જાહેર સ્થળોએ કેમેરાએ કેપ્ચર કરેલા ફોટોઝ કે વીડિયોના આધારે તેમાંની વ્યક્તિની ઓળખ કરતી ફેસિયલ રેક્ગ્નેશન ટેકનોલોજી લાંબા સમયથી વિવાદનો વિષય રહી છે. વિવિધ દેશોની સરકાર અને પોલીસ ગુનેગારોને પકડવા માટે આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા લાગી છે પરંતુ તેના ઉપયોગ વિશે કોઈ નિશ્ચિત ધારાધોરણો ઘડાયા ન હોવાથી તેના દુરુપયોગની ઘણી શંકાઓ રહે છે.
આ ટેકનોલોજીમાં રહેલી ખામીઓને કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ ગુનેગાર તરીકે દંડાઈ જાય તેવું પણ બની શકે છે. આથી વિવિધ સંસ્થાઓ તરફથી, ચોક્કસ નિયમો અને ધોરણો ઘડાઈ નહીં ત્યાં સુધી આ ટેકનોલોજીના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી થતી આવી છે. માઇક્રોસોફ્ટ કંપનીએ આવા પ્રતિબંધની તરફેણ કરી છે. અમેરિકામાં ઘણા શહેરોમાં તેના પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. આઇબીએમ કંપનીના ભારતીય મૂળના સીઇઓએ પણ આ મુદ્દે રાષ્ટ્રીય ચર્ચાની તરફેણ કરી છે.
દરમિયાન અમેરિકામાં પોલીસના હાથે એક અશ્વેત નાગરિકના મૃત્યુ પછી આ ટેકનોલોજીનો વધુ દુરુપયોગ થવાની આશંકાથી એમેઝોન કંપનીએ નિર્ણય કર્યો છે કે આવતા એક વર્ષ સુધી પોતાની ફેસિયલ રેક્ગ્નેશન ટેકનોલોજી પોલીસને ઉપલબ્ધ કરશે નહીં. જો કે એમેઝોને સ્પષ્ટતા કરી છે કે ગૂમ થયેલા બાળકોની શોધ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા દેશે.
