(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ક્રોમબુક : કમ્પ્યુટિંગનું ભાવિ, પણ સમયથી આગળ

ગૂગલની ‘કંઈક અલગ પ્રકારના કમ્પ્યુટર’ જેવી ક્રોમબુક આખરે ભારતમાં આવી ગઈ છે. ગૂગલનો સખ્ખત ઉપયોગ કરતા લોકો માટે તે ખૂબ ઉપયોગી છે, પણ સરેરાશ ભારતીય યુઝર માટે એ વિન્ડોઝ આધારિત લેપટોપનો વિકલ્પ બની શકે તેમ નથી.

આગળ શું વાંચશો?

  • ક્રોમ ઓએસ
  • ક્રોમબુક આપણે કેટલી કામની?


તો આખરે ગૂગલ ક્રોમબુકની ભારતમાં પધરામણી થઈ ગઈ છે! ૧૭ ઓક્ટોબરથી ભારતના ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના સ્ટોર્સમાં કે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી ક્રોમબુકની ખરીદી શક્ય બની ગઈ છે.

અત્યારે એચપી અને એસર એ બે કંપનીની ક્રોમબુક ઉપલબ્ધ છે. એસર સી૭૨૦ રૂા. ૨૨,૯૯૯માં અને એચપી ક્રોમબુક ૧૪ રૂા. ૨૬,૯૯૦માં મળે છે. ફાસ્ટ, લાઇટ અને પોર્ટેબલ એવી આ ક્રોમબુક પહેલી નજરે જ ગમી જાય એવી સ્લિક છે. પ્રાઇસટેગ પણ એવી છે કે લેપટોપ લેવાનો વિચાર કરતા કોઈને પણ લલચાવે. એચપી કે એસર જેવી કંપની ઉપરાંત ગૂગલનો લોગો પણ તેના પર હોય એટલે વિશ્વસનિયતાની પણ ચિંતા કરવાની રહેતી નથી.

પણ વેઇટ! બીજાં બધાં લેપટોપ જેવું જ લેપટોપ હશે અને પ્રીમિયમ લેપટોપ કરતાં ઘણી ઓછી કિંમત જોઈને ખરીદીનો નિર્ણય કરતાં પહેલાં જરા વિચારજો.

ગૂગલ ક્રોમબુકનાં ફીચર્સ બધી રીતે સારાં છે, પણ તમારે માટે એ ઉપયોગી છે?

જવાબ હા અને ના બંને હોઈ શકે છે. તમે તમારા પીસી અને સ્માર્ટફોનમાં ગૂગલનો કેટલો ઉપયોગ કરો છો અને એના પર ઘણો બધો આધાર છે.

પહેલી વાત તો એ આ બીજાં બધાં લેપટોપ જેવું લેપટોપ નથી. તેમાં વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ નહીં પણ ક્રોમ ઓએસ છે. બે વર્ષ પહેલાં યુએસમાં ગૂગલે ક્રોમબુક લોન્ચ કરી ત્યારે લોકોએ તેને આઇપેડના વિકલ્પ જેવી, પણ કી-બોર્ડની સગવડ ધરાવતી ડિવાઇસ તરીકે જોઈ હતી. મતલબ કે એનો પૂરો ઉપયોગ કરવા માટે તમારે સતત ઇન્ટરનેટ કનેક્શન જોઈએ. બે વર્ષ પછી, ક્રોમબુકમાં ફેરફારો થયા છે અને તેનો ઓફલાઇન પણ સારો એવો ઉપયોગ શક્ય છે, પણ છતાં ક્રોમબુક વિન્ડોઝ કે મેક લેપટોપ કરતાં અલગ છે. કઈ રીતે એ સમજી લઈએ, પછી તમે નિર્ણય કરો કે એ તમને ઉપયોગી થશે કે નહીં.

ક્રોમ ઓએસ

ગૂગલ માને છે કે વિન્ડોઝ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો એ પહેલાં, ખાસ કરીને ઓફલાઇન યુઝને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી ઓએસ છે (સમય સાથે ચાલીને માઇક્રોસોફ્ટે સ્કાયડ્રાઇવ, આઉટલૂક, સ્કાઇપે કે ઓફિસ ૩૬૫ જેવી સગવડોથી પોતાની ઓએસ અને ઇન્ટરનેટ વચ્ચેનો સંબંધ ગાઢ બનાવવાની ઘણી કોશિશ કરી છે, પણ ઇન્ટરનેટ પર પ્રોડક્ટિવિટીની વાત છે ત્યાં સુધી ગૂગલનો વ્યાપ તેનાથી ઘણો વધુ છે).

આપણે આગળનાં પાનાંઓમાં જોયું તેમ આપણે પીસીથી નેટ કનેક્ટ કરીએ પણ તેમાં મોબિલિટી નથી. લેપટોપમાં મોબિલિટી સાથે નેટ કનેક્ટિવિટી મળે છે, પણ આપણે ટેબલેટ કે સ્માર્ટફોન જેટલી ઝડપથી (સ્ક્રીન સ્વાઇપ કર્યો અને બ્રાઉઝિંગ શરૂ !) એમાં નેટ સર્ફિંગ કરી શકતા નથી. તો સામા છેડે ટેબલેટ/સ્માર્ટફોનમાં પીસી/લેપટોપ જેટલી સહેલાઈથી મોટાં અને લાંબાં કામ થઈ શકતાં નથી.

ગૂગલે આ ગેપ પૂરવા માટે, પાવર અને સ્પીડનો સુમેળ સાધતી ક્રોમ ઓએસ ડેવલપ કરી છે. જો તમે ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો તો ક્રોમ ઓએસમાં તમને ખાસ કશું જુદું લાગશે નહીં. ઉપયોગમાં સાવ સરળ છે. તેમાં આપણે સી, ડી, ઈ જેવાં ઇન્ટર્નલ સ્ટોરેજનાં પાર્ટિશન કરવાની જરૂર નથી. કોઈ ડ્રાઇવર કે પેચીઝની જરૂર નથી. ડેસ્કટોપને સેટ કરવાની કે પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર નથી. બસ, બોક્સમાંથી ક્રોમબુક કાઢો, વાઇ-ફાઇ લિંક કે ૩જી ડોંગલથી નેટ સાથે કનેક્ટ થાઓ, તમારા ગૂગલ કે જીમેઇલના એકાઉન્ટથી લોગ-ઇન થાઓ અને ઉપયોગ શરૂ કરો! એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટનો ઉપયોગ કરનારને આમાં કશું જ જુદું લાગશે નહીં.


ક્રોમબુક આપણે કેટલી કામની?

ક્રોમબુકના રોજિંદા ઉપયોગની વાત કરીએ તો એ સાડા આઠ કલાકની બેટરી લાઇફ ધરાવે છે. વજનમાં હળવી અને કદમાં સ્લિક હોવાથી ઇઝીલી પોર્ટેબલ છે. ફક્ત સાત સેકન્ડમાં એ સ્ટાર્ટ થઈ જાય છે. ગૂગલ ડ્રાઇવ અને જીમેઇલ જેવી બધી ગૂગલ એપ્સ તેમાં પ્રી-ઇન્સ્ટોલ્ડ છે, વધુ એપ્સ તમે ક્રોમ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ ડ્રાઇવ અને જીમેઇલનો ઓફલાઇન પણ યુઝ શક્ય છે, નેટ કનેક્શન મળતાં એ સિન્ક થાય છે. ક્રોમ બ્રાઉઝરની જેમ ક્રોમ ઓએસ ઓટોમેટિકલી અપડેટ થાય છે, તેમાં સિક્યુરિટીના ઇસ્યુઝ નથી અને ગૂગલ કહે છે કે બીજાં લેપટોપની જેમ ક્રોમબુક સમય જતાં ધીમી પણ નહીં પડે કેમ કે તેમાં સોલિટ સ્ટેટ પ્રકારની મૂવિંગ પાર્ટ્સ વિનાની અને ફાસ્ટ હાર્ડ ડ્રાઇવ છે. તેમાં વાઇરસ પ્રોટેક્શન પણ ઇન-બિલ્ટ છે.

અત્યારે ગૂગલ ક્રોમબુક લેનારને એરટેલ કંપનીનાં ૩જી કે ૪જી ડોંગલ ફ્રી મળવા જેવી સ્કીમ્સ પણ છે. સાથોસાથ ગૂગલ ડ્રાઇવમાં બે વર્ષ માટે ૧૦૦ જીબીની સ્ટોરેજ કેપેસિટી ફ્રી મળે છે.

આ છેલ્લી ઓફર બરાબર સમજવા જેવી છે. ક્રોમબુકમાં ઇન્ટર્નલ સ્ટોરેજ તરીકે આપણને ૧૬ જીબી મળે છે (તેમાં ઓએસ અને બીજી એપ્સ જગ્યા રોકે તે જુદી). મતલબ કે આપણે આપણી ફાઇલ્સ સ્ટોર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ તરીકે, ગૂગલ ડ્રાઇવનો જ ઉપયોગ કરવાનો છે. બધું જ સિન્ક્ડ અને સેફ રહેશે એ વાત સાચી, પણ ક્રોમબુકનો પૂરો લાભ લેવા માટે ઇન્ટરનેટ અનિવાર્ય છે.

બીજું કે ક્રોમબુકમાં વિન્ડોઝ નથી એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ નથી! ગૂગલ ડ્રાઇવમાં આપણે આ જ પ્રકારની એપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ અંતે એ આપણને જેની કાયમી આદત છે એ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ નથી. ક્વિકઓફિસ (જેની વાત આપણે ગયા અંકમાં લંબાણપૂર્વક કરી હતી) જેવી સુવિધા ક્રોમબુકમાં આવી જ જશે, પણ તમારે માટે એ કેટલું કમ્ફર્ટેબલ છે તે વિચારવું રહ્યું.

ટૂંકમાં, જો તમે તમારું બધું જ કામકાજ વેબ પર, ગૂગલની એપ્સમાં કરતા હો તો ગૂગલ ક્રોમબુક બંધ આંખે ખરીદી શકો છો. પરંતુ અત્યારે એ પીસી અને સ્માર્ટફોન વચ્ચેનું મોબાઇલ સાધન બનશે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જે ભવિષ્ય છે તેનો અંદાજ આ ક્રોમબુક આપે છે, પણ ભારતમાં હજી તેને માટે સાનુકૂળ સ્થિતિ ન હોય એવું બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!