એક એવી ડિક્શનરીની કલ્પના કરો, જે એક સાથે એક હજારથી વધુ ડિક્શનરી ફંફોસીને આપણે આપેલા શબ્દનો અર્થ શોધી બતાવે અને આપણા હૈયે હોય, પણ હોઠે આવતો ન હોય એવો શબ્દ પણ શોધી બતાવે.
શબ્દ સાથે તમારે કેવોક પનારો? તમે કવિ કે સાહિત્યકાર હશો તો કદાચ કંઈક આવો જવાબ આપશો, “જનમજનમનો આપણો સથવારો, શબ્દ, તારો ને મારો આવો પનારો! પણ નોર્મલ વ્યક્તિ હશો તો કહેશો કે ખપ પૂરતો.
આપણી જરુરિયાત પૂરી થઈ જાય એટલે ભયો ભયો, શબ્દોમાં એથી વધુ ઊંડા ઊતરવાની કોઈ જરુર નથી. વાત તો સાચી, પણ વાત અંગ્રેજી શબ્દોની હોય ત્યારે ખપ પૂરતા પણ જરા વધુ ઊંડા ઊતરવાની જરુર પડે છે કેમ કે તેમાં શબ્દોની આપણી અધકચરી સમજને કારણે કાચું કપાવાની શક્યતા વધુ રહે છે.
ટૂંકમાં, જો તમને, ભલે ફક્ત રોજિંદી જરુરિયાત પૂરી કરવા ખાતર પણ અંગ્રેજી શબ્દોની સમજ કેળવવાની જરૂર રહેતી હોય તો આપણને સૌથી વધુ ઉપયોગી થઈ શકે છે ડિક્શનરી.
આજના સમયમાં દળદાર પુસ્તક સ્વરુપે ડિક્શનરી વસાવવાની જરુર રહી નથી, ઇન્ટરનેટ પર સંખ્યાબંધ ડિક્શનરી વેબસાઇટ્સ અને સ્માર્ટફોનમાંની એપ તરીકે હાજર છે, પણ આ સંખ્યાબંધ એટલે આશરે કેટલીક? અને એમાંથી કેટલી સાઇટ કે એપ પર આપણે જુદા જુદા શબ્દો તપાસી શકીએ? કોઈ એક શબ્દને એક જ ક્લિકમાં એક હજારથી વધુ ડિક્શનરીમાં ફંફોસવાની સગવડ મળે તો?
[message_box type=”info” close=”no”]આવી એક સર્વિસ છે વનલૂક ડિક્શનરી સર્ચ (http://www.onelook.com/).[/message_box]
જોવામાં તદ્દન સાદી એવી આ સાઇટ ખરેખર તો વર્ડઝ અને ફ્રેઝીસના ગૂગલ (સર્ચ એન્જિન) તરીકે કામ કરે છે. આ સાઇટ પાછળ કામે લગાડવામાં આવેલા ડેટાબેઝમાં વિવિધ ભાષાની એક હજારથી વધુ ઓનલાઇન ડિક્શનરી અને તેમાંના બે કરોડ જેટલા શબ્દોનું ઇન્ડેક્સિંગ કરવામાં આવ્યું છે. પરિણામે આપણે કોઈ ચોક્કસ શબ્દનો અર્થ શોધતા હોઈએ તો આ સાઇટ પર જઈને સર્ચ બોક્સમાં એ શબ્દ લખતાં એક સાથે સંખ્યાબંધ ડિક્શનરીમાં એ શબ્દના અર્થ તરફ દોરી જતી લિંક્સ આપણને મળે છે (વનલૂક સાઇટ પરથી બીજે ક્યાંય ગયા વિના, જુદી જુદી ડિક્શનરીમાં આપેલા અર્થ તપાસવા હોય તો તેવું કસ્ટમાઈઝેશન પણ શક્ય છે).
સાદા અને પ્રમાણમાં જાણીતા શબ્દોના અર્થ તો ગમે તે ડિક્શનરીમાં મળી આવે, પણ ક્યારેક કોઈ ભારેખમ શબ્દનો અર્થ સમજવો હોય તો આ સાઇટ ખરેખર ઉપયોગી થાય તેમ છે.
ઉપરાંત, આ રીતે પાર વગરના શબ્દોનું ઇન્ડેક્સિંગ ધરાવતો ડેટાબેઝ તૈયાર થવાના બીજા ઘણા લાભ પણ છે. આ સાઇટના હોમપેજ પર આપેલાં ઉદાહરણો મુજબ આપણે ઘણી જુદી જુદી રીતે આ ડેટાબેઝનો લાભ લઈ શકીએ છીએ. જેમ કે, ‘bluebird’ એવો આખો શબ્દ લખીને સર્ચ કરીએ તો તેના અર્થ જાણવા મળે એ તો દેખીતી વાત છે, પણ ફક્ત blue* લખીને સર્ચ કરીએ તો બ્લુ શબ્દથી શરુ થતા શબ્દો અને શબ્દપ્રયોગો જાણી શકાય. એ રીતે જો *blue લખી સર્ચ કરીએ તો જેના અંતે બ્લુ શબ્દ આવતો હોય તેવા શબ્દો અને શબ્દ પ્રયોગો જાણવા મળે!
શબ્દરમત અહીં પૂરી થતી નથી. જો તમે ક્રોસવર્ડ પૂરી રહ્યા હો અને તેમાં કોઈ ખાલી જગ્યાએ અટક્યા હો તો bl????rdએમ લખીને સર્ચ કરવાથી, શરુઆતમાં અને અંતે આપણે કહેલા અક્ષરો અને વચ્ચે ચાર અક્ષર આવતા હોય તેવા બધા શબ્દોની યાદી મળશે (દરેકના અર્થ સુધી પહોંચાડતી લિંક તો પાછી છે જ!).
આ બધી અને તેના જેવી બીજી સગવડોને કારણે આપણા હૈયે રમતો હોય પણ જીભે ચઢતો ન હોય એવો શબ્દ આપણે ખાસ્સી ઝડપથી શોધી શકીએ છીએ.
બીજી સામાન્ય ડિક્શનરીમાં કે ઇવન ગૂગલ પર જે સગવડ મળતી નથી એવી એક સગવડ પણ અહીં છે. તમે ઇસરો (ISRO)કે નાસા (NASA) કે હૂ (WHO)નું આખું નામ જાણવા માગતા હો તો આ સાઇટ પર expand: ISRO સર્ચ કરવાથી તેનું ફૂલ ફોર્મ જાણવા મળશે. હૂના કિસ્સામાં તો, આ સાઇટ પર સર્ચ કર્યા પછી ખબર પડે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઉપરાંત બીજાં ૮૧ નામ કે શબ્દ પ્રયોગો માટે ડબલ્યુએચઓનું ટૂકું સ્વરુપ ઉપયોગમાં લેવાય છે.
રીવર્સ ડિક્શનરી એ વનલૂકની બીજી મજાની સર્વિસ છે. ઘણી વાર એવું બને કે કોઈ ચોક્કસ શબ્દનો અર્થ આપણા મનમાં રમતો હોય, પણ એ શબ્દ પોતે આપણને હાથતાળી આપતો હોય. મતલબ કે શબ્દથી અર્થની રોજિંદી ટેવને બદલે અર્થથી શબ્દ તરફ પ્રયાણ કરવું હોય તો એ સગવડ પણ અહીં છે.
જેમ કે સાવ સાદું ઉદાહરણ લઈએ તો બર્ડવોચિંગ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ આપણે શોધવા માગતા હોઈએ તો રીવર્સ ડિક્શનરીમાં science of birdwatching સર્ચ કરવાથી આપણે ornithoscopy જેવા સાચા શબ્દ સુધી પહોંચી શકીએ છીએ! આ ઊંધી સફર ખેડ્યા પછી ઓર્નિથોસ્કોપીનો અર્થ શોધવાનો સવળો પ્રવાસ તો કરી જ શકીએ છીએ.
જો તમારો અંગ્રેજી શબ્દો સાથેનો પનારો અલ્પ અને અતિ વચ્ચેનો હશે તો આ સાઇટ તમને ચોક્કસ ગમશે!

