સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરે છે અને વિવિધ કંપની તેનો લાભ લઈને જાહેરાતોમાંથી કમાણી કરે છે એ સાચું, પણ આ ટેક્નોલોજી મુશ્કેલીના સમયમાં મદદરૂપ પણ થાય છે. જેમ કે કોરોના વાઇરસના વિશ્વવ્યાપી પ્રસાર પછી, ભારત સહિત સંખ્યાબંધ દેશોએ સંપૂર્ણ લોકડાઉન કે નિયંત્રણો મૂક્યાં, એ કેટલાં અસરકારક રહે છે તે લોકેશન ડેટાથી જાણી શકાય છે.
ગૂગલે ૧૩૧ દેશોમાંના એન્ડ્રોઇડ યૂઝર્સના લોકેશન ડેટાને રીલિઝ કર્યો છે. આ ડેટામાં જાન્યુઆરી૩થી ફેબ્રુઆરી૬, ૨૦૨૦ના અઠવાડિયાની સરેરાશ સ્થિતિની સરખામણીએ એપ્રિલ ૫ સુધીમાં સ્થિતિ કેવી બદલાઈ તે જોવા મળે છે. આ ડેટા પરથી દરમિયાન વિવિધ શહેરોમાંના રીટેઇલ મોલ અને મલ્ટીપ્લેક્સ, ટ્રેન અને બસ સ્ટેશન્સ વગેરે સ્થળોએ લોકોની આવનજાવનમાં કેટલો ફેર પડ્યો છે તે જાણી શકાય છે (નીચેના ડેટા ભારતના છે)
આ ડેટા અનુસાર ઇટલી અને સ્પેન જેવા સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશોમાં રીટેઇલ અને રીક્રિએશન લોકેશન્સ પર લોકોની અવરજવરમાં ૯૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. યુકે, ફ્રાન્સ અને ફિલિપાઇન્સમાં આવાં સ્થળોએ અવરજવર ૮૦ ટકા જેટલી અને ભારતમાં ૭૭ ટકા જેટલી ઘટી છે.
અમેરિકામાં આ પ્રમાણ માંડ ૫૦ ટકા જેટલું ઘટ્યું અને જાપાન અને સ્વીડન જેવા દેશો, જ્યાં સરકારે કડક નિયંત્રણો લાદ્યાં નથી તેમાં માંડ ૨૫ ટકા અવરજવર ઘટી હોવાનું નોંધાયું.

