(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બુઢાપો : નેટના પ્રેમમાં પડવાની ઉંમર!

દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં એવું નામ છે, જે અત્યંત ઊંડી કે જબરજસ્ત ઊંચાઈ ધરાવતી વાતો પણ સાવ સહજતાથી કરી લે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આપણા બધાની વચ્ચે રહીને, આપણી જેમ જ જીવતા દીપકભાઈ જીવનને સાવ અલગ એન્ગલથી જોઈ શકે છે અને આપણને એનો પરિચય પણ કરાવી શકે છે. આવા એક અલગ એન્ગલથી થયેલી વાત, એમની આગવી શૈલીમાં…

બુઢાપો આકરો છે. ઓકે. શરીર પહેલાં જેટલું જોશીલું નથી રહેતું. ઓકે. નવું શીખવાની ઇચ્છા નથી થતી. ઓકે. જુવાનો પાસે વૃદ્ધોને ફાળવવા માટે પૂરતો સમય નથી હોતો… કોઈ સાથ નહીં દેતા… ઓકે, ઓકે. બધું ઓકે. પણ વૃદ્ધ માણસ નેટ ન શીખે… ધેટ્સ નોટ ઓકે. એ ન બકે (ચાલે).

હે વડીલ મિત્રો, પહેલા તો તમારા મગજમાંથી એ વાત કાઢી નાખો કે હવે લોકોને તમારી જ‚રુર નથી રહી. ક્યાંક, કોઈ ને કોઈ રીતે તમારી જ‚રુર છે માટે જ તો તમે જીવો છો. ઈશ્વરને, સૃષ્ટિને, સમગ્રતાને તમારી જ‚ર છે એટલે પ્રકૃતિ તમને જિવાડી રહી છે. બાકી, પ્રકૃતિ બહુ કંજૂસ છે. એ કશું પણ નકામું ચલાવી નથી લેતી. માણસ પણ સાવ નકામો થઈ જાય ત્યારે પ્રકૃતિ એને ઉઠાવી લે છે, પણ તમને એણે હજુ ઉઠાવ્યા નથી. કારણ કે તમારે હજુ કશુંક કરવાનું બાકી છે. સંતાનોનાં સંતાનોને લાડ લડાવવાનું કામ કોણ કરશે? વૃદ્ધો. જૂના રીત-રિવાજ અને ખાસ તો પારંપરિક મૂલ્યોનું છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમતા સૈનિકોની જેમ જતન કોણ કરશે? વૃદ્ધો. સવારે વહેલાં ઊઠીને કરવાનાં કામ કોણ કરશે? વૃદ્ધો. આખા વર્ષનાં મસાલા-અથાણાં-અનાજના મામલે માર્ગદર્શન કોણ આપશે, આગેવાની કોણ લેશે? વૃદ્ધો. સગાંસંબંધી સાથે વહેવાર અને લાગણી જળવાઈ રહે એ જોવાની જવાબદારી કોણ ઉઠાવશે? વૃદ્ધો.
આ યાદી ઘણી લંબાવી શકાય તેમ છે, પણ આપણે સૌથી મહત્ત્વના અને સૌથી દિલચસ્પ કામની વાત કરીએ.

જીવનની સમગ્રતાને નિરાંતે માણવાનું કામ કોણ વધુ સારી રીતે કરી શકે? વૃદ્ધો જ. જુવાનોનું એ કામ નહીં. જુવાનો બચાડા ચાહે કે ન ચાહે, એમણે અર્જુન બની રહેવું પડે છે. એમણે બધું જ ધ્યાન માછલીની આંખ પર રાખવું પડે. પરિવારની નૌકા પાર લગાવવા માટે, બે છેડા ભેગા કરવા માટે કે ધગધગતી મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે જુવાનીમાં માણસે એકદમ ફોકસ્ડ રહીને ગધ્ધામજૂરી કરવી જ પડે. જુવાનીમાં માણસ પાસે જીવનને અને સૃષ્ટિની સમગ્રતાને માણવાનો ઝાઝો સમય નથી હોતો.

એટલે જ તો ઈશ્વરે બુઢાપાની જોગવાઈ રાખી છે. જુવાનીમાં ગધેડાની જેમ કામ કરો અને પછી બુઢાપામાં નિરાંતે જુઓ કે જીવન, જગત અને ઈશ્વરની લીલા કેટલી વ્યાપક છે! ધર્મ-અર્થ-કામના દુન્યવી પુરુષાર્થોથી પરવાર્યા પછી મોક્ષ માટેના પુરુષાર્થનો જે એક મોકળો સમયખંડ છે એનું નામ છે ઘડપણ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે મુક્તિ… છુટકારો… સ્વાતંત્ર્ય… આઝાદી. મુક્તિ શેમાંથી? સંકુચિત-મર્યાદિત બંધનોમાંથી મુક્તિ.

હું એક મર્યાદિત શરીર કે સંકુચિત મન જ માત્ર નથી, હું એક વ્યાપક અસ્તિત્વનો મહત્ત્વનો અંશ છું… હું ઈ્શ્વરનો જ એક ભાગ છું… હું સૃષ્ટિનું અભિન્ન અંગ છું… આ બધું જાણવું-સમજવું-પામવું એનું નામ મોક્ષ. ટૂંકમાં, વ્યાપકતા સાથે એક‚પ થવું… તરબતર થવું… એનું નામ મોક્ષ.

એ માટે બે કામ કરવાં પડે. પહેલું : જીવ (આત્મા)ને સમજવો પડે અને બીજું, જગતને (એની અફાટ વ્યાપકતામાં) અનુભવવું પડે.

પહેલું કામ કરવા માટે, જીવને જાણવા માટે, ધ્યાન-ભજન-ભક્તિ-સાધના-ચિંતન કરવાં પડે. અને બીજું કામ કરવા માટે, જગતની વ્યાપકતાનો અંદાજ મેળવવા માટે, ઈશ્વરની લીલા કેટલી બહોળી અને અદભુત છે એ સમજવા માટે નેટ પર ફરવા નીકળવું પડે.

મોક્ષની વાત બહુ મોટી (કે ઇવન વાહિયાત) લાગતી હોય તો પણ એટલું તો તમે સ્વીકારશો જ કે જે જગતમાં આપણને જન્મ મળ્યો છે એ જગતને જેટલું વધારે જાણીએ એટલો આપણો જન્મારો સફળ થાય (એટલે જ તો કહ્યું છે : જીવ્યા કરતાં જોયું ભલું). તો જગતને જોવા-માણવા-જાણવાનું આ જે કામ છે… જે કામ જુવાનીમાં ઝાઝું ન થઈ શક્યું, એ હવે નિરાંતે કરવા માટે સૌથી ઉપયોગી માધ્યમ છે નેટ… ઇન્ટરનેટ… સાયબર જગત!

વાત બહુ ફિલોસોફિકલ લાગે છે? ઓકે. એક પ્રેક્ટિકલ સવાલ પૂછું – તમારાં સંતાનોનાં સંતાનો ચાર-પાંચની ઉંમર સુધી તો તમારી સાથે બહુ વાતો કરે છે, તમારી સાથે બહુ હળે-ભળે છે, તમારાં બહુ હેવાયાં રહે છે… પણ છ-સાત-આઠ વર્ષનાં થતાંની સાથે જ એ તમારાથી દૂર થતાં જાય છે એવું તમને લાગે છે ખરું? જો તમારી સાથે આવું બનતું હોય તો તમે માર્ક કર્યું હશે કે તમારી દુનિયા અને એમની દુનિયા સાવ જ નોખી હોવાને કારણે આવું બને છે. એમની દુનિયામાં નેટ હવે બહુ મહત્ત્વની અને અનિવાર્ય ચીજ બની રહે છે. આવામાં તમને નેટના ‘ન’ની પણ ખબર ન હોય તો પછી એ તમારાથી દૂર થવાનાં જ… એમાં એમનો એટલો વાંક નથી જેટલો તમારો છે. તમે જો નહીં બનો એમના સહભાગી, તો એ જશે દૂર ભાગી.


સોચ લો.

આ બધી વાતો તમને વધારે પડતી બચકાની (ચાઇલ્ડિશ)-સાદી-સરળ લાગતી હોય તો ભલે લાગે. મોટી ઉંમરે નેટનો સંગાથ અત્યંત જ‚રી હોવા વિશે શક્ય તેટલી પાયાની વાતો કહીને વૃદ્ધોને નેટવિશ્વમાં આગ્રહપૂર્વક આવકારવા… એ જ તો ઇરાદો છે આ લેખનો.

માન્યું કે આપણે બધા સુપરસ્ટાર ન બની શકીએ, પણ મોટી ઉંમરે કશુંક નવું શીખવાના મામલે કોઈ પણ વડીલ અમિતાભ બચ્ચનના પેંગડામાં પગ ઘાલી શકે. જેમ અમિતાભ ૭૦ની ઉંમરે સિતાર-સરોદ શીખવાનું નક્કી કરી શકે, તમે અન્ય વડીલો પણ નવી ઉંમરે નવું કશુંક શીખવાનો સંકલ્પ લઈ જ શકે. આમાં ફાયદો એ છે કે નવું શીખવાથી જુવાન રહી શકાય છે. નવું શીખતી વખતે મગજનાં ન્યુરોન્સ વચ્ચે નવી-નવી સર્કિટો રચાવાથી મગજ તાજું, સક્રિય અને સાજું રહી શકે છે.

સાદી વાત છે, માણસ કોઈ પણ ઉંમરે પ્રેમમાં પડે તો એ જુવાની અનુભવી શકે છે. મોટી ઉંમરે વિજાતીય પાત્રના પ્રેમમાં પડવાથી સામાજિક લોચા-લાપસી થઈ શકે, પણ જો કોઈ વડીલ નેટના પ્રેમમાં પડે તો કોઈને વાંધો પડવાનો નથી (સિવાય કે કોઈ વડીલ પેલા નેતાઓની જેમ ન જોવા જેવી વેબસાઇટો જોવામાં વધુ રસ દાખવે!).

આ બધું અઘરું છે એવી તો ફરિયાદ કરશો જ નહીં. કારણ કે નેટ-જગતની સહેલી આંટીઘૂંટીને પણ વધુ સહેલી બનાવનાર… નાના બાળકને જેમ ચમચીથી ખોરાક ખવડાવવામાં આવે એ રીતે નેટજ્ઞાનને ચમચી-ચમચીએ જમાડનાર… નેટશિક્ષણની બધી જ મુશ્કેલીઓને આસાનીથી દૂર કરનાર સો દુ:ખોં કી એક દવા જેવો ઇલાજ અત્યારે… આ ઘડીએ તમારા હાથમાં જ છે. હા, આ સાયબરસફર, આ મેગેઝિન જે તમે અત્યારે વાંચી રહ્યા છો એ તમને ડગલે ને પગલે નેટજગતમાં ઉપયોગી બની રહેશે. સાયબરવિશ્વની સફરમાં એ જ તો છે તમારું સાચું હમ-સફર.

તો, સો વાતની એક વાત. આ ઉંમરે હવે નેટની ઝંઝટમાં કોણ પડે… હવે તો આવતા ભવે શીખીશું… એવી બધી બહાનાબાજી ત્યજીને જો એક વાર તમે નેટની દુનિયામાં પ્રવેશશો તો તમને સમજાશે કે છાપાં-મેગેઝિન-ધર્મગ્રંથો-પુસ્તકો તો ઠીક, આખેઆખા ટીવીને પણ પોતાનામાં સમાવી લેતું, અન્ય તમામ માધ્યમોના બાપ જેવું માધ્યમ છે ઇન્ટરનેટ. અન્ય માધ્યમો કરતાં ઇન્ટરનેટ કઈ રીતે વધુ ચઢિયાતું અને વધુ ઉપયોગી છે એની વાત ફરી ક્યારેક. અત્યારે તો ફક્ત એક જ વાત નક્કી કરી લો કે મોટી ઉંમરે બીજું કંઈ કરું કે ન કરું, નેટ તો શીખીશ જ!

(એક વિનંતી : આ લેખ જાતે વાંચવા ઉપરાંત અન્ય વડીલ મિત્રોને પણ વંચાવજો. પછી તમે એ મિત્રોની સાથે રહીને નેટવિશ્વમાં પ્રવેશશો તો તમને એમનો સંગાથ મળી રહેશે… તમે નોટ્સ એક્સચેન્જ (આપલે) કરી શકશો… તમને એકમેકનો ટેકો રહેશે… અને નવેસરથી જાણે ‘સ્કૂલના ભાઈબંધ કે બહેનપણી’ બનવાનો લહાવો તમે માણી શકશો!).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!