ચિંતા ના કરશો, તાબડતોબ નવો ફોન લેવાની વાત નથી, પરંતુ વિજેટ્સ અને લોન્ચર જેવી સગવડની મદદથી સ્માર્ટફોનનો દેખાવ તદ્દન બદલવાની કે તેને વધુ સ્માર્ટ બનાવી દેવાની વાત જાણી લો અહીં.
આગળ શું વાંચશો
- વિજેટ્સનો ઉપયોગ
- હોમસ્ક્રીન પર ફોનનાં ફંકશન્સ સરળ બનાવતાં વિજેટ્સ
- લોન્ચરનો ઉપયોગ
- ફોનનો દેખાવ અને કામકાજ બદલતી લોન્ચર એપ્સ
એન્ડ્રોઇડ ફોન વાપરનારા લોકો ભલે એપલ ફોન ધરાવતા લોકોની ઈર્ષા કરતા હોય, એપલ ફોનનો ઉપયોગ કરનારા હંમેશા એક વાતની ફરિયાદ કરતા હોય છે – એન્ડ્રોઇડમાં જેટલું કસ્ટમાઇઝેશન થઈ શકે છે એટલું એપલ ફોનમાં થઈ શકતું નથી.
વાસ્તવમાં એપલ એક એકદમ ટાઇટ કંટ્રોલ ધરાવતી ઈકો સિસ્ટમ છે જ્યારે એન્ડ્રોઇડમાં હેન્ડસેટ મેકર્સથી માંડીને થોડી ઘણી જાણકારી ધરાવતા લોકો પણ પોતાના ફોનમાં ધારે તેવા ફેરફાર કરી શકે છે.
એન્ડ્રોઇડ એટલી હદે સ્વતંત્રતા આપે છે કે જો આપણે ફોનનું રૂટિંગ કરીએ (એટલે કે ફોનના મેન્યુફેકચરરે ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે કોઈ ફેરફાર ન કરી શકીએ એવી મયર્દિા બાંધી હોય તે જો ‘તોડી નાખીએ’ તો આપણે ફોનની ઓપરેટિંગ સિસ્ટમ સુધ્ધાં બદલી શકીએ છીએ. જાણકાર લોકો ફોનના રૂટિંગ પછી અને રોમ તરીકે ઓળખાતું એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું કોઈ અલગ જ વર્ઝન ઇન્સ્ટોલ કરીને ફોનમાં ઘણા બધા ફેરફાર કરી શકે છે. અલબત્ત આ ફોનને રૂટ કરવાનું કામ ખાસ્સી જાણકારી માગે છે અને પૂરતી આવડત વિના કરવામાં આવે તો ફોન સાવ બંધ થઈ જવાનું જોખમ પણ તેમાં રહેલું છે. ઉપરાંત એમ કરવા જતાં ફોનની વોરન્ટી તો ચોક્કસપણે રદ થઈ જાય છે.
આપણે ફોનને રૂટ કરવાના અંતિમ છેડા સુધી ગયા વિના બિલકુલ સહેલાઈથી ફોનમાં અલગ અલગ પ્રકારનું કસ્ટમાઇઝેશન કરી શકાય તેવી કેટલીક મજાની રીતો જાણીએ.
તમે નોંધ્યું હશે કે જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ ફોનમાં હોમસ્ક્રીન કે એપડ્રોઅર (જ્યાં આપણી તમામ એપ જોઈ કરી શકાય છે)નો અનુભવ જુદો જુદો મળે છે. હોમસ્ક્રીનમાં ઈમેજ વોલપેપર કે લાઇવ વોલપેપર સેટ કરવા જેવું સામાન્ય પર્સનલાઇઝેશન તો આપણે સહેલાઈથી કરી શકીએ છીએ, પણ એ સિવાય હોમસ્ક્રીન પર જુદા જુદા વિજેટ્સ ગોઠવીને પણ આપણે ખાસ્સું કસ્ટમાઇઝેશન કરી શકીએ છીએ. એ ઉપરાંત હોમસ્ક્રીન અને એપડ્રોઅર માટે લૂક એન્ડ ફિલ તદ્દન બદલી નાખે તેવી પણ ઘણી એપ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.
જોકે પહેલાં એ જાણી લઈએ કે એન્ડ્રોઇડમાં હોમસ્ક્રીન અને એપડ્રોઅર ખરેખર શું છે. આપણા સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન અનુસાર, આપણે ફોનના હાર્ડવેર પર આપેલ હોમબટનને ક્લિક કરીને કે ટચસ્ક્રીન પર જ આપેલ હોમ બટન પર ક્લિક કરીએ ત્યારે આપણા ફોનનો હોમસ્ક્રીન જોવા મળે છે. આ હોમસ્ક્રીન આપણા પીસીના ડેસ્કટોપ જેવું કામ આપે છે.
- અહીં આપણે જુદી જુદી એપના શોર્ટકટ સેટ કરી શકીએ છીએ.
- પીસીના ડેસ્કટોપ કરતાં ફોનના હોમસ્ક્રીન એ વાતે જુદા પડે છે કે તેમાં ફોનના મોડેલ અનુસાર આપણે એક કરતાં વધુ હોમસ્ક્રીન ગોઠવી શકીએ છીએ.
- પરિણામે ફોનના હોમસ્ક્રીન પર આપણે ઘડિયાળ અને સૌથી વધુ ઉપયોગમાં લેતા હોઈએ એવી એપના શોર્ટકટ્સ ગોઠવી શકીએ અને ડાબી તરફના નવા હોમસ્ક્રીનમાં ઓફિસ કામકાજને લગતી એપ્સના શોર્ટકટ્સ ગોઠવીએ અને જમણી તરફના નવા હોમસ્ક્રીન પર મ્યુઝિક, સોશિયલ મીડિયા, વીડિયો, ગેમ્સ વગેરેને લગતી એપ્સના શોર્ટકટ્સ ગોઠવીએ… એવી ગોઠવણ થઈ શકે.
આ થઈ હોમસ્ક્રીનને લગતી વાત. પછીનો મુદ્દો છે એપડ્રોઅર.
- હોમસ્ક્રીન પર આપેલા બટનની મદદથી આપણે ફોનના એપડ્રોઅરમાં જઈ શકીએ છીએ.
- એપડ્રોઅરમાં આપણા ફોનમાં રહેલ તમામ એપ્સ તેમ જ ફાઈલ, ફોલ્ડર, સેટિંગ્સનાં બટન વગેરે હોય છે.
- અહીંથી આપણે જે એપનો વધુ ઉપયોગ કરતા હોઈએ તે એપને થોડો લાંબો સમય પ્રેસ કરી રાખીને ફોનના હોમસ્ક્રીન પર શોર્ટકટ તરીકે લઈ જઈ શકીએ છીએ.
વિજેટ્સનો ઉપયોગ
વિજેટ્સ એટલે ફોનમાંની એપ્સમાંની માહિતી ફોનના હોમસ્ક્રીન જ પર જોવાની સુવિધા. જેમ કે જો આપણે વોટ્સએપનું વિજેટ હોમસ્ક્રીન પર સેટ કરીએ તો વોટ્સએપમાં ગયા વિના આપણે હોમસ્ક્રીન પર જ નવા મેસેજીસ જોઈ શકીએ. વિજેટ્સ સંખ્યાબંધ પ્રકારના હોઈ શકે છે. સ્માર્ટફોન બહુ પાવરફુલ નહોતા એ સમયે વિજેટ્સના ઉપયોગથી ફોન ધીમા થવાની કે બેટરી વધુ ખચર્વિાની સમસ્યા રહેતી હતી, પણ હવે એ ચિંતા નથી.
જો આપણે વિજેટ્સનો સ્માર્ટ ઉપયોગ કરીએ તો સ્માર્ટફોનને ખરેખર વધુ સ્માર્ટ બનાવી શકીએ. વિજેટ્સનો મોટો ફાયદો એ છે કે એ જે તે એપમાં ગયા વિના તેમાંની માહિતી હોમસ્ક્રીન પર મૂકી આપે છે જેને કારણે આપણે માટે મહત્ત્વની માહિતી આપણે ચૂકી જઈએ એવું બનતું નથી. હોમસ્ક્રીન પર ખાલી જગ્યામાં લાંબો સમય પ્રેસ કરવાથી વિજેટ્સ સેટ કરવાનો વિકલ્પ મળે છે.
એ ઉપરાંત ફોનના મોડેલ અનુસાર એપડ્રોઅરમાંથી વિજેટ્સમાં જઈ શકીએ છીએ. જે વિજેટ હોમસ્ક્રીન પર ગોઠવવા માગતા હોઈએ તેને ત્યાંથી ડ્રેગ કરીને હોમસ્ક્રીન પર લાવી શકાય. જેમ કે ડિજિટલને બદલે કાંટાવાળી ઘડિયાળ ગોઠવવી હોય તો તેને ડ્રેગ પરીને હોમસ્ક્રીન પર ખેંચી લાવો (બંને પ્રકારની ઘડિયાળ પણ વિજેટ જ છે!).
પરંતુ સ્માર્ટફોન વાપરનારને પણ ગૂંચવે એવો સવાલ એ છે કે એપ અને વિજેટમાં તફાવત શું છે? મૂળભૂત રીતે જોઈએ તો બંને એક પ્રકારના પ્રોગ્રામ જ છે, પરંતુ બંનેની કામગીરીમાં ફેર છે.
વિજેટ મોટા ભાગે પોતાની રીતે કામ કરે છે, તેની પાસેથી કામ લેવા માટે આપણે ખાસ કશું કરવાનું હોતું નથી, સિવાય કે તેને હોમસ્ક્રીન પર ખેંચી લાવવાનું. કેટલીક વિજેટ સ્વીચ જેવું પણ કામ આપે છે, જેમ કે બ્લુટૂથ ચાલુ બંધ કરવાની કે ડિસ્પ્લેની બ્રાઇટનેસ વધારવા ઘટાડવાની માટેની વિજેટ.
વિજેટની સરખામણીમાં એપ ઘણું વધુ કામ કરી શકતી હોય છે. ઉપરાંત, ઘણી એપ ઇન્સ્ટોલ કરતાં તેની સાથોસાથ તેની માહિતી હોમસ્ક્રીન પર બતાવે તેવી વિજેટ પણ સાથોસાથ ઇન્સ્ટોલ થતી હોય છે. ઘણી ખરી વિજેટને આપણે સ્ક્રીનની સાઇઝ મુજબ નાની-મોટી કરી શકીએ છીએ.
લોન્ચરનો ઉપયોગ
ફોનને રૂટ કરીને નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના ઘણા ફાયદા છે, પણ એની પૂરતી જાણકારી હોય તો. ઉપરાંત, મોટો ગેરફાયદો એ છે કે તેનાથી ફોનમાં કાયમી ફેરફાર થઈ જાય છે. તેના ઉપાય તરીકે હવે લોન્ચર તરીકે ઓળખાતી એપ્સ વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે.
હોમસ્ક્રીન રિપ્લેસમેન્ટ તરીકે પણ ઓળખાતી આ એપ્સનો લાભ એ છે કે આપણે બિલકુલ સહેલાઈથી ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, તેની મદદથી ફોનના હોમસ્ક્રીન અને એપડ્રોઅરમાં જુદા જુદા મનગમતા ફેરફાર કરી શકીએ છીએ અને જો આ નવો અનુભવ પસંદ ન પડે તો એ લોન્ચર એપને અનઇન્સ્ટોલ કરીને આપણા ફોનને ફરી પહેલાં હતો તેવો જ કરી શકીએ છીએ!
ગૂગલ પ્લેસ્ટોરમાં તમે જોશો તો સંખ્યાબંધ લોન્ચર એપ મળી આવશે. આ બધી એપ્સ સામાન્ય રીતે બે પ્રકારમાં વહેંચી શકાય. એક, જે ફોનની ડિઝાઇનમાં ફેરફાર કરે જ્યારે બીજી જે ફોનનો આપણો વપરાશ સમજીને તેમાં સ્માર્ટ ફેરફાર કરે.
ડિઝાઇન પર વધુ ભાર આપતી લોન્ચર એપ્સમાં આપણા સ્માર્ટફોનના હોમસ્ક્રીનનો લે-આઉટ બદલવા પર વધુ ભાર મૂકવામાં આવે છે અને તેમાં આપણે સ્ક્રીનને બે વાર ટેપ કરવાથી કોઈ ચોક્કસ એપ ઓપન કરી શકીએ એવા નજીવા ફેરફાર પણ કરી શકાય છે.
સામાન્ય રીતે ડિઝાઇન લોન્ચર્સ ફોનમાં એક પાયા તરીકે કામ કરે છે અને તેના આધાર પર આપણે વિવિધ આઈકન પેક્સ, વોલપેપર, વિજેટ્સ વગેરેનું આપણી પસંદ અનુસાર સેટિંગ કરી શકીએ છીએ. ડિઝાઇન લોન્ચર પોતે જ ફોનના લૂક એન્ડ ફિલને ઘણે અંશે બદલી નાંખે છે, પણ તેના ઉપર જો આપણે વિવિધ આઈકન કે વિજેટ્સને પણ સેટ કરીએ તો ફોનના હોમસ્ક્રીન અને એપડ્રોઅર બંનેના અનુભવમાં આપણે ધરમૂળથી પરિવર્તન કરી શકીએ છીએ.
ફોનની સ્માર્ટનેસ વધારવા પર ભાર આપતી લોન્ચર એપમાં આપણે ફોનનો જેમ જેમ વધુ ઉપયોગ કરતા જઈએ તેમ તેમ એ એપ આપણને ઉપયોગી એવી એપ્સ તેમજ માહિતી જે તે સમય અનુસાર આપણી સમક્ષ આવતી રહે એ રીતે ફોનમાં ફેરફાર કરતી જાય છે. જેમ કે આપણે સવારે ઉઠીએ ત્યારે, ઓફિસે જવા નીકળીએ ત્યારે, ઓફિસમાં કામકાજ કરતા હોઈએ ત્યારે કે સાંજે ઘરે પરત ફરીએ ત્યારે જે તે સમય મુજબ આપણને ઉપયોગી હોય તેવી એપ કે માહિતી ફોનના હોમસ્ક્રીન પર આપોઆપ આવે એવી ગોઠવણ આવી સ્માર્ટ લોન્ચર એપથી કરી શકાય છે. જેમ કે અમુક સ્માર્ટ લોન્ચર એપ આપણા ફોનમાંની તમામ એપ્સ સૂંઘીને બધી એપ્સને તેના પ્રકાર અનુસાર જુદા જુદા સ્માર્ટ ફોલ્ડરમાં ગોઠવી આપે છે. પછી ફોટોગેલેરી અને કેમેરા એક જ ફોલ્ડરમાં જોવા મળે. આ કામ આપણે જાતે પણ કરી શકીએ પરંતુ જો તમારા ફોનમાં સંખ્યાબંધ એપ્સ હોય તો સ્માર્ટ લોન્ચરની સ્માર્ટ ગોઠવણથી કામ ઘણું સહેલું બની જાય છે.
જો તમે સ્માર્ટ ફોનનો નવો નવો ઉપયોગ શરૂ કર્યો હશે તો લોન્ચર એપ્સથી તમને ફોનમાં બધું એકદમ બદલાઈ ગયેલું લાગશે અને ગૂંચવણ પણ ઊભી થશે. પરંતુ જો તમે જુદી જુદી લોન્ચર એપ્સ વારાફરતી ટ્રાય કરીને તમારા જરૂરિયાતને અનુકૂળ આવે એવી કોઈ લોન્ચર એપ પસંદ કરી લેશો તો ધીમે ધીમે તેની એવી આદત પડશે કે તેના વિના તમને ચાલશે નહીં. તમને ફોનનું હાલનું સેટઅપ ગમતું હોય તો પણ લોન્ચર એપ્સની અજમાયશ કરી જોવામાં કશું ખોટું નથી. કેમ કે આગળ કહ્યું તેમ તમે ઇચ્છો ત્યારે લોન્ચર એપને અનઇન્સ્ટોલ કરીને ફોનને ફરી હતો તેવો કરી જ શકો છો.
એટલું યાદ રાખશો કે મોટા ભાગની લોન્ચર એપ ફ્રી હોય છે અને અમુકના પ્રોવર્ઝન પણ હોય છે જેમાં વધારાની સગવડો મળે છે. કેટલીક એપ આપણા ફોન પર જાહેરાતોનો મારો ચલાવે છે એટલે આવી લોન્ચર એપથી દૂર રહેવું સારું. કેટલીક લોન્ચર એપથી ફોનની બેટરીનો વપરાશ વધી જાય એવું પણ બની શકે છે.
હોમસ્ક્રીન પર ફોનનાં ફંક્શન્સ સરળ બનાવતાં વિજેટ્સ
તમારા સ્માર્ટફોનમાં સંખ્યાબંધ વિજેટ્સ પહેલેથી હશે અને તમે જેમ જેમ નવી એપ ઇન્સ્ટોલ કરતા જશો તેમ તેને સંબંધિત નવી વિજેટ્સ હશે તો તે પણ ઉમેરાશે. ડિજિટલ કે એનેલોગ ક્લોક, વેધર, જીમેઇલ, મેસેજ વગેરે વિજેટ્સ ઉપરાંત બીજી કેટલીક વિજેટ પણ ટ્રાય કરવા જેવી છે. જેમ કે…
કોન્ટેક્ટ : વિજેટ્સ સેક્શનમાં જઈને તમે કોન્ટેક્ટ વિજેટ હોમસ્ક્રીન પર લાવશો એટલે સિસ્ટમ તમને કોઈ એક કોન્ટેક્ટ પસંદ કરવાનું કહેશે. આ રીતે એ કોન્ટેક્ટનો શોર્ટકટ હોમસ્ક્રીન પર ગોઠવાઈ જશે. આપણે જેમને વારંવાર કોલ કરતા હોઈએ તે બધા કોન્ટેક્ટના શોર્ટકટ હોમસ્ક્રીન પર ગોઠવી શકીએ છીએ.
સ્લાઇડર : સ્માર્ટફોનમાં તમે કદાચ અનુભવ્યું હશે કે તેમાં દરેક બાબત માટે અલગ અલગ વોલ્યુમ હોય છે. ફોનનાં વોલ્યુમ બટનથી વોલ્યુમ ઓફ કરવાથી વીડિયોનું વોલ્યુમ બંધ ન પણ થાય. સ્લાઇડર વોલ્યુમ્સ નામના એક વિજેટથી હોમસ્ક્રીન પર સિસ્ટમ, મીડિયા, રીંગટોન, એલાર્મ વગેરે દરેક માટેની વોલ્યુમ કી સેટ કરી શકાય છે. એપની જેમ વિજેટ્સ અસંખ્ય છે, ટ્રાય કરી જોઈ શકાય.
ફોનનો દેખાવ અને કામકાજ બદલતી લોન્ચર એપ્સ
ફોનમાં આપણે જુદી જુદી લોન્ચર એપ ઇન્સ્ટોલ કરીને તેની અજમાયશ કરી જોઈ શકીએ છીએ. જ્યારે ડિફોલ્ટ લોન્ચર ઉપરાંત આપણે કોઈ લોન્ચર ઇન્સ્ટોલ કરીએ અને તે પછી ફોનના હોમ બટન પર ક્લિક કરીએ ત્યારે સિસ્ટમ આપણને પૂછશે કે તમે હોમસ્ક્રીન કઈ લોન્ચર એપથી ઓપન કરવા માગો છો? આપણે અલગ લોન્ચર ટ્રાય કરી રહ્યા હોઈએ તો ફક્ત ‘જસ્ટ વન્સ’ પસંદ કરવાથી નવી લોન્ચર એપ ડિફોલ્ટ સેટ થશે નહીં.

કોઈ પણ લોન્ચર એપમાં તેના પ્રકાર અનુસાર જુદાં જુદાં ઘણાં સેટિંગ હોય છે. ગૂગલે તેની નાઉ એપને ધ્યાનમાં રાખીને ગૂગલ નાઉ લોન્ચર આપ્યું છે. ફોનમાં તેને ઇન્સ્ટોલ કરવાથી હોમસ્ક્રીનમાં ગૂગલની બધી મહત્ત્વની એપ ગોઠવાઈ જાય છે અને ડાબી તરફ જતાં ગૂગલ નાઉ ઓપન થાય છે. જમણી તરફ જુદા જુદા નવા હોમસ્ક્રીન અને તેમાં વિજેટ્સ, એપ્સના શોર્ટકટ્સ વગેરે ઉમેરી શકાય છે.
એ સિવાય તમે થીમર, નોવા, એપેક્સ, ડૂડોલ, બઝ લોન્ચર, ગો લોન્ચર ઇએક્સ, એવરીથિંગમી વગેરે લોકપ્રિય લોન્ચર પણ ટ્રાય કરી શકો છો. આ દરેક લોન્ચરની અલગ અલગ ખાસિયત
છે. કેટલીક એપની મદદથી તમે સિમ્પલથી લઈને એકદમ કોમ્પ્લિકેટેડ ડિઝાઇન પણ તૈયાર કરી શકો છો, જોકે એ માટે ઘણી ધીરજ, આઇકોન પેક્સ, વિજેટ્સ વગેરે જોઈશે.
ફોનમાં તમે બહુ મોટા ફેરફાર કરવા ન માગતા હો અને વિજેટ્સનો પણ ખાસ ઉપયોગ કરવા ન માગતા હો તો એવરીથિંગમી લોન્ચર કામ લાગશે. એની મદદથી તમે તમારી તમામ એપ્સને તેમના પ્રકાર અનુસાર જુદા જુદા સ્માર્ટ ફોલ્ડરમાં ગોઠવી શકો છો.
જો તમે જુદાં જુદાં લોન્ચર ટ્રાય કરતી વખતે ભૂલથી કોઈને ડિફોલ્ટ બનાવી દો, તો ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં એ લોન્ચરનાં ડિફોલ્ટ સેટિંગ્સ દૂર કરવાથી ફરી ફોનના મૂળ લોન્ચરને પરત લાવી શકાય છે.
[message_box type=”info” close=”no”]
તમને ફોનનું હાલનું સેટઅપ ગમતું હોય તો પણ તેના થોડા કસ્ટમાઇઝેશનની અજમાયશ કરી શકાય. આ કામ આપણે કેટલીક એપ્સની મદદથી કરી શકીએ છીએ, જે ધારીએ ત્યારે અનઇન્સ્ટોલ કરીને ફોનને ફરી હતો તેવો કરી જ શકાય.
[/message_box]


