ઓપન સોર્સ ક્ષેત્રે ગુજરાતમાં રહીને જેમણે નામ કાઢ્યું છે એવા કેટલાક લોકો સાથે આ ક્ષેત્રમાં કારકિર્દી વિશેની વાતચીત
મિત્રો ગયા અંકમાં આપણે ઓપન સોર્સ શું છે એ અંગે ચર્ચાઓ કરી અને એ નોધ્યું કે ઓપન સોર્સ લગભગ દરેક ક્ષેત્રે છે, જોકે આપણે આપણી ચર્ચા ફક્ત સોફ્ટવેર અને આઇ.ટી. પૂરતી રાખીશું. ઓપન સોર્સ કારકિર્દી બનાવવા માટે કેવી રીતે મદદરુપ થઈ શકે એ માટે આ લખનારે આ ક્ષેત્રે કામ કરતા કેટલાક નિષ્ણાતોને મળીને ચર્ચા કરી.
[message_box type=”info” close=”no”] શ્રી મનીષ શેલડીયા, સહસ્થાપક, www.cignex.com, અમદાવાદ [/message_box]
ઓપન સોર્સ સોફ્ટવેરની વાત નીકળે તો CIGNEX નું નામ ચોક્કસ લેવું પડે. સિગ્નેક્સની સ્થાપના અમેરિકામાં ૨૦૦૦ની સાલમાં ભારતીય મૂળના કેટલાક યુવાનોએ કરી હતી. હાલમાં જો કે એની માલીકી અન્ય કંપનીની છે.
પ્રશ્ન : મનિષભાઈ, ઓપન સોર્સ સોફ્ટવેરમાં પ્રોપરાઇટરી ટેક્નોલોજીને સાપેક્ષે શું તકો રહેલી છે?
જવાબ : આટલાં વર્ષોની પ્રગતિ બાદ પણ ઓપન સોર્સ સોફ્ટવેર કે ટેક્નોલોજી અને તેનો ઉપયોગ કરનારી કંપનીઓ વચ્ચે થોડું અંતર હોય છે. ખાસ કરીને પ્રથમવાર ઓપન સોર્સ ઉપયોગ કરનારી કંપનીઓને કેવી રીતે શરુઆત કરવી એ બાબતની સમસ્યા હોય છે. હવે જો કોઈ ક્ન્સલ્ટન્ટ કે સોફ્ટવેર કંપની આ અંતરને ઘટાડી શકે તો તેમના માટે ખૂબ તકો છે! કારણ કે બિઝનેસમાં હવે વધુ ને વધુ ઓપન સોર્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
જોકે, ઓપન સોર્સ બાબતે હું એટલું કહીશ સૌ પ્રથમ તમારે આ ક્ષેત્રે યોગદાન આપવું પડે છે. તમારે કોઈ એક ઓપન સોર્સ ટેક્નોલોજી કે ફ્રેમવર્કને અપનાવવું પડે છે, એમાં નિષ્ણાત બનવું પડે છે. એમાં સુધારા વધારાના પ્રયોગો કરવા પડે. ક્યારેક ઘણું મથવું પણ પડે, પણ એ પછી તમને ખૂબ સારું વળતર મળે છે. આ બધું પ્રોપરાઇટરી ટેક્નોલોજીમાં શક્ય બનતું નથી, તેમાં પ્રોડક્ટ બનાવનારી કંપની જે બનાવીને આપે એ જ વાપરવાનું હોય છે.
પ્રશ્ન : તમે અમદાવાદને ઓપન સોર્સ ક્ષેત્રે વૈશ્ર્વિક નકશા પર સ્થાન અપાવ્યું, ઓપન સોર્સમાં કામ શરુ કરવા પાછળનાં કયાં પરિબળો હતા?
જવાબ : અમે ૨૦૦૦ની સાલમાં કેલિફોર્નિયામાં કામ શરુ કર્યું ત્યારે ડોટકોમ બૂમ ચાલતી હતી અને અમે પ્રોપરાઇટરી ટેક્નોલોજી પર જ કામ કરતા હતા. ડોટકોમની તેજીના અંત પછી અમારા કસ્ટમર્સની માંગ અનુસાર અમે એક પાઇથન આધારિત એક ઓપન સોર્સ ક્ધટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કામ કરવાનું શરુ કર્યું. એ સમયે Alfresco, JBoss અને LifeRay જેવી નવી સ્થપાયેલી ટેક્નોલોજી કંપનીઓનાં સંપર્કમાં આવ્યા અને આ એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજીસને આગળ વધારવાનું કામ કર્યું. ઓપન સોર્સ ટેક્નોલોજી એન્ટરપ્રાઇઝના સ્તરે પણ ચાલે એ સાબિત કરી બતાવવાનું ગૌરવ અમને મળ્યું છે. (એન્ટરપ્રાઇઝની વ્યાખ્યા આપણે અગાઉના લેખમાં કરિયર સેન્ટ્રલ ડિક્શનરીમાં જોઈ ચુક્યા છીએ). અમે આ ટેક્નોલોજીસ પર પુસ્તકો પણ લખ્યાં જે આજે પણ વિશ્ર્વભરમાં વંચાય અને વેચાય છે. બેંગલોરને બદલે અમદાવાદમાં સેન્ટર શરુ કર્યું અને તે પણ ખૂબ સફળ રહ્યું એ વાતનો પણ અમને ખૂબ સંતોષ છે.
પ્રશ્ન : ઓપન સોર્સ ક્ષેત્રે શું ભવિષ્ય છે?
જવાબ : એવું લાગે છે કે આગળ જતાં જે પણ નવી ટેક્નોલોજીસ કે પ્રોડક્ટ્સ આવશે એ ઓપન સોર્સ પર જ આધારિત હશે. આનું કારણ ફક્ત કિફાયત જ નહીં પણ ટેક્નોલોજીની પરિપક્વતા પણ છે. તમે જાણો જ છો એમ ઓપન સોર્સ કમ્યુનિટી એડિશનમાં વિશ્ર્વ આખાના ડેવેલોપરોનું યોગદાન હોય છે, માટે એ સોફ્ટવેર ખૂબ જ ઝડપથી વિકસે છે, ખાસ્સું ઉત્ક્રાંતિ પામેલું હોય છે. આ મોડેલ પરંપરાગત પ્રોપરાઇટરી અને ક્લોઝ્ડ સોર્સ મોડેલને પડકારી રહ્યું છે અને તેની પર હાવી પણ થઈ રહ્યું છે. જુઓને આઇબીએમ પણ ખાસ્સા સમયથી ઓપન સોર્સ કમ્યુનિટી સાથે પ્રદાન કરીને તેમની પ્રોડક્ટ્સને વધુ કાર્યક્ષમ બનાવી રહ્યું છે.
આ ઉપરાંત ક્ન્ટેન્ટ અને માહિતીનું લોકલાઇઝેશન પણ ખૂબ થશે અને થવું જ જોઈએ. જેમ કે હવે આપણે ગૂગલ કે ફેસબુક પણ ગુજરાતીમાં વાપરી શકીએ છીએ. આવનારા દિવસોમાં આ ટ્રેન્ડ ખૂબ ચાલશે, જેમાં ઓપન સોર્સ ચાવીરુપ ભૂમિકા ભજવશે.
[message_box type=”info” close=”no”] શ્રી મિત્તલ પટેલ, સહસ્થાપક www.tricoreitsolutions.com અમદાવાદ [/message_box]
પ્રશ્ન : મિત્તલભાઈ તમારા મતે ઓપન સોર્સ કારકિર્દી બનાવવા માટે કેમ સારું ક્ષેત્ર છે?
જવાબ : મારા માટે ઓપન સોર્સના ખાસ તો ત્રણ ફાયદા છે :
વિવિધ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટુલ્સ અને ફ્રેમવર્ક માટે કોઈ લાયસન્સિંગ ફી નથી હોતી એટલે નવોદિત પણ ઝાઝી મૂડી વિના તેમાં કામ શરુ કરી શકે છે
સામે પક્ષે નાની અને મધ્યમ કદની કંપનીઓ (હવે તો મોટી કંપનીઓ પણ) તેમની સોફ્ટવેર એપ્લિકેશન ઓપન સોર્સમાં બનાવડાવવાનું પસંદ કરે છે, કારણ કે તે તેમને કિફાયતી પડે છે. આને કારણે ઓપન સોર્સમાં કામ પણ ખાસ્સું એવું મળી રહે છે.
ઓપન સોર્સ ટેક્નોલોજી શીખવી પણ પ્રમાણમાં સરળ છે અને તેમાં અન્ય યુઝર્સ પાસેથી કે કમ્યુનિટીમાંથી ખૂબ હેલ્પ પણ મળી રહે છે.
પ્રશ્ન : તમને અમદાવાદમાં બેઠાં પ્રોજેક્ટસ કેવી રીતે મળે છે?
જવાબ : guru.com, elance.com, rentacoder.com અને ખાસ તો odesk.comજેવી બીડિંગ સાઇટ્સ પરથી સારું એવું કામ મળી રહે છે. એમાં પણ જો ક્લાયન્ટનો ફિડબેક સારો હોય તો વધુ ને વધુ કામ સરળતાથી મળી રહે છે. odesk.com પર અમારું રેટિંગ ૪.૯/૫.૦ છે જેથી અમને ખૂબ સારા પ્રોજેક્ટ્સ હવે સરળતાથી મળે છે.
પ્રશ્ન : તમે શરુઆત કેવી રીતે કરી?
જવાબ : ૬ વર્ષ પહેલાં મેં એન્જિનીયરિંગ પૂરું કર્યું અને એ પછી PHP, Drupal અને WordPress જેવી ટેક્નોલોજીસમાં ફ્રીલાન્સિંગ શરુ કર્યું. એ પછી મેં મિત્રો સાથે મળીને TriCore શરુ કરી. હવે અમારી કંપનીમાં ઘણા કર્મચારીઓ કામ કરે છે અને લગભગ ૧૦-૧૨ અલગ અલગ ઓપન સોર્સ ટેક્નોલોજી પર કરીએ છીએ. પ્રોપરાઇટરી ટેક્નોલોજીમાં કદાચ અમે આટલી સારી પ્રગતિ ન કરી શકત.
[message_box type=”info” close=”no”] શ્રી શાર્દુલ ભટ્ટ, સહસ્થાપક, www.botreeconsulting.com અમદાવાદ [/message_box]
પ્રશ્ન : શાર્દુલભાઈ, તમે કઈ ટેક્નોલોજીમાં કામ કરો છો?
જવાબ : અમે મોટે ભાગે RoR કહેવાતી એક ઓપન સોર્સ ટેક્નોલોજીમાં કામ કરીએ છે. આ ટેક્નોલોજી નવા સાહસોમાં ખૂબ પ્રચલિત થઈ રહી છે. ટ્વીટર અને ગ્રૂપોન જેવી જંગી કંપનીઓ પણ RoR નો ઉપયોગ કરે છે.
પ્રશ્ન : RoR માં કેવી તકો રહેલી છે?
જવાબ : કામ વધતું જાય છે, પણ સામે આ ટેક્નોલોજીના જાણકાર લોકો નથી મળતા. ગયા વર્ષની સરખામણીમાં અમને આ વર્ષે પાંચ ગણું વધુ કામ મળ્યું છે, પણ અમારી પાસે આ કામને પહોંચી વળે એટલો સ્ટાફ નથી.
પ્રશ્ન : RoR કેવી રીતે શીખી શકાય?
જવાબ : RoR આમ તો શીખવામાં સરળ છે, પણ અત્યારે તો કોઈ યુનિવર્સિટીમાં કે ખાનગી સંસ્થામાં પણ શીખવાડાતું હોય એવું મારી જાણમાં નથી. તમે માનશો? આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ આધારભૂત ટ્રેનિંગ કે સર્ટિફિકેટ આપતી સંસ્થા નથી. આ પરિસ્થિત નિવારવા ઇજ્ઞઝયિય નજીકનાં સમયમાં BoTree ની ટ્રેનિંગ શરુ કરવા જઈ રહ્યું છે.
[message_box type=”info” close=”no”] શ્રી વિવેક સંચેતી, રાજકોટ [/message_box]
પ્રશ્ન : વિવેકભાઈ, ઓપન સોર્સ પ્લેટફોર્મ પર આપના વિચારો જણાવો?
જવાબ : લગભગ બધા જાણે છે એમ ઓછા ખર્ચે કામ કરી શકાય એ તો ખરું જ પણ એ સિવાય Github.comજેવી કમ્યુનિટી થકી મદદ પણ મેળવી શકાય અને આપણે જો કોઈ સારો કોડ ત્યાં પોસ્ટ કર્યો હોય તેને જોઈને કદાચ કોઈ આપણને પ્રોજેકટ કે જોબ પણ આપી શકે. એક અન્ય ફાયદો એ છે તો જો તમારી પાસે કોઈ સારો આઇડિયા હોય તો તમે સરળતાથી અને ઘણી કિફાયતી રીતે તેને ઓપન સોર્સમાં બનાવી શકો.
ઓપન સોર્સ એક રીતે આપણી મજબૂરી પણ છે, કારણ કે મોટી કંપનીઓ જે લેગસી પ્લેટફોર્મ કે પ્રોપરાઇટરી ટેક્નોલોજી પર કામ કરતી હોય એનાં લાઇસન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત તો નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓને પણ પોસાય નહીં (ફ્રીલાન્સરનું તો કામ જ નહીં) કે ન એવું કામ સરળતાથી આપણને મળે. માટે નવોદિતો માટે કે મધ્યમ કક્ષાની કંપનીઓમાં ઓપન સોર્સ અપનાવ્યા વિના છુટકો નહીં.
મારી જ વાત કરું તો હું ૨ વર્ષ પહેલાં કમ્પ્યુટર એન્જિનિયર થયો અને ભણતી વખતે જ મેં એક વેબસાઇટ ઓપન સોર્સમાં બનાવી હતી એ જોઈને અમેરિકાની એક કંપનીએ સામેથી મારો સંપર્ક કર્યો અને મને એક પ્રોજેકટ ઓફર કર્યો. પરિણામ સ્વરુપ હવે મેં રાજકોટમાં જ ઓફિસ લઈને સોફ્ટવેર કંપની શરુ કરી છે. મારી પાસે એટલું સારું અને એટલું બધું સારું કામ છે કે મેં અમેરિકાની સારી યુનિવર્સિટીમાં મળેલું એડમિશન જતું કર્યું. (એક આડવાત, વિવેકભાઈ વોટ્સએપ અને ફેસબુક પર બહુ પ્રચલિત થયેલા ‘જો બકા’ મેમેના પણ સહસ્થાપક છે.)
કેલિફોર્નિયા હોય કે અમદાવાદ કે રાજકોટ, ઓપન સોર્સ સોફ્ટવેર અને ટેક્નોલોજીને લીધે બહુ આયામી તકો ઊભી થઈ છે અને ખાસ તો આ તકો આમ આદમી માટે પણ ઉપલબ્ધ છે. થોડી મહેનત કરીને ડઝનબંધમાંથી કોઈ એક ઓપન સોર્સ ટેક્નોલોજી શીખીને ઘરે બેઠા ડોલર કે પાઉન્ડમાં રળી શકાય છે. અગાઉના અંકોમાં આપણે જેમ નોધ્યું એમ સોફ્ટવેર કે આઇ.ટી.નાં અન્ય ક્ષેત્રોની જેમ કોઈ ઔપચારિક શિક્ષણની ખાસ જરુર પણ હોતી નથી અને ખાસ તો એ કે ઓપન સોર્સનું ભવિષ્ય ખૂબ ઉજળું છે.
તમે આ તકોનો કેવી રીતે લાભ લેવાના છો એ લખી જણાવશો.


