ફાટેલા દૂધ માટે બેક્ટેરિયા જવાબદાર હોવાનું શોધી કાઢનાર રસાયણશાસ્ત્રી અને જીવશાસ્ત્રી લુઇ પાસ્તરને ઊંડા ઊતરતાં સમજાયું કે માણસજાતની અનેક બીમારીઓ માટે પણ સૂક્ષ્મ જીવો જવાબદાર છે. તેમના બાહરી હલ્લાને કારણે માણસ બીમાર પડે છે. એ સમયે વાઇરસ-બેક્ટેરિયા જેવા જીવોનું અસ્તિત્વ અને કેટલાક રોગોમાં તેમની ભૂમિકા સ્વીકારવા ઘણાખરા લોકો તૈયાર ન હતા. ત્યારે પાસ્તરે તારવ્યું કે હડકવા જેવા રોગો વિષાણુથી થાય છે. એટલું જ નહીં, તેમનો હળવો ડોઝ પોતે રોગની દવા તરીકે કામ કરે છે. પોતાની થિયરીના અખતરા માટે પાસ્તરે અને તેમના સાથીદાર એમિલી રુએ સસલામાં હડકવાના વિષાણુ ઉછેર્યા વિષાણુગ્રસ્ત કોષોને સુકાવા દીધા જેથી વિષાણુની ઘાતકતા ઓછી થાય. ત્યાર પછી તેમાંથી તૈયાર કરાયેલી રસી હડકવાનો ભોગ બનેલા નવ વર્ષના એક બાળકને આપવામાં આવી. આ અખતરો સફળ થતાં હડકવા જેવા રોગોના ઇલાજ માટે નવી દિશા ખૂલી.
પાસ્તર અને ઇન્સ્ટિટ્યૂટની તસવીરો-ચિત્રો- વિગતો માટે: http://goo.gl/CSPlc