જો તમારા જીવન પર ટેક્નોલોજી હાવી થઈ ગઈ હોય તો, રાતદિવસ ફોન હાથમાંથી છૂટતો ન હોય તો હવે તેનાથી દૂર જવામાં મદદ કરે એવાં ટૂલ્સની મદદ હાથવગી છે.
સમય કેટલો ઝડપથી બદલાય છે! ના, એક વર્ષ વિદાય લે અને બીજું આવે ત્યારે આ જ્ઞાન અચાનક લાધ્યું એવું નથી! અમદાવાદમાં યોજાઈ ગયેલા પુસ્તકમેળા દરમિયાન અને પછી ઇન્ટરનેટ પર હમણાં જોવા મળતા એક રસપ્રદ ટ્રેન્ડ પરથી લાગે છે કે સમય સાચે જ ઝડપથી બદલાય છે.
પુસ્તકમેળામાં જાતે અનુભવ્યું કે હવે વડીલો બહુ સહેલાઈથી ઓનલાઇન રીડિંગ તરફ વળી રહ્યા છે અને બીજી તરફ સતત સ્ક્રીન સાથે કનેક્ટેડ રહેતી યંગ જનરેશન ફરી પ્રિન્ટ, કાગળ પરના વાંચન તરફ વળી રહી છે!
એવું જ કંઈક ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી સ્માર્ટફોનથી કંઈ કેટલીય જાતનાં કામ ફટાફટ કરવાની સુવિધા આપતી અને આખી દુનિયાની માહિતી હાથવગી કરતી ગૂગલ જેવી કંપની હવે ‘ડિજિટલ વેલબીઇંગ’ની વાત કરવા લાગી છે!
એક મિનિટ, આ ‘ડિજિટલ વેલબીઇંગ’ એટલે શું એવો સવાલ થયો? સ્માર્ટફોનને જ જીવન માનવાને બદલે, એને ફક્ત સાધન ગણવાની સમજ કેળવીને સ્વસ્થ, સંતુલિત જીવન જીવવું એટલે ડિજિટલ વેલબીઇંગ! અડધી રાત્રે પણ જાગીને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરની લાઇક્સ ચેક કરતા, ફેમિલી ટૂર પર ગયા હોય ત્યારે પણ ઓફિસના મેઇલ્સ ચેક કરતા કે એક્ઝામ માથે હોય ત્યારે પણ ‘પબ્જી’માં પરોવાયેલા રહેતા લોકોનું જીવન સંતુલિત નથી.
આ અસંતુલનની શરૂઆત હવે બહુ નાની વયથી જ થઈ જાય છે. તમને પણ પરિવારનાં બાળકોના સતત વધતા સ્ક્રીન ટાઇમની ચિંતા રહેતી હોય તો તમે ગૂગલની ‘ફેમિલી લિંક’ એપનો ઉપયોગ કરીને તેમના સ્ક્રીન ટાઇમની લિમિટ્સ સેટ કરી શકો અને અમુક ચોક્કસ એપ્સ બ્લોક પણ કરી શકો. યુટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં આપણે કેટલો સમય પસાર કર્યો એ જાણવાની સગવડ પણ હવે ઉમેરાવા લાગી છે.
ગૂગલે આ બધા પ્રયાસો ‘ડિજિટલ વેલબીઇંગ’ના એક નેજા હેઠળ આવરી લેવાનો પ્રયાસ કર્યો છે, જેથી આપણા જીવનના કેન્દ્રમાં ટેકનોલોજી નહીં પરંતુ જીવન પોતે જ રહે.
એ માટે એન્ડ્રોઇડમાં એક નવું ડેશબોર્ડ ઉમેરવામાં આવ્યું છે જે વિવિધ એપ્સ પર આપણે કેટલો સમય ગાળીએ છીએ એ બતાવે છે અને આપણને કેટલાં નોટિફિકેશન્સ મળે છે એ પણ બતાવે છે. એપલનું સ્ક્રીન ટાઇમ ડેશબોર્ડ કંઇક આવી જ સુવિધા આપે છે.
યુટયૂબમાં રાત દિવસ પરોવાયેલા રહેતા લોકોને યુટ્યૂબમાંથી બ્રેક લેવાની સલાહ પણ હવે એપ પોતે આપે છે. ‘વિન્ડ ડાઉન’ નામનું એક ફીચર રાત ઢળતાં આપણા પર આવતા નોટિફિકેશન્સની સંખ્યા મર્યાદિત કરી દે છે અને સ્ક્રીનને ગ્રે સ્કેલ કરે છે જેથી આપણને ખ્યાલ આવે કે હવે ફોન બાજુએ મૂકવાનો સમય થઈ ગયો છે.
જો તમારા ફોનમાં અલગ વર્ક પ્રોફાઇલની સુવિધા હોય અને ફોનમાં તમારી કંપનીની સંખ્યાબંધ એપ્સ પણ ઇન્સ્ટોલ્ડ હોય તો હોલિડેઝ દરમિયાન ફક્ત એક ટેપથી એ બધી એપ્સ ડિસેબલ કરવાની સગવડ ઉમેરાઈ છે. જેથી રજાઓ દરમિયાન આપણે ખરેખર પરિવાર સાથે રહી શકીએ.
આ બધી સગવડ એન્ડ્રોઇડના નવમા વર્ઝનમાં અને ગૂગલના પિકસેલ ફોનમાં ઉપલબ્ધ છે. એ ઉપરાંત એન્ડ્રોઇડ વન સુવિધા ધરાવતા ઘણા ફોનમાં ઉપલબ્ધ છે. શક્ય છે કે આપણા ફોન સુધી ડિજિટલ વેલબીઈંગના ફીચર્સ પહોંચતાં વાર લાગે, પણ આપણે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.
જો તમારા જીવન પર ટેકનોલોજી હાવી થઈ ગઈ હોય તો ડિજિટલ વેલબીઈંગ જેવા ટૂલ્સની જરૂર નથી, ફક્ત મન થોડું મક્કમ કરો અને જીવનમાં શું વધુ અગત્યનું છે – શાંતિ અને પરિવાર કે પછી યુટયૂબના વીડિયો ને ફેસબુક પરની લાઇક્સ – એ નક્કી કરી લો!
નીચેના સ્ક્રીશોટ્સ ડિજિટલ વેલબીઇંગ ફીચરનાં વિવિધ પાસાં અને સેટિંગ્સ બતાવે છે.
ડેશબોર્ડમાં આપણે જોઈ શકીએ છીએ કે આજના દિવસમાં કઈ એપ પાછળ આપણે કેટલો સમય ગાળ્યો.
જુદી જુદી એપ માટે સમયમર્યાદા નક્કી કરી શકો છો, જેના પછી એ એપ એ દિવસ પૂરતી ઓપન ન થાય.
‘વિન્ડ ડાઉન’ ફીચર ઓન કરવાથી, દરરોજ નિશ્ર્ચિત સમયે ફોનના રંગ ઊડી જાય ને તમને ફોનથી દૂર જવાનું યાદ આવે એવું પણ કરી શકાય!
‘ફોકસ મોડ’માં તમને ખલેલ પહોંચાડતી એપને પોઝ કરી શકો. તમે નક્કી કરેલા સમય દરમિયાન, એ એપનો આઇકન ગ્રેસ્કેલ થશે ને એપ ઓપન થશે નહીં. તમે ઇચ્છો ત્યારે ફોકસ મોડ બંધ કરી શકો છો.

