ઘણા લાંબા સમયથી ડિજિટલ પબ્લિશિંગ શક્ય બન્યા પછી અખબારો અને સામયિકોના પ્રકાશકો એક બાબતની સતત અવઢવ અનુભવી રહ્યા છે – પોતાનું કન્ટેન્ટ ‘ફ્રી ફ્લોઇંગ’ ટેકસ્ટ સ્વરૂપે આપવું કે પછી ફિક્સ્ડ લે-આઉટવાળી પીડીએફ ફાઇલ સ્વરૂપે. ખાસ કરીને લોકડાઉન સમયે સંખ્યાબંધ અખબારો અને સામયિકોની પીડીએફ ફાઇલ સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી, પરંતુ ઘણા બધા યૂઝરને મોબાઇલના નાના સ્ક્રીન પર આવી ફાઇલ વાંચવી સરળ લાગતી નથી.
બીજી તરફ ફિક્સ્ડ લે-આઉટ ન હોય પરંતુ ટેકસ્ટ અને ઇમેજથી બનેલી એચટીએમએલ ફાઇલ પ્રકારના આર્ટિકલ સતત સ્ક્રોલ કરવા પડતા હોવાથી એ પણ મોબાઇલના નાના સ્ક્રીન પર વાંચવા, ઘણા લોકોને સુગમ લાગતા નથી.
આ બંને પ્રકારની અગવડતાનો કોઈ સહેલો ઉપાય નથી. પરંતુ પીડીએફ (એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ)ની સર્જક કંપની એડોબ પીડીએફની ઉપયોગીતા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. એ મુજબ હમણાં કંપનીએ તેની સ્માર્ટફોન માટેની એડોબ એક્રોબેટ રીડર એપમાં ‘લિક્વિડ મોડ’ નામે એક નવું ફીચર ઉમેરવાની જાહેરાત કરી છે.
આ ફીચર્સ આઇઓએસ, એન્ડ્રોઇડ અને ક્રોમબુક્સની એપમાં લોન્ચ થઈ ગયું છે અને ડેસ્કટોપ તથા બ્રાઉઝર માટેના વર્ઝનમાં પણ ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા છે.
જો તમારા ફોનમાંની એડોબ એક્રોબેટ રીડર એપ અપડેટેડ હોય તો તેમાં કોઈ પણ પીડીએફ ઓપન કર્યા પછી એપ તપાસશે કે આ પીડીએફ લિક્વિડ મોડમાં ઓપન થઈ શકશે કે નહીં.
પીડીએફમાં મોટા ભાગે માત્ર ટેકસ્ટ હોય તો તે લિક્વિડ મોડમાં સરળતાથી ઓપન થઈ શકે પરંતુ અખબાર કે સામયિકમાં પેજ જેવો કોમ્પલેક્સ લેઆઉટ હોય તો તેના માટે લિક્વિડ મોડ મુશ્કેલ બનશે.
જો આપણે ઓપન કરેલી પીડીએફ માટે લિક્વિડ મોડ શક્ય હોય તો એપમાં લિક્વિડ મોડનું એક બટન જોવા મળશે તેને ક્લિક કરવાથી એ ફાઇલ એડોબના ડોક્યુમેન્ટ ક્લાઉડમાં પ્રોસેસિંગ માટે મોકલવામાં આવશે. એ પછી આપણે પીડીએફ ડોક્યુમેન્ટમાં ફોન્ટ સાઇઝ અને લાઇન સ્પેસિંગ પણ વધારી શકીશું તેમજ ડોક્યુમેન્ટના સ્ટ્રકચર અનુસાર હેડર્સની મદદથી એક ટેબલ ઓફ કન્ટેન્ટ પણ બનશે, જેના પર ક્લિક કરીને આપણે ડોક્યુમેન્ટના જે તે સેકશન સુધી આપણે સહેલાઇથી પહોંચી શકીશું. કંપનીના દાવા મુજબ આવનારાં વર્ષોમાં કંપની ડિજિટલ ડોક્યુમેન્ટ્સના ઉપયોગમાં પાયાથી પરિવર્તનો લાવવા માગે છે એ દિશામાં આ પહેલું પગલું છે.
કિન્ડલ જેવી ડિજિટલ કન્ટેન્ટ રીડિંગ એપ્સમાં કંઈક આ જ પ્રકારે પુસ્તકોમાંની ટેક્સ્ટને લિક્વિડ મોડમાં ફેરવી નાખવામાં આવે છે જેથી આપણે સહેલાઇથી તેની ફોન્ટ સાઇઝ વધારી શકીએ છીએ તેમજ લાઇન સ્પેસિંગમાં પણ ફેરફાર કરી શકીએ છીએ.
