(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટીવી ખરીદવા જતાં પહેલાં…

દિવાળીની સ્કીમ્સનો લાભ લઈને નવું ટીવી ખરીદવાનો વિચાર કરતા હો, પણ એલસીડી, એલઇડી અને પ્લાઝમા ટીવીમાં ગૂંચવાતા હો, તો અહીં વિવિધ વેબસાઇટ્સમાંથી તારવેલી માહિતી તમને ચોક્કસ કામ લાગશે

આગળ શું વાંચશો?

  • ટીવીની સ્ક્રીન સાઈઝ
  • સ્ક્રીન રીઝોલ્યુશન
  • ખાસયાદ રાખવાનો મુદ્દો એ કે…
  • પિક્યર ક્લેરિટી
  • ટીવીનો સાઉન્ડ
  • ટીવીમાંના સોકેટ્સ
  • પ્લાઝમા ટીવી
  • એલસીડી ટીવી
  • એલઈડી ટીવી

દિવાળીના દિવસો નજીક છે. અખબારોનાં પાનાં ટીવીની વિવિધ ઓફર્સથી છલકાઈ રહ્યાં છે અને પરિવારમાં સૌનાં મન લલચાઈ રહ્યાં છે, પણ તમને ઉચાટ એ છે કે મોંઘા ભાવે ટીવી ખરીદવાની વાત છે તો બેસ્ટ ડીલ કયા ટીવીમાં મળી શકે? મતલબ કે ખર્ચેલા રુપિયાનું સૌથી વધુ અને સૌથી સારું વળતર કયા ટીવીમાં મળી શકે?

ટીવી શોરૂમમાં જઈએ તો ચોતરફ કેટકેટલાંય ટીવી દેખાય અને પહેલી નજરે તો બધામાં રીઝલ્ટ સરખું જ લાગે. કયું ટીવી બીજાથી ચઢિયાતું એ નક્કી કેવી રીતે કરવું? ચોતરફ દેખાતાં ફ્લેટ સ્ક્રીન ટીવી અને તેના ભાવની જબરજસ્ત મોટી રેન્જ આપણને મૂંઝવી દે છે અને એટલું ઓછું હોય તેમ સેલ્સમેન કેટકેટલાંય ફીચર્સની ભારે ભરખમ વાતોનો મારો ચલાવે છે. આ સ્થિતિમાં આપણે મૂંઝાવાના બદલે સેલ્સમેનને જવાબ શોધતા કરી દેવા હોય તો? તો આગળ વાંચો!

પેલાં જૂનાં, ડબ્બા જેવાં ટીવીના સ્થાને હવે ફ્લેટ પેનલ ટીવી આવી ગયાં છે, કેમ? કેમ કે જૂનાં ૨૦ ઇંચનો સ્ક્રીન ધરાવતાં સીઆરટી (કેથોડ રે ટ્યૂબ) પ્રકારનાં ટીવી દોઢેક ફૂટ એટલે કે ૪૬-૪૮ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકતાં હતાં, તેની સરખામણીમાં નવાં ફ્લેટ પેનલ ટીવી વીસથી માંડીને એક-બે સેન્ટીમીટર જેટલી જ જગ્યા રોકે એટલી હદે પાતળાં બની ગયાં છે અને પિક્ચરની ક્લેરિટી તેમ જ વીજળીના વપરાશ બાબતે ખાસ્સાં ચઢિયાતાં બની ગયાં છે.

ફ્લેટ પેનલ ટીવી મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે – પ્લાઝ્મા, એલસીડી અને એલઇડી. સેમસંગ અને એલજીનાં કર્વ્ડ સ્ક્રીનવાળાં અને ઓર્ગેનિક એલઇડી (ઓએલઇડી) ટેક્નોલોજીનાં ટીવી પણ આવી રહ્યાં છે, પણ અહીં અત્યારે સૌથી વધુ પ્રચલિત ત્રણ પ્રકારનાં ટીવીની પ્રાથમિક માહિતી જાણી લઈએ.

ટીવીની સ્ક્રીન સાઇઝ

ટીવીના સ્ક્રીનની સાઇઝ એક ખૂણાથી તેની સામેના બીજા ખૂણા સુધીના વિકર્ણ એટલે કે ત્રાંસી રેખાના અંતરમાં મપાય છે. આપણે ટીવી જે રુમમાં રાખવાનું છે તે રૂમના માપના આધારે ટીવીની સાઇઝ પસંદ કરવી યોગ્ય રહેશે. સામાન્ય રીતે, તમે રૂમમાં ટીવી જ્યાં મૂકવાના હો ત્યાંથી, તમે જ્યાં બેસીને ટીવી જોવાના છો તે અંતર માપી લો. આ અંતરનું અડધું માપ કાઢો તે ટીવીની લગભગ આદર્શ સાઇઝ ગણાય. એટલે કે જો તમે ટીવીથી પાંચેક ફૂટ દૂર બેસીને ટીવી જોવાના હો તો ૬૦ ઇંચના અડધા ૩૦ ઇંચ, મતલબ કે ૩૨ ઇંચનું ટીવી લેવાથી પૂરતું રહેશે. અલબત્ત, આ કંઈ પાકું ગણિત નથી. જો ખિસ્સું જોર કરતું હોય અને થોડું મોટું ટીવી લેશો તો બહુ વાંધો નહીં આવે, પણ નાના રુમમાં વધુ પડતું મોટું ટીવી મૂકવાથી આંખોને તકલીફ થશે એ નક્કી.

સ્ક્રીન રેઝોલ્યુશન

ફ્લેટ પેનલ ટીવીના સ્ક્રીન હાઇ-રેઝોલ્યુશન (એચડી) સ્ક્રીન હોય છે. ટીવીમાં કેટલું ક્લિયર પિક્ચર જોવા મળશે તેનો ઘણો આધાર તેના સ્ક્રીનના રેઝોલ્યુશન પર એટલે કે સ્ક્રીન કેટલી સંખ્યામાં પિક્સેલ્સ દર્શાવી શકે છે તેના પર છે. બજારમાં એચડી રેડી (કે ફક્ત એચડી ટીવી) અને ફૂલ એચડી એમ બંને પ્રકારનાં ટીવી મળે છે. એચડી રેડી ટીવીનું રેઝોલ્યુશન ૭૨૦p (૧૨૮૦ x ૭૨૦ પિક્સેલ્સ) હોય છે. જ્યારે ફૂલ એચડીનું રેઝોલ્યુશન રેઝોલ્યુશન ૧૦૮૦p (૧૯૨૦ x  ૧૦૮૦) પિક્સેલ્સ હોય છે.

પરંતુ એચડીટીવી ઘરે લાવીને ચાલુ કરતાં, અગાઉ ક્યારેય માણી ન હોય એવી પિક્ચર ક્વોલિટીની આશા ન રાખશો. ટીવી એચડી ટીવી હોવાનો મતલબ એટલો કે તે હાઇ ડેફિનિશનનું કન્ટેન્ટ બતાવી શકે છે, પરંતુ તેને એચડી સિગ્નલ મળે તો! તમારું કેબલ કનેક્શન તમે એચડીને બદલે સ્ટાન્ડર્ડ ડેફિનિશનનું લીધું હશે તો ટીવી એચડી રેડી કે ફૂલ એચડી હોવાથી કોઈ ફેર નહીં પડે.

જો તમે કે એચડી પ્રકારનું કેબલ ટીવી કનેક્શન ધરાવતા હો અને મોટા ભાગે કેબલ ટીવી જ જોવાના હો તો તમારે માટે એચડી રેડી ટીવી પૂરતું છે. તમે ડીવીડી કે પેન ડ્રાઇવની મદદથી ફિલ્મ જુઓ તો તેના માટે પણ એચડી રેડી ટીવી પૂરતું છે, પરંતુ જો તમને બ્લુ-રે ફિલ્મ્સ કે પીએસ૩, એક્સબોક્સ ૩૬૦ વગેરે પર ગેમિંગનો પણ શોખ હોય તો તમારે ફૂલ એચડી ટીવી લેવું જોઈએ.

ખાસ યાદ રાખવાનો મુદ્દો એ કે…

એ પણ ધ્યાનમાં લેશો કે ટીવીમાં કયા પ્રકારનું ડિજિટલ પિક્ચર પ્રોસેસિંગ સોફ્ટવેર વપરાયું છે તે ઘણું મહત્ત્વનું છે. ટીવી એલઇડી, એલસીડી કે પ્લાઝ્મા હોય, ફૂલએચડી હોય કે ન હોય, પિક્ચરની ગુણવત્તાનો ઘણો આધાર આ સોફ્ટવેર પર છે. એટલે જ સોની, સેમસંગ જેવી કંપની અને અજાણી કંપનીના સરખી સ્ક્રીન સાઇઝ ધરાવતા ટીવીની કિંમતમાં મોટો ફેર હોઈ શકે છે.


પિક્ચર ક્લેરિટી

ટીવીનાં દૃશ્યો સુરેખ અને જીવંત જોવા મળે તેનો આધાર ઘણી બધી બાબતો પર છે. એક મુદ્દો છે કોન્ટ્રાસ્ટ રેશિયો. આ રેશિયો એ બતાવે છે કે ટીવી બ્રાઇટનેસ અને ડાર્કનેસના વધુમાં વધુ કેટલા લેવલ સુધી જઈ શકે છે. સામાન્ય રીતે, આ કોન્ટ્રાસ્ટ રેશિયો જેમ ઊંચો તેમ જોવાનો અનુભવ વધુ સારો. તેનાથી દિવસના અજવાળામાં ટીવીની ક્લેરિટી પણ સારી રહે છે. તમે ટીવી ચેક કરો ત્યારે તેનાં દૃશ્યોમાં સફેદ ભાગ ધ્યાનથી જુઓ. તેમાં બીજા કોઈ રંગનો અણસાર ન હોવો જોઈએ. એ રીતે કાળો ભાગ અત્યંત ગાઢ કાળો હોવો જોઈએ. અન્ય રંગો પણ તપાસો, એ જીવંત લાગે છે કે ધબ્બા જેવા? દૃશ્યોમાંની વ્યક્તિ કે ઓબ્જેક્ટ્સની ધાર તપાસો, ત્યાં સફેદ રંગની બીજી લાઇન જેવું લાગે છે? મૂવિંગ ઓબ્જેક્ટ્સને તપાસતાં, તે પ્રસરી જતા કે જરા ધૂંધળા બનતા લાગે છે? વૃક્ષનું દૃશ્ય હોય તો તેના થડ પરની છાલનું ટેક્શ્ચર પણ સરસ રીતે જોઈ શકાય છે? ટીવી બંધ કરતાં, ઘોસ્ટ ઇમેજીસ સ્ક્રીન પર દેખાય છે? આ બધી રીતે ટીવી તપાસો. પણ યાદ રહે, આ બધું એકદમ પાસેથી નહીં, તમે ઘરમાં જેટલે દૂરથી જોવાના હો એટલા અંતરેથી જ તપાસશો! સેલ્સમેન પાસેથી રિમોટ લઈને જાતે કલર, કોન્ટ્રાન્સ્ટ, બ્રાઇટનેસ વગેરે ઉપરનીચે કરી જોવામાં પણ કંઈ ખોટું નથી.

ટીવીનો સાઉન્ડ

ફ્લેટ પેનલ ટીવી અત્યંત સ્લિમ બન્યાં પણ એમ કરવા જતાં તેમાં સ્પીકર માટે પૂરતી જગ્યા રહી ન હોવાથી નવાં ટીવીમાં ઓડિયો ક્વૉલિટી, સામાન્ય રીતે પહેલાંનાં ટીવી જેટલી સારી હોતી નથી. ટીવીનું રીમોટ પોતાના હાથમાં લઈને તેમાં બાસ, વોકલ, ટ્રેબલ વગેરે સેટિંગ્સ પર તપાસી જુઓ. આ બધાં સેટિંગ્સ ફેરવતાં કે વોલ્યુમ ઉપર-નીચે કરતાં સ્પીકરમાં અવાજમાં આવતાં પરિવર્તનો તપાસો. ન ગમે એવો અવાજ તરત પરખાઈ આવશે. નવાં નવાં (એટલે કે આજે જોઈએ તો જૂનાં) ફ્લેટ પેનલ ટીવીમાં પિક્ચર્સ પ્રોસેસ કરવામાં ઘણો સમય લાગતો હોવાથી કેટલાંક ટીવીમાં અવાજ અને દૃશ્ય વચ્ચે ક્યારેક તાલમેલ રહેતો નહોતો. પ્રમાણમાં અજાણી બ્રાન્ડનું ટીવી ખરીદવાનું વિચારતા હો તો આ મુદ્દો ખાસ તપાસવો.

ટીવીમાંનાં સોકેટ્સ

થોડાં વર્ષ પહેલાં આપણા ટીવીમાં ફક્ત એક જ સોકેટ જોવા મળતું, એન્ટેનાનો કેબલ નાખવા માટેનું સોકેટ (આરએફ ઇનપુટ). નવા પ્રકારના ટીવીમાં અલગ અલગ ઘણા પ્રકારનાં સોકેટ હોઈ શકે છે.

ટીવી સાથે બ્લુ-રે પ્લેયર, એચડી કેમકોર્ડર, ગેમ્સ કોન્સોલ કે સેટ-ટોપ બોક્સ પ્રકારનાં, એચડી સાધનો કનેક્ટ કરવા માટે ટીવીમાં એચડીએમઆઇ સોકેટ હોય છે. આ બધું તમે વારંવાર વાપરતા હો તો ટીવીમાં ત્રણેક જેટલાં એચડીએમઆઇ સોકેટ હોવાં જરૂરી છે, જેથી બધું કનેક્ટ રાખી શકાય.

ઘણાં ખરાં ટીવીમાં હવે યુએસબી સોકેટ હોય છે, જેની મદદથી આપણે અલગ અલગ ઓડિયો-વીડિયો ફોર્મેટ ટીવીમાં પ્લે કરી શકીએ છીએ. ડિજિટલ કેમેરામાંથી કમ્પ્યુટરમાં લીધેલા ફોટોગ્રાફ કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલ મૂવી કે અન્ય વીડિયો વગેરે યુએસબીમાં લઈ, એ યુએસબીને ટીવીમાં કનેક્ટ કરીને ટીવીમાં જોઈ શકો છો.

જો તમે સ્માર્ટ ટીવી ખરીદશો તો તેમાં ઇન્ટરનેટનો કેબલ જોડવાનું સોકેટ પણ મળશે. આવી ઇન-બિલ્ટ સગવડ ધરાવતું મોઘું ટીવી ખરીદવું ન હોય તો તમે બજારમાં અલગ મળતાં ડિવાઇસીઝની મદદથી પણ ટીવીને સ્માર્ટ ટીવી બનાવી શકો છો (વધુ માહિતી માટે જુઓ : http://goo.gl/Hzw8wz). અલબત્ત, પીસી કે સ્માર્ટફોન જેવું પર્ફોર્મન્સ ટીવીમાં મળવાની આશા ન રાખશો. તમે નવા ટીવી સાથે એક્સ્ટ્રા સ્પીકર્સ કે હોમ થિયેટર એટેચ કરવા માગતા હો તો તેનાં કનેક્શન વિશે પણ સેલ્સમેન સાથે બધી જ ચોખવટ કરી લેશો.

એટલું ખાસ યાદ રાખશો કે જો તમે તમારા ટીવીને સ્ટેન્ડ પર મૂકવાને બદલે દીવાલમાં ફિટ કરવા માગતા હો તો આ બધાં સોકેટ ટીવીના પાછળ ભાગમાં નહીં પણ સાઇડ પર હોવાનું ખાસ ચેક કરી લેશો. સેમસંગ જેવી જાણીતી કંપનીનાં ટીવીમાં પણ ઘણાં સોકેટ પાછળની બાજુએ હોવાથી કેબલ્સ કે પ્લગ બદલવા હાથ જ ન પહોંચે એવું બની શકે છે.

છેલ્લે છેલ્લે, થોડી રાહ જોઈ લઈએ તો નવી ટેક્નોલોજીનો લાભ મળશે એવું ક્યારેય વિચારશો નહીં, ટેક્નોલોજી સતત નવી આવવાની જ છે!

પ્લાઝમા ટીવી

  • હાઇ ડેફિનેશન (એચડી) ટીવીના માર્કેટમાં પહેલી એન્ટ્રી પ્લાઝમા ટીવીએ કરી હતી.
  • તેમાં બ્લેક રંગનું લેવલ એકદમ શાર્પ હોય છે, જેથી મૂવી જોવાની મજા અલગ જ છે!
  • ઓછી કિંમતે મોટો સ્ક્રીન મળવાનો ફાયદો પણ છે.
  • પરંતુ એક મોટો માઇનસ પોઇન્ટ એ છે કે તેની ગેસ આધારિત ટેકનોલોજીને કારણે આ ટીવી એકદમ ગરમ થઈ જાય છે. એર-કંડિશનર પણ તેના પર ખાસ અસર કરી શકતું નથી.
  • મોટા કોન્ફરન્સ હોલ માટે આ ટીવી ચાલે, ઘર માટે તે યોગ્ય નથી. વધુ પ્રકાશવાળા રુમમાં આ ટીવી જોવામાં મજા નથી.
  • મોટી મોટી કંપનીઓએ હવે પ્લાઝ્મા ટીવીનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

એલસીડી ટીવી

  • એલસીડી ટીવી મોટા ભાગે, પ્લાઝ્મા અને એલસીડી કરતાં સસ્તાં છે.
  • તમે પ્રમાણમાં નાના ઘર માટે, ઓછા બજેટવાળું ટીવી શોધી રહ્યા હો તો એલસીડી ચોક્કસ ચાલશે. મૂવિંગ, ગેમિંગ વગેરેનો બહુ ઉપયોગ ન હોય અને ખાસ તો સાદું, એચડી વિનાનું કેબલ કનેક્શન લીધું હોય તો તમારે એચડી એલઇડીની જરુર નથી.
  • પ્લાઝ્માની તુલનામાં એલસીડીમાં પાવર વપરાશ ઘણો ઓછો રહે છે. પણ રુમના ખૂણામાંથી ટીવી જોવામાં એલસીડીનો અનુભવ સારો હોતો નથી.
  • ડાર્ક રુમમાં પણ એલસીડી ટીવી જોવામાં એલઇડી ટીવી જેવી મજા નહીં આવે.
  • તેના રંગો એલઈડી કે પ્લાઝમા ટીવી જેટલા પાણીદાર નહીં લાગે.

એલઇડી ટીવી

  • એલઇડી ટીવી એક રીતે તો એલસીડી ટીવી જ છે. આ બંને પ્રકારના ટીવીમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે હોય છે પરંતુ એલઇડીમાં લાઈટ એમિટિંગ ડાયોડ્સ હોય છે જે ઉત્કૃષ્ટ ટેકનોલોજી છે.
  • એલઇડીમાં પ્લાઝ્મા અને એલસીડી બંનેના પ્લસ પોઇન્ટ્સનો સંગમ કરવામાં આવ્યો છે.
  • એલઇડીમાં એલસીડીની તુલનામાં સ્પષ્ટ અને ઉત્તમ પિક્ચર ક્વોલિટી મળે છે અને વીજવપરાશ પ્લાઝમા-એલસીડી બંને કરતાં ઓછો રહે છે.
  • કલર રિપ્રોડકશન એલસીડી કરતાં વધુ સારું છે.
  • પ્લાઝમાની જેમ તેમાં બ્લેક લેવલ્સ પણ ઉત્તમ છે.
  • રુમમાં ખૂણામાંથી જોઈએ તો પણ પિક્ચર ક્વોલિટી સારી રહે છે.
  • માઈનસ પોઈન્ટ એ જ છે કે મોટું બજેટ જોઈશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!