‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૯ અંકમાં આપણે ‘ડીપફેક વીડિયો’ વિશે વાત કરી હતી. સ્ટીલ ફોટોગ્રાફમાં કોઈના શરીર પર બીજી કોઈ વ્યક્તિનું માથું મૂકી દેવામાં આવે એ હવે બહુ જૂની વાત થઈ ગઈ છે. હવે તો એવા વીડિયો બની શકે કે જેમાં કોઈ વ્યક્તિ વાસ્તવમાં જે બોલી હોય તેને બદલે બિલકુલ જૂદું જ કંઈક બોલતી હોય એવું દર્શાવી શકાય છે.
હાલની સ્થિતિ મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે બખાળા કાઢતા હોય એવા વીડિયો પર, એવી સ્પીચ સેટ કરી શકાય છે જેથી જોતાં એમ જ લાગે કે ટ્રમ્પનો ઇરાન પ્રત્યે પ્રેમ ઊભરાઈ રહ્યો છે!
યુએસમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેસબુકે આ પ્રકારના ‘ડીપફેક’ વીડિયો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેની સાથોસાથ ‘ફક્ત પેરોડી કે સેટાયર’ એટલે કે ગમ્મત ખાતર કે કટાક્ષમાં તૈયાર કરવામાં આવેલ, પણ મોટા પ્રમાણમાં એડિટ કરાયેલ ક્લિપ્સને ફેસબુક ચલાવી લેશે!
ફેસબુકના સત્તાવાર સ્ટેટમેન્ટમાં જણાવ્યા અનુસાર જો કોઈ વીડિયો ક્લિપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગની મદદથી બીજા કોઈ વીડિયો કે ઓડિયોની ભેળસેળ કરીને વાસ્તવિક લાગે એવી નવી ક્લિપ બનાવવામાં આવી હશે તો ફેસબુક તેને દૂર કરશે.

