આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. જાણી લો કેલ્ક્યુલેટરમાં તારીખોની ગણતરી કરવાની રીત!
આગળ શું વાંચશો?
- તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં
- બે તારીખ વચ્ચેના તફાવતની ગણતરી કરવી
- કોઈ ચોક્કસ તારીખમાં અણુક દિવસોનો સરવાળો અને બાદબાકી
- કેલ્ક્યુલેટર માટે ડેટ ફોર્મેટિંગ
- કેલ્ક્યુલેટરમાં ડિજિટ ગ્રૂપિંગ
- વધુ સુવિધાઓ
જાન્યુઆરી મહિનો શરૂ થાય એટલે વિદ્યાર્થીઓ અને મમ્મીઓને વાર્ષિક પરીક્ષા નજીક દેખાવા માંડે, પરીક્ષાની તારીખો જાહેર થાય એટલે પપ્પાઓ વેકેશનમાં ક્યાં ફરવા જવું અને કેટલા દિવસ પહેલાં રેલવે રિઝર્વેશન શરૂ થઈ જશે એની ગણતરીઓમાં કરવા માંડે.
આ બધા ખેલમાં, તારીખો અને દિવસોની ગણતરી માંડવી પડે, જે બધા માટે સહેલી વાત નથી!
તમે જ કહો, જો તમે જાન્યુઆરી મહિનાની આઠમી તારીખે આ લેખ વાંચી રહ્યા હો અને ધારો કે ૧૧મી એપ્રિલે પરીક્ષાઓ શરૂ થવાની હોય તો પરીક્ષા બરાબર કેટલા દિવસ દૂર છે એ ફટાક દઈને કહી શકો? સવાલ જરા અઘરો છે, કેમ કે વચ્ચે ફેબ્રુઆરી આવે અને આ વખતે લીપ યર છે કે નહીં, ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ છે કે ૨૯ એ પણ જાણવું પડે. બે-ત્રણથી વધુ મહિનાઓ માટે આ રીતે બરાબર ચોક્કસ સંખ્યામાં દિવસોની ગણતરી કરવી હોય તો દર વખતે ૩૦ અને ૩૧ દિવસના મહિનાઓનો હિસાબ પણ બેસાડવો પડે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું પડે? જન્મદિવસે કોઈ ‘કેટલા વર્ષના થયા?’ એમ પૂછે ત્યારે ફક્ત વર્ષમાં જવાબ દેવો પણ અઘરો પડતો હોય છે, કેટલાં વર્ષ પૂરાં થયાં અને કેટલામું વર્ષ શરૂ થયું એ ફટ થઈને કહેવું મોટા ભાગના લોકો માટે મુશ્કેલ હોય છે.
એમાંય આપણે સ્કૂલના દિવસોમાં ઘડિયા પાકા કર્યું ન હોય એટલે હવે અગિયાર ગુણ્યા ત્રણ કરવા માટે કે ચોપનમાંથી સાડત્રીસની બાદબાકી કરવા માટે પણ આપણને કેલ્યુલેટરની મદદ લીધા વિના ચાલતું નથી, ત્યારે તારીખ અને દિવસોની ગણતરીમાં તો ફટાફટ કેવી રીતે કરવી? આપણી સામાન્ય સમજ પ્રમાણે તો એમાં કેલ્ક્યુલેટર પણ કામ ન આવે – આંકડાની જેમ તારીખના સરવાળા-બાદબાકી કેવી રીતે કરી શકાય!
અલબત્ત, અહીં જ આપણી ભૂલ થાય છે – દિવસોની ગણતરી કરવામાં પણ કેલ્ક્યુલેટર કામ લાગી શકે છે! અલબત્ત, એ માટે આપણા સ્માર્ટફોનનું સાદું કેલ્ક્યુલેટર કામ લાગશે નહીં. આપણે વિન્ડોઝ ૮ કે ૭ના કેલ્ક્યુલેટરના શરણે જવું પડશે.
સાદી ગણતરીઓ કરવા માટે તમે કદાચ ઘણી વાર કમ્પ્યુટરનું કેલ્ક્યુલેટર ઓપન કર્યું હશે, પણ એમાં તમે વધુ ખાંખાંખોળા નહીં કર્યાં હોય એ સો ટકાની વાત!
તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં
તમારા કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર એપ્લિકેશન ઓપન કરો. એ માટે વિન્ડોઝ કી પ્રેસ કરી, ઈફહભી…લખવાનું શરૂ કરશો એટલે કમ્પ્યુટર ફટ દઈને કેલ્ક્યુલેટરનો શોર્ટકટ બતાવશે. અથવા, ઓલ પ્રોગ્રામ્સમાં, એક્સેસરીઝમાં જઈને પણ કેલ્ક્યુલેટર ઓપન કરી શકશો.
હવે કેલ્ક્યુલેટરના મથાળે આપેલ ‘વ્યૂ’ પર ક્લિક કરો (કેલ્ક્યુલેટર ઘણી વાર વાપર્યું હશે, પણ આ ‘વ્યૂ’ મેનુમાં ક્યારેય ખાંખાંખોળા કર્યાં નહીં હોય, બરાબર?) અહીં તમે જોશો તેમ આપણે કાયમ જે સાદું કેલ્ક્યુલેટર જોયું છે તેને સ્ટાન્ડર્ડમાંથી સાયન્ટિફિક, પ્રોગ્રામર કે સ્ટેટિસ્ટિક્સ મોડમાં અહીંથી ફેરવી શકાય છે.
એ જ રીતે અહીં કેલ્ક્યુલેટરના બેઝિક, યુનિટ ક્ન્વર્ઝન અને ડેટ કેલ્યુલેશનના વિકલ્પ આપેલા છે. આપણને અત્યારે તારીખની ગણતરીમાં રસ છે એટલે ડેટ કેલ્ક્યુલેશન પર ક્લિક કરીએ.
હવે આપણું સાદું કેલ્ક્યુલેટર જમણી તરફ પહોળું થશે અને તેમાં તારીખની ગણતરી માટેની સુવિધા જોવા મળશે. હવે આપણે ડાબી તરફના કેલ્ક્યુલેટરનું કોઈ કામ નથી, પણ એ યથાવત ઓપન રહેશે.
ડેટ કેલ્ક્યુલેશનમાં પહેલા ડ્રોપ-ડાઉનમાં તમે જોશો તો અહીં બે પ્રકારની તારીખ સંબંધિત ગણતરી કરી શકાય છે :
- બે તારીખ વચ્ચેના તફાવતની ગણતરી કરવી
- કોઈ ચોક્કસ તારીખમાં અમુક દિવસોનો સરવાળો કે બાદબાકી કરવી
બે તારીખ વચ્ચેના તફાવતની ગણતરી કરવી
આજની તારીખે, તમે બરાબર કેટલા વર્ષ, મહિના અને દિવસના થયા કે પછી આવતી ૧૫મી ઓગસ્ટને હવે કેટલા દિવસની વાર એ જાણવા માટે આ વિકલ્પ કામ લાગશે.
આપણે આજની તારીખે ‘સાયબરસફર’ની ઉંમર બરાબર કેટલી થઈ એ જાણીએ. એ માટે ફ્રોમ ડેટ પર ક્લિક કરીને આપણે મેગેઝિનનો પહેલો જન્મદિન એટલે કે ૦૧-૦૨-૨૦૧૨ લખીએ. અહીં કેલ્ક્યુલેટરની વધુ એક મજાની કરામત જાણવા મળશે. બાય ડિફોલ્ટ આપણને ફ્રોમ અને ટુ ડેટના બોક્સમાં આજની તારીખ જોવા મળે છે. ગમે તેના પર ક્લિક કરીએ એટલે વર્તમાન મહિનાની તારીખો દર્શાવતું એક બોક્સ ખૂલે છે, જેને ડાબે-જમણે છેડે એક એરો હોય છે. એ એરોની મદદથી આપણે આગલા કે પાછળના મહિનાઓ તરફ જઈ શકીએ.
મેગેઝિન તો બે-ત્રણ વર્ષ જૂનું છે, એરો કીની મદદથી પ્રમાણમાં સહેલાઈથી એ તારીખ સુધી પહોંચી શકાશે, પણ સ્વતંત્ર ભારતની ઉંમર જાણવી હોય તો? તો ૧૯૪૭ના વર્ષ સુધી એરો કીથી પહોંચતાં તો નાકે દમ આવી જાય. એનો તદ્દન સહેલો રસ્તો છે.
તમે એરોને બદલે મહિનાના નામ પર ક્લિક કરશો એટલે વર્તમાન વર્ષ અને તેના બધા મહિનાનાં જોવા મળશે, જે મહિનામાં જવું હોય તેના પર ક્લિક કરીએ એટલે ફરી એ મહિનો અને તેની તારીખો જોવા મળે. આપણે તો ૧૯૪૭ સુધી પહોંચવું છે, એટલે ૨૦૧૫માં અટકવાને બદલે ફરી તેના પર ક્લિક કરો. આથી ૨૦૧૦થી ૨૦૧૯નો આખો દશકો અને તેમાંનાં વર્ષ જોવા મળશે. હજી ૨૦૧૦-૨૦૧૯ પર ક્લિક કરીશું એટલે ૨૦૦૦થી ૨૦૯૯ની આથી સદી અને તેમાંના અલગ અલગ દશકા જોવા મળશે. ૧૯૪૭ સુધી પહોંચવા માટે ૧૯૦૦૧૯૯૯ની સદીમાં જઈએ અને તેમાં ૧૯૪૦-૧૯૪૭ના દશકમાંથી ૧૯૪૭ના વર્ષમાં અને તેમાં ઓગસ્ટ મહિનામાં જઈને ૧૫ તારીખ પસંદ કરી લો (અહીં તમે જોશો તેમ આપણો દેશ શુક્રવારે આઝાદ થયો હતો!).
કેલેન્ડરમાં નેવિગેશનની આ રીત રસપ્રદ છે, પણ ઘણી લાંબી છે. તદ્દન સહેલો રસ્તો કેલેન્ડર ઓપન કરવાને બદલે તારીખના બોક્સમાં તારીખ પર કર્સર મૂકી, તારીખ બદલી, એરો કીથી જમણી તરફ જતા જઈને મહિનો અને વર્ષ બદલી લેવાનો છે (કેટલાક પ્રોગ્રામમાં આ રીતે તારીખ પસંદ કરવાની વિધિ હજી વધુ સ્માર્ટ હોય છે, તેમાં તારીખ બદલતાં કર્સર જાતે જ મહિના પર અને પછી વર્ષ પર ખસી જાય છે). જો તમારા કમ્પ્યુટરમાં આપણે સામાન્ય રીતે તારીખ માટે જે ફોર્મેટનો ઉપયોગ કરીએ છીએ તે તારીખ-મહિનો-વર્ષનું ફોર્મેટ ન હોય, પરંતુ મહિનો-તારીખ-વર્ષનું ફોર્મેટ હોય તો તમે આ લેખ સાથેના લેખમાં આપેલ સમજૂતિની મદદથી, કમ્પ્યુટરના તમામ પ્રોગ્રામમાં ભારતીય ફોર્મેટ અનુસાર તારીખ જોવા મળે એવું સેટિંગ કરી શકો છો.
મૂળ વાત પર પાછા ફરીએ તો આપણે ફોર્મમાં ૧૫-૦૮-૧૯૪૭ તારીખ સેટ કરીને ‘કેલ્ક્યુલેટ’ પર ક્લિક કરીશું એટલે આજની તારીખે સ્વતંત્ર ભારતની ઉંમર કેટલી થઈ તે જાણી શકાશે, જેમ કે આ લેખ લખાય છે તે રવિવાર, ૧૪-૧૨-૨૦૧૪ના દિવસે ભારતને આઝાદ થયે ૬૭ વર્ષ, ૩ મહિના, ૪ અઠવાડિયાં અને ૧ દિવસ તથા કુલ ૨૪,૫૯૩ દિવસ થયા! તમારી ઉંમર તપાસી જુઓ.
કોઈ ચોક્કસ તારીખમાં અમુક દિવસોનો સરવાળો કે બાદબાકી કરવી
આ માટે ડેટ કેલ્ક્યુલેશન મોડમાંના પહેલા ડ્રોપડાઉનમાં બીજો વિકલ્પ પસંદ કરો. એક રીતે જુઓ તો હવે આપણે પહેલા ઓપ્શન કરતાં ઊંધી ગણતરી કરીશું.
આજની કે બીજી કોઈ ચોક્કસ તારીખના ૫૦ દિવસ પછી કે પછી ત્રણ વર્ષ, ચાર મહિના ને સાત દિવસ પહેલાં કઈ તારીખ એ કોઈ કારણસર જાણવું હોય તો આ રીત કામ લાગશે. ખાસ કરીને, પ્રવાસની તારીખના બરાબર ૬૦ દિવસ પહેલાં કઈ તારીખથી રેલવે રિઝર્વેશન ઓપન થશે એ ફટાફટ જાણવા માટે આ રીતે ઉપયોગી છે.
ધારો કે આપણે ૧૭-૦૫-૨૦૧૫ના દિવસે પ્રવાસ શરૂ કરી શકીએ તેમ હોય તો રિઝર્વેશન ઓપન થવાની તારીખ જાણવા માટે ફ્રોમ બોક્સમાં ૧૭-૦૫-૨૦૧૫ તારીખ પસંદ કરી, ૬૦ દિવસ સબટ્રેક્ટ એટલે કે બાદ કરતાં આપણે કઈ તારીખથી રિઝર્વેશન માટે પ્રયાસ કરી શકીશું તે સહેલાઈથી જાણી શકાશે.
બીજી એક વાત, કેલ્ક્યુલેટરના ડેટ કેલ્ક્યુલેશન વ્યૂનો ઉપયોગ કરતી વખતે તમારે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો થાય તો કીબોર્ડની ન્યૂમરિક કી કે પછી સ્ક્રીન પર કેલ્ક્યુલેટરની કી પ્રેસ કરવા છતાં કેલ્ક્યુલેટર એક્ટિવ નહીં થાય! એ માટે તમારે તેના ફીગર વ્યૂ સ્ક્રીન પર એક વાર ક્લિક કરવું પડશે!આપણા કમ્પ્યુટરના વિન્ડોઝ કેલ્ક્યુલેટરમાં કેટલીક વર્કશીટ પણ આપેલી છે, જેની મદદથી, સાદા કેલ્ક્યુલેટરમાં સહેલાઈથી ન થાય એવી બીજી કેટલીક ગણતરીઓ પણ ફટાફટ થઈ શકે છે, તપાસી જુઓ!
કેલ્ક્યુલેટરમાં ડેટ ફોર્મેટિંગ
જો તમારા કમ્પ્યુટરમાં એક્સેલ કે કેલ્ક્યુલટરમાં અમેરિકન ફોર્મેટ મુજબ તારીખ ડિસ્પ્લે થતી હોય અને તેને આપણા જાણીતા – તારીખ-મહિનો-વર્ષ – ફોર્મેટમાં ફેરવવી હોય તો આ સ્ટેપ્સ અનુસરો :
- કમ્પ્યુટરની કંટ્રોલ પેનલમાં જાઓ.
- અહીં ક્લોક, લેંગ્વેજ એન્ડ રિજનમાં જાઓ.
- અહીં રિજન એન્ડ લેંગ્વેજમાં, ચેન્જ ધ ટેડ, ટાઇમ, ઓર નંબર ફોર્મેટમાં જાઓ.
- તેમાં ફોર્મેટમાં ઇંગ્લિશ (ઇન્ડિયા) પસંદ કરી લો.
- અહીં શોર્ટ ડેટ, લોંગ ડેટ વગેરે માટે જોઈતાં ફોર્મેટ પસંદ કરી લો.
- એડિશનલ સેટિંગ્સમાં નંબર, કરન્સી વગેરેના ફોર્મેટ તપાસી જુઓ.
કેલ્ક્યુલેટરમાં ડિજિટ ગ્રૂપિંગ
જો તમને કેલ્ક્યુલેટરમાં હજાર, દસ હજાર, લાખ વગેરે પછી અલ્પવિરામ સાથે આંકડા વાંચવાનું સહેલું લાગતું હોય તો વિન્ડોઝ કેલ્ક્યુલેટરમાં વ્યૂમાં ડિજિટ ગ્રૂપિંગ પર ટિક કરી દો. યાદ રહે, કમ્પ્યુટરના ક્લોક, લેંગ્વેજ અન્ડ રિજનના સેટિંગમાં અમેરિકન ફોર્મેટ સેટ કરેલ હશે તો ભારતીય ફોર્મેટ મુજબ ગ્રૂપિંગ નહીં થાય. આથી, તારીખના ફોર્મેટની જેમ નંબર્સ માટે પણ ભારતીય ફોર્મેટ પસંદ કરવું પડશે.
વધુ સુવિધાઓ
કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં યુનિટ ક્ધવર્ઝન એટલે કે માપનના એક એકમમાંથી બીજામાં ફેરવવાની સહેલી સગવડ પણ મળે છે.
એંગલ, એરિયા, એનર્જી, લેંગ્થ, પાવર, પ્રેશર, ટેમ્પરેચર, ટાઇમ, વેલોસિટી, વોલ્યુ, વેઇટ કે માસ વગેરે દરેક માટે ઉપયોગમાં લેવાતાં દસ-પંદર પ્રકારનાં એકમોનો એકમાંથી બીજામાં ફેરવી શકાય છે.
એવી રીતે કેલ્ક્યુલેટરમાં બીજી કામની સગવડ છે હિસ્ટ્રી. સાદા કેલ્ક્યુલેટરની જેમ વિન્ડોઝ કેલ્સીમાં પણ આપણે દરેક સ્ટેપની હિસ્ટ્રી સાચવી શકીએ છીએ. એ માટે ફક્ત વ્યૂમાં હિસ્ટ્રીના મોડમાં જવાનું રહેશે. કેલ્સીનો વ્યૂ સ્ક્રીન મોટો થશે અને તેમાં આપણે કરેલી દરેક ગણતરી, સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકાશે. જે તે સ્ટેપ પર ક્લિક કરતાં, તરત તેનો જવાબ પણ જોવા મળશે!
આપણા કમ્પ્યુટરમાં કરામતો તો ભરપૂર પડી છે, ફક્ત શોધવાની જરૂર હોય છે!

