મોટા ભાગના લોકોની આ સમસ્યા છે કેમ કે તેઓ એકથી વધુ ઈ-મેઇલ આઇડી ધરાવતા હોય છે. જુદાં જુદાં ઈ-મેઇલ આઇડી હોવાનાં દરેક માટે અલગ અલગ કારણો હોય છે, પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણું એક મુખ્ય ઈ-મેઇલ આઇડી હોય છે જેનો આપણે નિયમિત ઉપયોગ કરીએ છીએ અને તેની સાથોસાથ બીજાં ઈ-મેઇલ એકાઉન્ટ જરુર મુજબ જોવાં જરુરી હોય છે.

જો તમે યાહૂ કે હોટમેઇલ (હવે વિન્ડોઝ લાઇવ કે આઉટલૂક) જેવી ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો એક સર્વિસનાં એકથી વધુ એકાઉન્ટમાં એક સાથે સાઇન-ઇન થવા માટે અલગ અલગ બ્રાઉઝરની જરુર પડશે.
એટલે કે તમે ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં યાહૂના એક એકાઉન્ટમાં લોગ-ઇન થાઓ અને પછી ગૂગલ ક્રોમ ઓપન કરી, તેમાં યાહૂના બીજા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકાશે.
જીમેઇલમાં આનો સહેલો ઉપાય છે. તેમાં આપણે એક એકાઉન્ટમાં લોગ-ઇન થઈએ તે પછી, જમણી તરફ ઉપર આપણા ફોટોગ્રાફ કે ઈ-મેઇલ આઇડી પર ક્લિક કરતાં જે વિન્ડો ખૂલે તેમાં ‘એડ એકાઉન્ટ’ પર ક્લિક કરીને જીમેઇલના આપણા બીજા એકાઉન્ટમાં સાઇન થઈ શકીએ છીએ. એટલું યાદ રાખશો આ રીતે બંને એકાઉન્ટ કનેક્ટેડ રહેશે અને એકમાં લોગ-આઉટ થતાં, બીજામાંથી પણ થઈ જવાશે.
જો આ રીતે જુદી જુદી ટેબમાં જુદા જુદા ઈ-મેઇલ એકાઉન્ટમાં કૂદકા મારવા ન હોય તો તમે જીમેઇલના કોઈ એક એકાઉન્ટને મુખ્ય એકાઉન્ટ તરીકે ગણી, તમારા બીજા બધા એકાઉન્ટમાં આવતા મેઇલ્સ આ મુખ્ય એકાઉન્ટમાં આપોઆપ ફોરવર્ડ થાય એવી ગોઠવણ કરી શકો છો. જીમેઇલના સેટિંગ્સમાં Forwarding and POP/IMAP ટેબમાં જઈને આ ગોઠવણ કરી શકાય છે (આ સગવડ હવે યાહૂમાં પણ મફતમાં મળી શકે છે).

