(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન-એપ-પરચેઝ : જાણી લો જોખમો!

તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપસ્ટોરમાંથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી છે? તમારું બાળક તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં ગેમ્સ રમે છે? જો હા, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો!

આગળ શું વાંચશો

  • એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઇઓએસમાં સાવચેતીનાં પગલાં
  • તમારા ક્રેડિટ કાર્ડની વિગતો કઈ રીતે તપાસી શકાય?

હમણાં અમે નવો સ્માર્ટફોન લીધો તો એનાં નવાં નવાં ફિચર્સ અમારા આ ટાબરિયાંએ અમને શીખવ્યાં, બોલો! તમે ઘણાં બધાં મા-બાપના મોંએ આ શબ્દો સાંભળ્યા હશે અથવા તમે પોતે તમારા બાળકની સ્માર્ટનેસ વિશે પોરસાઈને આ શબ્દો બીજાને કહ્યા હશે. વાતમાં દમ તો ચોક્કસ છે. આજની પેઢી જૂની પેઢી કરતાં ઘણી વધુ ફાસ્ટ અને ઘણી વધુ સ્માર્ટ છે પણ બાળકો આખરે બાળકો છે. જેમ આપણને ઘણી વાતની ખબર નથી હોતી એમ તેમને પણ ઘણી વાતની ખબર ન હોય એવું બની શકે છે.

હમણાં જ બ્રિટનમાં એવું બન્યું. આઠ વર્ષની એક છોકરીએ પપ્પાના આઈપેડ પર ફ્રી ગેમ્સ રમતાં રમતાં  અજાણતાં જ સંખ્યાબંધ ચીજોની ખરીદી કરી લીધી અને પપ્પાને બિલ આવ્યું ત્યારે ખબર પડી કે તેમની સ્માર્ટ દીકરીએ તેમને આપણા ચારેક લાખ ‚પિયાના ખાડામાં ઉતારી દીધા હતા!

આમ થવાનું કારણ હતું ‘ઈન-એપ -પરચેઝ’.

ઘણા લોકોને નવાઈ લાગતી હોય છે કે ઇન્ટરનેટ કે મોબાઈલ પર બધું ફ્રી કેવી રીતે હોય છે? ખરેખર તો વાસ્તવિક દુનિયાની જેમ વર્ચ્યુઅલ દુનિયામાં પણ કશું જ ફ્રી નથી. જો આપણે સીધી કિંમત ન ચૂકવતા હોઈએ તો આડકતરી રીતે આવક મેળવવાના પ્રયાસ થતા હોય છે.

સ્માર્ટફોનમાં આપણે જે એપ્સ કે ગેમ્સ ફ્રી માનીને ડાઉનલોડ કરીએ છીએ તે રમવા માટે તો ફ્રી હોય છે પણ તેમાં જાહેરાતો ઉપરાંત વિવિધ રીતે બીજી એપ્સ કે અન્ય ચીજોની ખરીદી કરવા માટેની લિન્કસ આપવામાં આવી હોય છે. કેટલીક ગેમમાં અમુક લેવલથી આગળ વધવા માટે આવી ખરીદી ફરજિયાત હોય છે. આપણે ડાઉનલોડ કરેલી આવી કોઈ ગેમને બિલકુલ ફ્રી માનીને નિશ્ર્ચિંત રહીએ અને દીકરો કે દીકરી તેને કેવી સ્માર્ટ રીતે ઓપરેટ કરી શકે છે એનો ગર્વ લઈએ, પણ એ ક્યારેક મોંઘું પણ પડી શકે!

એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લે સ્ટોરમાં ઇન-એપ-પરચેઝની સગવડવાળી એપ્સ સામાન્ય રીતે સૌથી વધુ સફળ થાય છે. કેમ કે આ પ્રકારની એપ્સ કોઈ પણ યુઝર મફતમાં ડાઉનલોડ કરી શકે છે. દેખીતી રીતે પેઈડ એપ્સ કરતાં આવી એપ્સ ડાઉનલોડ થવાનું  પ્રમાણ વધુ હોય છે. ઘણી ખરી એપમાં અચાનક આવી પડતી ઇન-એપ-પરચેઝ માટેની લિન્ક કે જાહેરાત લોકોને ત્રાસદાયક લાગતી હોય છે પરંતુ કેટલીક એપમાં બહુ સ્માર્ટલી આવી લિન્ક મૂકવામાં આવે છે.

આ મુદ્દો ધીમે ધીમે આખા વિશ્ર્વમાં ચિંતાનો મુદ્દો બની રહ્યો છે. હમણાં એપલે તેના એપ્સ સ્ટોરમાં ફ્રી એપ્સના ડાઉનલોડ પેજ પર ‘ફ્રી’ને બદલે ‘ગેટ’ લેબલ મૂકવાનું શરૂ કર્યું છે. એવું કહેવાય છે કે ખાસ કરીને યુરોપીયન દેશો ફ્રી લેબલ ધરાવતી ગેમ્સથી ગેરસમજ ઊભી થતી હોવાનું માને છે અને તેમના દબાણથી એપલે આ ફેરફાર કર્યો. એપલની જેમ ગૂગલે પણ તેના પ્લે સ્ટોરમાં ‘ટોપ ફ્રી એપ્સ’ અને ‘ટોપ ફ્રી ગેમ્સ’ ને બદલે ‘ટોપ એપ્સ’ અને ‘ટોપ ગેમ્સ’ લખવાનું શરૂ કર્યું છે (અલબત્ત, હાલ પૂરતું માત્ર યુરોપના દેશમાં આ ફેરફાર જોવા મળે છે).

પ્લે સ્ટોર પર જે તે ગેમ કે એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં જો ઇન-એપ-પરચેઝની સુવિધા હોય તો સરેરાશ કેટલી કિંમત ચૂકવવાની થશે એ પણ એપના પેજ પર બતાવવાનું શરૂ કર્યું છે.

જો તમે એપલના એપસ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ક્યારેય પણ કોઈ પણ એપ કે ગેમ કે બુક કે મૂવી વગેરેની ખરીદી કરી હોય તો એપ સ્ટોર કે પ્લે સ્ટોર પાસે તમારે ક્રેડિટ કાર્ડની વિગતો હોય છે. બ્રિટનની પેલી સ્માર્ટબેબીના કિસ્સામાં તો એપલ કંપનીએ ‘ભલમનસાઈ’ દાખવીને બધી રકમનું રીફંડ આપી દીધું પણ દરેક પપ્પા એવા નસીબદાર ન પણ હોઈ શકે.


પ્લે સ્ટોર પર ખરીદી કરતી વખતે બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે,  જેમ કે રીકરિંગ પેમેન્ટ. આ બાબતે કોઈ પણ ઓનલાઇન ખરીદી વખતે ધ્યાન રાખવા જેવું છે. રીકરિંગ પેમેન્ટ એટલે એવી વ્યવસ્થા, જેમાં તમે કોઈ સર્વિસ માટે અમુક ચોક્કસ સમયની ફી ચૂકવો તો તેની સમયમયર્દિા પૂરી થતાં, ઓર્ડર કેન્સલ ન કર્યો હોય તો આપોઆપ નવી સમયમર્યાદા માટે પેમેન્ટ થઈ જતું હોય છે.

ધારો કે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં ન્યૂઝ સ્ટેન્ડમાં કોઈ મેગેઝિનની ઓનલાઈન એડિશન માટે લવાજમ ભર્યું અથવા તો સામાન્ય રીતે જોવા મળે છે તેમ કોઈ મેગેઝિનની ફ્રી ટ્રાયલ લેવાનું નક્કી કર્યંુ.આવા કિસ્સામાં શ‚આતમાં કોઈ પેમેન્ટ ન કરવાનું હોવા છતાં આપણે આપણા ક્રેડિટ કાર્ડની વિગતો તો આપવી જ પડે છે. હવે બને છે એવું કે પેલા મેગેઝિનની ૧૪ દિવસની ફ્રી ટ્રાયલ પૂરી થાય એ દરમિયાન જો આપણે ફ્રી ટ્રાયલ કેન્સલ કરવાનું ભૂલી જઈએ તો ફ્રી ટ્રાયલની મુદત પૂરી થતાં મેગેઝિનના લવાજમ કે એક અંકની કિંમત આપણા ક્રેડિટ કાર્ડમાંથી કપાઈ જાય છે (વિદેશી મેગેઝિનના કિસ્સામાં કિંમત આકરી હોઈ શકે છે!)

આવું ન થાય એ માટે સાવચેતી રાખવાના બે જ રસ્તા છે. પહેલો રસ્તો એ કે તમે એપ સ્ટોર કે પ્લે સ્ટોરને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો જ ન આપો (જે ખરેખર શક્ય નથી કેમ કે મેગેઝિનની ફ્રી ટ્રાયલ જેવા કિસ્સામાં મફત લાભ લેવો હોય તો પણ આપણે ક્રેડિટ કાર્ડની વિગતો આપવી પડે છે). બીજો રસ્તો એ કે એપ્લિકેશન્સ ગમે ત્યારે આપણને ખર્ચ કરાવી શકે છે એ ધ્યાનમાં રાખીને તેના ખરીદી સંબંધિત સેટિંગ્સ બરાબર સમજી લેવાનો છે.

જો તમે પ્લે સ્ટોરને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો આપી હોય અને તમારા સ્માર્ટફોન કે ટેબલેટનો પરિવારના અન્ય સભ્યો પણ ઉપયોગ કરતા  હોય તો સાવચેતીનાં આ પગલાં જાણી લો :

એન્ડ્રોઈડ

એન્ડ્રોઈડમાં ઇન-એપ-પરચેઝ તદ્દન બંધ કરી શકાતી નથી પરંતુ જ્યારે પણ ખરીદી કરવામાં આવે ત્યારે આપણો ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ આપવો જરુરી બને તેવું સેટિંગ કરી શકાય છે.

  1. પ્લે સ્ટોર ઓપન કરી સેટિંગ્સમાં જાઓ.
  2. તેમાં યુઝર ક્ધટ્રોલ વિભાગમાં રીકવાયર ઓથેન્ટિકેશન ફોર પરચેઝીસનો વિકલ્પ તપાસો. તેમાં ત્રણ વિકલ્પ હોય છે. (૧) દરેક ખરીદી માટે (૨) દર ૩૦ મિનિટે (૩) નેવર.
  3. દરેક ખરીદી માટે ઓથન્ટિકેશન જ‚રી બને તે વિકલ્પ પર ક્લિક કરો.
  4. તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ આપો અને ઓકે કરી દો.

વિન્ડોઝ ફોન

  1. સ્ટોર એપ ઓપન કરો. 
  2. નીચે જમણે ખૂણે આપેલ  ત્રણ ડોટના આઈકન પર ક્લિક કરી સેટિંગ પર ક્લિક કરો.
  3. પીન પર ક્લિક કરો.
  4. વોલેટ પીન પછીના બટન પર ક્લિક કરી તેને ઓન કરો.
  5. તમારી પસંદગીનો  ૪ ડિજીટનો પીન બે વાર આપો અને ડન પર ક્લિક કરો.
  6. ‘યૂઝ વોલેટ ઈન ટુ પ્રોટેક્ટ મ્યુઝિક, એપ એન્ડ ઈન-એપ પરચેઝીસ’ સામે ટીક કરો. હવે તમે જ્યાં સુધી વોલેટ પીન આપશો નહીં ત્યાં સુધી ઈન એપ પરચેઝ થશે નહીં.

આઈઓએસ

  1. સેટિંગ્સમાં જનરલ અને તેમાં રિસ્ટ્રિકશન્સમાં જાઓ 
  2. ઈનેબલ રિસ્ટ્રિકશન્સ પર ક્લિક કરો.
  3. રિસ્ટ્રિક્શન્સ પાસકોડ સેટ કરો.
  4. પાસકોડ રીએન્ટર કરો.
  5. ઈન એપ પરચેઝીસ માટેની સ્વીચ ઓફ કરી દો.

તમારા ક્રેડિટ કાર્ડની વિગતો તપાસો આ રીતે…

જો તમે ઇન્ટરનેટ પર ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા હો તો જે સર્વિસ દ્વારા તમે ખરીદી કરતા હો તેમાં તમારા કાર્ડની વિગતો સાચવી રાખવાનો વિકલ્પ હોય છે, જેથી દરેક ખરીદી વખતે બધી વિગતો ફરી આપવી પડે નહીં.

વારંવાર ખરીદી કરતા લોકો માટે આ સારી સુવિધા છે, પરંતુ ક્યારેક જ ખરીદી કરતા લોકો માટે આ સુવિધાને લીધે તેમની જાણ બહાર ઓનલાઇન ખરીદી થઈ જવાનું જોખમ રહે છે. જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ, ગેમ, મૂવી, બુક કે મેગેઝિનનું સબસ્ક્રિપ્શન વગેરે ખરીદી કરી હોય તો તમે ગૂગલને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો આપી હશે.

આ વિગતો ગૂગલ ક્યાં સાચવે છે અને આપણે તેમાં કોઈ ફેરફાર કરવા માગતા હોઈએ તો ક્યાંથી કરી શકીએ એ જાણી લેવા જેવું છે. ગૂગલ પ્લે સ્ટોર પર આપણે જે ઓનલાઇન ખરીદી કરીએ તે ગૂગલની ‘ગૂગલ વોલેટ’ નામની સર્વિસ દ્વારા થાય છે. આપણે પસંદ કરેલી પેમેન્ટ મેથડ – જેમ કે ક્રેડિટ કાર્ડ – પણ ગૂગલ વોલેટના આપણા એકાઉન્ટમાં જ સચવાય છે.

જો તમે ક્યારેય પણ ગૂગલ પ્લે સ્ટોર પર ખરીદી કરી હોય અને હવે તેમાંથી તમારા ક્રેડિટ કાર્ડની વિગતો દૂર કરવા માગતા હો તો નીચેનાં પગલાં અનુસરો.

તમે મોબાઇલ કે પીસી બંનેમાં આ કામ કરી શકો છો. બંનેમાં અંતે તો તમારા ગૂગલ વોલેટ એકાઉન્ટમાં જવાનું થશે.

પીસીનો ઉપયોગ કરતા હો તો સીધા https:/wallet.google.com પર જઈને તેમાં સાઇન-ઇન થાઓ.

મોબાઇલમાં, પ્લે સ્ટોર એપ ઓપન કરી, તેમાં મેનુ આઇકનની મદદથી ‘માય એકાઉન્ટ’માં જાઓ. અહીં ‘એડિટ પેમેન્ટ મેથડ’ પર ક્લિક કરતાં તમને ગૂગલ વોલેટમાં સાઇન-ઇન થવાનું કહેવામાં આવશે.

અહીં તમે પ્લે સ્ટોર પર અગાઉ કરેલી ખરીદીની વિગતો જોવા મળશે. એ સાથે પેમેન્ટ મેથડ્સ પણ જોઈ શકાશે. અહીં તમારા ક્રેડિટ કાર્ડની વિગત હોય તો તેમાં ફેરફાર કરી શકો છો અથવા દૂર કરી શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!