તમને મોબાઇલ ટાવરનાં સિગ્નલ બરાબર મળતાં ન હોય, પણ વાઇ-ફાઇની સુવિધા હોય તો હવે તમે વાઇ-ફાઈ પરથી પણ ફોન-કોલિંગનો લાભ લઈ શકો છો.
આખરે ભારતમાં પણ વાઈ-ફાઈ કોલિંગની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં માત્ર ટોચની બે કંપની એરટેલ અને જિઓ પોતાના સબસ્ક્રાઇબર્સને આ સુવિધા આપી રહી છે, પણ થોડા સમયમાં અન્ય કંપની પણ આ માર્ગે આગળ વધશે એ નક્કી છે.
આપણા મોબાઇલમાં ટેલિફોન કનેક્ટિવિટીની ટેકનોલોજી સતત વિકસી રહી છે, પણ યૂઝર તરીકે આપણે તો વારંવાર કોલડ્રોપ થવાની કે કોલ લાગવામાં બહુ વાર લાગે કે પછી કોલ થઈ જ ન શકે એવી તકલીફોનો સામનો કરીએ છીએ.
વાઇ-ફાઇ કોલિંગ આ તકલીફનો ઉપાય છે.
આમ જુઓ તો વાઇ-ફાઇ કોલિંગ કોઈ નવી વાત નથી. આપણે વોટ્સએપ, ગૂગલ ડ્યુઓ કે એપલની ફેસટાઇમ કે સ્કાઇપ જેવી સર્વિસની મદદથી ઇન્ટરનેટ પર અન્ય લોકો સાથે વોઇસ અને વીડિયો કોલિંગનો લાભ લઈ શકીએ છીએ એ પણ મોબાઇલ કંપનીને અલગ કોઈ ચાર્જ ચુકવ્યા વિના! વાઇ-ફાઇ કોલિંગ કંઈક એ જ પ્રકારની સુવિધા છે.
મોબાઇલ કનેક્ટિવિટીની પાયાથીવાત કરીએ તો આપણી મોબાઇલ કંપની પોતાના ટાવર દ્વારા વોઇસ કોલિંગના સિગ્નલ્સ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટેના ડેટા સિગ્નલ્સ આપે છે. તે ઉપરાંત, આપણે પોતાના મોબાઇલને વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરીને પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકીએ છીએ.
અત્યાર સુધીની પરંપરાગત રીતે, મોબાઇલમાંથી ફોન કોલિંગ માટે ફક્ત મોબાઇલ કંપનીના ટાવર્સથી મળતા સિગ્નલ્સનો ઉપયોગ થતો હતો. હવે જ્યારે આ સિગ્નલ્સ ન મળે કે પૂરતાં શક્તિશાળી ન હોય ત્યારે કોઈ પણ વાઇ-ફાઇ નેટવર્કની મદદથી પણ આપણે વોઇસ કોલિંગ કરી શકીશું.
વોટ્સએપ કે ફેસટાઇમ કે ડ્યૂઓ જેવી સર્વિસમાં જ્યારે આપણે બીજી વ્યક્તિ સાથે વોઇસ કોલિંગ કે વીડિયો કોલિંગ કરીએ ત્યારે ખરેખર તેના મોબાઇલ નંબર નહીં પરંતુ જે તે સર્વિસના એકાઉન્ટ સાથે કનેક્ટ થતા હોઇએ છીએ.
જ્યારે વાઇ-ફાઇ કોલિંગનો ફાયદો એ છે કે તેમાં આપણે સામેની વ્યક્તિના મોબાઇલ નંબરનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે આપણા ફોનમાં કોઈ પણ વધારાની એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી. ફક્ત આપણી કંપની વાઇ-ફાઇ કોલિંગની સુવિધા આપતી હોવી જોઇએ અને આપણો મોબાઇલ હેન્ડસેટ વાઇ-ફાઇ કોલિંગ માટે કોમ્પેટિબલ હોવો જોઇએ.
અત્યારે જો તમારી પાસે એરટેલ કે જિઓ કંપનીનું સિમકાર્ડ હોય તો તમે આ બંને કંપનીની વેબસાઇટ પર જઇને તમારો હેન્ડસેટ વાઇ-ફાઇ કોલિંગ માટે તૈયાર છે કે નહીં તે તપાસી શકો છો. જો હોય તો ફોનના સેટિંગ્સમાં નેટવર્કમાં વાઇ-ફાઇ કોલિંગ ઇનેબલ કરવાનું રહેશે (જુઓ નીચેના સ્ક્રીનશોટ્સ).
ઘણી વાર આપણે બેઝમેન્ટમાં કોઈ ઓફિસમાં હોઈ કે હાઇ-રાઇઝ બિલ્ડિંગના બહુ ઉપલા માળે આપણું ઘર હોય તો મોબાઇલ કંપનીના ટાવરનાં સિગ્નલ મળવામાં તકલીફ પડે, પણ આવી જગ્યાએ વાઇ-ફાઇની સુવિધા હોઈ શકે છે.
આવી જગ્યાએ, તમારું કનેકશન આપોઆપ વાઇ-ફાઇ પર સ્વિચ થશે અને તમે કોઈ અંતરાય વિના વાતચીત આગળ ધપાવી શકશો. જો વાઇ-ફાઇ સિગ્નલની સ્ટ્રેન્થ સારી હોય તો આ રીતે મોબાઇલ નેટવર્ક કરતાં વધુ સારી સ્પષ્ટતા સાથે આપણે વાતચીતનો લાભ લઈ શકીશું.
મોબાઇલ કંપની માટે આ સારી સ્થિતિ છે કેમ કે તેને કારણે તેના ટાવર નેટવર્ક પરનો ભાર ઓછો થાય છે!
હાલમાં આ ફ્રી સુવિધા માત્ર ભારતીય નંબર્સ માટે છે, એટલે જો આપણે વાઇ-ફાઇ કોલિંગ પર ઇન્ટરનેશનલ નંબર પર વાતચીત કરીશું તો આપણને ઇન્ટરનેશનલ કોલિંગ માટેનો મોબાઇલ કંપનીનો ચાર્જ લાગશે એ યાદ રાખશો!

