લાંબા અરસાથી ઘરમાં પુરાઈ રહીને કંટાળ્યા છો? તો ઘેરબેઠાં અનોખી વિશ્વસફર કરવા થઈ જાવ તૈયાર! મજા એ છે કે આ સફર ક્યારેય પૂરી થશે નહીં અને તમે ઇચ્છો તો તમારા સ્વજનો-મિત્રોને પણ આવી સફર કરાવી કરશો – ગૂગલ અર્થ પર!
એ માટે સૌથી પહેલાં, તમારા સ્માર્ટફોનમાં ગૂગલ અર્થ એપ ન હોય તો નીચેની લિંક ક્લિક કરીને અથવા પ્લેસ્ટોર/એપસ્ટોરમાં ‘ગૂગલ અર્થ’ સર્ચ કરીને એપ ડાઉનલોડ કરી લો.
આગળ શું વાંચશો?
- સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ભારત
- સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ન્યૂ યોર્ક, અમેરિકા
- એફિલ ટાવર, પેરિસ, ફ્રાન્સ
- ઓપેરા હાઉસ, સિડની, ઓસ્ટ્રેલિયા
- માઉન્ટ એવરેસ્ટ, નેપાળ
- નાયગ્રા ફૉલ્સ, અમેરિકા-કેનેડા
- વિક્ટોરિયા ફૉલ્સ, ઝાંબિયા-ઝિમ્બાબ્વે
- હૂવર ડેમ, નેવાડા, અમેરિકા
પીસી/લેપટોપમાં પણ http://earth.google.com/ પર જઈને ગૂગલ અર્થનો લાભ લઈ શકાશે, અલબત્ત, પીસી પાવરફુલ નહીં હોય તો થોડી તકલીફ થઈ શકે છે.
અહીંથી આગળનાં પાનાંમાં પૃથ્વીનાં કેટલાંક જાણ્યાં-અજાણ્યાં સ્થળોની વાત કરી છે અને તેની લિંક્સ આપી છે.
આ માત્ર દિશાસૂચન છે!
આ સ્થળોએ પહોંચીને અર્થમાં આગળ વધશો તો ઘણું નવું જાણવા મળશે. તમારી રીતે કોઈ સ્થળ સર્ચ કરી, ત્રણ ડોટ ક્લિક કરતાં ‘ક્રિએટ પોસ્ટકાર્ડ’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરતાં, તમે જે દૃશ્ય જોઈ રહ્યા હો તેનો જ સ્ક્રીનશોટ અને તેની લિંક મળશે, જેને કોઈ પણ વોટ્સએપ કે અન્ય રીતે શેર કરી શકાશે!
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ભારત
૧૮૨ મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વર્ચ્યુઅલ સફરમાં, સ્ટેચ્યુ, નર્મદા નદી વગેરે બધું હેલિકોપ્ટરમાંથી જોઈ રહ્યા હોઈએ એ રીતે જોઈ શકાશે. અલબત્ત, રેઝોલ્યુશન વિદેશનાં સ્થળો જેટલું સારું નથી. થોડા આગળ જઈને સરદાર સરોવર ડેમ અને પાછળ સર્જાયેલું વિશાળ સરોવર, નજીકનો પાવર પ્લાન્ટ વગેરે બધું નવી નજરે જોઈ શકો છો. તમે ઇચ્છો તો અહીં મેઝર ટૂલનો ઉપયોગ કરીને સરદાર સરોવર બંધની લંબાઈ માપી શકો છો!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ન્યૂ યોર્ક, અમેિરકા
વિશ્વનું બીજું પ્રસિદ્ધ સ્ટેચ્યુ! થોડું ઝૂમ આઉટ કરશો તો આખો આઇલેન્ડ જોઈ શકાશે. નીચે ડાબી તરફ ટુડી/થ્રીડી બટનથી વ્યૂ બદલી શકાશે. કોઈ પણ સ્થળ પર ક્લિક કરતાં, તેની ઇન્ફો પેનલ ઓપન થશે. તેમાં અન્ય સ્થળોની લિંક પણ મળશે. આ જ સ્થળે, તમે પોતે અર્થમાં સર્ચ કરીને પહોંચશો તો તેની ઇન્ફો પેનલમાં વિવિધ માહિતી મળશે, જેમ કે ૯૩ મીટર ઊંચું આ સ્ટેચ્યુ ૧૮૭૫થી ૧૮૮૬ના ગાળામાં બંધાયું હતું!
એફિલ ટાવર, પેરિસ, ફ્રાન્સ
૧૮૮૯માં બંધાયેલા એફિલ ટાવરને નરી આંખે જોયો હોય તો પણ, અર્થમાં તેને પંખીની નજરે જોઈ શકાશે! ખાસ તો સમગ્ર પેરિસ શહેરને અહીં ઘણા સારા રેઝોલ્યુશનમાં જોઈ શકાય છે. અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ જેવા, અહીંના રીવરફ્રન્ટ પર પણ વર્ચ્યુઅલ લટાર મારવા જેવી છે. આંગળીના લસરકે પેરિસ શહેરમાં દૂર નીકળી જાઓ તો પરત ફરીને ફરી પાછો એફિલ ટાવર શોધવાની રમત પણ કરી જુઓ – મજા પડશે!
ઓપેરા હાઉસ, સિડની, ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાંનું ઓપેરા હાઉસ તેના અનોખા આર્કિટેક્ચરને કારણે વિશ્વની સૌથી જાણીતી ઇમારતોમાં સ્થાન પામ્યું છે. આ એક પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર છે. ૬૫ મીટર ઊંચી આ ઇમારતનું બાંધકામ ૧૯૫૯માં શરૂ થયું હતું. અહીં બિલકુલ નજીકમાં આવેલો સિડની હાર્બર બ્રિજ પણ નજીકથી જોવા જેવો છે. તેની ઇન્ફો પેનલમાંથી તમે ગૂગલ મેપ્સમાં પહોંચીને સિડની શહેરનો વધુ સારો સેટેલાઇટ વ્યૂ પણ જોઈ શકો છો.
માઉન્ટ એવરેસ્ટ, નેપાળ
માઉન્ટ એવરેસ્ટ નામ આપણે માટે બહુ જાણીતું હોવા છતાં, તેના વિશે આપણું બહુ ઓછું જાણતા હોઈએ એવું બને – જેમ કે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભુટાન, ચીન, તિબેટ અને નેપાળમાં પથરાયેલી પર્વતમાળાના આ સૌથી ઊંચા શિખર પરથી આંતરરાષ્ટ્રીય સરહદ પસાર થાય છે, તેનો ઉત્તર ભાગ ચીનમાં અને દક્ષિણનો ભાગ નેપાળમાં છે! હિમાલયની વર્ચ્યુઅલ સફર કરાવતી એક અનોખી એપ વિશે જાણો આ લેખમાં.
નાયગ્રા ફૉલ્સ, અમેરિકા-કેનેડા
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે માઉન્ટ એવરેસ્ટની જેમ જગવિખ્યાત નાયગ્રા ધોધ પણ બે દેશોમાં વહેંચાયેલ છે. ઉપરની તસવીરમાં દેખાતા ઘોડાની નાળ જેવા ‘હોર્સ શૂ ફૉલ્સ’ કેનેડામાં છે અને ‘અમેરિકન ફૉલ્સ’ અમેરિકામાં!અર્થમાં આ ધોધના ખૂણે ખૂણાને સરસ રેઝોલ્યુશનમાં થ્રીડી વ્યૂમાં માણવાની મજા લૂંટવા જેવી છે! ડાબી પેનલમાં ફોટોઝ ઓન કરીને, અહીંના મુલાકાતીઓએ લીધેલા ફોટોઝ પણ તમે જોઈ શકશો.
વિક્ટોરિયા ફૉલ્સ, ઝાંબિયા-ઝિમ્બાબ્વે
કુદરતનું અન્ય એક રમણીય સર્જન, જે બે દેશમાં વહેંચાયેલું છે! આફ્રિકામાં ઝાંબેઝી નદી પર સર્જાયેલ આ ધોધ સમગ્ર વિશ્વનો એકમાત્ર એવો ધોધ છે જે પૂરા એક કિલોમીટર કરતાં વધુ પહોળો છે અને એકસો મીટર કરતાં પણ વધુ ઊંડો છે, જેનો અવાજ ૪૦ કિલોમીટર દૂરથી પણ સાંભળી શકાય છે!
આ ધોધને ગૂગલ અર્થ ઉપરાંત, બિલકુલ જુદી રીતે જોવાનો અનુભવ કરવા ‘સાયબરસફર’ની વેબસાઇટ પર જુઓ આ લેખ.
હૂવર ડેમ, નેવાડા, અમેરિકા
આ સફરનું – હાલ પૂરતું – સમાપન કરીએ વધુ એક માનવસર્જિત અનોખા બાંધકામથી. અમેરિકામાં કોલોરાડો નદી પર બંધાયેલો હૂવર ડેમ નેવાડા અને એરિઝોના રાજ્યો વચ્ચે છે. કોંક્રિટનો આર્ક-ગ્રેવિટી પ્રકારનો આટલો વિશાળ બંધ અગાઉ ક્યારેય બંધાયો નહોતો, તેમાં ઉપયોગ કરાયેલી કેટલીક ટેકનિક્સ બિલકુલ નવી હતી, છતાં, આયોજન કરતાં પૂરા બે વર્ષ પહેલાં તેનું બાંધકામ પૂરું કરાયું હતું – અલબત્ત, એકસો જેટલી જિંદગીનો ભોગ પણ લેવાયો.
‘સાયબરસફર’માં અગાઉ…

પહેલી વાર જુલાઈ ૨૦૧૨માં અને પછી મે ૨૦૧૭માં, નવા સ્વરૂપે ગૂગલ અર્થ રજૂ થતાં, કવરસ્ટોરીમાં જૂના અને નવા વર્ઝનનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો.

આ મજાનો પ્રોગ્રામ અને તેની એપમાં નવી ખૂબીઓ ઉમેરાતી રહે છે. ખાસ કરીને ‘વોયેજર’ વિભાગમાં, આપણી પૃથ્વીની અનેકવિધ લાક્ષણિકતાઓ નવી નજરે જોવાની તક મળે છે. આપણે આગામી અંકોમાં તેની વાત કરતા રહીશું.

