નામે ખૂલેલી વિવિધ સાઇટ્સ પર ‘આકાશ’ કે યુબિસ્લેટનાં બુકિંગ કરાવ્યાં છે (અલબત્ત, મોટા ભાગે રૂપિયા આપ્યા વિના, તમે કંપની તરફથી પૂછપરછ થાય તો ઓર્ડર કેન્સલ કરી શકો છો).
સરકાર તરફથી, વાયા કોલેજ જે ‘આકાશ’ ટેબલેટ વેચાશે તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે, પણ એન્ડ્રોઇડ એપ્સની એક્સેસ નથી. તેમાં સરકારના વિવિધ શિક્ષણ વિભાગો દ્વારા તૈયાર થયેલું એજ્યુકેશનલ ક્ધટેન્ટ એક્સેસ થઈ શકશે.
જ્યારે ડેટાવિન્ડ કંપનીએ પોતાની રીતે જે યુબિસ્લેટ બજારમાં મૂક્યાં છે (કંપનીની સાઇટના દાવા મુજબ તેની ડિલિવરી શરૂ થઈ ગઈ છે). તેમાં એન્ડ્રોઇડની સાથે નેટ કનેક્શન માટે વાઇ-ફાઇ અને જીપીઆરએસની પણ સગવડ છે, જેથી તેમાં ફોનનાં સિમકાર્ડ નાખીને નેટ અને ફોન બંને સુવિધા મેળવી શકાશે. યુબિસ્લેટનાં બે વર્ઝનની કિંમત રુ. ૩,૪૪૯ અને રુ. ૪,૨૯૯ છે.
પણ, આખી વાતનો સાર એટલો કે ઓછી કિંમત અનુસાર મર્યિદિત સવલતવાળાં ‘આકાશ’ કોલેજ મારફત તમારા સુધી ક્યારે પહોંચશે એ હજી સાવ સ્પષ્ટ નથી. તેનાથી બહેતર, થોડાં મોંઘાં યુબિસ્લેટ ટેબલેટ અસંખ્ય બુકિંગને કારણે આપણા હાથમાં ક્યારે આવશે એ પણ અનિશ્ર્ચિત છે.
તો બીજા કોઈ વિકલ્પ છે?
આવી સ્થિતિમાં, જો બજેટનો મોટો પ્રશ્ન ન હોય અને ટેબલેટ લેવું જ હોય તો બે વિકલ્પ એવા છે જેમાં, કોઈ પણ સારા ઇલેક્ટ્રોનિક શોરૂમમાં જઈને એક હાથે રુપિયા ચૂકવી, બીજા હાથમાં તમે ટેબલેટ મેળવી શકો છો.
સસ્તા હેન્ડસેટથી મોબાઇલ માર્કેટમાં સારું એવું ગજું કાઢનારી માઇક્રોમેક્સ કંપનીએ ‘ફનબુક’ નામે અને એચસીએલ કંપનીએ ‘માય એજ્યુ ટેબ યુવન’ નામે ‘આકાશ’ અને યુબિસ્લેટથી ચઢિયાતાં પણ જરા વધુ મોંઘાં ટેબલેટ બજારમાં મૂક્યાં છે. બંનેમાં એન્ડ્રોઈડ ૪.૦ વર્ઝનની ઓએસ છે.
વાઇ-ફાઇ કે યુએસબી સ્ટિક/ડોંગલ દ્વારા નેટ કનેક્ટિવિટી ધરાવતી માઇક્રોમેક્સ ફનબુકમાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી અનેક એપ્સ ડાઉનલોડ કરી શકો છો અને તેના પર જુદાં જુદાં રાજ્યોનાં બોર્ડના અભ્યાસક્રમ અનુસાર ધોરણ-૧થી ડિગ્રી કોર્સ સુધીના ૫૦૦ જેટલા કોર્સ આવરી લેતું એજ્યુકેશનલ ક્ધટેન્ટ અને કેટ કે આઇઆઇટી-જેઇઇ જેવી સ્પધર્ત્મિક પરીક્ષાનું સ્ટડી મટીરિયલ પણ ખરીદીને એક્સેસ કરી શકાય છે.
એચસીએલ કંપનીના ટેબલેટમાં પણ ઇન્ટરનેટ સ્ટિક કે ડોંગલની મદદથી નેટ કનેક્ટિવિટી મેળવી શકાય છે, જોકે તેમાં ગૂગલ પ્લે સ્ટોરની એક્સેસ નથી. આ ટેબલમાં સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ માટે સંખ્યાબંધ એજ્યુકેશનલ એપ્સ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય છે.
હવે નિર્ણય તમારો!


