આ અંકથી ‘સાયબરસફર’ એક નવો વળાંક વટાવી રહી છે. આપણું પ્રિન્ટ મેગેઝિન હવે પ્રથમ ગુજરાતી ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન પણ બની રહ્યું છે!
એવું મેગેઝિન, જે દર મહિને નિયત તારીખે તમારા સુધી પહોંચે, કલર્ડ પેજીસમાં ફોન્ટ તમે ચાહો તેટલા નાનામોટા કરવાની સગવડ હોય, તત્ક્ષણ ક્લિક કરીને વાંચન વિસ્તારવાની સુવિધા હોય અને મેગેઝિનના પાને જ્યાં ફોટોગ્રાફ જોવા મળે છે ત્યાં જ વિષય સમજવામાં ઉપયોગી એવા વીડિયો પણ જોઈ શકાય!
બિલકુલ નાને પાયે, કોઈ મોટા સાથ કે પ્રચાર વિના શરુ થયેલી આ સફરે હૂંફાળું પ્રોત્સાહન આપનારા સૌ વાચકમિત્રોને સતત કંઈક નવું અને ઉપયોગી આપવું એ અમારી નાનકડી ટીમનું પ્રથમ લક્ષ્ય રહ્યું છે. પોસ્ટમાં તા વિલંબના વિકલ્પે અમે લવાજમધારકમિત્રોને ઓનલાઇન ડિજિટલ એડિશન સુલભ કરવાનું વિચાર્યું અને એના પગલે, નવી ટેકનોલોજીનો પૂરો લાભ લેવાનું પણ નક્કી કર્યું.
આ મલ્ટિમીડિયા મેગેઝિનમાં વીડિયો કેટલી ઝડપથી જોઈ શકાશે એનો આધાર તમારા કમ્પ્યુટર અને નેટ કનેકશનની ક્ષમતા પર છે, પણ આજે પૂરેપૂરી નહીં તો કાલે, આ સુવિધા તમને ઉપયોગી જરુર થશે.
આ અંકમાં તમે જોશો તેમ કવરસ્ટોરી હંમેશાં કરતાં થોડી લંબાઈ ગઈ છે – જોકે અનિશ્ચિતતા પ્રવાસનું હાર્દ છે! પહેલી વાર ગૂગલ અર્થનો ઉપયોગ કરતા કે અર્થથી થોડા પરિચિત હોય એવા સૌ લોકોને આ અસાધારણ પ્રોગ્રામનાં વિવિધ પાસાં વિગતવાર સમજાવવામાં આટલાં પાનાં ઓછાં જ પડ્યાં છે, આગામી અંકોમાં આપણે તેની વધુ વાત કરતાં રહીશું.
આટલું વાંચીને, કોઈ આંખમાં જિજ્ઞાસા જાગશે ને આજની ડિજિટલ યાત્રા ભવિષ્યના વાસ્તવિક પ્રવાસોમાં પલટાશે તો અમારી મહેનત સાર્થક !
– હિમાંશુ
