(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે પણ બની શકો છો કી-બોર્ડના ખેરખાં

આજના સમયમાં ડિજિટલ ટાઇપિંગ શીખ્યા વિના લગભગ કોઈને ચાલે તેમ નથી. તમે એક-બે આંગળી વાપરીને, ધીમે ધીમે ટાઇપ કરીને કંટાળ્યા હો તો જાણી લો સાચી રીતે, ફટાફટ અને ચોક્સાઇથી ટાઇપ કરવાની પદ્ધતિ!

આગળ શું વાંચશો?

  • ટાઈપિંગની ખોટી રીત છોડો
  • તમામ આંગળીઓનો ઉપયોગ કરો
  • ટચ ટાઈપ શીખો

તેરે ખુશબુ મેં બસે ખત મૈં જલાતા કૈસે

પ્યાર મેં ડૂબે હુએ ખત મેં જલાતા કૈસે

તેરે હાથોં કે લિખે ખત મેં જલાતા કૈસે

આ શબ્દો વાંચતાં જ જગજિત સિંઘના કંઠે ગવાયેલી આખી નઝમ મનમાં જાગી ઊઠે એવું બને. કદાચ ફિલ્મ પણ યાદ આવે – ખ્વાહિશેં, પણ આ શબ્દો લખનાર શાયર? રાજેન્દ્રનાથ રાહબર સહેલાઈથી યાદ આવતા નથી.

હાથથી કાગળ પર લખાતા શબ્દોનો મહિમા આ નઝમથી વધુ સુંદર રીતે ક્દાચ ક્યાંય વ્યક્ત થયો નહીં હોય, પણ એના શાયરની જેમ હાથે લખવાનું માધુર્ય જ હવે ભૂલાતું જાય છે. જમાનો ડિજિટલ બન્યો છે અને કમ્પ્યુટરના કીબોર્ડ પર કે કે મોબાઈલના ટચ સ્ક્રીન પર લખાયેલા શબ્દો સાથે જ આપણો કાયમનો પનારો છે (જોકે ગયા અંકમાં આપણે જોયું તેમ હવે વોઈસ ટાઇપિંગ પણ ઘણું વિકસી રહ્યું છે) ત્યારે, ડિજિટલ ટાઇપિંગ તમે કેવી રીતે આત્મસાત કરી શકો એ વિશે થોડું જાણી લઈએ.

લેખન જેમનો વ્યવસાય છે એવા લોકો માટે તો કમ્પ્યુટર પર ફટાફટ ટાઇપિંગ ન આવડે એ કંઈક અંશે અભણ હોવા બરાબર છે. લેખન વ્યવસાય ન હોય તોય ઑફિસોમાં ઘણું ખરું કામકાજ હવે કમ્પ્યુટર પર થાય છે. ઓછા સમયમાં વધુ કરવું અને મેળવવું હોય તો ફટાફટ ટાઇપિંગ શીખ્યા વિના ચાલે તેમ નથી.

ઘણા લોકો, ખાસ કરીને જેમને ‘ફટાફટ ટાઇપિંગ’ નથી ફાવતું એ લોકો કી-બોર્ડનો વાંક કાઢે છે – ‘અક્ષરો આમ આડાઅવળા ગોઠવવાની જરુર શી હતી? એ…બી…સી…ડી… એમ જ ગોઠવ્યા હોત તો સહેલાઈથી યાદ તો રહે!’ જો તમે પણ આવી દલીલ કરતા હો તો જાણી લો કે આજે જે QWERTY કી-બોર્ડ તરીકે ઓળખાય છે (કી-બોર્ડ પરની અક્ષરોની પહેલી હરોળના પહેલા શબ્દો) તે ટાઇપિંગમાં ઝડપ લાવવા માટે જ વિચારાયું હતું.

વાસ્તવમાં, અત્યારે પણ જે ઉપયોગમાં લેવાય છે તે qwerty કી-બોર્ડનાં મૂળ છેક ૧૮૭૦ના દાયકામાં છે, જ્યારે એક અખબારના તંત્રી અને પ્રિન્ટર ક્રિસ્ટોફર શોલ્ઝે તેના બે મિત્રોની મદદથી એક રાઇટિંગ મશીન વિક્સાવ્યું હતું. શ‚આતમાં તેમાં બે હરોળમાં અક્ષરો ગોઠવાયા હતા (જુઓ બાજુનું ચિત્ર), પણ તેમાં ઇંગ્લિશ શબ્દોમાં વારંવાર ઉપયોગમાં લેવાતા અક્ષરો નજીક નજીક હોવાથી તેના હાથા એકબીજા સાથે ભટકાઈને જામ થઈ જતા હતા.

પરિણામે ટાઇપિંગ ઝડપી બનાવવા, વારંવાર વપરાતા અક્ષરોને એકબીજાથી દૂર લઈ જવામાં આવ્યા. સ્વર અને વ્યંજન એટલે કે વોવેલ્સ અને કોન્સનન્ટ્સનો યોગ્ય રીતે તાલમેલ સાધીને અક્ષરોની ગોઠવણ કરવાની આવી. ૧૮૭૩માં રેમિંગ્ટન કંપનીને વેચાયા પછી, લગભગ આજના કી-બોર્ડ જેવી જ ગોઠવણ અપનાવવામાં આવી.


આજનું કીબોર્ડ, યોગ્ય મહાવરા પછી તમે કીબોર્ડ પર જોયા વિના ટાઇપ કરી શકો એટલું શક્તિમાન છે. એક જમાનામાં જ્યારે કમ્પ્યુટર પોતે ધીમા હતાં ત્યારે ઝડપથી ટાઇપ કરી શકતી વ્યક્તિએ અક્ષરો સ્ક્રીન પર પૂરા દેખાય ત્યાં સુધી રાહ જોવી પડે એટલું ઝડપી ટાઇપિંગ પણ શક્ય છે.

તમે પણ ટાઇપિંગમાં આવી આવડત કેળવવા ઇચ્છતા હો તો એ ચોક્કસ શક્ય છે. એ માટે, નીચેનાં પગલાં અનુસરો.

ટાઇપિંગની ખોટી રીત છોડો

આદત છોડવી મુશ્કેલ હોય છે, પણ દૃઢ નિર્ધાર હોય તો લાંબા ગાળાનો ફાયદો નક્કી છે. તમે કી-બોર્ડ પર ટાઇપ કરવાનું શરુ કરો ત્યારે બંને હાથની આંગળીઓ કી-બોર્ડ પર કેવી રીતે મૂકો છો તેના પર બધો આધાર છે. ઘણા લોકોને ફક્ત એક આંગળી કે બે આંગળીએ ટાઇપ કરવાની આદત હોય છે.

ઘણા લોકોને ડાબા કે જમણામાંથી કોઈ એક હાથે જ ટાઈપ કરવું વધુ ફાવતું હોય છે. આ બધી રીતે ટાઇપ કરવા માટે તમારે નજર સતત કી-બોર્ડ પર રાખ્યા વિના અને ધીમે ટાઇપ કર્યા વિના છૂટકો નથી. સાચી રીત, નજર સ્ક્રીન પર રાખીને ટાઇપ કરવાની છે.

તમામ આંગળીઓનો ઉપયોગ કરો

ટાઇપિંગ યોગ્ય રીતે કરવા માટે કી-બોર્ડ પર યોગ્ય રીતે આંગળીઓ મૂકાય એ જરુરી છે. કી-બોર્ડ ધ્યાનથી જુઓ. તેમાં F અને J કી પર થોડો ભાગ ઉપસેલો જોવા મળશે. બંને હાથની પહેલી આંગળીઓ આ બંને કી પર મૂકાવી જોઈએ.

તેના પછીની બધી આંગળીઓ પછીની કી પર અને બંને અંગૂઠા સ્પેસબારની નજીક રહે એ રીતે રહેવા જોઈએ. હાથના પહોંચા ટેકવવા માટે કી-બોર્ડ પછી તરત લાકડાની પટ્ટી જેવી વ્યવસ્થા હોય તો તમે લાંબો સમય થાક્યા વિના ટાઇપ કરી શકો.

હવે બાજુના પેજ પર આપેલું ચિત્ર જુઓ. ગ્રેસ્કેલ પ્રિન્ટિંગની મર્યાદા છે, પણ હાથની દરેક આંગળીથી કયા કયા અક્ષરો આવરી લેવાય છે તે તેમાં જોઈ શકાશે. શરુઆતમાં ભલે એકદમ ધીમું ટાઇપિંગ થાય, પણ બાજુના ચિત્રમાં આપ્યા મુજબ જ, આંગળીઓને સતત વચલી હરોળ પર રાખી, જરુરિયાત મુજબ જે તે આંગળીને ઉપલી કે નીચલી હરોળમાં લઈ જઈ, કી પ્રેસ કરી, ફરી વચલી હરોળમાં લાવી દેવાની ટેવ પાડો. આ રીતે ટાઇપિંગની પ્રેક્ટિસ કેળવાતાં થોડી વાર લાગશે, પણ એક વાર પ્રેક્ટિસ થઈ જશે તો જીવનભર કામ લાગશે.

ટચ ટાઈપ શીખો

આગળ કહ્યું તેમ, ટાઇપિંગની સાચી રીત નજર સ્ક્રીન પર રાખીને ટાઇપ કરવાની છે, જેથી શું ટાઇપ થયું એ સતત જોઈ શકાય અને ભૂલો તરત સુધારી શકાય. તમે કી-બોર્ડ તરફ જોયા વિના ટાઈપ કરી શકો તેને ટચ ટાઈપિંગ કર્યું કહેવાય. અનુભવી ટાઇપિસ્ટ તો કી-બોર્ડ પર નજર રાખે તો એમની ઝડપ ઘટી જતી હોય છે. ફરી, આવું ટાઇપિંગ શીખવા ધીરજ અને કલાકો નહીં, દિવસો, સપ્તાહોની પ્રેક્ટિસની જરૂર પડશે. આ માટે કી-બોર્ડ તરફ જોયા વિના વાક્યો ટાઈપ કરવાનું શરૂ કરો અને દરેક અક્ષર કઈ કી પર હતો એ યાદ રાખવાની કોશિશ કરો.

આ જ અભ્યાસ વારંવાર કરો. તમે જોશો કે દરરોજ તમે ટાઈપ કરવામાં વધુ સરળતા અનુભવશો. આ રીતે દરેક અક્ષરની કી યાદ રહી જશે, પછી તો માત્ર તેના પર શક્ય એટલી ઝડપે આંગળીઓ ફેરવવાની જ પ્રેકટીસ તમારે કરવાની રહે છે. પછી, કી-બોર્ડનો લેઆઉટ મગજમાં એવો સજ્જડ ગોઠવાઈ જશે કે વિચાર કરતાં વધુ ઝડપે ટાઇપિંગ કરતા થઈ જશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!