૧૩ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ રેડિયો ડે. યુનેસ્કોએ જ્યારે ૧૩ ફેબ્રુઆરીને વર્લ્ડે રેડિયો તરીકે જાહેર કર્યો ત્યારે તેનાં કેટલાંક મજબૂત કારણ આપ્યાં હતાં. સંસ્થાના મતે રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું મીડિયમ છે. એટલું જ નહીં તે શક્તિશાળી અને સસ્તું પણ છે. રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે, આ અવાજ શ્રોતાઓ વચ્ચે કોઈ અંતર રાખતો નથી.
નિરક્ષર, વિકલાંગ, વૃદ્ધ, મહિલા, યુવાનો, બાળકો બધા રેડિયોને સાંભળી શકે છે, તે તેનું જમા પાસું છે. તેથી રેડિયોનું એક નોખું જ મહત્ત્વ છે, પણ આજે આપણે વાત કરવી છે રેડિયોના નવા અવતાર એવા ઇન્ટરનેટ રેડિયો વિશે.
વેબ રેડિયો, નેટ રેડિયો, સ્ટ્રીમિંગ રેડિયો, ઈ-રેડિયો, ઓનલાઇન રેડિયો અને વેબકાસ્ટિંગ જેવાં વિવિધ નામોથી ઓળખાતા આ રેડિયોની શરૂઆત થઈ ૯૦ના દાયકાના આરંભમાં.

કાર્લ માલામુડે ૧૯૯૩માં ધ ઇન્ટરનેટ મલ્ટિકાસ્ટિંગ સર્વિસ (આઇએમએસ)ના નામે સૌ પ્રથમ ઇન્ટરનેટ રેડિયો સ્ટેશન શરૂ કર્યું. વોશિંગ્ટનના નેશનલ પ્રેસ ક્લબ બિલ્ડિંગમાંથી તેનું પ્રસારણ શરૂ થયું. નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે તેની શરૂ થઈ. મોટા ભાગે ડોનેશનથી જ ચાલતા ‘ગીક ઓફ ધ વીક’ કાર્યક્રમ સાથે, અઠવાડિયે મર્યાદિત કલાકો જ ચાલતી આ રેડિયો સેવાએ સરકારી માહિતી સુધી પ્રજાની પહોંચ વધે તે માટે ગંભીર પ્રયાસો કર્યા. ૧૯૯૫માં તેનું ચોવીસે કલાક પ્રસારણ શરુ થયું. જોકે ખરાબ આર્થિક સ્થિતિને પગલે ૧૯૯૬માં માલમુડેએ પ્રસારણ સેવા બંધ કરવી પડી, પણ પછી અમેરિકા સહિત બીજા દેશોમાં પણ ઇન્ટરનેટ રેડિયોનું ચલણ વધ્યું.
ઇન્ટરનેટ રેડિયો સર્વિસનો સૌથી મોટો ફાયદો એ છે કે તે મોટા ભાગે વિશ્વના ગમે તે ખૂણાએથી ઉપ્લબ્ધ બને છે. દા.ત. ઓસ્ટ્રેલિયાના સ્ટેશન પરથી ચાલતો રેડિયો યુરોપ અને અમેરિકામાં પણ સાંભળી શકાય છે, તેથી તેને વિશાળ ઓડિયન્સ મળી રહે છે.
જોકે ઇન્ટરનેટ રેડિયો ચોક્કસ રસ ધરાવતા સમૂહો માટે આશીર્વાદરૂપ નીવડે છે, કારણ કે લોકલ રેડિયો સ્ટેશન તેમને રસ પડતો હોય તેવા કાર્યક્રમો આપવામાં નિષ્ફળ જતા હોય છે.
હવે મૂળ વાત ફાઇનલ ક્લિકની – નીચે આપેલી સાઇટ પર તમે ફરી અવાજની દુનિયામાં ખોવાઈ જઈ શકો છો! આ સાઇટ પર ભારતનાં અનેક રેડિયો સ્ટેશન્સના પ્રોગ્રામ ઓનલાઇન સાંભળી શકાય છે. આ પ્રકારની બીજી ઘણી સાઇટ પણ તમને મળી જશે.
ઇન્ટરનેટ રેડિયો એટલે?
ઇન્ટરનેટ રેડિયો એટલે એવી સેવા જેમાં ઓડિયો (અવાજ) ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચે છે. આમાં સૌથી વધુ પ્રચલિત નામ છે વેબકાસ્ટિંગ. વાયરલેસના બદલે વેબસર્વિસથી પહોંચતો હોઈ, તેને વેબકાસ્ટિંગ જ કહે છે.
પોડકાસ્ટિંગ : પોડકાસ્ટિંગ એટલે રેડિયોનું ક્ધટેન્ટ ડાઉનલોડ કરવાની સુવિધા. આ ઇન્ટરનેટ રેડિયો સેવામાં સમાચાર, ચર્ચાઓ અને વિવિધ પ્રકારના સંગીતની સર્વિસ હોય છે, જે મોટાભાગે ટ્રેડિશનલ બ્રોડકાસ્ટ રેડિયો સ્ટેશનમાં હોય જ છે. ઇન્ટરનેટ રેડિયોની સેવા પૂરી પાડવામાં મોટો ખર્ચ ન હોઈ, આ પ્રકારની રેડિયો સેવા અનેક જગ્યાએ ચાલે છે. અમેરિકા જેવા દેશમાં જ્યાં ઇન્ટરનેટનો વ્યાપ વધુ છે, ત્યાં ઇન્ટરનેટ રેડિયો ફુલ્યો ફાલ્યો છે. અમેરિકામાં ૨૦૧૨ના આંકડા મુજબ સાડા ચાર કરોડથી વધુ શ્રોતાઓ સપ્તાહમાં ૯ કલાકથી વધુ રેડિયો સાંભળતા હતા!

