કેવી રીતે કામ કરે છે આપણું મગજ? તબીબી વિજ્ઞાન અત્યંત આગળ વધ્યું હોવા છતાં માણસના મગજનો હજી પૂરો તાગ મેળવી શકાયો નથી. આપણે જાણીએ મગજની પ્રાથમિક જાણકારી.
અલ્ઝાઇમર એક એવો રોગ છે, જેમાં મગજના કેટલાક ચોક્કસ કોષને નુક્સાન પહોંચતાં વ્યક્તિ ધીમે ધીમે પોતાની સ્મૃતિ ખોઈ બેસે છે. અલ્ઝાઇમર્સ એસોસિએશન નામનું એક સંગઠન આ રોગના દર્દીઓને મદદ કરતું એક વિશ્વ સ્તરનું સંગઠન છે. આ એસોસિએશને પોતાની સાઇટ પર આપણા મગજની રચના સમજાવતી ઇન્ટરએક્ટિવ સ્લાઇડ્સ રજૂ કરી છે (http://www.alz.org/braintour/3_main_parts.asp).તમે તેની મુલાકાત લઈ, દરેક લખાણમાં રંગીન શબ્દો પર માઉસ લઈ જશો તો બાજુના મગજના ચિત્રમાં શબ્દ સંબંધિત કાર્ય મગજમાં ક્યાં થાય છે તે જોઈ શકાશે. સાઇટ પર તો અલ્ઝાઇમર રોગ વિશે પણ વિસ્તૃત સમજ આપી છે, આપણે તેમાંથી ફક્ત મગજની પ્રાથમિક જાણકારી આપતી સ્લાઇડ્સ સમજીએ…
જન્મ સમયે બાળકના મગજનું વજન ૩૫૦-૪૦૦ ગ્રામ હોય છે, જે પુખ્ત વયે પહોંચતાં ૧૩૦૦-૧૪૦૦ ગ્રામ થાય છે. જેલી જેવું પોચું આવરણ ધરાવતા મગજના મુખ્ય ત્રણ ભાગ છે (૧) સેરેબ્રમ, જે મગજનો મોટો ભાગ રોકે છે. યાદશક્તિ, વિચારશક્તિ, લાગણી, હલન-ચલન વગેરેનું સંચાલન અહીંથી થાય છે, (૨)સેરેબેલમ માથાના પાછળના ભાગે હોય છે, જે સંતુલન જાળવે છે, (૩) બ્રેઇમ સ્ટેમ, જે મગજને કરોડરજ્જુ સાથે જોડે છે અને શ્વસન, પાચનક્રિયા, હૃદયના ધબકારા, રક્ત દબાણ વગેરેમાં ભાગ ભજવે છે.
હૃદયના દરેક ધબકારે શરીરનું ૨૦થી ૨૫ ટકા લોહી મગજમાં પહોંચે છે, જ્યાં અબજો કોષ આપણા લોહીમાંના ૨૦ ટકા ઓક્સિજન અને ઊર્જાનો ઉપયોગ કરી લે છે. આપણે ઊંડા વિચારમાં હોઈએ ત્યારે આ કોષો લોહીમાંન ૫૦ ટકા સુધીના ઓક્સિજન અને ઊર્જા વાપરી નાખે છે.
મગજની ઉપલી કરચલીવાળી સપાટીને કોર્ટેક્સ કહે છે. આ કોર્ટેક્સના કેટલાક ચોક્કસ ભાગ શરીર તેમ જ બહારથી આવતાં દૃશ્યો, અવાજ અને ગંધને પારખે છે. અહીં જ વિચાર જન્મે છે, પ્રશ્ર્નો ઉકેલાય છે અને આયોજનો થાય છે. અહીં યાદો જન્મે છે અને સંગ્રહ થાય છે. શરીરનું સ્વૈચ્છિક હલનચલન અહીંથી અંકુશિત થાય છે.
આપણું મજબ ડાબા અને જમણા બે ભાગમાં વહેંચાયેલું છે. નિષ્ણાતોને આ બંને ભાગનાં કામકાજ કેમ વહેંચાયેલાં છે તેની પૂરતી સમજ નથી, પણ તેઓ એટલું જાણે છે કે મગજનો ડાબો ભાગ શરીરના જમણા ભાગ પર અંકુશ ધરાવે છે અને જમણો ડાબા ભાગ પર. મોટા ભાગના લોકોમાં ભાષાનો આધાર ડાબા ભાગમાં હોય છે.
મગજનું ખરું કામ તેના દરેક કોષની અંદર થાય છે. પુખ્ત મગજમાં આશરે ૧૦૦ અબજ કોષ – ન્યુરોન્સ હોય છે, જે લગભગ ૧૦૦ ટ્રિલિયન પોઇન્ટ સાથે કનેક્ટેડ હોય છે. વિજ્ઞાનીઓને આને ‘ન્યૂરોન ફોરેસ્ટ’ કહે છે. આ ગીચ જંગલમાંથી પસાર થતા સંકેતો યાદો, વિચારો અને લાગણીને જન્મ આપે છે. અલ્ઝાઇમર (વિસ્મૃતિ) રોગમાં મુખ્યત્વે આ ન્યૂરોન્સ નાશ પામે છે.
યાદ અને વિચાર બનતા દરેક સંકેત એક ઇલેક્ટ્રિકલ ચાર્જ તરીકે દરેક કોષમાંથી પસાર થાય છે. દરેક કોષ સાયનેપ્સ તરીકે ઓળખાતા ભાગમાં એકબીજાને મળે છે. ઇલેક્ટ્રિકલ ચાર્જ અહીં પહોંચતાં ન્યુરોટ્રાન્સમીટર્સ નામે ઓળખાતાં કેમિકલ્સ છોડે છે, જે બીજા કોષ સુધી સંદેશ લઈ જાય છે. વિજ્ઞાનીઓ આવાં ડઝનબંધ ન્યુરોટ્રાન્સમીટર્સને ઓળખી શક્યા છે.
૧૦૦ અબજ કોષ, ૧૦૦ ટ્રિલિયન મિલનસ્થાન (સાઇનેપ્સ). સંખ્યાબંધ ન્યુરોટ્રાન્સમીટર્સ. આ બધું મળીને આપણા મગજનું ઘડતર કરે છે. સમય વીતતાં, આપણા અનુભવો મુજબ મગજમાંના સંકેતોની પદ્ધતિ અને શક્તિ નક્કી થાય છે અને આ બધાના આધારે જ આપણા વિચારો, યાદો, આવડત વગેરે તથા એક વ્યક્તિ તરીકે આપણું પોતાનું ઘડતર થાય છે!
