(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડિજિટલ સ્ટોરેજ : કર લો દુનિયા મુઠ્ઠી મેં

જીબી સ્ટોરેજની ક્ષમતા હોય એની કોઈ નવાઈ નથી રહી અને ટચૂકડી પેનડ્રાઇવમાં પણ પાર વગરનો ડેટા સમાઈ જાય છે ત્યારે ડિજિટલ સ્ટોરેજના શરૂઆતથી આજ સુધીના પડાવો પર એક નજર.

એક સમયે જ્યારે મોબાઇલના હેન્ડસેટ ઈંટની યાદ અપાવે એવા તોતિંગ હતા અને કોલના દર એથીય વધુ વજનદાર હતા એ સમયે, સાવ અદના માણસ સુધી મોબાઇલ પહોંચાડવાના ધીરુભાઈ અંબાણીના સ્વપ્નને આગળ ધરીને રિલાયન્સ કંપનીએ ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ એવી પંચલાઇન સાથે જબરજસ્ત કેમ્પેઇન ચલાવ્યું હતું એ યાદ છે? આજે ખરેખર આખી દુનિયા મુઠ્ઠીમાં લઈને ફરવાનું સૌ કોઈ માટે શક્ય બની ગયું છે. આ કંઈક બહુ ઝાઝાં વર્ષ પહેલાંની વાત નથી.

એવી જ રીતે, ડિજિટલ સ્ટોરેજમાં જે પરિવર્તન આવ્યું છે અને પાર વગરનો ડેટા મુઠ્ઠીમાં રહે એવી ટચૂકડી પેન ડ્રાઇવમાં સમાઈ જાય એવા દિવસો આવી ગયા છે, એ પરિવર્તન પણ ખરેખર રોમાંચક છે. સોશિયલ મીડિયાના ક્ષેત્રની અગ્રગણ્ય સાઇટ મેશેબલ.કોમ પર ડિજિટલ સ્ટોરેજનો ઇતિહાસ બતાવતું એક રસપ્રદ ઇન્ફોગ્રાફિક જોઈ શકાય છે.

આ ઇન્ફોગ્રાફિકના પ્રારંભે જ લખાયું છે કે એક સમય એવો હતો જ્યારે આખેઆખા ઓરડા ભરાય એવા કદની હાર્ડ ડ્રાઇવ્સ હતી અને તેમાં જેટલો ડેટા સમાઈ શકતો હતો તેનાથી અનેક ગણો ડેટા હવે આપણે ખિસ્સામાં લઈને ફરીએ છીએ – આ માત્ર ૫૦ વર્ષની પ્રક્રિયા છે! અહીં જાણીએ આ પ્રક્રિયાના કેટલાક નોંધપાત્ર પડાવ…

મોટી ફેક્ટરીમાં કામ કરનારા લોકોને ખ્યાલ હશે તે ફેક્ટરીમાં દાખલ થવાનો અને બહાર નીકળવાનો સમય નોંધવા માટે પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો. પ્લાસ્ટિકના હાર્ડ પીસ પર ચોક્કસ માપનાં અને ચોક્કસ અંતરે છિદ્રો કરવાથી એક ચોક્કસ પેટર્ન તૈયાર થતી અને એ રીતે એ કાર્ડમાં જે તે કર્મચારીની વિગતો સમાઈ જતી. માહિતીને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહવાનું એ કદાચ સૌથી પ્રાથમિક સ્વરુપ અને છેક ૧૭૮૫માં એક ટેક્સ્ટાઇલ લૂમના કારીગરે લૂમ્સને કંટ્રોલ કરવા અને કાપમાં ચોક્કસ પ્રકારની પેટર્ન તૈયાર કરવા માટે ખાસ પ્રકારનાં પંચ કાર્ડનો ઉપયોગ કરવાનું શરુ કર્યું હતું. એ રીતે પહેલી વાર, કોઈ મશીન ખાસ પ્રોસેસ કરવા માટે કોઈ સાધનમાં રહેલા કોડનો ઉપયોગ કરે એવી પદ્ધતિ અને બીજા શબ્દોમાં કહો તો મેમરી કાર્ડના ઉપયોગની શરુ‚આત થઈ.
જોકે એ પછી છેક ૧૮૯૦માં કમ્પ્યુટર જેવા સાધનમાં ડેટા રેકોર્ડ કરવા અને વાંચવા માટે પંચ કાર્ડનો ઉપયોગ શરૂ થયો.

ફરી વર્ષો વીતી ગયાં અને ૧૯૪૭માં વિલિયમ્સ ટ્યૂબ નામે ઓળખાતું એક સાધન વિકસાવાયું, જેની ક્ષમતા ૦.૦૬૨૫ કેબીની હતી! દુનિયાના એ પહેલા રેન્ડમ એક્સેસ ડિજિટલ સ્ટોરેજ યુનિટની સ્પીડ હતી ૧.૨ મિલિસેકન્ડ પર ઇન્સ્ટ્રક્શન.

૧૯૫૦ના દાયકામાં ડ્રમ મેમરી ડિવાઇસ વિકસાવાયું, જેની ક્ષમતા ૧૦ કેબીની હતી, આજની હાર્ડ ડ્રાઇવનાં મૂળ આ સાધનમાં છે.

૧૯૫૧માં, વ્યાપારી ધોરણે પહેલી વાર જેનો ઉપયોગ શક્ય બન્યો એવું યુનિસર્વો નામની ટેપ ડ્રાઇવ અસ્તિત્વમાં આવી, તેની ક્ષમતા ૧૨૮ બીટ્સ પર ઇંચ હતી.

૧૯૫૧માં આઇબીએમ ૩૫૦ નામે પહેલી ‘મોડર્ન‘ હાર્ડ ડ્રાઇવ બની, જેની સંગ્રહક્ષમતા ૪.૪ એમબી હતી.

૧૯૭૨માં, આપણા માટે પણ જાણીતી પણ હવે ખોવાઈ ગઈ એવી કેસેટ ટેપ વિક્સી. તેની ક્ષમતા એક સાઇડ પર ૬૬૦કેબીની હતી.


૧૯૭૬માં ઇંચની ફ્લોપી ડિસ્ક આવી. કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાય અને ડેટા ટ્રાન્સફર કે સ્ટોર કરવા માટે અસંખ્ય લોકો તેનો ઉપયોગ શરુ કરે અને જેનું મોટા પાયે ઉત્પાદન થવા લાગે એવી આ પહેલી ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ હતી. ૧૯૮૨માં એચડી વર્ઝન સાથે તેની સંગ્રહક્ષમતા ૧.૨ એમબી પર પહોંચી.

૧૯૮૦માં આઇબીએમ ૩૩૮૦ નામે ઓળખાતી હાર્ડ ડ્રાઇવ માર્કેટમાં આવી અને ત્યારે પહેલી વાર ડેટા સંગ્રહ ગીગાબાઇટમાં પણ શક્ય બન્યો! આ ડ્રાઇવની સંગ્રહક્ષમતા ૨.૫૨ ગીગાબાઇટ હતી.

એ જ વર્ષે પાંચ એમબીની ક્ષમતાવાળી, પણ ૫.૨૫ ઇંચના કદની ડ્રાઇવ પણ વિકસી, જેના આધારે આધુનિક પીસીની હાર્ડ ડ્રાઇવ વિકસી. એ દાયકામાં, ૧૯૮૭માં હાઈ-એન્ડ રેકોર્ડિંગ ડિવાઇસ તરીકે ડીએટી તરીકે ઓળખાતી ટેપ પણ વિકસી, તેની ક્ષમતા ૧.૩ જીબીની હતી. એ પછીથી કમ્પ્યુટર્સમાં સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાઈ.

૧૯૯૦થી ૭૦૦ એમબીની સંગ્રહક્ષમતા ધરાવતી સીડી-આર બજારમાં આવી, જેનો હજી પણ મોટા પાયે ઉપયોગ થાય છે.

તેના ત્રણેક વર્ષ પછી સોની કંપનીએ ફ્લોપી જેવી જ, પણ ૧૪૦ એમબીની ક્ષમતાવાળી એમડી ડેટા મિનિ ડિસ્ક માર્કેટમાં મૂકી, જોકે મોંઘી કિંમતને કારણે એ ઝાઝું ટકી નહીં. પછીના જ વર્ષે આવેલી ઝિપ ડિસ્કની ક્ષમતા ૧૦૦ એમબીની જ હતી, પણ એ સમયે, જ્યારે સીડી રિરાઇટ થઈ શકતી નહોતી ત્યારે ઝિપ ડિસ્કમાં એ સગવડ હોવાથી એ લોકપ્રિય બની. જોકે અંતે તો, રિરાઇટિંગની સગવડ ઉમેરાયા પછી કદ અને કિંમત બંને રીતે ૭૦૦ એમબીની સીડીએ ઝિપ ડિસ્કને ક્યાંય પાછળ રાખી દીધી.

૧૯૯૬માં સીગેટ કંપનીએ ૨.૫ જીબીની ડ્રાઇવ બનાવી, ૭૨૦૦ આરપીએમની સ્પીડ ધરાવતી આ ડ્રાઇવે આજનાં ઘણાં ખરાં સાધનો માટે સ્પીડનું નવુંધોરણ સ્થાપ્યું.

૧૯૯૯માં ૧૭૦ એમબીની ક્ષમતાવાળી માઇક્રોડ્રાઇવ બજારમાં આવી. એ સમયે ફ્લેશ ડ્રાઇવ (એટલે કે આજની પેન ડ્રાઇવ) અને એસડી કાર્ડ જેવા હજી વધુ નાના, વધુ સસ્તા અને વધુ સંગ્રહક્ષમતા ધરાવતા વિકલ્પો પૂરતા વિકસ્યા નહોતા. એપલે તેના પહેલા પહેલા આઇપોડ્સમાં આ માઇક્રોડ્રાઇવનો ઉપોયગ કર્યો.

વર્ષ ૨૦૦૦માં આઇબીએમ કંપનીએ ડિસ્કઓનકી નામે ૮ એમબીની ક્ષમતાવાળી, સાવ નાની અને સાવ સસ્તી ડ્રાઇવ બજારમાં મૂકી એ સાથે તરત જ ફ્લોપી અને ઝિપ ડિસ્કનો મૃત્યુઘંટ વાગી ગયો.

એ જ વર્ષમાં ૩૨ એમબીની ક્ષમતાવાળા એસડી કાર્ડ આવ્યાં અને મોબાઇલ તેમ જ કેમેરામાં તેનો જબરજસ્ત ઉપયોગ થવા લાગ્યો.

૨૦૦૮માં ૬૪ જીબીની ક્ષમતાવાળી સોલિડ સ્ટેટ ડ્રાઇવ બની, જેમાં કોઈ મૂવિંગ પાર્ટ નહોતા અને કદમાં સાવ નાની હતી.

હવેનાં કમ્પ્યુટર્સ આ જ પ્રકારની ડ્રાઇવનો ઉપયોગ કરવા લાગ્યાં છે અને સામાન્ય કમ્પ્યુટરની સંગ્રહક્ષમતા પણ ૫૦૦ જીબી સુધી પહોંચી ગઈ છે.
કમ્પ્યુટરમાં ઇન-બિલ્ટ હોય કે એક્સટર્નલ સ્વરુપે હોય તેવી હાર્ડડ્રાઇવની ક્ષમતા હવે ટેરાબાઇટ સુધી પણ પહોંચી છે.

ઇન્ટરનેટ કનેક્શન અત્યંત ઝડપી અને વિશ્વસનીય બન્યા પછી હવે ક્લાઉડ સ્ટોરેજનો વિકલ્પ વધુ વેગ પકડી રહ્યો છે, જે ઓલમોસ્ટ અનલિમિટેડ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!