સ્માર્ટફોનમાં બેચાર ક્લિકની મદદથી ઓલા કે ઉબર જેવી કેબ એપ્સ તથા ગૂગલ મેપ્સમાં મુસાફરોની સલામતી માટે એવી સુવિધા છે કે આપણે ટેક્સીમાં બેઠા પછી આપણું લાઇવ લોકેશન પરિવારની અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકીએ છીએ.
ઓલા કંપનીએ હવે તેની એપમાંના ઇમરજન્સી બટનને પોલીસ સાથે કનેક્ટ કર્યું છે. પરિણામે જ્યારે ટેક્સીમાં મુસાફરી કરી રહેલી વ્યક્તિને ડ્રાઇવર તરફથી ભય જેવું લાગે તો એ એપમાં ઇમરજન્સી બટન પ્રેસ કરીને તેમાંથી ૧૦૦ નંબર પર સીધો પોલીસનો સંપર્ક કરી શકે છે.
ટેક્સીમાંથી કોલ કરનારી વ્યક્તિ પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ થાય એ સાથે તે વાહનનું લાઇવ લોકેશન કંટ્રોલ રૂમને મળી જાય છે. પરિણામે ટેક્સીના લોકેશનથી નજીકમાં નજીક રહેલી પોલીસ ટીમને તેની મદદ માટે મોકલી શકાય છે.
એ ઉપરાંત ઓલાની સેફ્ટી રિસ્પોન્સ ટીમ તરત જ મુસાફરનો સંપર્ક કરશે અને તેની સલામતી સુનિશ્ચિત થાય નહીં ત્યાં સુધી તેની સાથે ફોન પર સંપર્કમાં રહેશે. અલબત્ત આ સુવિધા અત્યારે માત્ર બેંગલુરુ શહેરમાં ઉપલબ્ધ છે.
