‘રેન્સમવેર’ની મદદથી આપણા કમ્પ્યુટરનો ડેટા બ્લોક કરી દેતા હેકર્સ હવે પોતાની વેબસાઇટ પર ગૂગલની એડ બતાવતા પબ્લિશર્સને પણ ડરાવીને તેમની પાસેથી નાણાં પડાવવા લાગ્યા છે.
ડિજિટલ દુનિયામાં લાંબા સમયથી એક સખત જોખમી અને છતાં રસપ્રદ ટ્રેન્ડ શરૂ થયો છે. આપણી વાસ્તવિક દુનિયામાં ચોર અને સિપાહીનો ખેલ તો લાંબા સમયથી ચાલે છે, ડિજિટલ વર્લ્ડમાં પણ આ ખેલ ઘણા વખતથી ચાલે છે અને વધુ ને વધુ તીવ્ર બનતો જાય છે.
એક તરફ જુદી જુદી ટેક કંપની અને સલામતી સંસ્થાઓ ડિજિટલ વર્લ્ડમાં આપણા જેવા સરેરાશ યૂઝર્સને હેકર્સથી બચાવવા માટે નવી નવી ટેકનોલોજી શોધતી જાય છે અને બીજી તરફ હેકર્સ પણ આપણને નિશાન બનાવવા માટે વધુને વધુ નવી તરકીબો અજમાવતા જાય છે.
આવી એક તરકીબ રેન્સમવેર વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. એક સમયે તો રેન્સમવેરે તો આખી દુનિયામાં જબરદસ્ત તરખાટ મચાવ્યો હતો. આ પ્રકારના એટેકમાં હેકર્સ આપણા કમ્પ્યુટર પર ‘કોઈક રીતે’ કબજો જમાવી લે છે અને આપણા ડેટાને લોક કરી નાખે છે કે એન્ક્રિપ્ટ એટલે કે આપણે પોતે વાંચી ન શકીએ એવા સ્વરૂપમાં ફેરવી નાખે છે. આપણા ડેટાનું હેકરને કોઈ કામ હોતું નથી પરંતુ એ જાણે છે કે આપણે માટે આપણો ડેટા મહામૂલો છે અને એની જ ખંડણી એ આપણી પાસેથી વસૂલે છે.
આપણો ડેટા લોક કર્યા પછી તે આપણી પાસે ડેટા અનલોક કરવા પેટે મોટા ભાગે બિટકોઈનમાં પેમેન્ટ કરવાની માગણી કરે છે. વાસ્તવિક દુનિયામાં જેમ અપહરણ કરતી ગેંગ કોઈ પૈસાદાર વ્યક્તિના કુટુંબીજનનું અપહરણ કરીને તેની પાસેથી પૈસા પડાવે બરાબર એ જ રીતે ડિજિટલ ડેટાને બંધક બનાવીને હેકર્સ ‘ફિરૌતી’ વસૂલ કરે છે.
હવે કંઈક આ રીતની, પણ નવા પ્રકારે ધાકધમકીથી નાણાં પડાવવાની પદ્ધતિ સામે આવી છે. આમાં હેકર્સ ગૂગલ એડસેન્સ જેવા એડ નેટવર્કનો ઉપયોગ કરતા પબ્લિશર્સને નિશાન બનાવે છે.
ઇન્ટરનેટ પર જાહેરાતનું સામ્રાજ્ય ચલાવવા માટે ગૂગલ બે પ્રકારની સર્વિસનો ઉપયોગ કરે છે.
એક છે એડવર્ડસ અને બીજી છે એડસેન્સ.
તમે જાણતા હશો કે કોઈ પણ બિઝનેસ ગૂગલ એડવર્ડઝ પર પોતાની સર્વિસ કે પ્રોડક્ટની જાહેરાત કરી શકે છે. સામાન્ય રીતે ‘પે પર ક્લિક’ તરીકે ઓળખાતા આ પ્રકારના એડવર્ટાઇઝિંગમાં આપણે પોતાની સર્વિસ કે પ્રોડક્ટને લગતા કીવર્ડ પસંદ કરવાના હોય છે. જ્યારે આ જ પ્રકારના કીવર્ડથી કોઈ યૂઝર ગૂગલ પર કંઈ પણ સર્ચ કરે ત્યારે ગૂગલ એ યૂઝરને આપણી જાહેરાત બતાવે છે. જો એકસરખા કીવર્ડ માટે જુદી જુદી ઘણી કંપનીઓએ પોતાની જાહેરાત બતાવવાની તૈયારી બતાવી હોય તો જે કંપની વધુ નાણાં આપવા તૈયાર હોય તેની જાહેરાત બતાવવામાં આવે.
યૂઝર તરીકે આપણે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ ત્યારે સ્ક્રીન પાછળની આ બધી આંટીઘૂંટીઓ આંખના પલકારામાં પૂરી થાય છે અને આપણને જાહેરાત બતાવવા માટે વધુ ખર્ચ કરવા તૈયાર કંપનીની જાહેરાત આપણને બતાવવામાં આવે છે (વધુ માહિતી માટે જુઓ ‘સાયબરસફર’નો સપ્ટેમ્બર, ૨૦૧૬નો અંક).
આપણે એ જાહેરાત પર ક્લિક કરીએ તો પેલી કંપનીના એકાઉન્ટમાંથી ગૂગલ એટલી રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે.
ગૂગલ આ જાહેરાતો તેના પોતાના સર્ચ એન્જિન અને તેની પોતાની સર્વિસિસના વેબપેજ પર બતાવે છે, એ ઉપરાંત વિવિધ વેબસાઇટ્સ, બ્લોગ વગેરે જો ગૂગલના એડસેન્સ પ્રોગ્રામમાં જોડાય તો એ પણ પોતાના વેબપેજ પર ગૂગલ નેટવર્કની જાહેરાતો બતાવીને કમાણી કરી શકે છે.
આમ આ આખી વ્યવસ્થા જાહેરાત કરવા માગતી કંપની, પોતાના બ્લોગ પર જાહેરાત બતાવીને કમાણી કરવા માગતી વેબસાઇટ્સ, ગૂગલ પોતે અને આપણા જેવા યૂઝર્સ એમ સૌને માટે વિન વિન સિચ્યુએશન ઊભી કરે છે.
સામાન્ય એડવર્ટાઇઝિંગની પદ્ધતિઓ કરતાં ડિજિટલ એડવર્ટાઇઝિંગ અત્યંત અસરકારક છે તેથી તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જાહેરાત કરવા માગતી કંપની બહુ ઓછા બજેટથી પણ આ પ્રકારે જાહેરાતની શરૂઆત કરી શકે છે. આ જ કારણે ગૂગલ તેની એડવર્ટાઇઝિંગ સર્વિસિસની મદદથી અબજો ડોલરની કમાણી કરે છે.
અત્યાર સુધીમાં આ આખી વ્યવસ્થા જબરદસ્ત રીતે ફેલાઈ ગઈ છે અને ઇન્ટરનેટનું આખેઆખું અર્થતંત્ર આના પર જ ચાલે છે તેમ કહીએ તો ખોટું નથી. એટલે જ હવે હેકર્સે તેના પર નિશાન સાધ્યું છે.
હેકર્સ કંઈક આ રીતે પોતાની જાળ પાથરે છે…
ગૂગલ એડસેન્સ નેટવર્ક પર, પોતાની વેબસાઇટ કે બ્લોગની સ્પેસ ગૂગલની એડ્સ માટે ભાડે આપતા પબ્લિશર્સને હેકર નિશાન બનાવે છે અને તેને નીચેના પ્રકારનું લખાણ ધરાવતો એક ઈ-મેઇલ મોકલે છે…
વિષયઃ ઇમ્પોર્ટન્ટ તમારા એડસેન્સ એકાઉન્ટ વિશે
‘‘તમે ગૂગલ નેટવર્ક પર જેટલી જાહેરાતો બતાવી શકો તેની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. તમારી એડ માટે અસાધારણ પ્રકારનો ટ્રાફિક જોવા મળવાથી આ પગલું લેવામાં આવ્યું છે. આપના ટ્રાફિકનું અમે સતત મોનિટરિંગ કરીશું અને પછી આગળનાં પગલાં લઇશું.’’
પોતાના મેઇલમાં આવું લખ્યા પછી હેકર આગળ લખે છે કે ‘‘ટૂંક સમયમાં તમને તમારા ગૂગલના એડસેન્સ એકાઉન્ટ તરફથીં અચૂકપણે આવી નોટિસ જોવા મળશે કારણ કે બહુ ટૂંક સમયમાં અમે તમારી એડ પર ક્લિક્સનું પૂર લાવી રહ્યા છીએ. આ બધી જ ક્લિક્સ છેવટે બાઉન્સ થવાની છે અને એટલે ગૂગલ તમારું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરી દેશે!’’
આ ધમકી ખોટી નથી કેમ કે જો ગૂગલને કોઈ એડ્સ પર અસાધારણ પ્રમાણાં હીટ મળતી લાગે તો એ સમજી જાય છે કે જીવતાજાગતા લોકો નહીં પણ મશીન્સની મદદથી આ ક્લિક કરવામાં આવી રહી છે (ઘણા લોકો આવી ટ્રિક અજમાવતા પણ હોય છે). આથી જે પબ્લિશર્સ ખરેખર સાચી રીતે ગૂગલ એડ નેટવર્કની મદદથી કમાણી કરતા હોય, તેઓ હેકરની આવી ધમકીથી ડરીને પોતાનું એકાઉન્ટ બ્લોક ન થાય એ માટે હેકરને ખંડણી ચૂકવવા તૈયાર થઈ જાય છે!

