અમેરિકાની અવકાશસંસ્થા ‘નાસા’એ તરતી મૂકેલી અવકાશી પ્રયોગશાળા- સ્કાય લેબોરેટરી (ટૂંકમાં ‘સ્કાયલેબ’) વર્તમાન અવકાશી મથક (સ્પેસ સ્ટેશન)ના પૂર્વજ જેવી હતી.
ગોઠવણ એવી હતી કે સ્પેસશટલ થકી અવકાશયાત્રીઓ સ્કાયલેબ સુધી પહોંચે અને ત્યાં પ્રયોગોને લગતી કામગીરી કરે, પરંતુ અવકાશમાં ચઢતી વખતે જ સ્કાયલેબને નુકસાન પહોંચ્યું. પહેલે પગથિયે શરૂ થયેલી કઠણાઈ છેવટ સુધી ચાલી. ૧૯૭૩માં તરતી મુકાયેલી સ્કાયલેબે આશરે છ વર્ષ સુધી નીચી ભ્રમણકક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરી. ત્રણ અવકાશયાત્રીઓએ તેમાં કુલ ૧૭૧ દિવસ માટે રહીને અનુભવ મેળવ્યો.
ત્યાં આશરે ૩૦૦ પ્રયોગ થયા, પરંતુ સમારકામ પછી પણ ‘સ્કાયલેબ’ કાબૂ બહાર નીકળીને સતત ઊંચાઈ ગુમાવતું રહ્યું. ૭૭.૫ ટનનું એ માળખું પૃથ્વી પર પડવાથી વિનાશ સર્જાશે એવી આગાહીઓ જોરમાં ચાલી. આખરે, ‘નાસા’ના પ્રયાસથી તેનો મોટા ભાગનો હિસ્સો હિંદ મહાસાગરમાં અને થોડો હિસ્સો ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં પડ્યો, ત્યારે પૃથ્વીવાસીઓનો જીવ નીચે બેઠો.
સ્કાયલેબની રચના દર્શાવતો વીડિયો:http://goo.gl/GQz2K

