આમ તો, આપણે કોઈ દુકાને જઈને ખરીદી કરીએ પછી ગજવામાંથી રોકડા રૂપિયા કાઢીને કે પછી બેન્ક કાર્ડ કે સ્માર્ટફોનથી રૂપિયાની ચુકવણી કરીએ. એવું બને ખરું કે આપણને દુકાનદાર સામેથી રૂપિયા આપે?!
હવે એવું પણ બનવા લાગ્યું છે! બેન્ક્સ અત્યાર સુધી એટીએમની મદદથી, બેન્કની બ્રાન્ચ પર લોકોનો ધસારો ટાળવાની કોશિશ કરતી હતી, હવે એટીએમ ઉપરાંત, વિવિધ મર્ચન્ટ આઉટલેટ્સમાંથી પણ આપણને રૂપિયા મળે એવી વ્યવસ્થા કરવા લાગી છે.
અત્યારે વિવિધ બેન્ક અને ફોનપે એપ આવી સર્વિસ આપે છે.
બેન્કની સર્વિસ
આ સર્વિસ મુજબ, આપણા ખિસ્સામાં પોતાની બેન્કનું ડેબિટ કાર્ડ હોવું જોઈએ, બસ. પછી તમે એ બેન્ક દ્વારા અધિકૃત શોપિંગ આઉટલેટમાં જઈ – તમે કંઈ ખરીદો કે પછી કંઈ પણ ન ખરીદો – કાઉન્ટર પરના સ્વાઇપ મશીનમાં તમારું કાર્ડ સ્વાઇપ કરી, તમે રૂપિયા ઉપાડ્યા હોવાની સ્લિપ પર સહી કરીને રોકડા રૂપિયા મેળવી શકો છો.
હાલમાં કેટલીક બેન્ક પોતાના ડેબિટ કાર્ડ ધારકોને આ સર્વિસ આપી રહી છે. અલબત્ત, તે માત્ર અમુક શહેરોમાં, અમુક આઉટલેટ્સ પર જ ઉપલબ્ધ છે. આ રીતે દૈનિક કાર્ડદીઠ રૂ. ૧૦૦૦ની મર્યાદામાં રૂપિયા મેળવી શકાય છે, એ માટે વધારાનો કોઈ ચાર્જ ચુકવવાનો રહેતો નથી.
ફોનપેની સર્વિસ
બેન્કની જેમ, ફોનપે એપ દ્વારા પણ આ જ પ્રકારની સર્વિસ શરૂ થઈ છે. કોઈ પણ દુકાનદાર ફોનપેની બિઝનેસ એપ (જે લાંબો સમય રાહ જોવડાવ્યા પછી આખરે લોન્ચ થવાની તૈયારીમાં છે)નો ઉપયોગ કરીને, ફોનપે પર એટીએમ જેવી સર્વિસ આપવાની તૈયારી બતાવી શકે છે.
ફોનપે કંપનીના દાવા મુજબ, અત્યારે ફક્ત દિલ્હી/એનસીઆરમાં ૭૫,૦૦૦ જેટલા વેપારીઓએ આ સર્વિસ આપવા માટે સાઇન-અપ કર્યું છે. અત્યારે આ સર્વિસ આ વિસ્તાર પૂરતી જ સીમિત છે. લોકો આવી દુકાનો પર જઈ, ફોનપે યુપીઆઇની મદદથી પોતાના બેન્કમાંથી દુકાનદારને રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે અને બદલામાં રોકડા મેળવી શકે છે. ફોનપેમાં પણ, બેન્કની જેમ આ ફ્રી સર્વિસ રહેશે.
અલબત્ત, ભારતમાં આ બહુ નવી વાત નથી. ઘણી શોપિંગ સાઇટ્સ પર આપણે કેશ-ઓન-ડિલિવરીનો વિકલ્પ પસંદ કરીને કોઈ ચીજવસ્તુ મંગાવી હોય, તો ડિલિવરી પર્સન ડિલવરી વખતે રોકડાને બદલે કાર્ડ કે યુપીઆઇ એપથી પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. એ રોકડાને ડિજિટલ મનીમાં ફેરવવાની વાત છે અને હવે ઉલટો ટ્રેન્ડ પણ શરૂ થયો છે.
કારણ સાવ સ્પષ્ટ છે – ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના આંકડા અનુસાર, દર એક લાખ લોકોએ એટીએમની સંખ્યાની દૃષ્ટિએ બ્રિક્સ દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનમાં ભારતનો ક્રમ સૌથી છેલ્લે છે!

