(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જેમણે ગુજરાતીને અમર બનાવી!

ગુજરાતી ભાષા જીવશેે કે નહીં એવી ચિંતા કરનારાઓને બાજુએ મૂકીને રતિકાતાએ બીજી કોઈ ભારતીય ભાષામાં જોવા ન મળે એવી સમૃદ્ધિ સાથે ગુજરાતી ભાષાને ડિજિટલ યુગ સાથે તાલ મિલાવતી કરી.


ગયા અઠવાડિયે, શ્રી રતિલાલ ચંદરયાનો દેહવિલય થયો. જૈન શ્રેષ્ઠી તરીકે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ સંકળાયેલા હતા, પરંતુ આપણે અહીં માત્ર ઇન્ટરનેટ અને ગુજરાતી ભાષાના સંદર્ભે એમનું પ્રદાન ફરી યાદ કરી લઈએ.

જ્યારે ગુજરાતીમાં કમ્પ્યુટિંગ માટે યુનિકોડ શબ્દ તો હજી જન્મ્યો જ નહોતો અને ગુજરાતી ઇલેક્ટ્રોનિક ટાઇપરાઇટરનું પણ અસ્તિત્ત્વ નહોતું, છેક ત્યારે એક વ્યક્તિએ આવનારી પેઢી માટે જમાનાને અનુરૂપ એવી કોઈક રીતે, અત્યંત સમૃદ્ધ ગુજરાતી ભાષાના અગણિત શબ્દોને સુલભ કરી આપવાનું સ્વપ્ન જોયું. જે એણે વીસ વર્ષની મહેનત પછી પાર પાડ્યું.

લંડનમાં વસેલા અને ‘રતિકાકા’ નામે વધુ જાણીતા થયેલા આ ગુજરાતી ઉદ્યોગપતિએ પહેલાં ગુજરાતી ટાઇપરાઇટરને ઇલેક્ટ્રોનિક સ્વ‚રુપ આપવાની મથામણ કરી. એમાં નિષ્ફળતા મળી. કમ્પ્યુટરનો જમાનો ધીમે ધીમે ઊગી રહ્યો હતો ત્યારે એપલ અને આઇબીએમ જેવી કંપનીઓ અને વિશ્ર્વભરની કેટલીય યુનિવર્સિટીના ભારતીય ભાષામાં રસ લેતા ભાષાવિદોનો તેમણે સંપર્ક સાધી જોયો, પણ પરિણામ શૂન્ય. પછી એક ફ્રેન્ચ નિષ્ણાતે અરેબિક ભાષામાં કરેલો યોગ ગુજરાતી માટે અપનાવી જોયો અને કંઈક સફળતા મળી.

આજે રતિકાકાના પ્રયાસો ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ગોમંડળની વેબસાઇટ અને મોબાઇલ એપ્સ સ્વરુપે ઊગી નીકળ્યા છે. ગુજરાતીમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી ઇંગ્લિશ, ઇંગ્લિશમાંથી ગુજરાતી અને હિન્દીથી ગુજરાતી એમ ચાર ડિક્શનરી ઉપરાંત સાર્થ જોડણી કોશ, બૃહદ ગુજરાતી કોશ, વિનિત જોડણીકોશ, ગુજરાતી શબ્દાર્થકોશ (એટલે કે થિસોરસ, જે પ્રિન્ટમાં આપ્રાપ્ય છે), કહેવતકોષ, રૂઢિપ્રયોગ અને કહેવતસંગ્રહ, કહેવત મંજૂષા અને આખેઆખો ભગવદ્ગોમંડળ વગેરે બધું જ યુનિકોડમાં હવે ઉપલબ્ધ છે. ભારતની બીજી કોઈ ભાષા આટલી સમૃદ્ધિ સાથે ડિજિટલ સ્વરુપમાં ઉપલબ્ધ નથી.

આ સમૃદ્ધિ એટલે કેવી એ પણ જાણી લો. સામાન્ય રીતે આપણે રોજબરોજની વાતચીતમાં દોઢથી બે હજાર જેટલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ, ત્યારે ૧૯૪૦માં પહેલી વાર પ્રકાશિત થયેલા ભગવદ્ગોમંડળ ગ્રંથમાં ૨.૮૨ લાખ શબ્દોની કુલ ૮.૨૨ લાખ શબ્દોમાં અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે! ગોંડલ રાજ્યના એ સમયના મહારાજા ભગવદ્સિંહજીની પ્રેરણાથી, વર્ષોની મહેનતથી કુલ નવ ભાગમાં આ દળદાર ગ્રંથ તૈયાર થયો, પણ પહેલી આવૃત્તિની માત્ર ૫૦૦ પ્રત છપાઈ હતી, જે ૧૯૫૮ સુધીમાં તો આપ્રાપ્ય બની ગઈ. એ પછી લગભગ કોઈ પ્રકાશક એની પુન:આવૃત્તિની હામ ભીડવા તૈયાર નહોતા ત્યારે, રાજકોટના પ્રવીણ પ્રકાશને ૧૯૮૭માં અને પછી ૨૦૦૮માં આ દુર્લભ ગ્રંથ ફરી લોકોના હાથમાં મૂક્યો. (પછી સાડા સાત હજાર જેટલા રુપિયાની પ્રિન્ટ આવૃત્તિની ડિજિટલ આવૃત્તિ પ્રવીણ પ્રકાશને ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ કરી – નિ:શુલ્ક!)

ગુજરાતી લેક્સિકોન પર આ સમૃદ્ધિ સંપૂર્ણપણે યુનિકોડમાં ઉપલબ્ધ બની એટલે કે એમાંનું બધું જ સર્ચેબલ બન્યું. ‘નર્મદા’ લખીને સર્ચ કરો એટલે ગ્રંથનાં સંખ્યાબંધ પાનાંઓ સુધી વિસ્તરેલી નર્મદા સંબંધિત માહિતીનો ખજાનો ખૂલે, જેમાં નર્મદાના તીરે આવેલાં સેંકડો તીર્થ અને નર્મદાનાં હજાર નામ પણ જાણવા મળે!

આ જ્ઞાનકોશમાં સાહિત્ય, વિજ્ઞાન, સમાજ, વ્યક્તિ, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, વ્યાપાર, આયુર્વેદ, શિલ્પશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નૃત્ય, સંગીત, રસોઈ, પશુ-પક્ષી, રોગ, યોગ વગેરે તમામ વિષયો આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાના કુલ ૨૮,૧૫૬ રુઢિપ્રયોગોને ૧૦,૦૦૦ જેટલી કહેવતોનું અપાર વૈવિધ્ય પણ આ કોશમાં આપણી સમક્ષ છતું થાય છે!

ગોંડલના મહારાજાને ગ્રંથ તૈયાર કરતાં ૨૬ વર્ષ લાગ્યાં હતાં. રતિકાકાને ગુજરાતી લેક્સિકોનની પહેલી આવૃત્તિ તૈયાર કરવામાં ૨૦ વર્ષ લાગ્યાં હતાં અને એ અનુભવ પછી, ભગવદ્ગોમંડલનું કામ ૧૧ મહિનામાં પૂર્ણ કરી શકાયું! તેમના પ્રયાસોએ હવે ગુજરાતી ભાષાને ડિજિટલ દુનિયામાં વિશ્વની મુખ ભાષાઓની હરોળમાં મૂકી દીધી છે.

ડિજિટલ સ્વરૂપમાં ગુજરાતી ભાષાસમૃદ્ધિ જોયા પછી હિન્દી બ્લોગ્સમાં લોકોએ એમની ભાષામાં આવી સુવિધા નથી એવો અફસોસ વ્યક્ત કર્યો છે. ગુજરાતીનાં એટલાં સદ્ભાગ્ય કે ભાષા પ્રત્યેની આવી ઊંડી લગન ધરાવતા સજ્જન તો એને મળ્યા જ, પણ આજની ટેક્નોલોજી સાથે એનો મેળ બેસાડી આપવાનું અતિ કડાકૂટભર્યું કામ કરનારી ટેક્નોટીમ પણ મળી! હવે સમગ્ર ગ્રંથ યુનિકોડમાં તૈયાર થયો હોવાથી એક સરખા પ્રાસવાળા શબ્દો શોધવા કે પ્રારંભ અને અંતના અક્ષરો સમાન હોય એવા અક્ષરો શોધવા જેવાં કામ પણ આંખના પલકારે શક્ય બનશે.


તમારાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોય અને વેબસ્ટર ડિક્શનરી કે ઓક્સફર્ડના એન્સાયક્લોપીડિયાને જ પૂજતાં હોય તો એક વાર તેમને આ ગુજરાતી ગૌરવનાં દર્શન પણ કરાવજો! આપણી સામાન્ય વાતચીતમાં પણ ઇંગ્લિશ શબ્દોનું માણ વધતું જાય છે ત્યારે ભાષા મરી રહી છે એવી મરણપોક મૂકીને બેસી રહેવાથી કંઈ ન વળે. ભાષાને જીવતી રાખવી હોય તો જે રીત લોકોના જીવનનો અંતરંગ ભાગ બનવા લાગી હોય એ જ રીતમાં ભાષાની બારીક ખૂબીઓ લોકો નજીક મુકાય, તો એની અસર થયા વિના રહે નહીં. રતિકાકાએ વર્ષો પહેલાં આ મુદ્દો પારખ્યો અને એને સાંગોપાંગ અમલમાં પણ મૂકી જાણ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!