સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગમાં જીબોર્ડ કીબોર્ડ બહુ કામનું છે એ તો તમે જાણતા જ હશો. તેમાં અવારનવાર નવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે. હવે જીબોર્ડમાં કોપી-પેસ્ટ વધુ સરળ બન્યું છે.
અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ પણ એપમાં કોઈ પણ બાબત કોપી કરીએ અને બીજી કોઈ એપમાં તેને પેસ્ટ કરવાની હોય ત્યારે જીબોર્ડના ક્લિપબોર્ડમાં તે બાબત પેસ્ટ થયેલી જોવા મળે છે.
આ સુવિધા હવે વધુ સ્માર્ટ બની છે. તેમાં આપણે કોપી કરેલી વિવિધ બાબત એક સાથે જોઈ શકાશે.
જીબોર્ડમાં તમને ક્લિપબોર્ડ ન દેખાતું હોય તો કોઈ પણ એપમાં ટાઇપિંગ કરવા માટે જીબોર્ડ ઓપન કરો. હવે જીબોર્ડમાં ઉપરના ભાગે ત્રણ ડોટ પર ક્લિક કરતાં, તેમાંની વિવિધ સગવડને આપણી રીતે ગોઠવવાના વિકલ્પો મળશે, તેમાં ક્લિપબોર્ડ જોઈ શકાશે.
હવે પછી તમે જ્યારે કોઈ પણ ટેક્સ્ટ, ગમે ત્યાં કોપી કરી હશે તે જીબોર્ડના ક્લિપબોર્ડમાં ક્લિપ સ્વરૂપે દેખાશે. કોઈ પણ ક્લિપને ક્લિક કરીને પેસ્ટ કરી શકાશે, તેમ જ એડિટ આઇકન પર ક્લિક કરીને, વિવિધ ક્લિપને પિન કરી શકાશે, ઉમેરી શકાશે કે ડિલીટ કરી શકાશે. તમારું જીબોર્ડ અપડેટેડ ન હોય તો કરી લો, આ સુવિધા મળવી શરૂ થઈ ગઈ છે.
