(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં ક્યુઆર કોડ્સ સ્કેન કરવાની સહેલી રીતો…

લાંબાંલચક યુઆરએલ કે અન્ય વિગતોને ટૂંકમાં અને કેમેરાથી સ્કેન કરીને જાણી શકાય એવા સ્વરૂપમાં આપતા ક્યુઆર કોડનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે તેને સંબંધિત જાણકારી.

આગળ શું વાંચશો?

  • એન્ડ્રોઇડમાં ક્યુઆર કોડ સ્કેન કરવા માટે…

  • ક્યુઆર કોડ સ્કેન કરવાના અન્ય રસ્તા

  • વેબએપનો ઉપયોગ કરો

  • બ્રાઉઝરનો ઉપયોગ

ધીમે ધીમે ક્યુઆર કોડ આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બનવા લાગ્યા છે. કોરોના વાયરસના પ્રસાર પછી કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે હવે શાકભાજીની દુકાને પણ આપણે ક્યુઆર કોડનાં પાટિયાં સ્કેન કરીને પેમેન્ટ કરતા થઈ ગયા છીએ.

પેમેન્ટ માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોય ત્યારે આપણા ફોનમાંની પેમેન્ટ એપ પૂરતી છે. પરંતુ ક્યુઆર કોડના ઉપયોગ ઘણા વિસ્તૃત છે.

જેમ કે અખબારમાં કે મેગેઝિનમાં જાહેરાત આપતી કંપની લોકોને કોઈ ચોક્કસ વેબપેજ પર ફટાફટ પહોંચાડવા માગતી હોય તો તેના લાંબાલચક યુઆરએલને ક્યુઆર કોડમાં ફેરવી નાખીને જાહેરાતમાં પ્રિન્ટ કરી શકે છે. વાઇ-ફાઇ પાસવર્ડ શેર કરવા હોય કે આપણી કોન્ટેક્ટ ડિટેઇલ્સ શેર કરવી હોય તો એ માટે પણ હવે ક્યુઆર કોડનો ઉપયોગ વધવા લાગ્યો છે (આ સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે અને કેટલાક સ્માર્ટફોનમાં પોતાનાં એડ્રેસ કાર્ડ પણ ક્યુઆર કોડથી મોકલી શકાય છે).

પેમેન્ટ સિવાયના ક્યુઆર કોડની વાત આવે ત્યારે આપણે માટે વાત થોડી ગૂંચવણભરી બને છે અને મોટા ભાગે આપણે એવું માનીએ છીએ કે આવા જુદા જુદા કોડ સ્કેન કરવા માટે આપણે ફોનમાં અલગથી કોઈ એપ નાખવી પડે.

પ્લે સ્ટોરમાં ‘ક્યુઆર કોડ સ્કેનર’ સર્ચ કરીએ એ સાથે ઢગલાબંધ એપ્સ જોવા મળે. તેમાંથી કઈ સારી એની ગૂંચવણનો કોઠો પાર કરીને આપણે એકાદી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરીએ એ સાથે એ એપ ફરી ઢગલાબંધ પરમિશન માગે.

એપલમાં કેમેરા એપમાં જ ક્યુઆર કોડ સ્કેનિંગની સુવિધા સામેલ છે. જ્યારે મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલના લેન્સ ટૂલ કે પછી થર્ડ પાર્ટી એપ્સની મદદથી આ કામ કરી શકાય છે.

ન છૂટકે આપણે પરમિશન આપીએ પછી ખ્યાલ આવે કે એપમાં જાહેરાતોની ભરમાર છે. ઉપરાંત આપણે તેની મદદથી જે કોઈ ક્યુઆર કોડ સ્કેન કરીએ તેની વિગતો એ એપ મારફત જુદાં જુદાં એડવર્ટાઇઝિંગ નેટવર્કસને પહોંચવાની પૂરી શક્યતા.

વાસ્તવમાં તમારી પાસે એપલનો આઇફોન હોય કે પછી એન્ડ્રોઇડ ફોન ક્યુઆર કોડ સ્કેન કરવા માટે અલગથી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર જ નથી.

એપલના આઇફોન કે આઇપેડમાં ક્યુઆર કોડ સ્કેન કરવાની રીત બિલકુલ સહેલી છે કેમ કે તેમાં ફોનની કેમેરા એપમાં જ આ સુવિધા સામેલ છે. એન્ડ્રોઇડમાં વાત આટલી સહેલી નથી.


એન્ડ્રોઇડમાં ક્યુઆર કોડ સ્કેન કરવા માટે…

લગભગ દરેક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ એપ હોય છે અને ક્યુઆર કોડ સ્કેન કરવા માટે આ એપ પૂરતી છે.

ગૂગલ એપમાં ‘લેન્સ’ નામનું એક સ્કેનિંગ ટૂલ સામેલ હોય છે (વિગતવાર માહિતી માટે જુઓ ‘સાયબરસફર’નો એપ્રિલ ૨૦૧૮નો અંક). આ ટૂલની મદદથી આપણે વાસ્તવિક જગતની જુદી જુદી ચીજવસ્તુ, નોંધપાત્ર ઇમારતો, લખાણ, નંબર, વેબસાઇટ કે ઇ-મેઇલ એડ્રેસ વગેરે સ્કેન કરીને ઓળખી શકીએ છીએ.

આ બધા ઉપરાંત લેન્સ ટૂલ ક્યુઆર કોડ અને બારકોડ રીડ કરવા માટે ઉપયોગી છે. ગૂગલ લેન્સનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે. ફોનના હોમ સ્ક્રીનને જરા લાંબો સમય પ્રેસ કરી રાખીએ તો ગૂગલ આસિસ્ટન્ટ ઓપન થાય છે અને તેમાં ડાબી તરફ લેન્સનો આઇકન જોવા મળે છે.

લેન્સ આઇકન ક્લિક કરતાં ફોનમાંનો કેમેરા ઓન થાય છે. અને તેની મદદથી આપણે ક્યુઆર કોડ સ્કેન કરી શકીએ છીએ. આ રીત તમને લાંબી લાગતી હોય તો પ્લે સ્ટોરમાંથી ગૂગલ લેન્સની શોર્ટકટ એપ (https://play.google.com/store/apps/details?id=com.google.ar.lens) ઇન્સ્ટોલ કરી શકાય છે. જે ફોનના હોમ સ્ક્રીન પર લેન્સનો આઇકન ઉમેરી દે છે.

ક્યુઆર કોડ સ્કેન કરવા માટે તમે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવા માગતા ન હો અને ગૂગલને પણ માહિતી આપવા માગતા ન હો, તો એક બિલકુલ સાદી વેબસાઇટ પણ છે, જે ફક્ત ક્યુઆર કોડ સ્કેનિંગનું કામ કરે છે.

લેન્સ ઓપન કર્યા પછી આપણે કોઈ પણ ક્યુઆર કોડ સામે ફોનનો કેમેરા ધરવાનો રહે છે. એ કોડ કોઈ વેબપેજની લિન્કનો હશે તો તે એડ્રેસ જોવા મળશે અને તેને ક્લિક કરીને આપણે એ વેબપેજ પર જઈ શકીશું.

ક્યુઆર કોડમાં લિન્કને બદલે નંબર કે પાસવર્ડ વગેરે હોય તો આપણે સ્ક્રીન પર નીચે દેખાતા સર્ચ બટનને ક્લિક કરવું પડશે અને પછી એ ક્યુઆર કોડની વિગતો જાણી શકાશે.

ગૂગલની લેન્સ સુવિધા ગૂગલ ફોટોઝ એપમાં પણ સામેલ છે. આથી તમે કોઈ જાહેરાતમાં કે અન્ય જગ્યાએ ક્યુઆર કોડનો ફોટોગ્રાફ લીધો હોય તો પછી ગમે ત્યારે ફોટોઝ એપમાં એ ઇમેજ ઓપન કરી તેને લેન્સથી સ્કેન કરીને ક્યુઆર કોડની વિગતો જાણી શકો છો.

અલબત્ત લેન્સનો પહેલી વાર ઉપયોગ કરતી વખતે આપણે તેની શરતો સ્વીકારવી પડશે અને આપણે લેન્સથી જે કંઈ સ્કેન કરીએ તે ગૂગલના સર્વર પર અપલોડ થાય એ માટે સહમતી આપવી પડશે. તે સિવાય લેન્સ કામ કરશે નહીં.

ક્યુઆર કોડ સ્કેન કરવાના અન્ય રસ્તા

હવે ઘણા સ્માર્ટફોનમાં ક્યુઆર કોડ સ્કેનર પહેલેથી સામેલ હોય છે. જેમ કે સેમસંગમાં કેમેરા સેટિંગ્સમાં સ્કેનિંગનો વિકલ્પ ઓન કરી શકાય છે. સેમસંગના ‘બિક્સબી વિઝન’માં આવી સુવિધા છે. સેમસંગ ફોનમાં નોટિફિકેશન શેડ ઓપન કરીને ક્વિક સેટિંગ્સ ટાઇલ્સમાં બિલ્ટ-ઇન ક્યુઆર કોડ સ્કેનરનો શોર્ટકટ શોધી શકાય.

ગૂગલના પિક્સેલ ફોનમાં પણ કેમેરા એપમાં જ ‘લેન્સ’ ફીચર ઉમેરી દેવામાં આવ્યું છે.

વેબએપનો ઉપયોગ કરો

આગળ કહ્યું તેમ પ્લે સ્ટોરમાં ક્યુઆર સ્કેનર તરીકે કામ આપતી સંખ્યાબંધ એપ્સ મળી આવે છે. પરંતુ તેમાંની જાહેરાતો અને ટ્રેકિંગ સામે આપણને વાંધો હોઈ શકે છે.  એ જ રીતે, આપણે જે સ્કેન કરીએ તે ગૂગલના સર્વર સુધી પહોંચાડવા ન માગતા હોઈએ તો https://qrcodescan.in/ વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે.

સ્માર્ટફોનમાં બ્રાઉઝરમાં આ સાઇટ પર જતાં તે આપણા કેમેરાનો ઉપયોગ કરવાની મંજૂરી માગશે. આટલી પરમિશન આપીને આપણે ફોનથી ક્યુઆર કોડ સ્કેન કરી શકીએ છીએ.

આ એક પ્રોગ્રેસિવ વેબ એપ છે એટલે આ વેબસાઇટ ઓપન કરતા આપણને તેને માટે ‘પેજ ટુ હોમ સ્ક્રીન’ એવું સૂચન મળશે, જેને સ્વીકારતાં તેનો આઇકન આપણા ફોનના હોમસ્ક્રીન કે એપ ડ્રોઅરમાં ઉમેરાઈ જશે અને આપણે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકીશું. આ અન્ય પ્રકારની એપ્સ ન હોવાને કારણે તેમાં જાહેરાત કે ટ્રેકિંગનું નડતર રહેતું નથી.

બ્રાઉઝરનો ઉપયોગ

સ્માર્ટફોન માટેના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં એન્ડ્રોઇડમાં ક્યુઆર કોડ સ્કેન કરવાની સુવિધા નથી પરંતુ તેના આઇઓએસ વર્ઝનમાં આવી સુવિધા છે. એન્ડ્રોઇડમાં જો તમે ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેમાં કી-બોર્ડની ઉપર દેખાતા એડ્રેસ બારમાં ક્લિક કરતાં ક્યુઆર કોડ સ્કેન કરવાનો વિકલ્પ મળે છે.


હેકર્સ ક્યુઆર કોડની મદદથી આપણને કેવી રીતે છેતરે છે અને આપણે કેવી રીતે બચવું એ વિશે આપણે ‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૨૦ અંકમાં વિગતવાર વાત કરી ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!