ફેસબુક કરતાં ક્યાંય પાછળ એવા ગૂગલ પ્લસને વધુ લોકપ્રિય બનાવવા માટે તેમાં ફોટો મેનેજમેન્ટ સંબંધિત ઘણી નોંધપાત્ર સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સુવિધાનો તમે કઈ રીતે લાભ લઈ શકો એ જાણી લો!
આગળ શું વાંચશો?
- ઓટો બેકઅપ
- ઓટો એન્હેન્સમેન્ટ
- ફોટો સ્ટોરેજ
- ફોટો એડિટિંગ
- ફોટો શેરિંગ
- આટલું ખાસ ધ્યાને લેશો
- ઓટો-ઓસ્સમ
- ફેસબુકમાં આલબમ શેરિંગ
એક સમય એવો હતો જ્યારે આપણે કોઈ ટુરિસ્ટ પ્લેસમાં જઈએ ત્યારે જ્યાં જુઓ ત્યાં ‘કેમેરા ભાડે મળશે’ કે ‘રોલ મળશે’ એવાં બોર્ડ જોવા મળતાં. એ પછી સમય બદલાયો અને ‘કેમેરા કાર્ડમાંથી સીડી બનાવી આપીશું’ પ્રકારનાં બોર્ડ દેખાવા લાગ્યાં, કેમ કે આપણી પાસે ડિજિટલ કેમેરા તો આવી ગયો, પણ એના સ્ટોરેજ કાર્ડની કેપેસિટી ઓછી હતી એટલે વધુ ફોટોગ્રાફ લેવા માટે કાર્ડ ખાલી કરવાની કડાકૂટ રહેતી હતી.
હવે સમય એવો આવ્યો છે કે પેલાં બોર્ડની સાથે ડિજિટલ કેમેરા પણ દેખાતા બંધ થવા લાગ્યા છે. હવે આપણે સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરીએ છીએ, એમાં ૩૨ જીબીની કેપેસિટીવાળાં કાર્ડ આવી ગયાં છે અને જો તમે હાઇ-ડેફિનેશન મોડમાં વીડિયો શૂટ કરો અને ૩૨ જીબીવાળું કાર્ડ પણ ઓછું પડે તો તમે નેટ કનેક્શન ઓન કરી, ફોટોગ્રાફ્સ કે વીડિયો ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો!
આપણા ફોટોગ્રાફ સાચવવા માટે અત્યારે એક રીતે કહો તો ફેસબુક અને ગૂગલ પ્લસ વચ્ચે સ્પર્ધા જામી છે. તમે કદાચ જાણતા હશો કે ગયા મહિને ફેસબુકે આપણાં ફોટોઆલબમ્સ શેર કરવાની સગવડ આપી છે (વધુ માહિતી માટે જુઓ સાથેનું બોક્સ). એ તો સૌ જાણે છે કે યુઝર્સની સંખ્યાની દૃષ્ટિએ ગૂગલ પ્લસ ફેસબુકની સરખામણીમાં હજી ઘણું પાછળ છે. એટલે ગૂગલે ફોટોગ્રાફ મેનેજમેન્ટની બહેતર સુવિધાઓ આપીને લોકોનું ધ્યાન ગૂગલ પ્લસ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
આવો અહીં સમજીએ કે આપણા ફોટોગ્રાફ્સના મેનેજમેન્ટની વાત છે ત્યાં સુધી ગૂગલ પ્લસ આપણને કેવી કેવી સગવડ આપે છે.
ઓટો બેકઅપ
આ એક અત્યંત કામની સુવિધા છે. તમારો કોઈ વારનો કડવો અનુભવ હશે કે ટુરમાંથી પરત આવીને કેમેરાના કાર્ડને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરીએ ત્યારે ‘ભગવાન જાણે શું ગરબડ થઈ’ પણ આખું કાર્ડ કોરુંધાકોર જોવા મળે! એ યાદોને ફરી જીવંત કેવી રીતે કરવી? જો સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતા હો તો આ રીતે ફોટોગ્રાફ ‘ઊડી’ જવાની ચિંતામાંથી મુક્તિ મળી જશે. આ માટે…
તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લસ એપ ડાઉનલોડ કરી લો.
તેને ઇન્સ્ટોલ કરી, ઓપન કરી, તેના સેટિંગ્સમાં જાઓ.
અહીં ‘ઓટો બેકઅપ’ના ઓપ્શનને ઓન કરી દો.
બીજાં સેટિંગ્સ પર નજર ફેરવી, જરૂરી સેટિંગ્સ કરો, જેમ કે ડેટા પ્લાનનો વધુ ખર્ચ ન કરવો હોય તો રોમિંગમાં હો ત્યારે ફોટોઝ ઓટો બેકઅપ ન થાય એવું સેટિંગ રાખો. ડેટા પ્લાનને બદલે વાઇ-ફાઇ પર હો ત્યારે જ ફોટો બેકઅપ લેવાય એવું સેટિંગ પણ કરવું સારું છે.
ટૂંકમાં આપણી મરજી અનુસારનાં સેટિંગ્સ કર્યાં પછી, જો આપણે ફોનમાં ઓટો સિન્કનો ઓપ્શન ઓન રાખ્યો હોય તો આપણે ફોટોગ્રાફ લઈએ એટલે આપણા સેટિંગ અનુસાર ફોટો ગૂગલ પ્લસના આપણા એકાઉન્ટમાં બેકઅપ તરીકે અપલોડ થઈ જાય છે! આ ફોટોઝ બાય ડિફોલ્ટ પ્રાઇવેટ રહે છે, એટલે કે માત્ર આપણે જ જોઈ શકીએ છીએ, જો આપણે ઇચ્છીએ તો બીજા લોકો સાથે શેર કરી શકીએ છીએ, એ પણ કેટલાક કંટ્રોલ સાથે (એની વાત આગળ ઉપર).
એક વાર આપણા ફોટોગ્રાફ વાયા પીસી કે મોબાઇલ ગૂગલ પ્લસમાં અપલોડ થઈ જાય એટલે પીસીમાં વેબ બ્રાઉઝરમાં ગૂગલ પ્લસ ઓપન કરી, આપણે ફોટોગ્રાફ સાથે જરૂરી કવાયત કરી શકીએ છીએ.
ઓટો એન્હેન્સમેન્ટ
આપણા ફોટોગ્રાફ ગૂગલ પ્લસના હાથમાં પહોંચે એટલે સિસ્ટમ આપોઆપ તેમાં જરૂરી ફેરફાર કરે છે. જેમ કે ફોટોગ્રાફમાં જરૂર પૂરતી લાઇટ ઉમેરવી, બ્લુ રંગની ઝાંય દૂર કરવી, પડછાયાવાળા ભાગને પ્રમાણસર લાઇટ કરવો જેથી ત્યાં કાળા ધબ્બા ન દેખાય, રાત્રિના સમયે ફોટોગ્રાફ લેવાયા હોય તો તેનું લાઇટિંગ એડસ્ટ કરવું વગેરે ઘણા બધા ફેરફાર સિસ્ટમ પોતાની મેળે કરીને ફોટોની ગુણવત્તા સુધારી તેને એન્હેન્સ કરે છે (અલબત્ત, કંટ્રોલ આપણા હાથમાં છે, આપણે ઇચ્છીએ તો આ સુવિધા બંધ કરી શકીએ છીએ કે એક એક ફોટાને તપાસીને તેને એન્હેન્સ કરી શકીએ છીએ).
ફોટો સ્ટોરેજ
ગૂગલ પ્લસમાં તમે લોગ-ઇન થશો (અથવા જીમેઇલમાંથી ઉપર જમણા છેડે આપેલી લિંક પરથી તમારા ગૂગલ પ્લસ પેજ પર પહોંચશો એટલે ડાબી તરફ હોમનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તેની મદદથી, ફોટોઝ પેજ ઓપન કરો.
અહીં આપણે ‘વોટ્સ ન્યૂ’ વિભાગમાં, ગૂગલ પ્લસમાં ફોટોઝ સંબંધિત કઈ નવી સગવડ ઉમેરાઈ છે તે જાણી શકીએ છીએ. ‘હાઇલાઇટ્સ’ વિભાગમાં, આપણા તમામ ફોટોઝમાંથી, સિસ્ટમને જે ફોટોગ્રાફ ‘સારા’ લાગે તે અલગ તારવેલા જોવા મળે છે. એક ‘મશીન’ કેવી રીતે નક્કી કરી શકે કે કયો ફોટોગ્રાફ સારો છે એવો સવાલ સહેજે થાય, પણ આ સિસ્ટમ લાઇટિંગ, એક્સપોઝર, તેમાં રહેલા લોકોના ચહેરા પરનું સ્મિત વગેરે બધું જોઈ-તપાસીને ખરેખર સારા ફોટોગ્રાફ અલગ તારવે છે!
‘હાઇલાઇટ્સ’ પછીના વિભાગ ‘ફોટોઝ’માં આપણા તમામ ફોટોગ્રાફ એક સાથે જોવા મળે છે. ત્યાર પછી ‘આલબમ’ વિભાગમાં જો આપણે અગાઉ આલબમ ક્રિએટ કર્યાં હોય તો તે જોવા મળે છે. ઉપરાંત, જો તમે અગાઉ પિકાસા વેબ આલબમ્સનો ઉપયોગ કરતા હો તો તેમાં બનાવેલાં આલબમ પણ અહીં જોવા મળશે. આપણે ફોટોઝ વિભાગમાં જુદા જુદા ફોટો સિલેક્ટ કરી (એ માટે ફોટોગ્રાફ પર માઉસ લઈ જતાં ખરાની નિશાનીવાળું એક વર્તુળ જોવા મળે તેને સિલેક્ટ કરવાનું હોય છે) બધા ફોટોઝને એક નવા ફોલ્ડરમાં કોપી કરી શકીએ છીએ.
અલબત્ત, અહીં એક ખાામી છે. આલબમમાં કોઈ એક આલબમમાંથી ફોટોગ્રાફ સિલેક્ટ કરી આપણે બીજા આલબમમાં મૂવ કરી શકીએ છીએ, જ્યારે ફોટોઝમાં રહેલા ફોટોઝને નવા કે જૂના આલબમમાં કોપી કરી શકાય છે. પરિણામે, જે તે ફોટો ‘ફોટોઝ’ વિભાગમાં અને આલબમમાં બંને જગ્યાએ જોવા મળે છે. સ્ટોરેજ સ્પેસમાં તો આનાથી કોઈ ફેર પડતો નથી, પણ આપણે કોઈ ચોક્કસ ઇવેન્ટના ફોટોનું આલબમ ક્રિએટ કરતા હોઈએ તો, જો ધ્યાન ન રહે તો એકના એક ફોટો આપણે એકથી વધુ વાર કોપી કરીને આલબમમાં જમા કરીએ એવું બને છે. આશા રાખીએ કે ગૂગલ પ્લસમાં અપડેશન સાથે આ ખામી સુધારી લેવામાં આવશે.
ફોટો એડિટિંગ
આપણે એક એક ફોટોગ્રાફ સિલેક્ટ કરીને તેમાં ઘણી બધી રીતે એડિટિંગ કરી શકીએ છીએ. અલબત્ત આ સુવિધા માત્ર ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જ મળે છે. અહીંથી આપણે દરેક ફોટોગ્રાફમાં બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ, સેચ્યુરેશન, ફોટોગ્રાફના અમુક ભાગનું જ એડજસ્ટમેન્ટ, શાર્પનેસ, ક્રોપિંગ, રોટેટિંગ, ફોકસિંગ, વિવિધ ફ્રેમ ઉમેરવી, ત્રાંસા ફોટોગ્રાફ સીધા કરવા વગેરે વગેરે કરી શકીએ છીએ. મજાની વાત એ છે આપણે ઇચ્છીએ એટલું એડિટિંગ કરીને ફોટોને ફક્ત એક ક્લિકથી મૂળ સ્વરૂપમાં પરત લાવી શકીએ છીએ.
ફોટો શેરિંગ
ગૂગલ પ્લસમાં ફોટો મિત્રો સાથે શેર કરવાનું કામ સહેલું છે. ફોટો કે આલબમ સિલેક્ટ કરતાં ‘શેર’નો વિકલ્પ જોવા મળે. તમે તમારા વિવિધ સર્કલમાં રહેલા લોકો સાથે ફોટો શેર કરી શકો છે, પરિણામે, ફેમિલી ફોટોગ્રાફ્સ માત્ર ફેમિલી સર્કલમાંના લોકો જ જોઈ શકે એ રીતે આપણે શેર કરી શકીએ છીએ. તમારા સર્કલમાં એવા પણ લોકો હોઈ શકે છે, જેઓ હજી સુધી ગૂગલ પ્લસમાં સાઇન-અપ ન થયા હોય. તેમને માટે સિસ્ટમ એક ઇમેઇલ મોકલે છે, જેની મદદથી તેઓ સાઇન-ઇન કર્યા વિના પણ ફોટોગ્રાફ જોઈ શકે છે.
તમે તમારા પરિવારના ફોટોગ્રાફ મિત્રો સાથે શેર કરો, તો સામાન્ય રીતે તેઓ બીજા લોકો સાથે આલબમ રીશેર કરી શકે છે. પરંતુ આલબમ શેર કરતી વખતે જો તમે એ સમયે જોવા મળતા ડ્રોપડાઉનની મદદથી ‘ડિસેબલ રીશેર’ વિકલ્પ પસંદ કરો, તો બીજા લોકો તમારા આલબમને કોઈ રીતે અન્ય લોકો સાથે શેર કરી શકશે નહીં.
આટલું ખાસ ધ્યાને લેશો
- બાય ડિફોલ્ટ ગૂગલ પ્લસમાં સ્ટાન્ડર્ડ સાઇઝમાં ફોટો અપલોડ થાય છે. એટલે કે આપણે ભલે ગમે તેટલા રેઝોલ્યુશનવાળો ફોટોગ્રાફ લીધો હોય, સિસ્ટમ તેને રીસાઇઝ કરી નાખે છે.
- સ્ટાન્ડર્ડ સાઇઝના ફોટોઝ વેબ શેરિંગ અને ટેબલેટ પર જોવા માટે પૂરતું રેઝોલ્યુશન ધરાવતા હોય છે પરંતુ તેને ડાઉનલોડ કરી, પોસ્ટર સાઇઝમાં પ્રિન્ટ કઢાવવી હોય તો એ રીઝલ્ટ સારું ન મળે.
- લાભની વાત એ છે કે સ્ટાન્ડર્ડ સાઇઝ (૨૦૪૮ પિક્સેલ્સ)ના ફોટોઝ માટે આપણને ગૂગલના એકાઉન્ટમાં અનલિમિટેડ સ્ટોરેજ મળે છે.
- આપણે ઇચ્છીએ તો ફૂલ સાઇઝમાં જ ફોટો અપલોડ કરી શકીએ છીએ, પણ તે આપણા ગૂગલના કુલ ક્વોટામાં ગણતરીમાં લેવાશે.
- આપણે ૧૫ મિનિટ સુધીની લંબાઈના અને ૧૦૮૦ પિક્સેલ સુધીના રેઝોલ્યુશનવાળા વીડિયોઝ અનલિમિટેડ સંખ્યામાં ગૂગલ પ્લસ પર અપલોડ કરી શકીએ છીએ.
- તેમાં પણ, વધુ લંબાઈના કે વધુ રેઝોલ્યુશનવાળા ફોટોગ્રાફ ગૂગલના કુલ ક્વોટામાં ગણતરીમાં લેવાશે.
- જરુર પડે આપણે ગૂગલમાં વધુ સ્ટોરેજ ખરીદી શકીએ છીએ.
ઓટો-ઓસ્સમ
ગૂગલ પ્લસની બીજી કેટલીક ખૂબીઓ પર પણ નજર ફેરવી લો.
ધારો કે તમે કોઈ ગ્રુપના એક જ સ્થિતિમાં ચાર-પાંચ ફોટોગ્રાફ લીધા. આ દરેક ફોટોગ્રાફમાં કોઈએ સરસ સ્માઇલ આપ્યું હશે તો કોઈનું મોં ખૂલ્લું રહી ગયું હશે. સિસ્ટમ એક સરખા દરેક ગ્રુપ ફોટોમાંથી દરેક વ્યક્તિનું સરસ સ્માઇલ શોધી, સૌને એક જ ફોટોમાં ગોઠવી આપે છે!
કોઈ એક સ્થળ – જેમ કે સરદાર સરોવર બંધ – ના તમે અલગ અલગ એંગલેથી ફોટોગ્રાફ લો તો સિસ્ટમ તેમને એકમેક સાથે યોગ્ય રીતે સ્ટિચ કરીને પેનોરમિક વ્યૂ તૈયાર કરી આપે છે. તમે કોઈ ફોટોગ્રાફને અલગ અલગ એક્સપોઝર સેટિંગ સાથે ક્લિક કર્યા હોય તો સિસ્ટમ તેને આપોઆપ એચડીઆર એટલે કે હાઇ ડાયનેમિક રેન્જ પિક્ચરમાં ફેરવી નાખે છે, જેનાથી પિક્ચરમાં લાઇટ અને કોન્ટ્રાસ્ટ બહેતર બને છે.
આપણે કોઈ બાળકના એક સાથે, ઉપરાઉપરી પાંચ કે વધુ ફોટોગ્રાફ લઈએ તો એ દરમિયાન તેની બદલાયેલી સ્થિતિ કેપ્ચર કરીને સિસ્ટમ આપોઆપ એનિમેશન ક્રિએટ કરી લે છે.
ફેસબુકમાં આલબમ શેરિંગ
ફેસબુકમાં થોડા સમય પહેલાં, ફોટો આલબમ શેર કરવાની એક સગવડ ઉમેરવામાં આવી છે. આવા શેર્ડ આલબમમાં, એકથી વધુ લોકો ફોટોગ્રાફ ઉમેરી શકે છે. આ સગવડથી ટુર, લગ્નપ્રસંગ, પાર્ટી વગેરેમાં સામેલ સૌ કોઈ લોકો એક જ આલબમમાં પોતપોતાના ફોટો ઉમેરી શકે છે! તમે પોતે એક આલબમ ક્રિએટ કરીને તેને પસંદગીના મિત્રો સાથે શેર કરો એટલે તેઓ એ આલબમમાં ક્ધટ્રીબ્યુટર બને છે, એટલે કે તેઓ પણ એ આલબમ જોઈ શકે છે, તેમાં ફોટો ઉમેરી શકે છે અને એડિટ કરી શકે છે. આ મિત્રો આલબમની પ્રાઇવસી બદલી શકતા નથી. જોકે આ આલબમ તેમની ટાઇમલાઇનમાં જોઈ શકાય છે. ઉપરાંત, ફોટોઝમાં જે લોકોનું ટેગિંગ થયું હોય તેઓ અને તેમના મિત્રો આ આલબમ જોઈ શકે છે. શેર્ડ આલબમ બનાવવા માટે, આલબમ ઓપન કરો અને તેમાં ઉપર ડાબે ખૂણે ‘મેક શેર્ડ આલબમ’ વિકલ્પ પર ક્લિક કરો. એ સાથે, આ આલબમમાં યોગદાન આપી શકે તેવા તમારા મિત્રો પસંદ કરો અને આલબમ કોણ કોણ જોઈ શકે તે નક્કી કરો.
હવે સેવ બટન ક્લિક કરી દો એટલે કામ પત્યું! તમારા આલબમના કન્ટ્રીબ્યુટર્સ તેમના મિત્રોને આ આલબમમાં કન્ટ્રીબ્યુટર તરીકે ઉમેરી શકે છે. દરેક કન્ટ્રીબ્યુટર પોતે અપલોડ કરેલા ફોટો એડિટ કે ડિલિટ કરી શકે છે, જ્યારે આલબમના માલિક કન્ટ્રીબ્યુટર ફોટો ડિલિટ કરી શકે છે. એક આલબમમાં ૫૦ કન્ટ્રીબ્યુટર્સ હોઈ શકે છે અને તે ૨૦૦-૨૦૦ ફોટો ઉમેરી શકે છે, આમ એક શેર્ડ આલબમમાં કુલ ૧૦,૦૦૦ ફોટો સમાઈ શકે છે!

