મલ્ટિમીડિયા ‘વિકિપીડિયા’
વિકિપીડિયા આપણને કોઈ એક વિષય પર અત્યંત વિગતવાર માહિતી આપી શકે છે, પણ કદાચ એ જ કારણસર આપણે વિકિપીડિયાથી દૂર ભાગીએ એવું બની શકે છે. આપણે ઓછા સમયમાં, જરુર પૂરતું જાણી લેવું હોય તો?
જવાબ આપવાનો પ્રયાસ કરે છે ક્વિકી (http://www.qwiki.com). ક્વિકીની તેના નામ પ્રમાણે બે ખાસિયત છે, એક તો તે ક્વિક છે અને બીજું તે વિકી છે. એક અર્થમાં, ઇન્ટરનેટ પર વિકી એટલે સહિયારું સર્જન. ક્વિકી સાઇટ સહિયારા સર્જનની ભાવના અને શક્તિને આગળ ધપાવે છે. આ સાઇટ પર તમે કોઈ પણ વિષય સર્ચ કરો તો ક્વિકી તમે સર્ચ કરેલા વિષય વિશે વેબમાંથી ફટાફટ માહિતી એકઠી કરે છે, ફટાફટ એનું એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરે છે અને ફટાફટ તમને બતાવવાનું શરુ કરે છે. એટલું જ નહીં, ફટાફટ એ પ્રેઝન્ટેશનની સ્ક્રિપ્ટ લખી નાખે છે અને ફટાફટ ફીમેલ વોઇસમાં સ્ક્રીપ્ટ તમને સંભળાવવાનું પણ શરુ કરી દે છે! ટેકક્રન્ચ નામની એક જાણીતી વેબકંપનીનો એવોર્ડ ક્વિકીએ જીત્યો છે અને ૨૦૧૧માં, યુએસ માટેની ગૂગલની ‘હોટ સર્ચ’ની યાદીમાં ક્વિકીનું નામ ટોચ પર હતું!
