સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ!
અમેરિકાનાં અત્યારનાં ફર્સ્ટ લેડી મિશેલ બરાક ઓબામા તેમના પતિને છૂટાછેડા દેવાનાં હતાં એવા અહેવાલોના પગલે સમાચારોમાં છે, પણ અમેરિકાના ૩૨મા પ્રમુખ ફ્રેન્કલિન ઝવેલ્ટનાં પત્ની અને યુનાઇટેડ નેશન્સમાં પણ જવાબદારીઓ સંભાળી ચૂકેલાં ઇલિએનોર ઝવેલ્ટ વર્ષો પહેલાં એવું કંઈક કહી ગયાં છે કે જે આપણને અત્યારે પણ વિચારતા કરી મૂકે. ઇન્ટરનેટ પરની અવતરણોની ઢગલાબંધ સાઇટ્સમાં એમના નામે મુકાયેલું એક અવતરણ કહે છે કે “તમારે એ કામ અચૂક કરવું જોઈએ, જે તમે માનતા હો કે તમે ન કરી શકો!
જીવનમાં ક્યાંક ને ક્યાંક, કોઈક તબક્કે આપણે પાછળ રહી જતા હોઈએ એનું કારણ મોટા ભાગે આ જ હોય છે, આપણને પોતાને જ આપણી જાત પર વિશ્વાસ ન હોય તો પછી બીજા તો ક્યાંથી ભરોસો મૂકે?
આ તો બહુ મોટી વાત થઈ, પણ આપણા રોજબરોજના કામમાં પણ આપણે આપણી સગવડના એક ચોક્કસ માળખાની બહાર નીકળવાની કોશિશ જ કરતા નથી. આપણા કોલમફલક ઇન્ટરનેટ કે કમ્પ્યુટરની વાત કરીએ તો આપણે રોજેરોજ રોજિંદી રફતારથી જ કામકાજ કરતા રહીએ છીએ. એથી આગળ વધીને, કંઈક નવું પણ કરી શકાય, કંઈક નવી રીતે પણ ધાર્યું પરિણામ મેળવી શકાય એવું મોટા ભાગે આપણે વિચારતા નથી. આવી નવી રીત અજમાવવાનો એક સરસ રસ્તો છે – શોર્ટકટ્સનો ઉપયોગ કરવાનો. સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, નેટ કે કમ્પ્યુટર પર ઘણા શોર્ટકટ સફળ ને ઉપયોગી નીવડી શકે છે. ગયા મહિને ‘કળશ’ના પાને આવા કેટલાક શોર્ટકટની છૂટીછવાઈ વાત કરી હતી. અહીં જાણો આવા સંખ્યાબંધ શોર્ટકટ્સ.

ઇન્ટરનેટ પર જરા શોધખોળ કરશો તો આવા પાર વગરના શોર્ટકટ્સ મળી રહેશે. “આટલું યાદ રાખવાની ઝંઝટ કોણ કરે? એવું વિચારતા હો તો તમે બિલકુલ સાચા છો. બધા જ શોર્ટકટ્સ યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ આમાંના મોટા ભાગના અજમાવી જરૂર જોશો. તમારા કામ અને જરૂરિયાત અનુસાર અમુક શોર્ટકટ તમને એટલા ઉપયોગી થઈ પડશે કે એ આપોઆપ યાદ રહી જશે અને તમે બીજા શોર્ટકટ શોધવા નીકળી પડશો!

