(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મિસ્ડકોલમાંથી કરી મોટી કમાણી!

ઝિપડાયલ કંપનીએ સાવ સાદા વિચારમાંથી એટલો મોટો બિઝનેસ ઊભો કર્યો કે તેની ક્લાયન્ટ કંપનીએ તેને ખરીદી લીધી. શું છે આ ઝિપડાયલ અને ટવીટરે શા માટે તેને ખરીદી?

ભારતમાં ‘મિસ્ડ કોલ’ શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મિસ્ડકોલની ગુજરાતીમાં વ્યાખ્યા કરવી હોય તો એવી થાય કે “મોબાઇલ પર મફતમાં વાતચીત કરવાની તરકીબ.  આમ તો વાચકોને મિસ્ડકોલની થિયરી સમજાવવાની જરુર ન હોય, કારણ તે પ્રેક્ટિકલ તો કરી જ ચુક્યા હશે. મફતમાં થતી આ કમ્યુનિકેશન પ્રક્રિયા આપણા દૈનિક જીવનમાં વારંવાર થતી જ હોય છે.

મિસ્ડકોલ બધા કરે છે, પણ તેમાંથી ધંધો શોધવાનું બધા મિસ કરી ગયા, પણ વાલેરી વેગનર નામના એક ઉદ્યોગસાહસિકને મિસ્ડકોલમાંથી વેપાર સૂઝ્યો અને તેમનો વેપાર એટલો ચાલ્યો કે ગયા મહિને, તેમની જ એક સમયની ક્લાયન્ટ કંપની ટવીટરે તેને લગભગ બે અબજ રૂપિયામાં ખરીદી લીધી!

વાલેરી જ્યારે ન્યૂયોર્કથી બેંગલોર જતા હતા ત્યારે તેમને આ વિચાર સ્ફુર્યો. તેમણે એક મિત્ર સંજય સ્વામીને વિચાર જણાવ્યો. મોડી રાત્રે મનોમંથન ચાલુ થયું અને તેમાંથી જન્મ થયો ઝીપડાયલ કંપનીનો.

કંપનીઓને હંમેશા ચિંતા હોય છે કે તે મોબાઇલ માર્કેટિંગ માટે જે નાણાં ખર્ચ કરે છે તેનું ખરેખર વળતર મળે છે ખરું? એટલે કે તે મેસેજ ગ્રાહકના મોબાઇલ સુધી પહોંચે છે તેનો ખ્યાલ જલદી આવતો નથી. આ ખાતરી ઝીપડાયલના બિઝનેસ મોડલે આપી.

ઝીપડાયલના બિઝનેસ મોડલ મુજબ ગ્રાહકને ચોક્કસ સેવા માટે જુદી જુદી કંપનીઓને કોલ કરવાના બદલે મિસ્ડકોલની સુવિધા આપવામાં આવી, જે કોઈ પણ ગ્રાહકને ગમે જ! (મફતમાં હોય એટલે). હવે ગ્રાહક મિસ્ડકોલ કરે એટલે જે તે કંપની ગ્રાહકના મોબાઇલ પર વળતો કોલ કરે અથવા ટેક્સ્ટ મેસેજ કરે. આમ, ગ્રાહકને સાવ મફતમાં માહિતી મળી જાય, પણ સામા છેડે કંપનીને તેની સેવા-ચીજવસ્તુ ખરીદવા માટે તત્પર એક ગ્રાહક પણ મળે છે. આમ, બંને માટે વિન-વિન સિચ્યુએશન ઊભી થાય છે.

કંપનીએ સૌ પ્રથમ પ્રયોગ કર્યો ઇન્ડિયન પ્રિમિયર લીગમાં. દર્શક મિસ્ડકોલ કરે અને તેના મોબાઇલ પર મેચનો સ્કોર મળી જાય એવી સુવિધા કંપનીએ વિકસાવી. આઇપીએલ દરમિયાન ચાલીસ લાખ દર્શકોએ મિસ્ડકોલથી મેચના સ્કોર જાણ્યા અને કંપની માટે વિશાળ ભારતીય બજારનો માર્ગ મોકળો થયો.

ઝીપડાયલ ટીમના સ્થાપક સભ્ય અમિયા પાઠકના મતે  ગ્રાહકોની લોયલ્ટી (વફાદારી) અને અવેલેબીલિટી (ઉપલબ્ધતા) એ કંપનીઓની માર્કેટિંગ  સ્ટ્રેટેજી માટે મહત્ત્વની બાબત હોય છે. મિસ્ડકોલના વિચારે આ બંને બાબતની ખાતરી કરી દીધી.

ઝીપડાયલને આ સાવ સાદા વિચારે પોણા બે અબજ રૂપિયાની કંપની બનાવી દીધી. વિશ્વની મહાકાય કંપનીઓ મોબાઇલ માર્કેટિંગ ઝીપડાયલનો સહારો લેતી હતી. ટ્વીટર માટે કંપનીએ ઝીપડાયલ ટ્વીટર ફાસ્ટ ફોલો નામની નવી સેવા શરૂ કરી હતી. જેમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, શ્રી શ્રી રવિશંકર જેવી હસ્તીઓના સંદેશાઓ સાંપડ્યા. આ સેવાના પગલે ભારતમાં ટ્વીટરની પહોંચ (રીચ)માં ૧૦ ગણો વધારો થયો.  જોકે મોબાઇલ માર્કેટિંગની આ સ્ટ્રેટેજી સંપૂર્ણ તો નથી જ. ભારત જેવા વિશાળ બજારમાં ચોક્કસ ટાર્ગેટ ઓડિયન્સ માટે મેસેજ મોકલવાનું શક્ય નથી. બીજું કે જનરલ મેસેજના કારણે ગ્રાહકને પર્સનલાઇઝ મેસેજની ફીલ નથી આવતી તે પણ હકીકત છે.

હવે તમને ખ્યાલ આવ્યો કે  મિસ્ડકોલ કેટલું મોટું કામ કરી શકે? કંપની તો ઠીક આપણા રાજકીય પક્ષોએ પણ આ વિચાર થકી મતદાતા સુધી પહોંચવાનો રસ્તો શોધ્યો. ભાજપે સભ્ય નોંધણી માટે મિસ્ડકોલ અભિયાન શરૂ કર્યું. પરિણામે, પક્ષમાં ત્રણ કરોડ નવા સભ્યો જોડાયા હોવાનો દાવો પક્ષ કરે છે. આ વિચારમાં સૌથી રસપ્રદ વાત એ છે કે કંપનીને માર્કેટિંગ માટે બીજો કોઈ ખર્ચ કરવો પડતો નથી, તેથી જ વિશ્ર્વની મોટી બ્રાન્ડ ઝીપડાયલની ક્લાયન્ટ હતી. હવે ટવીટર આ કંપનીનો કેવી રીતે ઉપયોગ કરે છે એ જોવું રસપ્રદ રહેશે.  ટૂંકમાં આપણે મિસ્ડકોલ મારીને મફત સેવા મેળવવાનો માર્ગ ઝીપડાયલે મોકળો કર્યો. તો હવે મિસ્ડકોલ કરો ત્યારે આ કંપનીને યાદ કરજો, જેથી તમને પણ નવો કોઈ બિઝનેસ આઇડિયા સૂઝે.


 

કેવું છે ઝીપડાયલનું બિઝનેસ મોડેલ?

 

ઝીપડાયલ એટલે મોબાઇલ માર્કેટિંગનું પ્લેટફોર્મ. મોડલને સાવ સરળ રીતે સમજીએ. જે કંપનીએ પોતાની બ્રાન્ડની મોટા પાયે જાહેરાત કરવી હોય તે ઝીપડાયલનો સંપર્ક કરે. ઝીપડાયલ તે કંપનીને એક ટોલ-ફ્રી નંબર આપે. કંપની તે નંબર તેના જાહેરાતના કેમ્પેઇનમાં દશર્વિે. આ ટોલ-ફ્રી નંબર પર કોલ કરો એટલે એક રીંગ વાગીને ફોન કટ થઈ જાય. ત્યાર બાદ, ગ્રાહકના મોબાઇલ નંબર પર જે તે પ્રોડ્કટ-સર્વિસની માહિતીનો મેસેજ મળી જાય!

સંભવિત ગ્રાહકને કોઈ ખર્ચ વિના પ્રોડક્ટની માહિતી મળે અને કંપનીને એક સંભવિત ગ્રાહક મળે.

સવાલ એ થાય કે આવું તો બધી કંપની કરી શકે. એમાં ઝીપડાયલની શી જરુર પડે?

જવાબ છે ઝીપડાયલ પાસે રહેલો ડેટાબેઝ. આ કંપની ૨૦૧૦માં શરૂ થઈ. કંપનીએ જે જે મુદ્દે દેશમાં જોરદાર ચર્ચા જગાવી હોય તેનો એનો સ્માર્ટ ઉપયોગ કર્યો. જેમ કે ૨૦૧૧ વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચ અને અન્ના હઝારેના આંદોલન વખતે ટીવી ચેનલ પર ‘મિસ્ડકોલ મારો’ અભિયાન ચલાવ્યું. વર્લ્ડકપની મેચમાં ૪૦ લાખ મિસ્ડકોલ આવ્યા, જ્યારે અન્ના હઝારેના આંદોલન વખતે ૪૫ લાખથી વધુ મિસ્ડકોલ. આ ડેટા બેંક કંપનીની અસ્કયામત બની ગઈ.

ટૂંકમાં ઝીપડાયલ કંપની મોટી બ્રાન્ડ પાસેથી રૂપિયા લે અને તેમને બદલામાં કરોડો ગ્રાહકો સુધી પહોંચવાની તક આપે છે. કંપનીનો દાવો છે કે તેમના નંબર પર  સમગ્ર વિશ્વમાંથી કોલ થઈ શકે છે, જ્યારે ભારતમાં ચાલતી ૧૮૦૦ નંબરનો ટોલ-ફ્રી નંબર ભારત પૂરતો જ ખપમાં આવે છે.

ઝીપડાયલની સફળતાનું બીજુ મોટું કારણ એ પણ છે કે તેના પર ડાયલ કરવા માટે સાદા મોબાઇલની જ જરૂર પડે છે. આમ તો  મોબાઇલ પ્લેટફોર્મ પર બીજી અનેક રીતે ગ્રાહકો સુધી કંપનીઓ પહોંચે છે, પણ આ પદ્ધતિના કેટલાક લાભ છે.

આ સેવાથી ગ્રાહકને મોબાઇલ પર કસ્ટમર-કેર પર લાંબી લચક વાતો સાંભળવાના બદલે જે તે કંપનીની સ્કીમની માહિતી ટૂંકાણમાં મળી જાય અને તેની સાથે ફુરસદે વાંચવાની સગવડ તો ખરી જ!

(રજૂઆત : લાલજી ચાવડા) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!