બની શકે કે તમારા સ્માર્ટફોનમાં તમે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી હોય. એ બધી એપનું તમારા પોતાના માટે કે તમારા પરિવારજનને ભલામણ કરવા માટે લિસ્ટ બનાવવું હોય તો આ વધુ એક એપ ડાઉનલોડ કરી લો!
આવું તમારી સાથે ઘણીવાર બન્યું હશે. તમે પોતે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા હો અને પરિવારમાં કોઈ માટે નવો એન્ડ્રોઈડ ફોન લેવામાં આવે ત્યારે ઘરમાં મજાની સ્થિતિ સર્જાય. એ વ્યક્તિ એન્ડ્રોઈડથી ખાસ પરિચિત હોય નહિ એટલે એ નાની નાની વાતે તમારા પર આધારિત રહે! તમે જવાબ આપી આપીને થાકો!
ગૂગલને હવે સમજાયું છે કે એન્ડ્રોઇડના નવા નવા પરિચયમાં આવતા લોકો માટે એક ઓફિશિયલ ગાઇડ હોવી જોઈએ. ગૂગલે આવી ક્વિકસ્ટાર્ડ ગાઇડ આપી છે ખરી, એ પણ એક ફ્રી બુક સ્વરૂપે, પરંતુ તે ફક્ત એન્ડ્રોઇડ કિટકેટ અને એ પણ નેક્સસ માટે જ છે! એટલે ઘણા ખરા લોકો એ એપનો લાભ લઈ શકે તેમ નથી.
ગૂગલ બધા જ પ્રકારના લોકો માટે સરસ અને સહેલી ગાઇડ આપે નહીં ત્યાં સુધી બીજા જાણકાર લોકોની મદદ લીધા વિના છૂટકો નથી.
મોટા ભાગે આવી મદદ એપ્સ માટે લેવામાં આવતી હોય છે. એન્ડ્રોઈની સૌથી મોટી ખાસિયત અથવા ઉપયોગ ગણો તો એ છે તેની એપ્સ. એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાં એપ્સની સંખ્યા હવે લાખોમાં પહોંચી છે. દરેક વ્યક્તિને તેની જરુરિયાત કે તેના મિજાજ મુજબ જાતભાતની એપ્સ અહીંથી મળી રહે છે. આથી એવું બને કે એન્ડ્રોઈડના નવાસવા પરિચયમાં આવેલી તમારા પરિવારની વ્યક્તિ પણ અલગ-અલગ એપ્સ અજમાવવા ઈચ્છે પણ શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી એ એમને સમજાય નહીં.
આવે વખતે એવું બની શકે કે આપણે જે એપનો આપણા પોતાના ફોનમાં ઉપયોગ કરતા હોઈએ એ જ ટ્રાય કરી જોવા માટે એમને સજેસ્ટ કરીએ. સવાલ એ થાય કે સૂચન કયર્િ પછીના સ્ટેપ્સનું શું?
ધારો કે આપણે એંગ્રી બર્ડ ટ્રાન્સફોર્મર એપનો ઉપયોગ કરતા હોઈએ કે પછી વિશ્વના પ્રવાહોથી સતત અપડેટેડ રહેવા માટે ફ્લિપબોર્ડ કે ગૂગલની ન્યૂઝસ્ટેન્ડ એપનો ઉપયોગ કરતા હોઈએ તો એ બંને એપના ફક્ત નામ આપી દેવાથી કદાચ કામ પૂરું થાય નહીં કારણ કે પ્લે સ્ટોરમાં લગભગ એક સરખાં નામ ધરાવતી પણ સંખ્યાબંધ એપ જોવા મળે છે. નવીસવી વ્યક્તિ તો કન્ફ્યુઝ થાય જ.
આવી સ્થિતિમાં લિસ્ટ માય એપ્સ (List my apps) નામની એક એપ આપણને મદદરૂપ થઈ શકે છે.
આ એપ આપણા ફોનમાં ઈન્સ્ટોલ કર્યા પછી તેની મદદથી આપણે ફોનમાં ઈન્સ્ટોલ્ડ તમામ એપ્સ (કે પછી તેમાંની પસંદગીની અમુક એપ્સ)નું એક સિમ્પલ લિસ્ટ જનરેટ કરી શકીએ છીએ. આ લિસ્ટમાં એપનું નામ અને પ્લે સ્ટોરમાંથી તેને ડાઉનલોડ કરવા માટે તેના ચોક્કસ પેજ સુધી પહોંચવાની લિંક પણ સામેલ હોય છે.
આ લિસ્ટ તૈયાર થઈ ગયું એટલે પછીની વાત સહેલી બની ગઈ. આપણે આ લિસ્ટને વોટ્સએપ કે બીજી કોઈ પણ રીતે આપણા સ્વજન સાથે શેર કરી શકીએ છીએ જેની મદદથી એ વ્યક્તિ આપણે જેને ટેસ્ટ કરી ચૂક્યા છીએ એવી વિશ્વસનીય એપ્સ સુધી સહેલાઈથી પહોંચી શકે છે.
લિસ્ટ માય એપ્સ આપણને પોતાને પણ ઉપયોગી થઈ શકે છે. જેમ કે ક્યારેક એવું બને કે આપણા ફોનમાં ઓછી મેમરીનો ઈસ્યુ હોય અને આપણે થોડા થોડા વખતે ફોનમાંથી બધું જ ઈરેઝ કરીને તેને ફેક્ટરી રિસેટ મોડમાં લઈ જવો પડતો હોય તો આપણે કામની બધી એપ ફરીથી ડાઉનલોડ કરવી પડતી હોય છે.
આમ તો ગૂગલ પ્લેસ્ટોરમાં આપણે પોતાના એકાઉન્ટથી લોગઇન થયા પછી એપ્સ ડાઉનલોડ કરી શકતા હોઈએ છીએ અને પ્લે સ્ટોરમાં માય એપ્સ વિભાગમાં જઈને આપણે આપણી તમામ એપ્સ જોઈ શકીએ છીએ. પરંતુ આમાં તકલીફ એ રહે છે કે અહીં આપણે એન્ડ્રોઈડનો ઉપયોગ શરૂ કર્યો હોય ત્યારથી ડાઉનલોડ કરેલી બધી જ એપ્સનું લિસ્ટ જોવા મળે છે. તેમાં ડાઉનલોડ કર્યા પછી કામની ન લાગેલી અને અનઈન્સ્ટોલ્ડ કરી દીધેલી એપ્સ પણ સામેલ હોય છે. આ કારણે આ લિસ્ટ વધુ ને વધુ લાંબુ થતું જાય છે.
આવી સ્થિતિમાં લિસ્ટ માય એપ્સ વધુ કામ લાગી શકે છે. કારણ કે તેમાં આપણે જે તે સમયે જરૂરી લાગતી એપ્સ અને તેની ડાઉનલોડ લિંક્સનું લિસ્ટ તૈયાર કરીને આપણને પોતાને જ ઈમેલ કરી દઈએ તો આપણું કામ વધુ સહેલું બની જાય છે. લિસ્ટ માય એપ્સની વધુ એક સગવડ એ પણ છે કે તેમાં આપણે આપણા ફોનમાંની તમામ એપ્સનું લિસ્ટ તૈયાર કરવાને બદલે ફક્ત અમુક પસંદગીની એપ્સનું જ લિસ્ટ તૈયાર કરવું હોય તો એ પણ શક્ય છે.
તો હવે બીજા કોઈ તમારી એપ્સ ડાઉનલોડ કરવા માગે કે તમે પોતે તમારી કામની એપ્સનું લિસ્ટ હાથવગું રાખતા માગતા હો તો આ એપ ટ્રાય કરી જોવા જેવી છે. મોટા ભાગની એપમાં બને છે તેમ પ્લે સ્ટોરમાં આ પ્રકારની બીજી એપ્સ પણ મળશે, અખતરો કરવો હોય તો બીજી એપ્સ પણ તપાસી શકાય. અલબત્ત, કોઈ પણ એપ ડાઉનલોડ કરતી વખતે તે કઈ કઈ પરમિશન માગે છે તે જરૂર વાંચી અને સમજી લેશો.


